|
આદિવાસી પ્રદેશમાં બોડેલીમાં શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસવિધિ
સત્સંગપ્રવૃત્તિનો પ્રારંભ
સને ૧૯૭૭માં અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, પ્રવીણભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, મનુભાઈ એમ. પટેલ, પ્રવીણભાઈ વી. પટેલ, કનુભાઈ પટેલ, અમૃતભાઈ કામલીયા - આમ કુલ પાંચ પરિવારથી બોડેલીમાં સત્સંગનો પ્રારંભ થયો. સને ૧૯૮૦માં ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે સ્વામીશ્રી છોટા ઉદેપુર પધાર્યા ત્યારે બોડેલીના ઉપરોક્ત પાંચ હરિભક્તોની વિનંતીને માન્ય રાખી સ્વામીશ્રી બોડેલી પધાર્યા. ટૂંકી સત્સંગસભા યોજાઈ ને સ્વામીશ્રીએ પાંચ પરિવારોથી રવિસભાની શરૂઆત કરવા આદેશ આપ્યો. એ લવ સત્સંગમાંથી આ ઇતિહાસ સર્જાયો. સ્વામીશ્રી ૧૯૮૪માં પુનઃ બોડેલી પધાર્યા. તેઓના આશીર્વાદથી સત્સંગ સભા જામવા લાગી. કુમારશાળાના મકાનમાં સભા થવા લાગી. ૧૯૮૮, ૧૯૯૦, ૧૯૯૮, ૨૦૦૧ ને ૨૦૦૩ના વર્ષે પણ સ્વામીશ્રીએ પધારી લાભ આપ્યો. ૨૦૦૫ના વર્ષે મંદિર-શિલાન્યાસ નિમિત્તે વિસ્તારને મોટું તીર્થધામ અર્પવા ભીડો વેઠી પધાર્યા.
શિખરબદ્ધ મંદિર ખાતમુહૂર્ત
તા. ૧૦-૨-૨૦૦૫ના રોજ સ્વામીશ્રી શિલાન્યાસ માટે ૯-૫૦ વાગ્યે પ્રકાશભાઈ બાબુભાઈ પટેલે આપેલી ૧૧ એકર જમીનમાં પ્રવેશ્યા ત્યારનું વાતાવરણ અદ્ભુત હતું. વૈદિકવિધિનો પાવન ધ્વનિ છવાઈ રહ્યો હતો. વિશાળ સભામંડપમાં આદિવાસી વિસ્તારોમાંથી આવેલા ૫૦૦૦ જેટલા યજમાનો મહાપૂજાવિધિ કરી રહ્યા હતા. સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને ઉમંગ હતો. સ્વામીશ્રીના પધારતાં જ સમગ્ર માહોલમાં દિવ્યતાનો જાણે કે સંચાર થયો. ઘનશ્યામભાઈ શુક્લે ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, વિવેકસાગર સ્વામીની ઉપસ્થિતિમાં શિખરબદ્ધ મંદિરોની શિલાઓનો પૂજનવિધિ ચાલુ કરી દીધો હતો. કેન્દ્રીય રાજ્યકક્ષાના રેલવેમંત્રી નારાયણસિંહ રાઠવા, પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવા, જિલ્લાપ્રમુખ રણજિતસિંહ રાઠવા, પાવીજેતપુર ક્ષેત્રના ધારાસભ્ય વેચાતભાઈ બારિયા, છોટાઉદેપુરના ધારાસભ્ય શંકરભાઈ રાઠવા, સંખેડાના પૂર્વ ધારાસભ્ય બાબરભાઈ તડવી, લઢોદ સુગર મૅનેજિંગ ડિરેક્ટર ગોવિંદભાઈ રાઠવા, છોટાઉદેપુરના નાયબ કલેક્ટર અને પાવીજેતપુરના મામલતદાર તથા ટીડીઓ વગેરે ઉપસ્થિત હતા. રતિભાઈ પટેલ(યુ.એસ.એ.), કંચનભાઈ પટેલ(પટેલ હ્યુમ પાઇપ ફેક્ટરી), જયંતીભાઈ ભગત(કકરોલિયા), ચંદુભાઈ ઠક્કર, જશભાઈ પટેલ(મોટીબેજ), અરવિંદભાઈ દેસાઈ(તેજગઢ), મનુભાઈ પટેલ(સિગિલ ઇન્ડિયા), મનુભાઈ એમ. પટેલ(લંડન), મહેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ(ટોરન્ટો), પુષ્કરભાઈ બ્રહ્મભટ્ટ(બોટ્સ્વાના), નરેન્દ્રભાઈ ચાવડા(બોડેલી), બાલકૃષ્ણભાઈ એન. પટેલ(ડભોઈ), પુરુષોત્તમદાસ મંત્રી(ચાચક ગ્રામપંચાયત) તથા પ્રકાશભાઈ બી. પટેલ(ભૂમિદાતા) વગેરે મહાપૂજાવિધિમાં ઉપસ્થિત હતા. મધ્યખંડની મુખ્ય શિલાનું સ્વામીશ્રીએ પૂજન કર્યું. એ શિલાનું સ્થાપન સંતોએ મધ્ય ગર્તમાં કર્યું.
ભવ્ય સત્સંગસભા
૫,૦૦૦ યજમાનોથી શોભતી આદિવાસીઓની આ સભા એટલે જાણે કે અસત્યમાંથી સત્ય તરફ વળેલા અધ્યાત્મયાત્રીઓનો મહેરામણ. વિવેકસાગર સ્વામી, ડૉક્ટર સ્વામીનાં પ્રવચન પછી આ વિસ્તારના મુખ્ય સંત દિવ્યસ્વરૂપ સ્વામીએ સ્વાગત-પ્રવચન કર્યું. ત્યારબાદ હારતોરાવિધિ થયો. સમગ્ર વિસ્તારનાં અનેક સત્સંગમંડળો ભક્તિભાવપૂર્વક ભાતભાતના હાર બનાવીને લાવ્યાં હતાં. સૌ વતી મોટેરા સંતો તથા અગ્રણી કાર્યકર્તાઓએ સ્વામીશ્રીનાં ચરણોમાં અર્પણ કર્યા.
આ પ્રસંગે રેલવેમંત્રી નારાયણસિંહ રાઠવાએ પ્રવચન કરતાં જણાવ્યું, 'આ વિસ્તારમાં જોયું છે કે સત્સંગ થયા પહેલાં અહીં કશું જ હતું નહીં. ભૂત, પ્રેત, ડાકણ, ભૂવા એ બધું જ ચાલતું, પણ જેમ જેમ સ્વામિનારાયણની કૃપા થઈ ને સૌ ભગત થયા એનાથી અહીં ઘણો જ સુધારો થયો. બડવાઈ કરવાવાળા બડવા પણ સ્વામિનારાયણ થઈ ગયા. એ રીતે સત્સંગ ને ભક્તિ આગળ ને આગળ વધી. પહેલાં તો અહીં રાત્રે નીકળવું હોય તો નીકળી પણ ન શકાય ને અત્યારે સત્સંગ થયા પછી રાત્રે જવું હોય તો કોઈ જ પ્રકારની બીક નથી લાગતી. કાંટાળી ધરતી હવે ધાર્મિક ધરતી થતી જાય છે. એ કેવળ પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી જ થયું છે.'
પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાએ પ્રવચનમાં સ્વામીશ્રીના દિવ્ય પ્રભાવને બિરદાવ્યા બાદ પછી આ મંદિરની કૂલ સાડા દસ એકરમાંથી બે એકરની મોકાની જમીનના ભૂમિદાતા પ્રકાશભાઈ બાબુભાઈ પટેલે હાર પહેરાવીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. અંતે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'નારણભાઈ રાઠવાએ વાત કરી કે અહીં ભૂવા-જાગરિયા હતા, દોરાધાગા ને અંધશ્રદ્ધા હતાં, પણ સત્સંગ થવાથી પરિવર્તન થયું. ભગવાન સ્વામિનારાયણે સદાચારી અને વ્યસનમુક્ત થવું એ બે સૂત્રો આપેલાં છે. આપણે સારું જીવો ને બીજાને જીવવા દો. અહીં રસ્તામાં જવું હોય તો જોખમ હતું, કારણ કે આદિવાસી ભાઈઓ મારે, લૂંટે, તોફાન કરે, પણ ભગવાનની દયાથી જતું રહ્યું. ભગવાન સ્વામિનારાયણના વખતમાં સંતોએ ઝૂંપડે ઝૂંપડે જઈને વાતો કરી, અત્યારે પણ સંતોએ ઝૂંપડે ઝૂંપડે વાતો કરી છે. બોરસદ તાલુકાનું બદલપુર ગામ છે. દહેવાણ-બદલપુરના ચોર ચોરી કરીને મહિસાગરનાં કોતરોમાં જતા રહે તો કોઈ હાથ આવે નહિ. પછી આપણું બોચાસણ મંદિર થયું ને શાસ્ત્રીજી મહારાજે સંતોને ત્યાં મોકલ્યા. ગામમાં ઘણા એવા હતા કે તેને દરરોજ પોલીસ ચોકીમાં હાજરી પુરાવવી પડે, પણ અક્ષર સ્વામી ઝૂંપડે ઝૂંપડે બેસે ને રાતના બાર વાગ્યા સુધી વાતો કરે. તો વ્યસન મુકાવી દીધાં, દારૂ ગાળતા તે માટલાં ફોડાવી નાખ્યાં, ચોરી મુકાવી. એ બધું એક વરસદા'ડામાં એટલું બધું પરિવર્તન થયું કે બધા ચોરી કરતા બંધ થઈ ગયા. ભગવાનના પ્રતાપે સારા માર્ગે ચાલ્યા તો સુખી થયા.
બિનુ સત્સંગ હરિકથા,
તા બિન મોહ ન જાય...
સત્સંગ એટલે એવા સાચા સત્પુરુષ જેને શાસ્ત્રમાં શ્રોત્રિય ને બ્રહ્મનિષ્ઠ કહ્યા છે. નિર્લોભ, નિષ્કામ, નિઃસ્વાદ, નિઃસ્નેહ, નિર્માન એવા સદ્ગુણો જેનામાં છે એ ભારતમાં થઈ ગયા, તેમણે આ જ્ઞાન ને સંસ્કૃતિ આપ્યાં છે. એ જેટલા સાચવીએ એટલા સુખી.
આશીર્વચનની સમાપ્તિ પછી નિર્દેશકો તથા બાળકાર્યકરોએ હાર પહેરાવીને સ્વામીશ્રીને સન્માન્યા. ૬-૩૦ વાગ્યે બોડેલીમાં સત્સંગવિકાસના પાયાને અચળ કરીને એક અકલ્પનીય સ્થાન રચવાના સંકલ્પ સાથે સ્વામીશ્રીએ વિદાય લીધી અને પુનઃ અટલાદરા મંદિરે પધાર્યા.
તા. ૧૨-૨-૨૦૦૫ના રોજ અટલાદરામાં સંધ્યા સત્સંગસભામાં યુવાદિન નિમિત્તે, વડોદરા શહેર યુવતીમંડળે તૈયાર કરેલો ૮૫,૮૮૫ સ્વામિનારાયણ મંત્ર લિખિત કલાત્મક હાર ત્યાગવલ્લભ સ્વામીએ સ્વામીશ્રીને અર્પણ કર્યો. યુવતીમંડળની બચતસેવાનો કુંભ અર્પણ કર્યો. આ ઉપરાંત, ૬૮ યુવતીઓએ ૮૫ કલાકના સજળ ઉપવાસ, ૮ યુવતીઓએ ૮૫ કલાકના નિર્જળ ઉપવાસ, ૧૭૧ યુવતીઓએ રોજની ૮૫ માળાનો નિયમ, ૨૧૭ યુવતીઓએ ૮૫ વખત જનમંગલ નામાવલિનો પાઠ, ૧૩૪ યુવતીઓએ એક દિવસનો નિર્જળ ઉપવાસ અને ૮૪ યુવતીઓએ ઘરેથી મંદિર સુધી પદયાત્રા કરી હતી.
ભગવત્પ્રકાશ સ્વામી લિખિત 'સંવેદના' નામક પરિસંવાદમાં, યુવા પેઢી અને તેઓના પિતાઓએ વારાફરતી પોતપોતાના પ્રશ્નોની સચોટ અભિવ્યક્તિ કરી હતી. છેલ્લે વૃદ્ધની પરિસ્થિતિ પણ 'ઘડપણ કોણે રે મોકલ્યું...' એ ગીતના આધારે રજૂ કરવામાં આવી. અંતે માર્ગદર્શન આપતાં સ્વામીશ્રીએ પરિવારમાં શાંતિનો અદ્ભુત ઇલાજ દર્શાવતાં સહનશીલતાની પ્રેરણા આપી હતી.
|
|