|
'મૅનેજમેન્ટના ગીતાકથિત આદર્શોને પ્રમુખસ્વામી મહારાજે સાકાર કર્યા છે.' - બી. એન. દસ્તૂર
તા. ૨૮-૪-૨૦૦૫ના રોજ અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં ચિક્કાર ભરાયેલી સંધ્યાસભામાં જાણીતા લેખક બી.એન. દસ્તૂરે સ્વામીશ્રીને અર્પણ કરેલું પોતાનું નૂતન પુસ્તક 'મેનેજમેન્ટની બોધકથાઓ' ઉદ્ઘાટિત કરાવીને જણાવ્યું હતું કે મૅનેજમેન્ટના ગીતાકથિત સર્વે આદર્શોને પ્રમુખસ્વામી મહારાજે સાકાર કર્યા છે.
મૅનેજમેન્ટના પ્રસિદ્ધ પ્રશિક્ષક શ્રી દસ્તૂરે સ્વાનુભવોનું કથન કરતાં વિશાળ સભાને જણાવ્યું હતું કે 'મેનેજમેન્ટના ગુરુપદે મેં શ્રીકૃષ્ણ ભગવાનને સ્થાપ્યા છે. ગીતામાં તેઓએ મેનેજમેન્ટ ઉપર અદ્ભુત વાતો કરી છે. તેઓએ કહ્યું છે : 'अघिष्ठानम्... देवं चैवात्र पंचमम्।' કર્મની સિદ્ધિ માટે પાંચ ઘટક તેઓએ વર્ણવ્યા છે. પ્રથમ છે વાતાવરણ. દરેક વ્યક્તિને જે કાંઈ સારી રીતે કરવું હોય તેવું વાતાવરણ અને સગવડો મળે એવું વાતાવરણ જોઈએ. બીજું, કર્તા. કર્તા એટલે કર્મનો કરનાર. ફક્ત ૭૦૦ સંતો ને હજારો વ્યક્તિની મદદથી આ સંસ્થા સફળતાથી ચાલી રહી છે, એ બતાવે છે કે આ સંસ્થામાં એવું કંઈક છે કે જેનો કર્તા પોતાનો જાન રેડીને કામ કરે છે. ત્રીજુ _છે કરણ. એટલે કે રિસોર્સ, સાધનસ્રોત. પૈસા વગેરેનો રિસોર્સ મેળવવો અઘરો નથી, પણ માનવીનો રિસોર્સ એ સૌથી અગત્યનો છે. મેં આ સંસ્થામાં ફક્ત અહીં જ નહીં, પણ સાનફ્રાન્સિસ્કોના મંદિરમાં પણ માનવીનો રિસોર્સ જોયો છે. હ્યુમન રિસોર્સનો સારામાં સારો ઉપયોગ કોઈ કરતું હોય તો તે આ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા છે. ચોથું, ચેષ્ટા. એટલે કે પ્રોસેસ, પ્રક્રિયા. રૂપિયા તો હોય, પણ એેને કઈ રીતે વાપરવા અને કઈ રીતે વિનિયોગ કરવો એ પ્રોસેસ ખૂબ અઘરો છે. આ સંસ્થા એક એક પૈસાને વ્યવસ્થિત રીતે વાપરી જાણે છે ને પાંચમું નસીબ છે પણ તે સૌથી ગૌણ છે.
મારો આ માનીતો શ્લોક છે. અત્યાર સુધીની ૭૦ વર્ષની મારી જિંદગીમાં મેં ઘણા અનુભવો કર્યા છે, પરંતુ આ શ્લોકનો સાક્ષાત્કાર કરનાર મેનેજર મને મળ્યો ન હતો, પણ વરસ પહેલાં અહીં આવવાનું થયું અને આ સંસ્થાની કાર્યપદ્ધતિ જોઈ ત્યારે મને લાગ્યું કે ગીતાના શ્લોકને સાકાર કરનાર ૭૦ દાયકામાં કોઈ મળ્યું હોય તો એ આ પ્રમુખસ્વામી મહારાજ છે.'
ત્યારપછી મેનેજમેન્ટના અર્કરૂપ માર્ગદર્શન આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે ''આપણું જીવન એવું બનાવો કે દરેકને એની મેળે આપણામાં પ્રેમ થાય. પોતાનું ચારિત્ર્ય, પોતાની ધર્મનિષ્ઠા, ભગવાનને વિષે પૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ રાખીએ તો સહેજે જ લોકોને પ્રેમભાવ થશે, પરંતુ આપણું જીવન સારું નહીં હોય તો બીજુ _તમે ગમે તેટલું કરશો તો પણ કોઈને અંતરનો પ્રેમ નહીં થાય. શ્રીજીમહારાજે સંતોને વાત કરી કે તમારું વર્તન વાતો કરશે. જેટલું જીવન સારું તેટલું સરળતાથી કાર્ય થઈ શકે.
આજે પૈસા ને સત્તા માટે જ ઝઘડાઝઘડી છે. ભારતને ઊંચું લાવવાની વાતો કરે છે, પણ ભારત નીચું જાય છે ને એ ઊંચા આવે છે. એટલે 'ઊંચા ઊંચા સબ ચલે, નીચા ન ચલે કોઈ, જો નીચા ચલે સો સબસે ઊંચા હોઈ' - આપણે ઊંચા ચાલીએ એટલે બીજાની આંખે ચઢવાના જ છીએ. નીચા ચાલવામાં આપણને સહેજે હલકું લાગે, પણ શાસ્ત્રોમાં જેઓ નીચા-નમ્ર થયા છે તેની જ મહત્તા વધી છે. યોગીજી મહારાજ સૌના દાસ, સૌને હાથ જોડતા. બીજા બધા સંતો-ભક્તોએ પણ નીચા રહીને જ બધાના ગુણ ગાયા છે તો દરેકને એમનામાં પ્રેમ થયો છે. સત્તાથી-પૈસાથી જેઓ મોટા થયા છે એને કોઈ યાદ કરતું નથી. નરસિંહ, મીરાં, અંબરીષ, રવિશંકર મહારાજ જેવા સેવકોને આજે યાદ કરીએ છીએ. ફળ આવે ત્યારે ઝાડ નીચું નમે છે તો બીજાને ફળ મળે છે. તેમ એવા સંતો-ભક્તો નમ્રતા-વિવેકથી દરેકને લળે છે. કોઈ મારે કે તાડન કરે તે દરેકની જય બોલાવે છે. એવા પુરુષ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ મળ્યા છે તો આપણા જીવનમાં દાસના દાસ થવાનો લાભ મળ્યો છે.''
|
|