|
ત્રણ નૂતન મંદિરોની મૂર્તિઓનો પ્રતિષ્ઠાવિધિ
'તા. ૧૮-૨-૨૦૦૫ના રોજ, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનું સામોજ, અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું કઠવાડા અને ચવલજ - આ ત્રણેય ગામનાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોનો આજે પ્રતિષ્ઠા પૂર્વ-વિધિ હતોõ.
સામોજ
સામોજ ગામ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ તથા પ્રમુખસ્વામી મહારાજની અનેકવાર પધરામણી વડે પાવન થયેલું તીર્થ છે. આ ગામમાં મૂળ બદલપુરના રતનસંગ બાધરસંગ સોલંકી સ્થાયી થયા પછી સત્સંગનો રંગ અહીં લાગ્યો અને આ સત્સંગના પ્રારંભમાં રતનસંગ સોલંકીની સાથે પ્રતાપસિંહ સિંધા, શિવસિંહ પઢિયાર, સોમાભાઈ હરિભાઈ વગેરે જોડાયેલા હતા. ગામમાં સત્સંગનો વ્યાપ થતાં પારાયણસભા કે ઉત્સવસભા માટે આ હરિભક્તોનાં ઘર નાનાં પડતાં મંદિરની આવશ્યકતા ઊભી થઈ અને મંદિરનિર્માણનાં મંડાણ થયાં. છિતુભાઈ મહીજાભાઈ પઢિયાર તથા ચંદુભાઈ ઉમેદસિંહ પઢિયારે ૪૫,૦૦૦ ચોરસ ફૂટ જમીન દાનમાં આપી. ગામની ભાગોળમાં પૂર્વ દિશામાં બે રોડને અડીને આવેલી મોકાની જમીન ઉપર તા. ૨૧-૪-૨૦૦૩ના રોજ અટલાદરા મંદિરના કોઠારી રાજેશ્વર સ્વામીના હસ્તે ખાતવિધિ થયો. ત્યારપછી ટૂંકા ગાળામાં ૨૨૦૦ ચોરસ ફૂટના બાંધકામવાળું સુંદર મંદિર તૈયાર થયું. આ વિસ્તારમાં ફરી રહેલા શ્રુતિજીવન સ્વામી તથા પૂર્ણયોગી સ્વામીની મહેનત ઉપરાંત અનેક હરિભક્તોની સેવાને લીધે ભવ્ય મંદિર થઈ શક્યું. ગામના શ્રમજીવી હરિભક્તોએ ખેતરની સાફસફાઈ, ગડાળા ખોદવા, પૂરણી પૂરવી, સ્લેબ ભરવો તથા માટીકામ કરવા જેવી સખત મહેનત પણ મંદિરનિર્માણ માટે કરી. બે હરિભક્તો તો એવા હતા કે જેઓ પોતાની જમીન ગીરવે મૂકીને મંદિરની સેવામાં લાગી ગયા હતા. આ મંદિરમાં રાજુભાઈ ભાવસાર (પાદરા), જયેશભાઈ પટેલ (અમેરિકા), બાલેન્દ્રભાઈ (લંડન), શિવસિંહ પઢિયાર, કનુભાઈ પટેલ (ટૂંડજ), સંજયભાઈ પટેલ (કાવી), પ્રવીણભાઈ સોલંકી, કેશુભાઈ પઢિયાર, ભરતભાઈ (અમેરિકા), ભારતભાઈ પઢિયાર, સંજયભાઈ પટેલ (ડભાસા), જાગ્રતભાઈ હાથી (ગાંધીનગર), ભરતભાઈ પટેલ (અમેરિકા) તથા પ્રવીણસિંહ પઢિયાર વગેરે હરિભક્તોએ મૂર્તિઓ તથા સિંહાસન વગેરેની સેવાઓ કરી. આ ઉપરાંત મંદિર બાંધકામમાં અનિલભાઈ પટેલ, નઝીરભાઈ પટેલ તરફથી ઈંટોની સેવા થઈ. મહેશભાઈ ગાંધી (સુરત) તરફથી ઇલેક્ટ્રિકની સેવાઓ કરવામાં આવી.
કઠવાડા
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલા કઠવાડા ગામને શાસ્ત્રીજી મહારાજની અનેક સ્મૃતિઓ છે. ગામમાં કનુભાઈ ગિરધરભાઈ જાનીના ઘરમાં શાસ્ત્રીજી મહારાજે સાત દિવસની પારાયણ કરી હતી. એ વખતે અહીં સત્સંગનાં બીજ વવાયાં હતાં. કનુભાઈ જાની, દીક્ષિત હર્ષદભાઈ, સુમનભાઈ મનુભાઈ પટેલ, લાભશંકરભાઈ ભટ્ટ, વિષ્ણુપ્રસાદભાઈ જાની વગેરેના પ્રયત્નથી અહીં સત્સંગનો વ્યાપ થયો. ગામની વચ્ચે પંચાયતની સામે આવેલા પ્લોટની સેવા મનુભાઈ શિવાભાઈ પટેલ તથા કનુભાઈ મણિભાઈ અને રાવજીભાઈ નાથાભાઈના પરિવારે કરી હતી. ૧૯૯૮માં ડૉક્ટર સ્વામીના હસ્તે ખાતવિધિ થયો. આ મંદિરનિર્માણમાં ડી.એન. પટેલ, ડી.પી. પટેલ, જયંતીભાઈ અને તેમનો પરિવાર (મુખી), અક્ષરનિવાસી ઉમેદભાઈનો પરિવાર, દીપકભાઈ તથા કનુભાઈ વગેરે હરિભક્તોનો આર્થિક સહયોગ રહ્યો. વિષ્ણુભાઈ, સુમનભાઈ વિરાજભાઈ પટેલ, મેહુલ પટેલ, સુહાગ તથા વિજયભાઈ પટેલનો પણ ખૂબ જ પુરુષાર્થ રહ્યો. મૂર્તિઓનું દાન ડાહ્યાભાઈ બટાકાવાળા, પ્રફુલ્લભાઈ જાની, ચંદ્રકાન્તભાઈ જાની તથા કઠવાડા સત્સંગમંડળ તરફથી કરવામાં આવ્યું હતું.
ચવલજ
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલા ચવલજ ગામે ૧૯૬૦માં બદલપુરના નાથાભાઈની દીકરી ચવલજમાં પરણાવ્યાં ત્યારથી સત્સંગની શરૂઆત થઈ. શનુભાઈ કેશુભા ઝાલા, જાલમસિંહ રામસિંહ ઝાલા તથા ફતેસિંહ ઝાલાએ શરૂઆત કરી હતી. સત્સંગ વિકાસ થતાં મંદિરની જરૂરત ઊભી થઈ. હરિસિંહભાઈ તથા જેસિંગભાઈના પરિવાર તરફથી ૩૧ ગુંઠા જમીન પ્રાપ્ત થઈ. ૨૦૦૩ નવેમ્બરમાં સત્સંગિજીવન સ્વામીના હસ્તે એનો ખાતવિધિ થયો. સૌએ પુરુષાર્થ કરીને મંદિર આદર્યું. મંદિરનિર્માણમાં ઘનશ્યામભાઈ શનાભાઈ ઝાલા, હરિકૃષ્ણભાઈ, ધનજીભાઈ, ચંદ્રસિંહ રામસિંહ તથા ધીરુભાઈ વગેરેનો આર્થિક સહકાર ખૂબ રહ્યો. ધનજીભાઈ ઝાલા, રણજિતભાઈ, ઘનશ્યામભાઈ, મહીપતસિંહ, ગોપાલસિંહ, મંગળસિંહ, મોતીસિંહ, ભીમસિંહ વગેરેનો પણ પ્રબળ પુરુષાર્થ રહ્યો. ગોવિંદભાઈ સી. પટેલ (ગણેશ કોર્પોરેશન, અમદાવાદ), પ્રશાંતભાઈ મોહનભાઈ પટેલ, રણવીરસિંહ ચંપાવત, જશુભાઈ વગેરેએ મૂર્તિઓની સેવાઓ કરી હતી. સૌના સહિયારા પુરુષાર્થથી ૧૪ મહિનામાં મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થઈ ગયું હતું. ધર્મનંદન સ્વામી તથા અમૃતવત્સલ સ્વામીના વિચરણને લીધે અહીં સત્સંગપ્રવૃત્તિ વિકસી છે.
પ્રાતઃપૂજા પહેલાં આ મંદિરોની મૂર્તિઓને પ્રતિષ્ઠિત કરી સ્વામીશ્રી ત્રણે ગામના કુલ ૩૦૦થી વધારે યજમાનોને તથા હરિભક્તોને મળ્યા.
સંધ્યા સત્સંગસભામાં પારાયણ અને 'સૌરભ સમર્પણની' એ સંવાદને સૌએ માણ્યાં હતાં.
તા. ૧૯-૨-૨૦૦૫ના રોજ સંસ્થાની સુરત ખાતેની હૉસ્પિટલના નૂતન કલર ડૉપલર મશીનનું સ્વામીશ્રીએ પૂજન કર્યું હતું. આજે સ્વામીશ્રીના સ્વાસ્થ્યની પ્રાર્થના કરતાં ૧૧૦૦ આબાલવૃદ્ધોએ નિર્જળ ઉપવાસ કર્યો હતો. શિયાબાગ રહેતા હિતેશ રાજેન્દ્રભાઈ રાય નામના યુવાને ૧૭ દિવસમાં ૩૦,૭૩૩ દંડવત્ કર્યા હતા. સ્વામીશ્રીના જન્મથી માંડીને અત્યાર સુધીમાં જેટલા દિવસો થયા હતા એ સંખ્યા મુજબ રાખીને તેમણે દંડવત્ કર્યા હતા.
|
|