|
ખેરાલુમાં નૂતન મંદિરની સ્થાપના કરતાં પ્રમુખસ્વામી મહારાજ...
હિંમતનગરથી ૭૫ કિલોમીટરના અંતરે આવેલા ખેરાલુ ગામમાં નવનિર્મિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં વેદોક્ત પૂજનવિધિ કરીને પ્રમુખસ્વામી મહારાજે આ વિસ્તારની એક નૂતન સંસ્કારધામની ભેટ ધરી છે. ત્રણ દાયકા પૂર્વે ઉત્તર ગુજરાતના આ ગામમાં પહેલી વખત સ્વામીશ્રી પધાર્યા ત્યારે માત્ર એક જ સત્સંગી વીરચંદભાઈ મોદી હતા અને એ વખતે તેઓની ભાષામાં કહીએ તો દીવો ત્યાં દિવેટ નહીં, દિવેટ ત્યાં ઘી નહીં, ઘી ત્યાં દીવાસળી નહીં એવી પરિસ્થિતિ હતી. પારાયણ કો'કને ત્યાં, રહેવાનું એવાને ત્યાં કે જ્યાં સંડાસ પણ ન હોય અને એ વખતે આ પરિસ્થિતિને સહર્ષ સ્વીકારીને સ્વામીશ્રી એમ બોલ્યા હતા, 'આ સીમાડો ક્યાં નથી પડ્યો ?' અનેક અગવડો છતાં સત્સંગવૃક્ષ મહોરાવવા માટે સ્વામીશ્રી અહીં સાત-સાત વખત પધાર્યા છે. એવા મહાપ્રસાદીભૂત તીર્થ ખેરાલુને, સ્વામીશ્રીના આ તરફના વિચરણના કારણે સહજતાથી તેઓનો લાભ પ્રાપ્ત થયો હતો. તા. ૨૭-૨-૨૦૦૫ના રોજ અહીં પધારીને સ્વામીશ્રીએ મંદિરમાં દિવ્યત્વનો સંચાર કર્યો હતો.
ગામમાં મોકાની જગ્યા પર રચાયેલા સુંદર કલાત્મક મંદિરના સિંહાસનમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ, રાધાકૃષ્ણ દેવ તથા ગુરુપરંપરાની મૂર્તિઓ શોભી રહી હતી. સિંહાસનની બંને બાજુ એ રામપરિવાર તથા શિવપરિવાર દર્શન દઈ રહ્યાં હતાં. સ્વામીશ્રીના પધારતાં પહેલાં અહીં મુખ્ય હરિભક્તોની ઉપસ્થિતિમાં મહાપૂજાનો વિધિ સંપન્ન થઈ ચૂક્યો હતો. સ્વામીશ્રીએ વિધિવત પૂજન કરીને મૂર્તિઓમાં પ્રાણ પૂર્યા. વાતાવરણ દિવ્ય બની ગયું હતું. હરિભક્તોએ ૮૪ વાનગીઓના અન્નકૂટની ગોઠવણી કરી. નગારે દાંડી પડી અને સ્વામીશ્રીએ મૂર્તિઓની આરતી ઉતારી. કળશપૂજન અને પ્રદક્ષિણા કરીને સ્વામીશ્રી આ જ હૉલમાં હક્ડેઠઠ ભરાયેલી સભાને આશીર્વાદ આપવા માટે બિરાજ્યા. સ્વામીશ્રીનાં ચરણ સુધી હરિભક્તો બેસી ગયા હતા. જૂના જમાનાની સભાની યાદ અપાવે એવી આ પ્રેમીભક્તોની સભા ભરાઈને બેઠી હતી. જમીનદાતા પ્રેમજીભાઈ એમ. દેસાઈ, મંદિર ઊભું કરવામાં જેઓનો સિંહફાળો છે એવા વીરચંદભાઈ મોદી, નગરપાલિકાના પ્રમુખ નરેશભાઈ બારોટ, કનુભાઈ પટેલ, લાલજીભાઈ ચૌધરી, નારાયણભાઈ પટેલ, ચંદુભાઈ (વિમલ), જયંતીભાઈ (વિમલ), થોભણભાઈ (વિમલ), નારાયણભાઈ પટેલ (પોલીમર), ભગુભાઈ પટેલ (મહેસાણા), ભરતભાઈ (ખેરાલુ), પુખરાજભાઈ સોની, ફુટરમલજી સોની, નરસિંહભાઈ ચૌધરી (મહિયલ), જશરાજભાઈ ચૌધરી (સમોજા), વાડીભાઈ મોદી (પીઠોડા), ડૉ. રૈયાણી સાહેબ (ગાંધીધામ), નટુભાઈ પટેલ (રાજપુર-યુ.એસ.એ.), રજનીભાઈ સોની (અમદાવાદ) વગેરે હરિભક્તોએ હાર પહેરાવીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. ત્યારબાદ સદાય ભક્તિના કેફમાં રાચનારા પ્રેમી ભક્ત વીરચંદભાઈ મોદીએ બળભર્યું પ્રવચન કર્યું. ઈશ્વરચરણ સ્વામી તથા વિવેકસાગર સ્વામીએ પ્રવચન કર્યા પછી સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું : ''મંદિર ખૂબ સરસ બની ગયું છે. એકદમ વ્હાઈટ, વ્હાઈટ, વ્હાઈટ! અમેરિકાનું વ્હાઈટ હાઉસ છે, પણ આ તો વ્હાઈટ હાઉસ કરતાં પણ અધિક છે. કારણ કે અહીં તો ભગવાન બેઠા એટલે આ વ્હાઈટ હાઉસ તો આપણને બધાને ધામમાં બેસાડે એવું બની ગયું. જેમ કહ્યું છે ને કે ડાહ્યો કોઈ પ્રભુ ભજતો નથી, ગાંડો થાય એ ભજે છે એટલે વીરચંદભાઈ ગાંડા જ થયા છે. એમને ગાંડો-ડાહ્યો ભેગું છે. ડાહ્યા એવા છે કે વાણિયાબુદ્ધિથી બધાને હળે મળે ને ગાંડા એવા કે જગત ખોટું થઈ જાય, તો ભગવાન ભજાય. એમને ખોટું થઈ ગયું છે એટલે એમની આ સાંબરકાંઠામાં, મહેસાણા ડીસ્ટ્રીક્ટમાં મંદિરોમાં સેવા છે, સાધુ સાથે ફર્યા છે. એમાં થાક નહિ, આળસ નહિ. કોઈ બોલી જાય તો આત્મારૂપે વર્તે. સંતો-હરિભક્તોનો મહિમા બહુ છે. એમને એવું અંગ છે તો આ બધું કાર્ય થાય છે. પ્રેમજીભાઈએ કિંમતી જમીન આપી છે તો મંદિર પણ એવું થયું છે કે હજારો માણસો દર્શને આવશે એ પુણ્ય મળશે. ભૂમિદાન એ મોટું દાન. મંદિરમાં લોકો ભગવાનની ભક્તિ કરશે એનો ભાગ એમને મળ્યા જ કરશે, એમના કુળ-પરિવારને પણ મળશે. જેણે જેણે સહકાર આપ્યો છે તને-મને-ધને સેવા કરી છે એ બધાનું ભગવાન કલ્યાણ કરશે. હવે આ મંદિર એ બધાનું ઘર થઈ ગયું છે. મારું ઘર એટલે મંદિર. એટલે ખેંચાતાણી ન થાય કે મારા ઘરે આવ્યા, ન આવ્યા. આ ઘર માની લીધું એટલે ઠાકોરજી બેસી ગયા ને પધરામણી થઈ ગઈ છે એમ માનવું અને અહીંયા દરરોજ દર્શન કરવા આવી જવું. એટલે ભગવાન બધાના સંકલ્પો પૂરા કરશે ને જય જયકાર થશે.''
પ્રેમીભક્તોના પ્રેમપ્રવાહને સ્વીકારીને સ્વામીશ્રી અહીંથી ૧૧-૪૫ વાગ્યે મહેસાણા મંદિરે પધાર્યા હતા.
|
|