|
પ્રજાસત્તાક દિને મુંબઈમાં સ્વામીશ્રી સમક્ષ ઉજવાયો બાળદિન
તા. ૨૬-૧-૨૦૦૬ના રોજ મુંબઈ ખાતે સ્વામીશ્રીના સાંનિધ્યમાં ત્રણ ત્રણ ભાવપ્રવાહો સમાંતરે વહી રહ્યા હતા. એક યોગીજી મહારાજ અંતર્ધાન દિન નિમિત્તે યોગીજી મહારાજની સ્મૃતિ, બીજું યોગીજી મહારાજને વહાલા બાળકોનો દિવસ અને ત્રીજું, ભારતનો પ્રજાસત્તાક દિન. આ ત્રણેય ઉત્સવ પ્રવાહોના સંમિશ્રણથી વહેતી ત્રિવેણીથી આજનો સમગ્ર દિવસ ઉત્સવમય બની રહ્યો. પ્રાતઃકાળે સ્વામીશ્રીએ યોગીજી મહારાજના પ્રાસાદિક સ્મૃતિસ્થાને પુષ્પાંજલિ અર્પણ કરીને વિશ્વશાંતિની પ્રાર્થના કરી. આજે પ્રજાસત્તાક દિનને અનુરૂપ ઠાકોરજીના શણગારમાં ત્રિરંગો શોભી રહ્યો હતો. ઠાકોરજીનાં દર્શન કરીને યોગી સભાગૃહમાં પ્રાતઃપૂજા-મંચ સુધી બંને બાજુ એ કૂચ કરી રહેલા બાળકો સ્વામીશ્રીને દોરી ગયા. અસ્મિતામય વાતાવરણમાં બાળકોએ વારાફરતી કીર્તનો ગાઈ સ્વામીશ્રીને પ્રસન્ન કર્યા.
પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ હજારો ભક્તોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીતના ગાન સાથે ધ્વજવંદન કર્યું. બાળદિન નિમિત્તે આજે સ્વામીશ્રીનાં દર્શને આવેલા નિશોક અને નિશાંત નામના પાંચ વર્ષના બે બાળકોને સ્વામીશ્રીએ ખૂબ આશીર્વાદ આપ્યા. માત્ર પાંચ વર્ષની ઉંમરે સમુદ્રમાં ૩૬ કિલોમીટર જેટલું તરીને આ બાળકોએ એક વિક્રમ રચ્યો છે.
આજે સંધ્યા સત્સંગસભામાં બાળદિનનો ગુલાલ છવાયો હતો. બાળકોએ 'મંગલ સહજાનંદ ચરણરજ....' એ નૃત્ય રજૂ કર્યું, અને 'એવો તારો સ્નેહ છે અમિત...' એ મધ્યવર્તી વિચાર સાથે સંવાદ રજૂ થયો. હિરેન દવે અને નિકુંજ લિખિત આ સંવાદ અંતર્ગત 'સર્જાય છે સ્નેહ એના સાથમાં....' ગીત ગુંજી ઊઠ્યું. ગીતમાં આવતા સ્વામીશ્રીના સાચા સ્નેહીની ભાવનાઓને પ્રસ્તુત કરતા શબ્દો દરમ્યાન નૃત્ય કરતા બાળકો પણ સ્વામીશ્રી સાથે આનંદ-કિલ્લોલ માણતા જતા હતા. સાથે સાથે સ્વામીશ્રી અને બાળકોની જુગલ જોડીના પ્રસંગો રજૂ થતા જતા હતા. કેટલાક બાળકો એવા હતા કે જેઓનાં જીવન-પરિવર્તન સ્વામીશ્રીએ કર્યાં હતાં. સત્ય ઘટના પર આધારિત આવી એક નાટ્યકથા રજૂ થઈ. આવી વિવિધ પ્રેરક રજૂઆતોને અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતાં બાળમંડળની જય બોલાવીને કહ્યું, ''દુનિયામાં સાચા મિત્ર મળે એ અગત્યનું છે. મિત્રો ઘણા હોય છે પણ એમાં સ્વાર્થવૃત્તિ હોય છે. પણ એક ભગવાન અને સંત એવા છે કે જેને આ દુનિયામાં કોઈ સ્વાર્થ નથી, એને કોઈ પાસેથી કાંઈ લેવું પણ નથી ને કોઈ ઇચ્છા ને અપેક્ષા પણ નથી.
ભક્ત થાવું કઠણછે. આપણી આંખ છેતરી જાય. ટી.વી.માં પણ ઘણું અશ્લીલ આવે છે એટલે એમાં આંખનો સંયમ જોઈએ. આંખ મીંચી દઈએ તો ખોટું દેખાય નહીં. ભગવાનનાં દર્શન કરીએ તો એક મટકું નહીં મારવાનું. કાનથી ભગવાનની કથા સાંભળીએ તો ભગવાન રાજી. ભગવાન રાજી થાય એવી વાણી બોલવી. હાથથી સેવા કરીએ. હાથ મારવા-ઝૂડવા માટે નથી, પણ સેવાથી ભગવાન રાજી થાય. પગે કરીને ભગવાનના મંદિરે જઈએ. નાનપણથી સાવધાન રહેવું કે એવા ખોટા મળે તો લલચાવું નહીં. ઝેર ગમે છે ? સિનેમા, ડિસ્કો ઝેર છે. ઈંડાં આપણે ખવાય ? લાગે છે તો ધોળું-રસગુલ્લાં જેવું પણ ઈંડાં આપણા માટે ઝેર છે. કેટલાક માબાપ પોતાનો છોકરો સૂકલો હોય તો એને તાજો કરવા કહે, 'ઈંડાં ખાવ.' પણ કરોડો માણસો ઈંડાં ખાતા નથી, તો પણ એના કરતાંય વધારે તાકાત ધરાવે છે.''
છેલ્લે સૌ બાળકોએ ટેડીબેરનો હાર પહેરાવ્યો. ગયા વરસે અતિવૃષ્ટિના ટાણે પ્રમુખસ્વામી નેત્ર હૉસ્પિટલમાં પોતાની જાનની પરવા કર્યા વગર ટાણાની સેવા કરનારા સ્વયંસેવકોની સેવાને સિદ્ધેશ્વર સ્વામીએ બિરદાવી. સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપ્યા.
સ્વામીશ્રીના રાત્રિભોજન દરમ્યાન પણ બાળકોએ બાળદિનનો માહોલ ખડો કરી દીધો. હાં હાં ગડથલની વાર્તા ઉપરાંત તીર્થ પટેલે પરમહંસોનાં નામ, જોગીએ શાંતિપાઠ, હરિકૃષ્ણે શેઠ ભૂત થયા એ વાર્તા, ધ્રુવ નામના બાળકે ગુણગ્રાહક દૃષ્ટિ નામનું પ્રવચન, અને નાનકડા બ્રિંજલ ટાંકે મોટા લોકકથાકાર જેવી શૈલીમાં ડાયરો રજૂ કરીને સ્વામીશ્રીને પ્રસન્ન કરી દીધા.
તા. ૨૭-૧-૨૦૦૬ના રોજ આજે ભક્તિદિન હતો. મહિલામંડળ દ્વારા આખો દિવસ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. યોગી સભાગૃહના રંગમંડપમાં હરિકૃષ્ણ મહારાજ સમક્ષ રચેલો ૯૦૦ વાનગીઓનો સુંદર અન્નકૂટ, સ્વામીશ્રીના ગમનપથની બંને બાજુએ સુશોભિત સ્તંભપંક્તિ પર લટકાવેલા ઘંટ અને દીપમાળ વગેરે ભક્તિદિનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. પ્રાતઃપૂજા બાદ ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગાધ્યક્ષ વસંતભાઈ ભટ્ટે 'વૈદિક સૂક્તસંગ્રહ'નું ઉદ્ઘાટન સ્વામીશ્રીના હસ્તે કરાવ્યું. સ્વામીશ્રીએ અન્નકૂટની આરતી ઉતારી ને ભક્તિદિનની સાર્થકતા કરી.
આજે મહિલામંડળ વતી હરિકૃષ્ણ મહારાજના ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલામંડળ વતી મહિલા કાર્યકરો કિરણભાઈ શાહ ને ચંદ્રકાન્તભાઈ દાણી છીપમાં સાચા મોતી ભરીને લાવ્યા. મંગલ મંત્રોના નાદ સાથે સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને મોતીડે વધાવ્યા. મહિલામંડળ વતી રસિકભાઈ અજમેરા, ભાનુભાઈ પટેલ, ભરતભાઈ આર. માણેક, કનુભાઈ ભટ્ટ, શૈલેષભાઈ યાજ્ઞિક, દીપકભાઈ દેસાઈ, રમેશભાઈ બખાઈ, જયંતભાઈ ત્રિવેદી, પાર્થ માર્કંડભાઈ પટેલ, કનુભાઈ અમીન, પી.સી. ગાંધી, જયંતભાઈ મહેતા, તુષારભાઈ સરવૈયા, ભૂપેન્દ્રભાઈ પટેલ, દિલીપભાઈ બી. પટેલ, જગદીશભાઈ ચુડાસમા, મૂકેશભાઈ બખાઈ, પ્રદીપભાઈ બખાઈ, રામજીભાઈ ચુડાસમા તથા દેવેન્દ્રભાઈ કિકાણી વગેરેએ પૂજન કર્યું. આજના પ્રસંગે મહિલાઓએ વિવિધ વ્રત-તપ સંપન્ન કર્યાં હતાં. જગદીશભાઈ વાઘેલાએ માહિતી આપતાં જણાવ્યું કે '૬૩૯ બહેનોએ નિર્જળ ઉપવાસ, ૪૩૦ બહેનોએ ખટરસ, ૧૮૭૫ બહેનોએ એકટાણાં કર્યાં હતાં. ૪૩૫ બહેનોએ વચનામૃત વાંચન દરમ્યાન કુલ ૩૭,૦૨૦ વચનામૃતોનું પઠન કર્યું હતું. ૧૮૯ બહેનો દ્વારા ૧૬,૦૯૦ સ્વામીની વાતોનું પઠનથયું હતું. ૫૮૬ બહેનો દ્વારા ૪૯,૮૭૯ જનમંગલ નામાવલીના પાઠ થયા હતા. ૩૮૧ બહેનો દ્વારા ૩૨,૪૫૦ માળા મંત્રજાપ થયા હતા. ૩૫ બહેનો દ્વારા ૩,૦૪૦ પંચાંગ પ્રમાણ થયા હતા. ૧૭૨ બહેનો દ્વારા ૧૪,૬૬૫ પ્રદક્ષિણા થઈહતી. ૨૮ બહેનો દ્વારા ૨૩૮૦ સ્વામીની વાતોનો મુખપાઠ થયો હતો. ૮૫ બહેનોએ સ્વામીશ્રીના ૮૫ પ્રસંગોનો મુખપાઠ કર્યો હતો. ૧૨ બહેનોએ સ્વામીશ્રીના ૧૦૨૦ પ્રસંગોનો પાઠ કર્યો હતો. ૧૧ બહેનોએ ૯૮૯ કીર્તનોનું ગાન કર્યું હતું. ૮૫ બહેનોએ ભક્તચિંતામણિના ૮૫ પાઠ કર્યાહતા. ૫૩ બહેનોએ મંત્રોનું લેખન કર્યું હતું. ૮૫ બહેનોએ નીલકંઠવણીના અભિષેક કર્યા હતા. અને ૯૩૫ બહેનોએ જનશ્રેયસ્કર નામાવલીનો પાઠ કર્યો હતો.' સ્વામીશ્રીના રોકાણ દરમ્યાન થયેલી આ બધી અધ્યાત્મસાધના સૌને માટે ખૂબ પ્રેરક બની રહી હતી.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે ''ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરવાની છે. આપણું જીવન બરાબર હોય તો ભગવાન આપણી ભક્તિ અંગીકાર કરે છે. ભગવાનનો જેવો છે એવો મહિમા સમજાય, એમને વિષે નિર્દોષભાવ થાય, એ મનુષ્ય, દેવ કે અવતારો જેવા નથી પણ એથી પર છે- એવા મહિમાએ સહિત ભૂરિ સ્નેહ એટલે કે એમાંથી છૂટા પડાય જ નહીં એવો પ્રેમ એનું નામ ભક્તિ. ગમે તે દુઃખઆવે કે ગમે તે પ્રસંગ આવે પણ છૂટા ન પડે.''
દાદાખાચરની અનન્ય ભક્તિનું આખ્યાન ખૂબ વિસ્તારથી વર્ણવીને સ્વામીશ્રીએ કહ્યું: ''દાદાખાચરના કુટુંબને ઘણા પ્રસંગો આવ્યા છે, પણ મહારાજ રાજી થાય એ જ, બીજો વિચાર જ નહીં. મહારાજે કહ્યું, 'અમને રાજી કરવા માટે એમના સ્વભાવનો ત્યાગ કરે છે, પણ અમારો ત્યાગ નથી કરતા.' કેટલી મોટી ભક્તિ કહેવાય ?! આપણે જરા મનગમતું ન થયું હોય તો ભક્તિ ને સેવા મૂકી દઈએ. ભક્તો, બાઈભાઈ, સંતો બધાએ સમજવાનું છે. ભગવાન ને સત્પુરુષને ન ગમે એ એકેય સ્વભાવ રાખવો નથી, રાખીએ તો અંતરમાં અશાંતિ રહે. સાચી ભક્તિ કરે છે, તેના માટે મહારાજ કહે છેઃ મારું ભજન કરે તેની ફિકર હું રાખું છુ _. જેમને એવી અનન્ય ભક્તિ હતી તો મહારાજે ક્ષણે ક્ષણે રક્ષણ પણ કર્યું છે. એમને ક્યારેય એવો સંકલ્પ પણ થયો નથી કે મહારાજ આપણું દુઃખનથી ટાળતા. એવા કોઈ સંકલ્પ ન થાય ત્યારે આપણી ભક્તિ માહાત્મ્ય સહિત કહેવાય.
ભક્તિ તો ઘણાએ કરી છે, પણ દાદાખાચરની વિશેષતા એ કે ભેગા રહીને મહિમા સમજ્યા. એ કઠણ છે. નહીં જેવી બાબતમાં થાય કે આનું રાખ્યુ,_ મને ન બોલાવ્યો આને હાર પહેરાવ્યો. પણ એની આજ્ઞા પાળો એટલે ફૂલહાર જ છે. મહિમા હોય તો ભગવાને આમ કેમ કર્યું ને આને કેમ બોલાવ્યો એ સંકલ્પ જ ન થાય.
વાચ્યાર્થ ભક્તિ નહીં લક્ષ્યાર્થ ભક્તિ કરવાની છે. જ્ઞાન ગમે એટલું કરતો હોય, પણ સામે આવે ત્યારે મિયાં ફૂસકું થઈ જવાય. આમ તો થાય કે ભગવાન છે ને એમને રાજી કરવા છે, પણ આવો પ્રસંગ આવે ત્યારે થાય કે વે'વાર છે ને તમે સમજો નહીં. ભગવાનને રાજી કરવા એ તો બહુ જ કઠણ છે. એ તો જે માથું મૂકે એ માલ ખાય. આ ગાણાં ગાઈએ છીએ, વાતો કરીએ છીએ, પણ સમય આવ્યે નિરધાર રહેતો નથી. આઘુંપાછુ _ થઈ જાય. નિર્દોષભાવે ભક્તિ કરવાની. સાધુ, હરિભક્તો, બાઈભાઈના જે નિયમ કહ્યા છે એમાં સારધાર વર્તવાનું છે.''
તા. ૨૮-૧-૨૦૦૬ના રોજ મુંબઈ ખાતે સ્વામીશ્રીના સાંનિધ્યમાં યુવકોએ યુવાદિનની ઉજવણી માણી હતી. આજે પ્રાતઃપૂજામાં યુવકોએ સવાદ્ય કીર્તનો ગાયાં હતાં. વળી, સ્વામીશ્રીના હસ્તે હૃદય આકારના ફુગ્ગાનું ઝૂમખું આકાશમાં વહેતું મૂક્યું હતું અને યોગીજી મહારાજનો સંદેશો ગગનગામી કર્યો હતો.
સંધ્યા સત્સંગસભામાં જયેશ પટેલ લિખિત સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વામીશ્રી અને યુવાનોની આત્મીયતાની સુંદર પ્રસ્તુતિ થઈ. 'કરીશું કરીશું અમે આત્મબુદ્ધિ કરીશું અમે...' ગીતના આધારે નૃત્ય કરીને આત્મબુદ્ધિના મધ્યવર્તી વિચાર સાથે યુવકોએ હૃદયપૂર્વક પ્રાર્થના રજૂ કરી. અંતે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ સૌ યુવાનોને સદાચારની પ્રેરણા આપી હતી.
તા. ૩૧-૧-૨૦૦૬ના રોજ સ્વામીશ્રી મુંબઈથી વિદાય લઈને વડોદરા ખાતે અટલાદરામાં સ્વામિનારાયણ મંદિરે પધાર્યા હતા.
|
|