|
આણંદમાં પ્રમુખસ્વામી મહારાજનો સત્સંગલાભ
તા. ૧૪ મે, ૨૦૦૫ના રોજ સ્વામીશ્રીએ આણંદમાં પધરામણી કરી હતી. આ શુભ પ્રસંગે લંડન અને અમેરિકાથી આવેલા સંતો, અન્ય સંતો અને હરિભક્તો, એમ. એસ. યુનિવર્સિટીના કુલપતિ મનોજભાઈ સોની, જી.ઈ.બી.ના મેનેજિંગ ડિરેક્ટર જે. સી. મરાઠે તથા એડિશનલ ચીફ એન્જિનિયર મનુભાઈ પટેલ, સારસાના ધારાસભ્યો અને અનેક સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.
વિવિધ મંડળોએ બનાવેલા કલાત્મક હાર અર્પણ કરી વડીલ સંતોએ સ્વામીશ્રીને વધાવ્યા હતા. લંડન અને અમેરિકાથી આવેલા દરેક સંતનું સ્વામીશ્રીએ ગુલછડી આપીને સન્માન કર્યું હતું. આણંદના આંગણે આ અવસરે બાળમંડળે 'વડતાલ ગામ ફૂલવાડીએ...' ગીત પર નૃત્ય રજૂ કરીને ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું.
આણંદના શિખરબદ્ધ સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં હકડેઠઠ ભરાયેલી ભક્તમેદનીને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું કે
''દુર્લભો માનુષો દેહો દેહિનામ્...' આપણને મનુષ્ય દેહ મળ્યો છે, એ બહુ દુર્લભ છે. અબજો કરોડો રૂપિયા આપતાં પણ એ મળે નહીં. અત્યારે રોબોટ બને છે, પણ તેમાં આત્મા નથી. યંત્ર કામ કરે પણ આ શરીરથી થાય એવું ન કરી શકે.' આ હકીકતને ચોટદાર ઉદાહરણ દ્વારા સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું કે 'અમેરિકામાં અબ્રાહમ લિંકનનું પૂતળું બનાવ્યું છે. એમાં તેમનું પ્રવચન એવી કળાથી ગોઠવ્યું છે કે આપણા જેવા માણસ જ લાગે. સોફામાંથી ઊભા થઈ પ્રવચન કરે અને પૂરું થાય એટલે પાછા સોફામાં બેસી જાય. ફરી પાછુ _ બોલવાનું થાય એટલે એ જ પ્રવચન અને એ જ સ્ટાઈલ. એની કિંમત કરોડ ડૉલર ઉપર થઈ હશે! હવે આત્મા વગરનું પૂતળું આવું બનતું હોય, તો પછી જેમાં આત્મા છે, હાલે-ચાલે છે, બોલે છે, ફરે છે, જુએ છે, કેટલું બધું કાર્ય કરે છે! તેની કિંમત કેટલી? આવું યંત્ર ભગવાને ગોઠવી આપ્યું છે, આ શરીર આપ્યું છે તે કેટલી બધી કૃપા છે!'
તા. ૧૫-૫ના રોજ દર્શને પધારેલ વાઈસ ચાન્સેલર શ્રી વાર્ષ્ણેય સાહેબને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા.
|
|