|
સુરતમાં પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં પ્રતીક ઉત્તરાયણ પર્વ
તા. ૮-૧-૨૦૦૬ના રોજ સ્વામીશ્રીના સાંનિધ્યમાં સુરત ખાતે હજારો હરિભક્તોએ પ્રતીક ઉત્તરાયણપર્વનો ઉત્સવ ખૂબ ઉમંગપૂર્વર્ક માણ્યો હતો. સુરત એટલે પતંગ ઉત્સવ માટેનું આગવું શહેર. આજે સવારથી ઉત્તરાયણનો માહોલ રચાયો હતો. પ્રાતઃપૂજામાં સંતો, યુવકોએ આજના દિવસને અનુરૂપ કીર્તનો ગાયાં. પૂજાની સાથે સાથે સ્વામીશ્રીએ નજીકના પાંડેસરા ગામના સંસ્કારધામના સભામંડપની મૂર્તિઓનું પૂજન કર્યું.
સાંજે યોજાયેલા આ પ્રતીક ઝોળી મહાપર્વમાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે ઉતારાથી સભાગૃહ વચ્ચે રસ્તામાં પણ માનવ પ્રવાહ ખાળવો મુશ્કેલ હતો. ૩૫,૦૦૦થી વધારે હરિભક્તોથી સભાગૃહ છલકાઈ ગયો હતો. સ્વામીશ્રીના આસનની પાછળના બંને થાંભલા ઉપર ગામડાંઓમાંથી આવેલી ઊંચી ઊંચી શેરડીના સાંઠાઓનો શણગાર શોભી રહ્યો હતો. મંચની પિછવાઈ પર ઝળહળતી પતંગ શોભી રહી હતી ને એ પતંગમાં સ્વામીશ્રીના હસ્તાક્ષરોમાં 'સ્વામિનારાયણ હરે... ! સચ્ચિદાનંદ પ્રભો !' આહ્લેક શોભી રહી હતી. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન પછી 'સોણો અવસર આવ્યો આજ...' એ ભક્તિગીતના આધારે યુવકોએ નૃત્ય રજૂ કર્યું.
સ્વામીશ્રીએ આસન પરથી ઊભા થઈને બંને ખભે ઝોળીઓ લટકાવી આશીર્વાદનો પ્રારંભ કર્યોઃ ''આજે મકરસંક્રાંતિનો પ્રતીક ઉત્સવ અહીં ઊજવી રહ્યા છીએ. આજના દિવસે તીર્થોમાં, મંદિરોમાં જે કંઈકરીએ એનું ફળ અનંતગણું શાસ્ïïત્રોમાં કહ્યું છે. આ ઉત્સવ ભગવાન શ્રીજીમહારાજ પણ ઊજવતા અને સંતોને આજ્ઞા હતી કે તમારે ઝોળી માગવી ને જે કંઈ આવે એમાં ઉત્સવો થાય, ઠાકોરજી માટે વપરાય. સ્વામિનારાયણ ભગવાનનો નિયમ જ છે કે એકલા સંત કોઈ જઈ જ ન શકે, બે જ જાય, વધારે પણ જાય અને ત્યાં ઝોળીમાં જે મળે તેમાંથી રસોઈકરી જમતા. મોટા નંદ સંતોએ પણ ઝોળી માગી છે. આ બોચાસણ સંસ્થા ઝોળી ઉપર જ ઊભી થયેલી છે. શાસ્ïત્રીજી મહારાજ ગામડે ગામડે જઈ ઝોળી માગે. મંદિરનું કામકાજ ચાલે. કડિયા-મજૂરના રોટલા નીકળે. એ સમયે ઝોળી ઉપર કામ ચાલતું અને અત્યારે હજારો હરિભક્તો પોતાનું સમર્પણ કરે છે.
સુરત સત્સંગ મંડળ તો ઉદાર ભાવવાળું કહેવાય. જમવામાં અને જમાડવામાં પણકોઈખામી રાખે નહીં, એવું પ્રેમી છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના વખતમાં પણ સૌએ ઉદારતાથી સેવા આપી છે. યોગીજી મહારાજ ભેગો હું આવેલો છુ _ ને જોયેલું છે કે સૌ કેવા ઉદાર છે! આજે પણ સૌના પર ભગવાનની મહેર છે, વિશેષ મહેર થાય, ભગવાનનાં ચરણે તમારી સેવા આવશે ને ભગવાન રાજી થશે, ભગવાન સુખિયા કરે, ભગવાન માટે સેવા કરીએ છીએ તો ભગવાન શક્તિ આપે એ જ પ્રાર્થના.''
આ આશીર્વાદ સાથે સ્વામીશ્રીએ સત્સંગની ઝોળી માગવાની રીતનું વિવરણ કરીને આંખો મીંચીને પોતે ગામડે આહ્લેક જગાવતા હોય એમ 'સ્વામિ-નારાયણ હરે! સચ્ચિદાનંદ પ્રભો !'ની જોરદાર આહ્લેક જગાવી. સભામાં બેઠેલા સૌ આનંદિત થઈ તાળીઓ પાડી ઊઠ્યા. ૮૫ વર્ષની ઉંમરે ઊભાં ઊભાં હાફતાં હાફતાં ઉમળકાભેર સૌને આશીર્વાદ આપી રહેલા સ્વામીશ્રીની કરુણામાં સ્નાન કરી રહેલા મોટા ભાગના પુરુષ અને મહિલા હરિભક્તોની આંખોમાં આંસુ હતાં. સૌ સ્વામીશ્રીના અનંત ૠણની સ્મૃતિ સાથે ભાવવિભોર હતા.
આહ્લેક બાદ સ્વામીશ્રીના ખોળામાં ઝોળી ફેલાવવામાં આવી. વિશેષ સેવા કરનારા દાતાઓએ સ્વામીશ્રીની ઝોળીમાં દાનના સંકલ્પપત્રો અર્પણ કર્યા. ત્યારપછી યથાશક્તિ દાનના સંકલ્પપત્રો અર્પણ કરવા માટે મહેરામણ ઊમટી પડ્યો. સૌને ઘારીનો પ્રસાદ આપવામાં આવ્યો. છેલ્લી વ્યક્તિએ ઝોળીમાં પોતાનું દાન અર્પણ કર્યું ત્યાં સુધી સ્વામીશ્રી આસન ઉપર વિરાજમાન રહ્યા. ભગવાન સ્વામિનારાયણના વખતથી સુરતના પ્રેમ અને સમર્પણની જે પરંપરા ચાલુ હતી તેનાં આજે વિશેષ દર્શન થયાં.
|
|