|
ભાવિ પેઢીના માનસમાં ભક્તિનું બીજારોપણ અને સંસ્કારોનું સિંચન કરતા પ્રેરણામૂર્તિ સ્વામીશ્રી
સર્વનું હિત જેમના હૈયે વસેલું છે, એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સતત વિચરણ કરતા રહીને સૌ હરિભક્તોને સત્સંગના દિવ્ય લાભ સાથે વિશિષ્ટ સ્મૃતિઓ આપતા રહે છે. આ રાષ્ટ્ર ને સમગ્ર વિશ્વનું ભાવિ ઉજ્જ્વળ બને તે સારુ આપણી ભાવિ પેઢીના માનસમાં ભક્તિનું બીજારોપણ કરીને સંસ્કારોના પાયાને દૃઢ કરવાનું સ્વામીશ્રી ક્યારેય ચૂકતા નથી. સ્નેહ સાથે શિક્ષણ આપતા સ્વામીશ્રી સૌ યુવાનો માટે પ્રેરણામૂર્તિ છે.
તા. ૩૧ જુલાઈ, ૨૦૦૫ના રોજ બોચાસણ ક્ષેત્રના બાળકો માટે વિશેષ આનંદનો દિવસ હતો. કારણ, બાળકોના પરમસખા પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં પ્રથમ વખત 'બાળદિન' ઊજવાઈ રહ્યો હતો. ઉત્સાહથી થનગનતા બાળકોએ પ્રાતઃકાળે સ્વામીશ્રીનાં ચરણોમાં વંદન કરી, મંગલ કીર્તનોનું ગાન કર્યું હતું.
આજે ૧૧-૦૦ની વાગ્યાની સભામાં 'ઢમ્... ઢમ્... ઢમકે ઢોલ-નગારાં' એ ગીતની કડીઓ સાથે સ્વામીશ્રીને સત્કારીને બાળકોએ 'બાળસખા સૌ આવો રે...' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું હતું. ત્યારબાદ 'સુરાખાચરના નિયમ' નૃત્યનાટિકાની સુંદર રજૂઆત બાળકોએ કરી હતી.
તા. ૧ આૅગસ્ટ, ૨૦૦૫ના રોજ અક્ષરપુરુષોત્તમ છાત્રાલયના ૧૬૦ વિદ્યાર્થીઓ વિવિધ વ્રત-ઉપવાસનાં પારણાં નિમિત્તે બોચાસણ આવ્યા હતા. આ વિદ્યાર્થીઓમાંના ચુનંદા યુવાનોએ સ્વામીશ્રીના સાંનિધ્યમાં અલ્પાહાર દરમ્યાન વિવિધ પ્રકારના સંવાદો દ્વારા પોતાની ભાવનાઓને રજૂ કરી હતી. સ્વામીશ્રીએ સૌ વિદ્યાર્થીઓ પર અનહદ રાજીપો વરસાવ્યો હતો.
તા. ૨ આૅગસ્ટ, ૨૦૦૫ના દિવસે સ્વામીશ્રીનાં દર્શનાર્થે આવેલા યાત્રાધામ વિકાસમંત્રી સી.ડી. પટેલ તથા સમાજકલ્યાણ મંત્રી સુંદરસિંહ ચૌહાણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
|
|