|
'મૂલ્યને સાથે રાખીને આપે શિક્ષણ આપ્યું છે તે પ્રશંસનીય છે.'
તા. ૨૮-૫-૨૦૦૫ના રોજ ભાવનગર ખાતે દાદાસાહેબ જૈન દેરાસરથી મુનિવર્ય મુક્તિવલ્લભ વિજયદાસજી, મેઘવલ્લભ વિજયદાસજી, ઉદયવલ્લભ વિજયદાસજી વગેરે મહારાજ સાહેબો સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે પધાર્યા હતા ત્યારે સ્વામીશ્રી સાથેના વાર્તાલાપમાં તેઓએ જણાવ્યું હતું કે 'મૂલ્યને સાથે રાખીને આપે શિક્ષણ આપ્યું છે તે પ્રશંસનીય છે.'
વાર્તાલાપ દરમ્યાન તેમણે વિશેષમાં કહ્યું હતું કે 'સમાજની સુધારણાનું કાર્ય સંતોના માથે જ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે મોટો પરિશ્રમ માણસને માણસ બનાવવામાં જ જાય છે. મહામાનવની તો વાત જ જુદી છે. આપે એના માટે પણ શિક્ષણ ક્ષેત્રને પસંદ કર્યું એ બહુ જ સારું કર્યું. આજે શિક્ષણનું મૂલ્ય છે, પણ મૂલ્યોનું શિક્ષણ જોવા મળતું નથી. મૂલ્યહીન ડૉક્ટર કે વકીલ સમાજની શી સેવા કરી શકે? આપે મૂલ્યને સાથે રાખીને શિક્ષણ આપવાની શરૂઆત કરી છે એ ખરેખર પ્રસંશનીય છે.'
સ્વામીશ્રીએ જણાવ્યું કે 'આજે કોઈને દેશની અસ્મિતા નથી. ધર્મની તો વાત જ નથી. જાણે માણસ જ નથી એ રીતે લોકો વર્તે છે. જેનાથી પ્રજાની અસ્મિતા જાગે એ જોમ કોઈમાં રહ્યું નથી. ઘરમાં કે શિક્ષણમાં તો એ મળતું જ નથી. પછી આપણી સંસ્કૃતિ અને અસ્મિતા રહે ક્યાંથી ? બધામાંથી પગ લૂલા કરી નાખે પછી એ સમાજ જાય ક્યાં ? વ્યસન અને દૂષણમાં જ ચઢી જાય ને ? આપણામાં પશ્ચિમની અસર ઘણી ઘૂસી ગઈ છે. પાયામાંથી જ પશ્ચિમના સંસ્કારો રેડાય છે. એને કારણે અસ્મિતા રહી નથી. આજે ઘરમંદિરની જગ્યાએ ટી.વી. આવી ગયા છે. એમાં પણ માતાપિતા, છોકરા-છોકરીઓ બધાં જ ભેગાં બેસીને જુએ અને એમાં એટલું અશ્લીલ આવે છે પછી સંસ્કાર ક્યાંથી રહે?'
સંધ્યાસભામાં ખુલ્લા મેદાનમાં વંટોળ જેવો માહોલ હતો. અને ધૂળની ડમરીઓ વચ્ચે પણ પારાયણ યોજાઈ હતી. યુવકોએ 'ચલો ચલે હમ અક્ષરધામ' સંવાદમાંથી શિવાજીનો સંવાદ ભજવ્યો હતો.
|
|