|
મહાનગરી મુંબઈમાં સ્વામીશ્રીનું ભવ્ય સ્વાગત
મહાનગરી મુંબઈ ખાતે તા. ૧૨-૧-૨૦૦૬ના રોજ પ્રમુખસ્વામી મહારાજના આગમન સમયે હજારો હરિભક્તોએ પરંપરાગત ભવ્ય સ્વાગત કરીને ભાવપુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સ્વામીશ્રી અહીં પધાર્યા ત્યારે 'સ્વાગતમ્'ના બોર્ડ સાથે કેળના સ્તંભ લઈને ગુરુકુળમાં ભણી રહેલા બાળકોના પરિવેષમાં સજ્જ બાળકોએ શાંતિપાઠનું ગાન કર્યું. પેશવાઈ મરાઠી ડ્રેસમાં સજ્જ યુવકોએ શંખવાદન તેમજ તૂતારી ફૂંકીને સૌએ મહારાષ્ટ્રીય રસમ મુજબ સ્વામીશ્રીને સત્કાર્યા. હનુમાનજી-ગણપતિજી આગળના ખંડમાં નાડાછડીનો એક પડદો રચવામાં આવ્યો હતો. એની વચ્ચે સ્વામીશ્રી પસાર થયા ત્યારે બાળકોએ 'કંકણ બંધનમ્'ના શ્લોકોનું ગાન કર્યું. સભામંડપ સુધી ચાલતા જઈ રહેલા સ્વામીશ્રીને વચ્ચે વચ્ચે મહાપૂજાના ક્રમ પ્રમાણેના વિધિ વડે સત્કારવામાં આવ્યા. યોગીસભા મંડપમ્ના પ્રવેશદ્વાર આગળ દીપમાળ ઝળહળી રહી હતી. દીપ અને આરતીના શ્લોક વડે અભિવાદન થયા પછી પુષ્પાંજલિ વડે સ્વામીશ્રીનો સત્કાર કરવામાં આવ્યો.
દિલ્હી અક્ષરધામના સર્જક સ્વામીશ્રીને સત્કારવા ઊમટેલા હજારો ભક્તોની મેદનીથી યોગી સભાગૃહ છલકાતો હતો. મંચ પર સ્વામીશ્રીના પ્રવેશ સાથે અક્ષરધામના પરિપ્રેક્ષ્યને પાર્શ્વભૂમાં ઘૂંટતા જતા એક પછી એક કાર્યક્રમોનો પ્રારંભ થયો. તાળીઓ તથા જયનાદો વચ્ચે પિરામિડરૂપે ગોઠવાયેલા બાળકોએ અક્ષરધામની રેખાકૃતિ રચીને સ્વાગતના કેન્દ્રવર્તી વિચારને પ્રતીકાત્મક રીતે રજૂ કર્યો. સ્વામીશ્રીના આસનની પાછળ અક્ષરધામની પાર્શ્વભૂ શોભી રહી હતી. આજુબાજુ માં તપ કરી રહેલા નીલકંઠનું ચિત્ર પણ શોભી રહ્યું હતું. પંચમહાભૂતો દ્વારા સ્વાગતનો અંશ પ્રસ્તુત થયો. ત્યારબાદ અક્ષરધામમાં સ્થાન પામેલા દેવતાઓ, ૠષિઓ તેમજ વૈજ્ઞાનિકોએ વારાફરતી આવીને સ્વામીશ્રીનો આભાર માન્યો. દિગંતમાં ડંકા વાગ્યા અને બ્રહ્માંડના વેષમાં આવેલા મૂર્તિમાન બ્રહ્માંડોએ સ્વામીશ્રીનું અભિવાદન કર્યું.
'ઢોલીડાની દાંડીને સંગ સંગ સાત સૂરે શરણાઈ બજાવો.....' એ ગીતના આધારે બાળકો, યુવકોએ નૃત્ય રજૂ કર્યું. સંસ્કૃતિવિહાર પ્રદર્શનમાં રજૂ કરાયેલા ૠષિમુનિઓએ પણ સ્વામીશ્રીનું વિશિષ્ટ અભિવાદન કર્યું અને ત્યારબાદ અક્ષરધામનાં દર્શન માટે ગામોગામથી ઊમટતા હરિભક્તોના ઉદ્ગારો રજૂ થયા. અક્ષરધામના સર્જક સ્વામીશ્રીને તેમણે બિરદાવ્યા. યુવકોએ 'મારા કૂબામાં હાથી પેઠો મારા ભાઈ....' એ ગીતના આધારે સગરામ વાઘરીના પરિવેશમાં સજ્જ યુવકોએ નૃત્ય રજૂ કર્યું, આ ગીતના ગાયક અને પ્રસિદ્ધ સંગીતકાર દિલીપભાઈ ધોળકિયા અને અન્ય હરિભક્તોએ નૃત્યને અનુરૂપ પરિવેશમાં આવીને સ્વામીશ્રીને વધાવ્યા. અન્ય અગ્રેસર હરિભક્તોએ પણ વચ્ચે વચ્ચે આવીને સ્વામીશ્રીને વધાવ્યા. સૌ વતી કોઠારી ભક્તિપ્રિય સ્વામી, મુંબઈના ઉપમેયર દિલીપભાઈ પટેલ તથા ટ્રસ્ટી ભાનુભાઈ પટેલ વગેરેએ પુષ્પહારથી સ્વામીશ્રીને સત્કાર્યા.
ઉપમેયર દિલીપભાઈએ પ્રાસંગિક વક્તવ્ય આપતાં જણાવ્યું, 'મારા જીવનમાં અનેક પ્રસંગો આવ્યા છે, પણ આટલો રોમાંચક પ્રસંગ ક્યારેય અનુભવ્યો નથી. દિલ્હી અક્ષરધામ દુનિયાએ નિહાળ્યું છે. વિદેશમાં કોઈ જશે તો ત્યાંના લોકો કહેશે કે તમે અક્ષરધામના દેશના વતની છો? એવું એક અદ્ભુત સર્જન પ્રમુખસ્વામીએ કર્યું છે.' અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું: ''જે કંઈકાર્યથયું છે, દિલ્હી કે જ્યાં પણ કાંઈ થાય છે એ ભગવાનની ઇચ્છાથી થાય છે. એટલે જે કંઈ સ્વાગત કરીએ એ એમનું છે. એમની અગાધ શક્તિ છે, એમનો અગાધ મહિમા છે. અક્ષરધામ એ ભગવાનનું કાર્ય છે, એ ભગવાને કર્યું છે. એમના સિવાય આપણે કોઈ કાંઈ કરી શકીએ એમ નથી. એટલે ભગવાન થકી જ આપણી મોટપ છે. જે કાંઈ કાર્ય કરીએ છીએ એ એમની પ્રેરણાથી, દૃષ્ટિથી, આશીર્વાદથી થાય છે. આપણે જાણીએ કે મેં કર્યું છે, પણ મિથ્યા છે, થઈ શકે એમ જ નથી. નાનું કે મોટું થાય છે, જે કંઈ થાય છે એ એમની દૃષ્ટિથી થાય છે. એ મહાનતાને સમજવા પ્રયત્ન કરીએ તોય સમજાતો નથી. એ ભગવાન જ્યારે કૃપા કરીને પૃથ્વી પર આવે ને એમનો સંબંધ થાય ત્યારે મોક્ષ થાયછે. કીડીને હાથીનો મેળાપ ક્યાંથી થાય ? હાથીના પગ નીચે કેટલી કીડીઓ કચડાઈજાય, પણ જ્યારે ભગવાનની દયા થાય કે મારે જીવોને દર્શન આપી એમનું કલ્યાણ કરવુંછે, ત્યારે કલ્યાણથાય. પૃથ્વી પર આવવાનું બીજું કારણ નથી.''
આ દબદબાભર્યા સ્વાગત સમારોહમાં સ્વામીશ્રીએ સૌને ભગવાનના દિવ્ય મહિમાના મહાસાગરમાં ઝબોળીને ધન્ય કરી દીધા.
તા. ૧૩-૧-૨૦૦૬ના રોજ સંધ્યા સત્સંગસભામાં ગુણાતીત દીક્ષાપર્વનો ઉત્સવ યોજાયો હતો. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક ઉદ્બોધન બાદ ગુણાતીતાનંદ સ્વામીએ કરેલા વાલેરા વરુના પરિવર્તનનો સંવાદ રજૂ થયો. પ્રણવતીર્થ સ્વામીના પ્રાસંગિક કીર્તનગાન પછી પસ્તીમાંથી ભેગા કરીને સ્વામિનારાયણ પ્રકાશના અંકોને ગ્રંથસ્થ કરવાની મમત્વભરી સેવા કરવા બદલ સ્વામીશ્રીએ યજ્ઞસ્વરૂપ સ્વામી તથા મોહનભાઈ ભાનુશાળીને આશીર્વાદ આપ્યા.
છેલ્લે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, ''સેવા, ભક્તિ બધું કરીએ છીએ, પણ નિષ્ઠાની એક કચાશ રહી જાય છે. મહારાજ સર્વોપરિ છે, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે. બ્રહ્મરૂપ થવાનું છે, એ સમજણ એવા સત્પુરુષ મળે તો દૃઢ કરાવે. મહારાજનો આશરો રાખવો, મંત્ર-તંત્ર-જંત્રનો આશરો નહીં. કલ્યાણ માટે તો ભગવાન સ્વામિનારાયણનો આશરો, એક આધાર રાખવો. બીજા આધાર રાખવાની જરૂર નથી. સ્થિર મતિ રાખીશું તો રક્ષા કરશે.''
|
|