|
દિલ્હી ખાતે અક્ષરધામના પૂર્ણ કળશનો વેદોક્ત પૂજનવિધિ
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના દિવ્ય સંકલ્પે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્મૃતિમાં, નવી દિલ્હીમાં પ્રમુખસ્વામી મહારાજ ભારતીય સંસ્કૃતિનું એક અજોડ સ્મારક અક્ષરધામ સર્જી રહ્યા છે. ૧૦૦ એકરમાં પથરાયેલા વિશાળ અક્ષરધામનું નિર્માણકાર્ય માત્ર ચાર જ વર્ષના ટૂંકા ગાળામાં પૂર્ણતાને આરે આવ્યું છે ત્યારે, તા. ૨૯-૪-૨૦૦૫ના રોજ અક્ષરધામ સ્મારકના શીર્ષ પર સ્થાપિત થનારા મહાકાય સુવર્ણકળશનું વેદોક્ત પૂજન કરીને સ્વામીશ્રીએ આ દિવ્ય કાર્યનો કળશ ચઢાવ્યો હતો.
અમદાવાદ ખાતે બિરાજમાન સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન દિલ્હી ખાતેના અક્ષરધામ સ્મારકના કળશનો આ પૂજનવિધિ યોજવામાં આવ્યો હતો. સ્વામીશ્રી પૂજા કરવા માટે મંચ ઉપર પધાર્યા ત્યારે મંચની બરાબર વચોવચ ગોઠવાયેલા સુવર્ણરસિત મહાકાય કળશને જોતાંવેંત સ્વામીશ્રીની આંખોમાં જાણે કે દિવ્ય ચમક પથરાઈ ગઈ હતી. છ ફૂટના ઘેરાવા અને ૮.૪' ફૂટની ઊંચાઈ ધરાવતા મુખ્ય કળશ આગળથી પૂજા કરવા માટે પસાર થઈ રહેલા સ્વામીશ્રી અત્યતિષ્ઠદ્ દશાઙ્ગુલમ્...।ની જેમ વિરાટ લાગી રહ્યા હતા. રોજ કરતાં વિશિષ્ટ રીતે સ્વામીશ્રી પૂજામાં વિરાજ્યા. રોજ તો સૌને સન્મુખનાં દર્શન થતાં હતાં, પરંતુ આજે સ્વામીશ્રી પૂર્વમુખે વિરાજ્યા. સન્મુખમાં પાંચ મહાકાય કળશ શોભી રહ્યા હતા.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન ડૉક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, કોઠારી સત્સંગિજીવન સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં કળશપૂજનવિધિનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. શ્રુતિપ્રકાશ સ્વામીએ વેદોક્તવિધિ કરાવી. બરાબર મધ્યમાં મુખ્ય કળશ અને એની આજુ બાજુ માં ૬.૨' ફૂટ ઊંચા ચાર કળશ શોભી રહ્યા હતા. સ્વામીશ્રીની પાર્શ્વભૂમાં યોગીજી મહારાજ સાથે અક્ષરધામનું દૃશ્ય શોભી રહ્યું હતું. વૈદિક મંગલમય ધ્વનિ વચ્ચે સ્વામીશ્રીની નરી દિવ્યતા સર્વત્ર છલકાઈ રહી હતી. સૌનાં હૈયાંમાં અક્ષરધામ કળશપૂજનનાં દર્શનના સુયોગનો અનેરો આનંદ ઊછળી રહ્યો હતો.
ઠાકોરજીના મહાપૂજનવિધિ બાદ કળશ પૂજનનો વિધિ આરંભાયો. સ્વામીશ્રી મધ્ય કળશ આગળ પધાર્યા. સૌથી પહેલાં કળશની નાભિ ઉપર હરિકૃષ્ણ મહારાજને વિરાજમાન કરવામાં આવ્યા. ઈશ્વરચરણ સ્વામીએ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું અને ત્યારબાદ સ્વામીશ્રીને ચાંદલા કરીને નાડાછડી બાંધી. સ્વામીશ્રીએ પણ તેઓને નાડાછડી બાંધીને આશીર્વાદ આપ્યા. પૂજનવિધિનો સંકલ્પ થયા પછી પંચામૃત વડે કળશનું પ્રોક્ષણ કરવામાં આવ્યું. ચારે બાજુ પ્રદક્ષિણા કરતાં કરતાં ગુલાબની પાંખડીઓ વડે સ્વામીશ્રી પ્રોક્ષણ કરી રહ્યા હતા. પંચામૃતના પ્રોક્ષણ પછી પંચગવ્ય વડે કળશનું પ્રોક્ષણ કરવામાં આવ્યું. ત્યારબાદ શુદ્ધ જળ વડે પણ પ્રોક્ષણ થયું. બંને હાથ કળશ ઉપર રાખીને કળશનો પ્રતિષ્ઠાવિધિ થયો. ત્યારબાદ વિરાટ કળશના ત્રણ અંગ મસ્તક, ગ્રીવા અને નાભિ ઉપર વારાફરતી સ્વામીશ્રીએ પાંચ પાંચ ચાંદલા કર્યા અને આજુ બાજુ ના ચારેય કળશનું પણ પૂજન કર્યું. વિધિ દરમ્યાન આ કળશનું પૂજન ડૉક્ટર સ્વામી, વિવેકસાગર સ્વામી, સત્સંગિજીવન સ્વામી તથા આનંદસ્વરૂપ સ્વામી કરતા હતા. ધજાદંડનું પૂજન કરવા માટે શ્રીહરિ સ્વામી ઊભા હતા. છેલ્લે દરેક કળશની સ્વામીશ્રીએ આરતી ઉતારી. આ પૂજનવિધિમાં સ્વામીશ્રીનો ઉમળકો છલકાઈ રહ્યો હતો. કળશ પૂજન પછી ૨૩.૯' ફૂટ લાંબા અને ૪૫૦ કિલોગ્રામ વજન ધરાવતા ધજાદંડ (મેરુદંડ) આગળ સ્વામીશ્રી પધાર્યા. સુવર્ણરસિત ધજાદંડની પાટલીનું પૂજન કર્યા પછી દંડના પ્રત્યેક પર્વનું પણ સ્વામીશ્રીએ નીચા વળી વળીને પૂજન કર્યું.
જયપુરના હનુમાનભાઈએ ઉપસાવેલી કમળપાંદડીઓ તથા આસોપાલવની પાંદડીઓવાળા નાભિ ધરાવતા કુંભ અને સુવર્ણરસિત શ્રીફળ સાથેના આ કળશના નિર્માણ વિધિમાં પુરુષાર્થ કરનાર કોઠારી સત્સંગિજીવન સ્વામી અને સહયોગી કાર્યકરો રમણિકભાઈ સોની, ગોપાલભાઈ સોની અને ભક્તિજીવન સ્વામી વગેરેને પણ સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. એ દરમ્યાન ગુંજી રહ્યું હતું, 'આજે યજ્ઞપુરુષને દ્વાર નોબત વાગે રે લોલ.' ભક્તિગીતના તાલે તાલ દઈ રહેલા હરિભક્તોની સાથે સ્વામીશ્રી પણ કળશ આગળ ઊભા ઊભા તાલીઓ વડે તાલ દઈ રહ્યા હતા અને મુખારવિંદની ભાવોદ્રેકતા તો ઘણું જ કહી રહી હતી. ભક્તિભીના, દિવ્યતાથી સભર, આનંદથી છલકાતા અને રોમ રોમમાં કૃતજ્ઞતા ભાવને જગાડતા વાતાવરણની વચ્ચે અક્ષરધામ કળશ પૂજનવિધિનો કાર્યક્રમ સંપન્ન થયો.
દિલ્હીમાં નિર્માણાધીન અક્ષરધામ, વિશ્વની એક અનુપમ અજાયબી સમું આકર્ષણ બની રહ્યું છે. અક્ષરધામના આ શીર્ષસ્થ થનારા મહાકાય કળશના પૂજનવિધિમાં સાક્ષી બન્યાનો આનંદ સૌનાં હૈયાંમાં સદાયને માટે અંકિત થઈ ગયો.
|
|