|
સંસ્કાર વિનાનો માણસ પથ્થરતુલ્ય છે : ગ્રામ્યદિને સ્વામીશ્રીના ઉદ્ગાર
દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાનાં ગામડાંઓનાં સેંકડો સત્સંગમંડળોએ સ્વામીશ્રીના સાંનિધ્યમાં ગ્રામ્યદિન ઊજવીને તા. ૨-૧-૨૦૦૬ના રોજ વિશેષ ભક્તિ અદા કરી હતી.
આજે સવારે યોજાયેલી ગ્રામ્યસભામાં પ્રારંભમાં પ્રસંગોચિત પ્રવચનો બાદ યોગવીર સ્વામી લિખિત સંવાદ 'એ ધૂળનાં ધન્ય ભાગ્ય'ની રજૂઆત થઈ. મંચ પર વૃક્ષો, વનવેલીઓથી શોભતી ગામની સીમમાં જાણે વિશાળ કદનો ચાકડો ઘૂમી રહ્યો હતો. જમણી બાજુ એ એક કુંભાર માટીને ગૂંદીને માટલાં બનાવી રહ્યો હતો. ધૂળ અને માટીને કસોટીના ચાકડા ઉપર ચડાવીને સુંદર કુંભનું ઘડતર કરાય છે, એમ સ્વામીશ્રી જેવા મહાપુરુષ સમાજમાં ધૂળ જેવા પામર જીવોને વ્યસન, વહેમ અને વિષયોમાંથી મુક્ત કરીને અમૃતકુંભ બનાવી દે છે. આ કેન્દ્રવર્તી વિચાર સાથે કાર્યક્રમ પ્રસ્તુત થયો હતો. ત્યારપછી નિર્દેશક પ્રભાતસિંહ ભાઈએ અમૃતકુંભ અર્પણ કર્યો. આ કુંભમાં અત્યાર સુધી જેટલાનાં જીવનપરિવર્તન થયાં હતાં એની નામાવલીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વળી, સ્વામીશ્રી પાસે એક તગારું ધૂળ પણ પ્રસાદીની કરવામાં આવી. આ ધૂળ જે જે ગામોમાં સત્સંગ હતો તે તે ગામોના હરિભક્તોને મોકલવામાં આવી. આ રીતે પ્રત્યેક ગામમાં સ્વામીશ્રીએ વિશિષ્ટ પધરામણી કરી. છેલ્લે ગ્રામ્ય વિસ્તારના કિશોરો યુવકોએ 'હમ હૈ ભારત કે જવાન....' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું.
આ પ્રસંગે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા કેટલાક મહાનુભાવો- બાબુભાઈ (સાયણ સુગર ફેક્ટરીના ચૅરમૅન તથા ગુજરાત કોટન ફેડરેશનના પ્રમુખ), કમલેશભાઈ પટેલ (મીઠાના-અગરના અગ્રણી ઉદ્યોગપતિ), કરસનભાઈ (દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ), છીતુભાઈ (સાયણ સુગર ફેક્ટરીના ડિરેક્ટર) વગેરેએ પણ સ્વામીશ્રીનું બહુમાન કર્યું. ભક્તિપ્રકાશ સ્વામીએ આજના પ્રસંગને અનુરૂપ ભાવાંજલિ અર્પણ કરી.
અંતે આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, ''સંતના વચનમાં વિશ્વાસ આવે તો જીવનઘડતર થાય છે. જ્યાં સુધી જીવનઘડતર ન થાય, ત્યાં સુધી આપણું સ્વરૂપ ઓળખાય નહીં. પથ્થરને સલાટ ઘડીને મૂર્તિ બનાવે ને એ ભગવાન સર્વને દર્શનીય બની જાય છે. તેમ સંસ્કાર વિનાનો માણસ પથ્થર જેવો છે, તે સંસ્કારથી મૂર્તિ જેવા બની જાય છે. આપ બધાને સત્સંગનો રંગ લાગ્યો છે તો ધન્યવાદ છે. દારૂ પીવો, માંસાહાર કરવો એ જ જીવન હતું, પણસંસ્કાર મળ્યા તો ઘર સારાં થયાં, નોકરી કરતા થઈ ગયા, ખેતીવાડી તથા વેપાર કરવા મંડ્યા, છોકરા ભણતા થયા. કેટલો ફેર પડી ગયો !
આ મંદિરથી આપ બધાને લાભ મળ્યો છે. સત્સંગ, ધર્મરૂપી ભગવાનની સંપત્તિ મળી છે. આવી સંપત્તિની લહાણી કરવી જોઈએ. બીજાને પણ ધીરે ધીરે વાત કરશો તો આપનું પરિવર્તન થયું છે, તેમ એનું પણથશે. તેમાંથી સારો સુંદર સમાજ તૈયાર થશે. હવે જીવનમાં વ્યસન-દૂષણ, ચોરી ન થાય. સવારે નાહી-ધોઈ પૂજાપાઠ કરી પ્રામાણિકતાથી કામ કરવું. આ ધર્મ સ્વીકાર્યો છે તો ધર્મનું પણ ગૌરવ સચવાવું જોઈએ. આપણા આચાર-વિચાર જોઈને બીજાને સત્સંગ થઈ જાય. ભગવાનને પ્રાર્થના કરવી કે અમને એવી સદ્બુદ્ધિ આપો કે કુટુંબ, સમાજ, દેશની સેવા કરી શકીએ ને મોક્ષ થાય. આ સત્સંગ ચિંતામણી છે. બ્રહ્મરૂપ પણ થઈ જવાય છે એવો લાભ છે. આ સત્સંગ સાચવજો ને બીજાને પણ સત્સંગ કરાવજો.''
આજે ૧૨૦૦ પદયાત્રીઓ પદયાત્રા કરીને સ્વામીશ્રીનો લાભ લેવા માટે આવ્યા હતા. ૧૮૦ હરિભક્તો એવા હતા કે જેઓએ ૮૫ કલાકના ઉપવાસ કર્યાહતા. સૌને સ્વામીશ્રીના આશીર્વાદ મળ્યા. આજના પ્રસંગે છેલ્લે સ્વામીશ્રીએ 'નારાયણ હરે ! સચ્ચિદાનંદ પ્રભો....!' ની આહ્લેક જગાવીને પ્રતીક ઉત્તરાયણ ઝોળીપર્વનો લાભ આપ્યો હતો.
|
|