|
૫૮મા સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્રની સર્વોન્મુખી પ્રગતિ અને પરમ વૈભવના શુભાશિષ પાઠવતા સ્વામીશ્રી
૧૫મી આૅગસ્ટ ૨૦૦૫ એટલે આપણો ૫૮મો સ્વાતંત્ર્ય દિન. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બોચાસણ મંદિરના પ્રાંગણમાં સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. ધર્મ અને રાષ્ટ્રભક્તિના સંસ્કારોને દૃઢ બનાવીને આ રાષ્ટ્રને ઉન્નતિના શિખર પર પહોંચાડવા આતુર સૌ બાળકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને સ્વામીશ્રીના અભિવાદન માટે ઊમટી પડ્યા હતા. પ્રાતઃકાળે ઠાકોરજીનાં દર્શન કર્યાં બાદ સ્વામીશ્રી જ્યારે પ્રાંગણના ઉદ્યાનમાં મંચ પર પધાર્યા ત્યારે નડિયાદ સત્સંગ મંડળના યુવકોએ ઘોષવાદન દ્વારા સ્વાગત-પ્રણામ સાથે સ્વામીશ્રીને વિશિષ્ટ રીતે આવકાર્યા હતા. રાષ્ટ્રધ્વજના સ્તંભ પાસે હરિકૃષ્ણ મહારાજ પધરાવવામાં આવ્યા હતા, સામે સ્વામીશ્રી ઊભા હતા અને પ્રાંગણમાં વિદ્યાનગર સ્વામિનારાયણ છાત્રાલયના વિદ્યાર્થીઓ, ગામની શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને હરિભક્તો ઉપસ્થિત હતા.
સ્વામીશ્રીએ દોરી ખેંચીને ત્રિરંગો લહેરાવ્યો ત્યારે હરિકૃષ્ણ મહારાજ પર પુષ્પાભિષેક થયો. રાષ્ટ્રગીતના ગાન બાદ સ્વામીશ્રીએ મંગલ આશીર્વાદ વહાવતાં જણાવ્યું હતું: 'આજે પંદરમી આૅગસ્ટ. ભારત આજે સ્વતંત્ર થયું. ઘણાં વરસોના તપ પછી ભારત સ્વતંત્ર થયું એ ભગવાનની કૃપા ને મહાન સંતપુરુષના આશીર્વાદ ને દેશનેતાઓના પુરુષાર્થ, સમર્પણ તથા ભક્તિ. ગાંધીજી, સરદાર, જવાહર વગેરે નેતાઓને લીધે આપણને સ્વતંત્રતા મળી છે. એ સ્વતંત્રતાને ૫૮ વર્ષ પૂરાં થયાં છે ને ૫૯મું બેઠું છે.
આજે મહારાજને પ્રાર્થના કરીએ કે આવતાં વરસોમાં ભારતનો ખૂબ વિકાસ થાય. ભારતમાં શાંતિ થાય. સદ્ભાવના જાગે. દેશનેતાઓમાં પણ સદ્ભાવના જાગે. દેશનું સંગઠન મજબૂત રહે. ભારતની આજુ બાજુ ના દેશો સાથેના સંબંધો શાંતિપૂર્ણ ને સારા થાય. દુનિયા સાથેના સંબંધો પણ સારા રહે.
ધર્મ એ આપણો પાયો છે. ધર્મ વગરનું જીવન એ જીવન નથી. ધર્મ હશે તો બધું જ આવશે. ધર્મ અને ભક્તિ આવે તો ભગવાન પ્રાપ્ત થાય ને તો જ સુખશાંતિ થાય. આપણને જે સંસ્કૃતિ અને સંસ્કાર મળ્યા છે એને સાચવવાનાં છે. મૂલ્યો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ બધાં શાશ્વત મૂલ્યો છે. આવાં મૂલ્યો અને સંસ્કૃતિ એ આપણું જીવન છે. આપણું જીવન એ મય બને તો સાચી શાંતિ અને સુખ થઈ શકે.'
આજે સવારની સભામાં વિવેકસાગર સ્વામીએ કથાની સમાપ્તિ કર્યા પછી લંડનના કિશોરોએ 'આજે યજ્ઞપુરુષને દ્વાર નોબત વાગે રે લોલ...' એ કીર્તન ઝિલાવ્યું હતું.
સ્વામીશ્રીએ સૌ પર આશીર્વાદ વરસાવતાં કહ્યું હતું: ''યજ્ઞપુરુષને દ્વાર ડંકો વાગે...' એ કીર્તન ગાયું. એ ડંકા એમ ને એમ નથી વાગ્યા. ભગતજી મહારાજ ને શાસ્ત્રીજી મહારાજને માથે ઘણા પાટા પડ્યા છે ને ઘણાં દુઃખ વેઠવાં પડ્યાં છે. યોગીજી મહારાજને પણ દુઃખ વેઠવાં પડ્યાં છે. અક્ષરપુરુષોત્તમની વાત કરવા માટે તે વખતે જીવનું પણ જોખમ. 'ખૂણિયું જ્ઞાન' કહેતા. ભેગા બેસીને બે-પાંચ જણા વાત કરતા હોય તો પાણી ઢોળે, મરચાંની ધૂણી કરે - આવી ઉપાધિઓ હતી. શાસ્ત્રીજી મહારાજને મોટી ચૂલમાં નાખી દેવાની વાત હતી. તેમાં પણ શાસ્ત્રીજી મહારાજ પાછા પડ્યા નથી. સારા કામમાં સો વિઘ્ન! વાત કરવામાં જો આટલું વિઘ્ન હતું પણ દૃઢતા હતી કે જ્ઞાન સાચું છે તો સુખદુઃખ વેઠીને કાર્ય કર્યું! વાતોથી બધાંને સમજાતું ગયું.
આજે પંદરમી આૅગસ્ટ છે. સ્વાતંત્ર્ય દિન છે. ગાંધીજીએ સ્વતંત્રતાનું કામ શરૂ કર્યું ત્યારે થોડાક જ લોકો હતા. અંગ્રેજો વળી કાયદો કરીને પકડી લેતા, પણ એમણે વાત નક્કી કરી હતી તો સ્વરાજ લેવા માટે બધાં કષ્ટ સહન કર્યાં, મરણિયા થયા. ગાંધીજી, બાળગંગાધર ટિળક થઈ ગયા. સરદાર પણ જોડાણા. દુઃખ વેઠ્યું તો ભારત આખું તૈયાર થઈ ગયું. તો આજે સ્વરાજનું ફળ આપણે ચાખીએ છીએ.
ભગવાનની કૃપા ને પુરુષાર્થ આ બે વાત જોઈએ. ભગવાનની કૃપા થાય, જો આપણો સો ટકા પ્રયાસ સાચો હોય તો. ગાંધીજીને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ હતા ને યોગીજી મહારાજ સ્વરાજ મળ્યું ત્યાં સુધી રોજ પચ્ચીસ માળા ફેરવતા. ગાંધીજી નવાગામમાં દાંડીકૂચ પ્રસંગે શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજને મળ્યા હતા. આ ઐતિહાસિક વાત છે, પણ એની નોંધ ઓછી લેવાય, પરંતુ આવા પુરુષના આશીર્વાદને લીધે સફળતા મળી છે, તેમ આપણું કાર્ય થયું છે.
ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજનો અપાર મહિમા પ્રવર્તાવ્યો કે મહારાજ મહારાજ સર્વોપરિ છે, સર્વ અવતારના અવતારી છે, એ ગુણાતીત વાતોના પડછંદા શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજે ઝીલ્યા અને આ અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન સાચું છે તે વાત દૃઢ કરાવ્યું. શાસ્ત્રીજી મહારાજે શૂરવીર ભક્તો તૈયાર કર્યા. જેમ દેશ નેતાઓએ બલિદાનો આપ્યાં તેમ અક્ષરપુરુષોત્તમના જ્ઞાન માટે બલિદાનો આપ્યાં છે. ભગવાન સ્વામિનારાયણ કાર્ય કરવા આવ્યા હતા, ત્યારે લોકો વિરોધ કરતા. બાબરો ભૂત વશ કર્યો છે વગેરે વાતો કરતા. સંતોને માર્યા છતાં મહારાજ જે કાર્ય કરવા આવ્યા હતા તે કાર્ય સર્વોપરિ થઈ ગયું ને પોતાની મૂર્તિ પણ વડતાલમાં પોતાના હાથે પધરાવી દીધી. ભગવાનનું કાર્ય અટક્યું નથી. સાચું કાર્ય અટકતું નથી. એમાં વિઘ્ન આવે પણ શૂરવીર થાય તો સફળતા મળે છે.'
આજે આણંદથી ૩૨ તપસ્વી કિશોરો આવ્યા હતા. આમાંના ચાર કિશોરોએ મહિનાના પ્રવાહી-ઉપવાસ અને ૨૮ કિશોરોએ ધારણાં-પારણાં કર્યાં હતાં. આ સૌને પારણાં કરાવીને સ્વામીશ્રીએ રાજીપો વરસાવ્યો હતો. આ ઉપરાંત ÷કેટલાંક યુવકોએ ૧૦૮ કલાકના ઉપવાસ કર્યા હતા. સ્વામીશ્રીએ તેને પારણાં કરાવીને રાજીપો વરસાવ્યો હતો. ઉપરાંત કેટલીક મહિલાઓએ પણ ૧૦૮ કલાકના ઉપવાસ કર્યા હતા.
તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૦૫ના રોજ બોચાસણના તળ ગામમાં પારાયણનો પ્રારંભ થયો હતો. દર શ્રાવણ મહિનામાં ગામ તરફથી પારાયણનું આયોજન થાય છે, જેમાં ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા હરિભક્તો રોજ લાભ લે છે. સંતોના પ્રેમ અને વિશિષ્ટ પ્રયત્નોના લીધે આ શક્ય બન્યું છે. સાંજની સભામાં પધારીને સ્વામીશ્રીએ સૌને વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા.
સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યનો એ પ્રભાવ હતો.
|
|