Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય પ્રાકટ્યોત્સવ ઊજવાયો

તા. ૧૮-૪-૨૦૦૫ના રોજ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં ૨૨૫મો શ્રીહરિ જયંતી મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયો હતો. ઘણા વર્ષો બાદ આ ઉત્સવના યજમાન થવાનું સૌભાગ્ય શ્રીનગરને સાંપડ્યું હતું. મંદિરની સામે સંસ્થાએ નવી સંપાદન કરેલી ભૂમિના વિશાળ મેદાનમાં મહોત્સવની મુખ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખુલ્લા આહ્‌લાદક વાતાવરણમાં જન્મજયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. આ ઉત્સવનો લાભ લેવા માટે ૨૬,૦૦૦થીય વધુ હરિભક્તો ઊમટી પડ્યા હતા.
મહોત્સવના ઉપક્રમે મેદાન પર એક વિશાળ મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વામીશ્રીના આસનની પિછવાઈમાં પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ... એ વિચારને અનુરૂપ એક વિશાળ સૂર્ય અને એની ઉપર મહારાજની આસનસ્થ મૂર્તિ શોભી રહી હતી. ડાબી તરફ શ્રીહરિના કિશોર સ્વરૂપ નીલકંઠ, બાળ સ્વરૂપ ઘનશ્યામ તથા માણકીના અસવાર મહારાજની મૂર્તિ શોભી રહી હતી. મંચ પર બનતા પ્રસંગોને સારી રીતે નિહાળી શકાય તે માટે સમગ્ર મેદનમાં ચાર સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સાંજે બરાબર ૭-૦૦ કલાકે સભાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. 'પ્રગટ્યા અમારે કારણે જો..' એ વિચારને કેન્દ્રમાં રાખી વિદ્વાન સંતોએ શ્રીહરિનાં દિવ્ય લીલાચરિત્રોનું પાન કરાવ્યું હતું. બરાબર ૮-૦૦ કલાકે સ્વામીશ્રી ગઢડાથી સીધા જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. મંદિરે દર્શન કરી સ્વામીશ્રી સભામાં પધાર્યા.
સ્વામીશ્રીના આગમન બાદ નીલકંઠ વણી તીર્થાટન કરીને જ્યાં જ્યાં વિચર્યા હતા એ પ્રસાદીભૂત અને દુર્લભ તીર્થસ્થાનોનું સ્લાઇડ શો દ્વારા સૌને દર્શન કરાવવામાં આવ્યું. શ્રી નીલકંઠવણીના વિચરણ પર આધારિત, સંસ્થા દ્વારા નિર્મિત આઇમેક્સ ફિલ્મ 'મિસ્ટિક ઇન્ડિયા'નું ટ્રેલર અને તેનો પરિચય આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ સર્વમંગલ નામાવલિમાંથી નમસ્કાર સ્તોત્રના નામનો ઉદ્‌ઘોષ થતાં જ વાતાવરણ દિવ્ય બની ગયું હતું. 'યુગ પ્રવર્તક ભગવાન સ્વામિનારાયણ' એ વિષય પર વિવેકસાગર સ્વામીએ પ્રવચન કર્યું હતું.
આ પ્રંસગે અક્ષરજીવન સ્વામી લિખિત 'શ્રી સ્વામિનારાયણ ચરિત માનસ' ગ્રંથનું સ્વામીશ્રીએ ઉદ્‌ઘાટન કર્યું. રામચરિત માનસની જેમ વ્રજ ભાષામાં લખાયેલા ૧૨૦૦ પાનાંના આ દળદાર ગ્રંથમાં ૨૪૩૫૯ ચોપાઈઓ, ૪૧૮૦ દોહા અને ૨૦૦ છંદો અને ૭૩ સોરઠાઓનો ઉપયોગ થયો છે. બે ભાગમાં પ્રકાશિત આ પુસ્તક છાપવામાં ચંપકલાલ બેન્કરનાં દોહિત્રીએ અનુદાન આપ્યું હતું. આ ઉપરાંત અક્ષરજીવન સ્વામી લિખિત ગદ્યાત્મક હિન્દી ચરિત્ર 'ભગવાન સ્વામિનારાયણ એક દિવ્ય જીવનગાથા'નું પણ સ્વામીશ્રીએ ઉદ્‌ઘાટન કર્યું. આ પ્રસંગે ભગતજી મહારાજના જીવનચરિત્રના mષ્ટ૩ સ્વરૂપે પ્રકાશિત થઈ રહેલા સંસ્થાના સર્વપ્રથમ 'ધ્વનિમુદ્રિત ગ્રંથ'નું ઉદ્‌ઘાટન સ્વામીશ્રીના હસ્તે કરાવવામાં આવ્યું.
ઉદ્‌ઘાટન વિધિ બાદ વિવિધ મંડળોએ બનાવેલા કલાત્મક હાર મોટેરા સંતોએ સ્વામીશ્રીને પહેરાવ્યા. આજના ઉત્સવના અનુદાતા શેઠ શ્રી છજ્જુસિંહ, સમગ્ર પરિસરના મૂળ માલિક ફૂલચંદ અગ્રવાલ તથા તેઓના સુપુત્ર પ્રદીપભાઈ અને જમાઈ સુશીલભાઈ અગ્રવાલ તથા અન્ય અગ્રણી સત્સંગીઓ ધીરુભાઈ તેરૈયા, ભરતભાઈ બબલદાસ, વિનુભાઈ, અરવિંદભાઈ ભોંયકાવાળા અને ઝાખોરાવાળા અશોકભાઈ પટેલ, સ્ટેજના ડેકોરેશનની સેવા કરનાર પરેશભાઈ અમીન વગેરેએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. આજના પ્રસંગે ઊમટેલ મોટા ભાગના હરિભક્તોએ નિર્જળ ઉપવાસ કર્યો હતો. અને રાત-દિવસ સેવામાં ખડે પગે રહેલા ૫૦૦ સ્વયંસેવકોએ પણ નિર્જળ ઉપવાસ કર્યો હતો. સૌ પર સ્વામીશ્રીની પ્રસન્નતા વરસી ગઈ.
સભાના અંતમાં સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે ''પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આજના દિવસે પ્રગટ થયા. આપણા મોક્ષ માટે તેઓ પૃથ્વી પર પધાર્યા છે. ભગવાનનાં ચરિત્રો દિવ્ય જ છે અને એ સાંભળવાથી જ શાંતિ થાય. ભગવાનનું કાર્ય જીવોનાં કલ્યાણ માટે છે, માટે એમાંથી દિવ્ય પ્રેરણાઓ મળે. ભગવાન શ્રીજીમહારાજ મોટો સંકલ્પ લઈને આવ્યા કે આ દુનિયામાં બધા જીવોને મારો સંબંધ થાય ને તેનું કલ્યાણ થાય. તેમણે આચારસંહિતા આપી છે. જો એ પ્રમાણે વર્તે તો શાંતિ થાય. વ્યસનમુક્ત જીવન અને સદાચાર. ધર્મની વ્યાખ્યા કરી કે घर्मो ज्ञेयः सदाचारः। કોઈ જીવની હિંસા ન કરવી, અભક્ષ્ય વસ્તુ ખાવી નહીં. વ્યસન ન કરે તો માણસ સુખી થાય. વ્યસનોમાં માણસ ખુવાર થાય છે. દરેક માણસ પવિત્રપણે રહે, સત્યનું સેવન કરે, તો સારા વિચારોથી ઉત્તમ જીવન જીવી શકે.
ભગવાન પ્રેમી ભક્તોના ભાવ પૂરા કરવા પધારે છે. એમનામાં દયાનો ભાવ છે. રામ ભગવાને વનવાસ કર્યો તો કેટલા જીવનું કલ્યાણ કર્યું અને એ રાજાની રીતે, ગૃહસ્થની રીતે જીવ્યા છે તો એમાંથી ભાઈ-ભાઈ તરીકે, પતિ-પત્ïની, બાપ-દીકરાના સંબંધ કેવા હોવા જોઈએ એ એમના ચરિત્રમાંથી મળે છે. વચનામૃત વાંચવાથી પણ સમજાય કે એમણે કેટલું સુંદર આપ્યું છે! આજનો જમાનો ટી.વી.નો આવી ગયો છે એટલે લોકો એમાંથી ઊંચા આવતા નથી. આપણા સંસ્કાર, આધ્યાત્મિકતા, આપણાં મૂલ્યો સાચવીએ તો સુખ-શાંતિ થાય. સમૃદ્ધિ-સત્તાથી વિચારો ફરી જાય છે. સત્તા ને પૈસાથી કોઈ સુખી થયો નથી - શાસ્ત્રો માત્ર કહે છે. જરૂર છે એટલું કમાઓ, રામ ભગવાન, જનક, અંબરીષ બધાએ રાજ ચલાવ્યું છે. આપણે પ્રજાના સેવક છીએ એ રીતે ચલાવવું જોઈએ. જે કાંઈ કરવું એ ભગવાન રાજી થાય એ માટે કરવું જેથી આપણને જીવનમાં કોઈ ભાર રહે નહીં. પણ ઊલટું બોજો લઈને ફરીએ છીએ કે હું બધું કરું છુ _, મારાથી જ થાય, બીજાથી થાય નહીં.
વિજ્ઞાને સુવિધાઓ આપી છે એની જરૂર છે, પણ એમાંથી અંધાપો આવી ગયો. વધારે સમૃદ્ધિ થઈ એટલે આપણાં આધ્યાત્મિક મૂલ્યો ભૂલી ગયા.
બહાર સુખ-સુવિધાઓ છે પણ અંદર અજ્ઞાન, દોષો છે. એનાથી પીડા પામીએ છીએ. આધ્યાત્મિક શાંતિ ન થાય ત્યાં સુધી અંધકાર રહેશે. આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા. રામ ભગવાનનું પણ આજે પ્રાગટ્ય છે તો એમનો આપેલો માર્ગ છે, એમના સિદ્ધાંત છે, એમનાં ચરિત્રો છે એને હંમેશને માટે વાંચીએ. દરરોજ કલાક વાંચન કરીશું તો પછી આપણા વહેવારમાં પણ શાંતિ રહેશે ને આધ્યાત્મિક રીતે જીવન બનવાથી અંતે મુક્તિ પણ થશે. એ માટે ભગવાન સર્વને બળ આપે એ પ્રાર્થના.''
સ્વામીશ્રીના દિવ્ય આશીર્વચનો પછી જન્મોત્સવની ઘડીઓ શરૂ થઈ. સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજનું ઊભા થઈને પૂજન કર્યું અને ત્યારબાદ હરિકૃષ્ણ મહારાજને મંચ ઉપર ગોઠવાયેલા ચાંદીના પારણામાં પધરાવવામાં આવ્યા. બરાબર ૧૦-૦૫ કલાકે જન્મોત્સવની આરતી શરૂ થઈ. હરિકૃષ્ણ મહારાજ નંગજડિત પુષ્પથી સજ્જ વાઘા ધારણ કરીને દર્શન આપી રહ્યા હતા, સોનાનો મુગટ ધારણ કર્યો હતો. સ્વામીશ્રીના હાથમાં સુવર્ણરસિત આરતી હતી. હરિભક્તો પણ સમૂહ આરતીમાં જોડાયા હતા. આરતી દરમ્યાન આતશબાજી ચાલુ જ હતી. આરતી પછી પુષ્પાંજલિ સમર્પિત થઈ. ત્યારબાદ સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને પારણે ઝૂલાવવા લાગ્યા. એ દરમ્યાન જન્મોત્સવનો ઉદ્‌ઘોષ 'જય બોલો ઘનશ્યામ કી' ચાલુ રહ્યો. સંતોએ સોનાના બોર ઝૂલે ધર્મકિશોર... એ કીર્તન ઉપાડ્યું. વડીલ સંતોએ પણ વારાફરતી ઠાકોરજીને ઝુલાવવાનો લાભ લીધો. નૃત્યમંચ ઉપર બાળકો નૃત્ય કરી રહ્યા હતા. ઘનશ્યામચરણ સ્વામી તથા અક્ષરજીવન સ્વામીએ આ પ્રસંગે મુજરા કર્યા. તેઓના મુજરાને પોતાની દૃષ્ટિ અને તાલીઓનો તાલ આપીને સ્વામીશ્રી સૌને અપાર સુખ આપી રહ્યા હતા. ઘનશ્યામચરણ સ્વામીએ કરતાલ સાથે નૃત્ય શરૂ કર્યું. સ્વામીશ્રીને પણ કરતાલ આપવામાં આવી. સ્વામીશ્રી બેઠાં બેઠાં જ તેઓની સાથે કરતાલ વગાડતાં શ્રીહરિની ભક્તિમાં લીન થઈ ગયા. રાત્રે ૧૦-૨૦ કલાકે મહોત્સવની પૂર્ણાહૂતિ થઈ ત્યારે દરેકના અંતરમાં એક દિવ્ય આનંદ વર્તાઈ રહ્યો હતો.
તા. ૧૯-૪-૨૦૦૫થી સ્વામીશ્રીના સાંનિધ્યમાં નિત્ય સવાર-સાંજ સત્સંગ સમારોહનો પ્રારંભ થઈ ગયો હતો. આ સત્સંગ કાર્યક્રમોમાં હજારો હરિભક્તોથી શાહીબાગ ખાતેના સ્વામિનારાયણ મંદિરના વિશાળ સભાગૃહો છલકાતા રહ્યા હતા. સ્વામીશ્રીના સાંનિધ્યમાં નિત્ય સંધ્યાસભામાં વિવેકસાગર સ્વામીએ 'સ્વભાવવશ સંસાર' વિષય પર વિશિષ્ટ વ્યાખ્યાન શ્રેણીનો લાભ આપ્યો હતો. સંતોના કીર્તનો અને સ્વામીશ્રીના આશીર્વચનોનો લાભ લઈ સૌ શ્રીનગરવાસીઓ ધન્ય થતા હતા. દરરોજ વિપુલ સંખ્યામાં પારાયણના યજમાનો પણ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હતા.
તા. ૧૯-૪-૨૦૦૫ના રોજ સંધ્યાસભામા, જાણીતા કટાર લેખક અને તાજેતરમાં જ નૂતન સામાયિક 'વિચારધારા' શરૂ કરનાર સૌરભભાઈ શાહ અને કિશોરભાઈ મકવાણાએ 'વિચારધારા'ના પ્રારંભે સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : ''ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં કહ્યું કે ચૌદ લોકના બ્રહ્માંડમાં જે સુખ નથી એ સુખ ભગવાનના ભજનમાં છે. પૈસા મળે, સત્તા મળે, વિદ્યા ભણે એ બધું જરૂરી છે, પણ એમાં સુખ-શાંતિ છે એવું આગળ સંતો થઈ ગયા એમણે કોઈ કલમ મૂકી નથી. ભૌતિક વિકાસ સાધ્યો પણ અહં, ક્રોધ, મારું-તારું, છળ, કપટ, પ્રપંચ આ બધા ભાવો તો રહી ગયા! એટલે દરેક કાર્યમાં ભગવાન આગળ રાખો. ભગવાનને જે ગમે છે એ પ્રમાણે આપણું જીવન થવું જોઈએ. આપણે બોલીએ કંઈક ને ચાલીએ કંઈ, તો એનો અર્થ નથી. જે માણસ ત્યાગ કરે છે એની મહત્તા છે. ગાંધીજી, રવિશંકર મહારાજે કેવો ત્યાગ રાખ્યો ! પોતાના સુખને માટે વિચાર જ નહીં, કોઈ અપેક્ષા નહીં. સંતો પણ એવા છે કે પોતે દુઃખ સહન કરી બીજાને સુખ આપે. વૃક્ષો બધું સહન કરી આપણને ફળ આપે છે. વરસાદને કોઈ ભેદભાવ નથી. સરોવર, નદીઓ હજારોને સુખી કરે છે. એવી રીતે સંતો બીજાનું પાપ, દુષ્ટ વૃત્તિઓનું પરિવર્તન કરે છે.
ગુણાતીતાનંદ સ્વામીએ એક સરસ વાત કરી છે કે ડાહ્યો કોઈ પ્રભુ ભજતો નથી, ગાંડો થાય એ ભજે છે. આપણે ભણેલા તો છીએ, ડૉક્ટર, ઇન્જીનિયર, સાયન્ટીસ્ટ થયા, કેટલું આગળ વધ્યા તો ડાહ્યા ન કહેવાય ? પણ એ ડા'પણમાં ને ડા'પણમાં આખી જિંદગી જતી રહે. પણ બીજાને સારી પ્રેરણા આપે, સુખ આપે એ ન કર્યું તો એ ડાહ્યો જ નથી. જેટલું ભગવાન અને સંતને અર્થે, સમાજને અર્થે, દેશને અર્થે કામ લાગ્યું એ કામનું. બીજુ _ બધું તો જવાનું જ છે.''
તા. ૨૦-૪-૨૦૦૫ના રોજ સંધ્યાસભામાં મંત્રીશ્રી અશોકભાઈ ભટ્ટ તથા એમ.એસ. યુનિવર્સિટીમાં નવા નિમાયેલા વાઇસ ચાન્સેલર શ્રી મનોજભાઈ સોનીએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. તેઓએ સ્વલિખિત પુસ્તક 'બાંસુરી' સ્વામીશ્રીને અર્પણ કર્યું હતું.
આજે સંધ્યા સત્સંગ સભામાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે ''મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખે છે કે સર્વે માન તજીને શામળિયા સંગાથે દૃઢ પ્રીતિ રાખીએ. બુદ્ધિનું, સત્તાનું, પંડિતાઈનું એમ અનેક જાતના માન છે તે બધાં માન ભગવાન અને સંત આગળ મૂકી દેવાનાં. તેમની આગળ તો આપણે બાળક જેવા છીએ. પણ માન ન મૂકે તો માન ખંડિત થતાં ક્રોધ ઉત્પન્ન થાય ને બળિયો ન હોય તો ઈર્ષ્યા ઉત્પન્ન થાય. માનમાંથી આ બધાં પ્રકારનું તોફાન ઉત્પન્ન થાય છે. માની છે તે ભગવાન આગળ પણ કપટ રાખે ને જે કપટ રાખે તે ચપટ થઈ જાય. ભગવાન તો હથેળીમાં જળનું ટીપું દેખે તેમ બધું જ જુએ છે, બ્રહ્માંડો આખાં જુએ છે, સાંભળે છે. તમે જે સેવા કરો છો તેને પણ જોઈ શકે છે - એની આગળ આપણું પાપ કેવી રીતે છુ પાવી શકીએ ? અથવા તો બીજા માટે જે કંઈ ભાવો છે તે પણ કેવી રીતે છુપાવી શકાય? માટે ભગવાન આગળ તો દિલ ખુલ્લું કરવાનું. ભગવાન તો શ્રેય કરે. માટે માન આપણું ટળે. ભગવાન ગર્વગંજન છે. ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું કે સત્સંગમાં હું કંઈ જ સમજતો નથી, એમ સમજવું - પણ આપણે તો એમ જ માનીએ છીએ કે હું જ સમજુ _ છે. તેમાંથી આપણો અહં વધે તે કોઈની સેવા ન થાય.''
આજે સ્વામીશ્રીનાં સમીપદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાણપ્યારા ગુરુહરિના સમીપ દર્શન માટે વિશાળ સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા હતા. સ્વામીશ્રી પણ દરેક હરિભક્તને જાણે વ્યક્તિગત મળી રહ્યા હોય તે રીતે આશીર્વાદ આપી રહ્યા હતા.
તા. ૨૧-૪-૨૦૦૫ના રોજ ભારતી આશ્રમના મંડલેશ્વર સ્વામી કલ્યાણાનંદજીએ સ્વામીશ્રીને હાર પહેરાવી સન્માન કર્યું હતું. આજે સરકારના ચીફ પ્લીડર અરૂણભાઈ ઓઝા તથા જાણીતા કટાર લેખક હરેશભાઈ દ્વિવેદી સ્વામીશ્રીના દર્શન-આશીર્વાદ માટે આવ્યા હતા.
તા. ૨૩-૪-૨૦૦૫ના રોજ સંધ્યા સભામાં યુવાદિનના વિશિષ્ટ કાર્યક્રમો રજૂ થયા હતા. આનંદસ્વરૂપ સ્વામીના પ્રવચન બાદ વિવેકપ્રિય સ્વામી લિખિત 'ભારતનું સોહામણું સ્વપ્ન' સંવાદની રજૂઆત થઈ હતી. ભારતના પરંપરાગત સંસ્કારોની સાપેક્ષે આજના વાતાવરણમાં ખેંચાઈને ભૂલ કરી બેસતા, સ્વચ્છંદ બની જતા યુવક-યુવતીઓના વાસ્તવિક પ્રશ્નો આ સંવાદમાં કેન્દ્ર સ્થાને હતા. પ્રમુખસ્વામી મહારાજની નિશ્રામાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં યુવક-યુવતીઓ આવા વાતાવરણમાં પણ નિયમ-ધર્મ પાળીને કેવું સંસ્કારી જીવન જીવી રહ્યાં છે એ અંત સાથે આ સંવાદ પૂર્ણ થયો.
ગુરુભક્તિરૂપે ૧૯૯૯થી આજ સુધી અમદાવાદ યુવકમંડળના બબ્બે યુવકો રોજ નિર્જળા ઉપવાસ કરી રહ્યા હતા. સ્વામીશ્રીએ આ ઉપવાસી યુવકોને આશીર્વાદ આપી પ્રસન્નતા દર્શાવી. સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે, ''ધર્મની વાત કોઈને આજે ગમતી નથી. ટી.વી. વેબસાઇટ વગેરેને લીધે સંયમના પાઠ જતા રહે છે. વિવેક ન હોવાથી ખરાબ વસ્તુ તરફ જ દૃષ્ટિ જાય છે. અશ્લીલ સાંભળવું ને અભક્ષ્ય ખાવાનું હોય તેમાંથી સત્સંગ ક્યાંથી થઈ શકે ? પણ યોગીજી મહારાજનો એક સંકલ્પ છે કે સારો સંસ્કારી સમાજ થાય. બધા ધર્મગ્રંથોમાં સંયમ-નિયમના પાઠ કહેલા છે, પણ એ સંયમ-નિયમના પાઠ ગમતા નથી. સંયમ રાખીએ તો જ શક્તિ આવે. વાત સાંભળી છે કે નેત્રના ત્રાટકથી કેટલાક લોખંડનો સળિયો વાળી દે છે. સંયમથી આંખમાં શક્તિ આવે પણ ગમે તેવું જોયા કરો તો આંખમાં શક્તિ ક્યાંથી મળે ? હવે તો ઘરની અંદર જ આવું અશ્લીલ જોવાનું આવ્યું છે. અશ્લીલતાને લીધે જે પ્રશ્નો થયા એના કાગળિયા અહીં સંવાદમાં વંચાયા. જુવાન છોકરા-છોકરીઓને સમાજની, માબાપની, સંસ્કારની પડી નથી તેથી આવા પ્રશ્નો બને છે. માટે સાચા સંત મળે તો તેમાંથી બચી શકાય છે.
જેમાંથી સારી દૃષ્ટિ મળે છે તેને જ વિસારી દીધા, જે વૃક્ષની ડાળ ઉપર બેઠા છીએ તેને જ કાપી નાખી. જેઓ ધર્મના માર્ગે વર્તી ગયા છે તેમનો માર્ગ લેવાનો છે, પણ સ્વતંત્રતાને બદલે સ્વચ્છંદતા વધતી જ ગઈ. હવે શૂરવીર થવું પડશે. જે લડાઈમાં જનારો યોદ્ધો હોય તે પેટ કટારી મારીને નીકળે તો એ શૂરવીર કહેવાય. શૂરવીર આગલી હરોળમાં ઊભા રહે, પણ જે ભાગેડુ તો પહેલેથી જ પાછળના પગ લે, ને વિચારે કે આપણી ફોજ જીતશે તો લૂંટ મચાવશું, પણ શૂરવીરને મોત કે લૂંટ કશાનો ભય નથી.
એમ આપણે દેશને માટે પણ ગૌરવ વધે એવું કાર્ય કરવું. અંતઃશત્રુઓને જીતવા પણ લડવાનું છે. એ વિજય મેળવવા માટે સત્સંગ છે. આપણા હથિયાર એટલે નિયમ-ધર્મ, સારું બોલવું, કથાવાર્તા વગેરે છે. આપણી જીત થશે કારણ કે આપણા પક્ષે ભગવાન છે. પાંડવોની જીત થઈ, કારણ કે એમના પક્ષે ભગવાન હતા. તેમ આપણા માટે શ્રીજીમહારાજ અને યોગીજી મહારાજ જેવા સંત છે તો ગમે તેવા શત્રુ હશે તો પણ દૃઢતા હશે તો વાંધો નહીં આવે. પ્રયત્ન કરીશું તો સફળતા મળશે.''

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |