|
ભાવનગરમાં સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં યોગી જયંતીની ઉજવણી
ભાવનગરમાં નૂતન શિખરબદ્ધ મંદિર સ્થાપીને સ્વામીશ્રીએ શહેરને સાંસ્કૃતિક ધામની ભેટ આપી છે. આ નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં જ બિરાજમાન સ્વામીશ્રીના સાંનિધ્યમાં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો ૧૧૫મો પ્રાગટ્યોત્સવ દિવ્યતાપૂર્વક ઊજવવામાં આવ્યો હતો. વળી, આ જ શુભદિને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સ્વામીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ બાદ સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમની ઝલક અહીં માણીશું.
તા. ૨૨-૦૫-૨૦૦૬ના રોજ બાળદિનની સભામાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વામીશ્રી સમક્ષ પોતાની ભક્તિ અભિવ્યક્ત કરી હતી. નાનાં બાળકોએ રજૂ કરેલાં નૃત્ય, પ્રાર્થનાગાન અને અન્ય કાર્યક્રમ બાદ સ્વામીશ્રીએ આશીર્વચન ઉચ્ચારતાં કહ્યું કે, ''નાની વયે સારી કે ખોટી જે છાપ પડી હોય તો તે જાય નહિ. બાળવયથી સત્સંગનો યોગ થાય તો શુભ સંસ્કાર પ્રાપ્ત થાય અને ભવિષ્યમાં પણ સુસંસ્કૃત વ્યક્તિત્વ જળવાઈ રહે. તેથી નાનપણથી જ ભક્તિ, માતા-પિતાનો આદર, સારામાં સારો અભ્યાસ, પ્રામાણિકતા, સત્ય વગેરે સંસ્કારો મળે તો મોટા થતા જીવન સુવાસવાળું બને. આપણા ધર્મગ્રંથો અને સંતો પાસેથી બાળકોને સંસ્કાર પ્રાપ્ત થાય છે. તો તેનાથી કુટુંબ, સમાજ અને રાષ્ટ્રની સેવા થશે અને ધર્મનાં કાર્યોથી સૌને શાંતિ મળશે, સૌનું જીવન ધન્ય બનશે.''
તા. ૨૪-૫-૦૬ના રોજ સંધ્યાસભામાં યોગીજી મહારાજના ૧૧૫મા પ્રાકટ્યોત્સવની ઉજવણી થઈ હતી. યોગીજયંતીની સંધ્યાસભામાં મંચ પર પાર્શ્વભૂમાં યોગીજી મહારાજની વિવિધ વિશાળ કદની છબિઓ દર્શન આપતી હતી. ઉત્સવસભા નિમિત્તે વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ત્યાર બાદ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તેના સોવિનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. તદુપરાંત આ શુભ દિને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વામીશ્રીનું સન્માન પણ યોજવામાં આવ્યું હતું. આ સમારોહમાં કલેક્ટર અને ઈન્ચાર્જ કમિશનર શ્રી પંચાલ, મેયર મેહુલભાઈ વડોદરિયા, ડેપ્યુટી મેયર જશવંતસિંહ, સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમેન તુલસીભાઈ પટેલ તથા વિવિધ કમિટી અને વિવિધ પક્ષના કોર્પોરેટરો સહિત ૫૧ સભ્યો ઉપસ્થિત હતા. કલેક્ટર તથા મેયરશ્રીએ સ્વામીશ્રીને સન્માનપત્ર અર્પણ કર્યું.
ત્યાર બાદ બાળકો-કિશોરોએ 'એ તો પ્રગટ વિચરે સત્સંગમાં રે...' - ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું હતું. અંતમાં, સ્વામીશ્રીએ યોગીજી મહારાજના ગુણ ગાતાં આશીર્વાદ વરસાવતાં કહ્યું, ''શાસ્ત્રોમાં સત્પુરુષના ગુણોનો જે ઉલ્લેખ છે, એ બધા જ ગુણો જોગી મહારાજમાં જોવા મળે. તેઓ દરેક વ્યક્તિમાં ભગવાન નિહાળે. એવી એમની અલૌકિક-ગુણાતીત સ્થિતિ હતી. સદા નિર્માની. નાનાં નાનાં બાળકોનો પણ મહિમા સમજે. જોગી મહારાજની વાણીમાં ભગવાન હતા. જ્યાં સુધી પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી એકધારી સ્થિતિ, એમાં સહેજે ફેરફાર નહિ. દુનિયામાં ક્યાંય જોવા ન મળે એવા સત્પુરુષ યોગીજી મહારાજ હતા, એવી જ એમની સાધુતા. આપણને યોગીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે અને તેમને રાજી કર્યા છે, તો એનો ૨૪ કલાક આનંદ રહેવો જોઈએ. અહોભાગ્ય સમજીને હંમેશાં ભક્તિ કરતા રહીએ.'' ભાવનગરના આ વખતના વિચરણની આ છેલ્લી સભામાં ૧૦,૦૦૦થી પણ વધારે હરિભક્તો, ભાવિકો ઉપસ્થિત હતા.
ભાવનગરના નવ દિવસના રોકાણ દરમ્યાન અહીં મંદિરના સર્જન દ્વારા સમગ્ર ગોહિલવાડને અક્ષરપુરુષોત્તમના સનાતન સિદ્ધાંતની ભેટ ધરીને સ્વામીશ્રીએ તા. ૨૫-૫-૦૬ના રોજ સુરત જવા વિદાય લીધી. વિમાન દ્વારા સ્વામીશ્રી અને સંતો સુરત પધાર્યા. અહીં સ્વામીશ્રી થોડી જ ક્ષણો રોકાવાના હતા, પણ તેમનાં ક્ષણભરનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઊમટ્યા હતા. અહીં ઍરપોર્ટના મેનેજરે સ્વામીશ્રીનું ફૂલહારથી ઉમળકાભેર સ્વાગત કર્યું. ત્યાર બાદ સુરત સત્સંગમંડળ વતી ઘનશ્યામચરણ સ્વામીએ ઠાકોરજીનો પ્રસાદીભૂત હાર અર્પણ કરીને સ્વામીશ્રીને સન્માન્યા. ત્યાર બાદ સેંકડો હરિભક્તોને દર્શન આપતાં આપતાં સ્વામીશ્રી ગાડી સુધી પધાર્યા. અહીંથી સ્વામીશ્રી નવસારી પધાર્યા.
|
|