|
સારંગપુરમાં ગ્રામ્ય જાગૃતિ અભિયાનની વિશિષ્ટ સભા
તા. ૮-૦૪-૦૬ના રોજ સારંગપુર સ્વામીશ્રીના પ્રેરક સાંનિધ્યમાં ગ્રામ્ય જાગૃતિ અભિયાનની એક વિશિષ્ટ સભા યોજવામાં આવી હતી. ધોલેરાથી દૂર દરિયાકાંઠા તરફ આવેલાં કેટલાંક ગામો જ્યાં પૂર્વે દારૂણ ગરીબી છવાયેલી હતી, જેની પાછળ ઓછો વરસાદ તેમજ નિરક્ષરતા, કુરિવાજો, દારૂ-જુગારનું વ્યસન ને વહેમનો ભરડો પણ કારણભૂત હતાં, તે ગામડાંઓ સ્વામીશ્રીની પ્રેરણા અને તેમના પ્રયાસોથી આજે નવપલ્લિત થઈ ઊઠ્યાં છે. ઘલા, ખૂણ, મહાદેવપુરા, ભાણગઢ, મીંગલપુર, ગાંધીપરા, રાહતળાવ, ઝાંખી, મુંડી, કામાતળાવ, સરસલા, શેલા અને દેવપુરા ગામોમાં કેટલાંય કુટુંબો બરબાદ થતાં હતાં. પરંતુ સ્વામીશ્રીની પ્રેરણાથી પરિવર્તનનો ચમત્કાર સર્જાયો અને સમગ્ર પંથકનો ઇતિહાસ બદલાઈગયો. પરિવર્તનની એ ગાથાને બિરદાવવા પ્રસ્તુત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પરિવર્તન પાછળ અનિરુદ્ધસિંહ (રાજભા), ભાનુમાલા ટ્રસ્ટના મંત્રી અરુણભાઈ ત્રિવેદી, ગાંફના ડૉ. એલ.પી. શુક્લ તથા કટાર લેખક ડૉ. શરદભાઈ ઠાકરનો ફાળો પણ અમૂલ્ય રહ્યો છે. અહીં સ્વામીશ્રીએ શાળા અને ઔષધાલયનું નિર્માણ પણ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા તરફથી કરી આપ્યું છે.
વ્યસનમુક્તિ અને વહેમ-મુક્તિના કાર્યમાં જોડાનારાં ગામોની જાહેરાત અને પ્રોત્સાહન માટે યોજાયેલી ગ્રામ્ય જાગૃતિ અભિયાનની આ વિશિષ્ટ સભાનો લાભ લેવા હજારો ગ્રામજનો એકત્રિત થયા હતા. સભાના પ્રારંભમાં વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીના વિશ્વવ્યાપી સમાજ-ઉત્થાનનાં કાર્યોનો પરિચય આપ્યો.
ત્યારપછી ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. કટાર લેખક અને સેવાભાવી ડૉ. શરદભાઈ ઠાકરે આ પ્રસંગે કહ્યું, 'મારે મંદિરોમાં જવાનું તો ઘણીવાર બને છે, પણ અહીં આવું છુ _ ત્યારે સાક્ષાત્ ઈશ્વરના ધામમાં આવ્યો હોઉં એવી પવિત્રતા અને સાત્ત્વિકતાનો અનુભવ થાય છે. આ પંથકના લોકોની કરુણ કથની સાંભળીએ ત્યારે ધ્રૂજી જવાય છે. એમ થાય છે કે જો દવાખાનું ન હોત તો ક્યાં જાત ? આ આખી પ્રવૃત્તિનું પ્રેરકબળ પ્રમુખસ્વામી છે.'
ભાણગઢમાં પ્રમુખસ્વામી મહારાજ વિદ્યામંદિર અને પ્રમુખસ્વામી કુમાર છાત્રાલયના સંચાલક સાગરભાઈ સોલંકી, ભાણગઢ ગામના સરપંચ ચંદુભાઈ અને ભાણગઢના સામાજિક કાર્યકર હરિઓમ્ભાઈ ચૌહાણે અનુક્રમે પોતાની લાગણી અભિવ્યક્ત કરી અને ઉપસંહાર રૂપે કહ્યું કે, 'પ્રમુખસ્વામી મહારાજની દૃષ્ટિ ને કૃપાથી જ આ કાર્ય થાય છે'
અનિરુદ્ધસિંહ ચુડાસમા(રાજભા)એ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, 'આ દારૂબંધીનું અભિયાન ચલાવ્યું છે, એ સંતોની પ્રેરણાથી જ થયું છે. હું દારૂવાળાને સમજાવતો પણ તે મૂકતા નહીં, પરંતુ એમ થયું કે સમાજને સુધારવો હોય તો ઉત્પાદન જ બંધ કરવું પડે. એ રીતે ગામવાળાને સમજાવ્યા અને એ કામ સિદ્ધ થયેલું છે એમાં હું પ્રમુખસ્વામીની કૃપા અને દૃષ્ટિ જોઉં છુ _.'
સૌનાં પ્રવચન પછી આ ભગીરથ અભિયાનમાં જે જે પ્રતિનિધિઓ પુરુષાર્થકરી રહ્યા છે એ સૌને સ્વામીશ્રીના આશીર્વાદ સાંપડ્યા. પાળિયાદ ગાદીના મહંત ઉમાબા વતી તેઓના પ્રતિનિધિએ પણ સન્માન કર્યું.
ત્યારબાદ સૌ ઉપર કરુણાવૃષ્ટિ કરતાં સ્વામીશ્રીએ જણાવ્યું, ''અહીં જે અભિયાન ચલાવ્યું છે તેમાં બધાને ખૂબ ધન્યવાદ છે. આજે દારૂ, માંસ, ગુટખા, માવા વગર કરોડો માણસો જીવે છે, પણ આપણને એમ થાય કે મારાથી આ મૂકી શકાય નહીં. બીડી જેવું વ્યસન મૂકી ન શકાય એ કેવું કહેવાય?! ભગવાનનો આશરો રાખવો. ભૂવા ને જાગરિયા આવે ને ધુણાવે. માથું દુઃખે, પેટ દુઃખે તો કુકુડો વધેરે. અલ્યા ભઈ! કુકડાને શું કરવા વધેરવું? એને મારીને વધારે દુઃખ ભોગવવું છે ? વિષય, વ્યસન ને વહેમ કેવી રીતે પ્રભુ ભજવા દે? શરીરને તકલીફ થાય તો ડૉક્ટરો, વૈદ્યો પાસે સારવાર કરાવવી અને ભગવાન પર પૂરી શ્રદ્ધા રાખવી. પરમતત્ત્વ પરમાત્મા છે. એ જ મને મટાડનાર છે. એ જ કલ્યાણ-મોક્ષ કરનાર છે, બીજો કોઈ નથી. માટે ભૂવા, જાગરિયા જવા દેવાના. કોઈ દોરા-ધાગાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જો તાંત્રિકોથી કામ ચાલતું હોય તો લશ્કરની જરૂર નથી. એક તાંત્રિક રાખી દીધો હોય તો શત્રુઓનો નાશ ન થઈ જાય?! ભગવાનમાં શ્રદ્ધા રાખો, ભગવાન તમને સુખી કરશે. વ્યસનોમાં પૈસા જાય છે એ બચાવશો તો તમારું ઘર સારી રીતે ચાલશે, છોકરાં સુખી થશે. એક વ્યસન મૂકો તો કેટલા પૈસા બચે છે ?! એ આપણે જ કામમાં લેવાના છે. કોઈ લઈ જવાનું નથી. એટલે આપણું સુખ આપણી પાસે છે. એટલે આવા વિચાર કરશો તો તમારું સુખ તમને પાછુ _ મળે ને ભગવાન રાજી થશે.''
પાંચ પાંચ દાયકાઓથી ગામડાંઓમાં વિચરતા સ્વામીશ્રીએ ગ્રામીણ લોકોની નાડ પારખી છે. એટલે જ તેમનો બોધ સૌનાં હૈયાંને સ્પર્શતો રહ્યો છે. આજે સૌને તેનો એક વધુ અનુભવ થયો.
|
|