|
મુંબઈમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં વિશિષ્ટ કાર્યક્રમો
મુંબઈમાં સ્વામીશ્રીના સાંનિધ્યમાં નિત્ય પ્રાતઃપૂજા અને સંધ્યા સત્સંગસભામાં વિશિષ્ટ કાર્યક્રમો યોજાયા હતા. આ સમારંભોમાં પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ જોડાયા હતા. તેની એક ઝલક પ્રસ્તુત છે.
- તા. ૧૬-૧-૨૦૦૬ના રોજ યોગીસભાગૃહમાં મહારાષ્ટ્રના બાર્શી ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનું ઈંટોનું પૂજન કરીને સ્વામીશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. બાર્શીના ભરતભાઈ ઠક્કર, રામાનુજભાઈ પુરોહિત, મહેન્દ્રભાઈ ઠક્કર, દિલીપભાઈ શીંદે, શંકરરાવ ગાનેને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા.
- આજે સમૂહ વર્તમાનવિધિ રાખવામાં આવ્યો હતો. ૧૫૦ મુમુક્ષુઓને સ્વામીશ્રીએ 'કાળમાયા પાપકર્મ...' એ મંત્ર બોલાવ્યો અને સમૂહ વર્તમાન ધરાવ્યાં.
- તા. ૧૭-૧-૨૦૦૬ના રોજ મઝગાંવ સત્સંગમંડળને ૨૫ વર્ષ પૂરાં થઈરહ્યાં હતાં. એ નિમિત્તે સાયંસભામાં રજતવર્ષની ઉજવણીના ભાગરૂપે હરિકૃષ્ણ મહારાજના ષોડશોપચાર પૂજનનું આયોજન જુદા જુદા બાર હરિભક્તો તરફથી કરવામાં આવ્યું હતું. વાલકેશ્વરના ચંદુભાઈ તથા પાલનપુર ગઢના વતની રઘાભાઈ પટેલ અને પરિવારજનો તરફથી પણ હરિકૃષ્ણ મહારાજનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું. પ્રીતમપ્રસાદ સ્વામીએ મઝ ગાંવ મંડળની વિશેષતા અને સત્સંગના ઇતિહાસથી સૌને માહિતગાર કર્યા હતા.
- તા. ૧૮-૧-૨૦૦૬ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં જાણીતા ગાયક મનહર ઉધાસે કીર્તનો ગાઈને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. આજે રમણરેતી ગોકુળમાં આવેલા 'ઉદાસીન કાર્ષ્ણેય આશ્રમ'ના ધર્માચાર્ય અને સંસ્કૃતના પ્રકાંડ પંડિત સ્વામી ગુરુશરણાનંદજી સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે આવ્યા હતા. મહારાષ્ટ્રના ઊર્જા અને ઉચ્ચ શિક્ષણના કેબિનેટ મંત્રી દિલીપ પાટીલ પણ દર્શને આવ્યા હતા.
આજે સંધ્યા સભામાં સત્સંગ શિક્ષણ પરીક્ષાના અનુસંધાનમાં જ્ઞાનદિન ઊજવાયો હતો. યુવકમંડળે સંવાદ 'કરો કંકુના' રજૂ કર્યા બાદ સ્વામીશ્રીએ સત્સંગ શિક્ષણ પરીક્ષાના પારિતોષિક વિજેતાઓને મેડલ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મીરાં રોડના વિધાનસભ્ય મુઝફ્ફર હુસેને સ્વામીશ્રીએ આશીર્વાદ મેળવ્યા. મીરાં રોડમાં ઘણા માર્ગોનાં નામ સ્વામિનારાયણ માર્ગ, ઘનશ્યામ માર્ગ, પ્રમુખસ્વામી ચોક વગેરે પાડવામાં તેઓનો ખૂબ જ ફાળો છે.
- તા. ૧૯-૧-૨૦૦૬ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં જાણીતા ગાયક પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયે કીર્તનો ગાઈને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.
- તા. ૨૦-૧-૨૦૦૬ના રોજ મુંબઈ બી.એ.પી.એસ. યુવક મંડળના યુવકોએ સવાદ્ય કીર્તનો ગાઈને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા.
- તા. ૨૧-૧-૨૦૦૬ના રોજ પ્રાતઃપૂજામાં વિખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત અજય પોહાનકરે શાસ્ત્રીય શૈલીમાં ભજનો ગાયાં હતાં. તબલાવાદનમાં પંડિત બાલકૃષ્ણે સંગત આપી હતી. સાંજે ધોરણ ૧૦,૧૨ના વિદ્યાર્થીઓ ઉપર સ્વામીશ્રીએ પુષ્પવૃષ્ટિ કરીને સ્વામીશ્રીએ ઉજ્જ્વળ કારકિર્દી માટે આશીર્વાદ આપ્યા હતા.
- તા. ૨૨-૧-૨૦૦૬ના રોજ પ્રાતઃપૂજા પછી દુબઈ ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની નવી મૂર્તિઓનું સ્વામીશ્રીએ પ્રતિષ્ઠા-પૂજન કર્યું હતું.
- તા. ૨૩-૧-૨૦૦૬ના રોજ સ્વામીશ્રીના હસ્તે મહાનગર મુંબઈના ઉપનગર દહાણુ રોડ મંદિરનો ખાતવિધિ થયો હતો. દહાણુ પાસેના બોરડી ગામે મારવાડી શેઠને ત્યાં શાસ્ત્રીજી મહારાજ રહ્યા હતા. દહાણુમાં શ્રી તન્નાના ઘરે શાસ્ત્રીજી મહારાજે પધરામણી કરી હતી
- તા.૨૪-૧-૨૦૦૬ના રોજ પ્રાતઃપૂજા દરમ્યાન વિખ્યાત ઉદ્યોગપતિ ને વિખ્યાત ગુજરાતી સિતારવાદક અરવિંદભાઈ પરીખે આહીર ભૈરવની ગત પેશ કરી સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. આજે સાયંસભામાં બાળકો તથા યુવકોએ કીર્તન આરાધના રજૂ કરી હતી.
- તા. ૨૯-૧-૨૦૦૬ના રોજ પ્રાતઃપૂજામાં જાણીતા ગાયક કુમાર ચેટરજીએ ભજનો ગાઈને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. આજે સમૂહ વર્તમાનવિધિમાં સવાસોથી વધુ બાળકો તથા હરિભક્તોને વર્તમાન ધરાવી મહારાજના આશ્રિત કર્યા. સ્વામીશ્રીએ વર્તમાનમંત્ર બોલાવ્યા પછી આશીર્વાદના બે શબ્દો કહેતાં કહ્યું, 'બધા બાળકો ખરેખરા ભક્ત થાય, ભણીગણીને માબાપની સેવા કરે એ આશીર્વાદ છે.'
- તા. ૨૯-૧-૨૦૦૬ના રોજ સંધ્યા સભામાં પ્રતીક વસંતપંચમીનો ઉત્સવ સૌએ માણ્યો હતો. નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શિક્ષાપત્રી વગેરે વિષયક સંતોનાં પ્રવચનો શાસ્ત્રીજી મહારાજની ફિલ્મ દેખાડવામાં આવી હતી. શ્રીહરિ સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વ ઉપર પ્રકાશ પાડ્યો. શોભિતસ્વરૂપ સ્વામીએ 'આજે યજ્ઞપુરુષને દ્વાર' એ કીર્તન ગાયું. આ કીર્તનના તાલે તાલે યુવકોએ નૃત્ય પણ રજૂ કર્યું. કીર્તનના તાલે ઝાંઝવગાડતાં વગાડતાં સ્વામીશ્રીએ સૌને સ્મૃતિ આપી. હરિભૂષણ સ્વામીએ મરાઠી ભાષામાં ભાષાંતરિત કરેલા સત્સંગ શિક્ષણ પરીક્ષાના બે પુસ્તકો 'સહજાનંદ ચરિત્ર' અને 'કિશોર સત્સંગ પ્રવેશ'નું ઉદ્ઘાટન સ્વામીશ્રીએ કર્યું હતું.
|
|