|
ભક્તિ કરવા પ્રવૃત્તિ છોડી દેવી?
પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશથી આવેલા મુમુક્ષુ ભક્ત શ્રી હરીશભાઈ ભૂપતાણીએ સ્વામીશ્રીને પૂછ્યું: 'ઘણી વખત વહેવારમાં પ્રવૃત્તિમય થઈ જવાથી એમ અનુભવાય છે કે ભજન વધારવું હોય તો પ્રવૃત્તિ મૂકી દેવી જોઈએ.'
સ્વામીશ્રીએ કહ્યું, 'આત્મદૃષ્ટિ હોય તો કોઈ વાંધો ન આવે. આત્મજ્ઞાન હોય તો ગમે એટલી પ્રવૃત્તિ કરીએ, પણ અસર ન થાય. આ દેહ કે દેહના સંબંધી કશું જ રહેવાનું નથી. સ્વપ્નવત્ સંસાર છે. સ્વપ્નામાં સંસાર દેખાય, છતાં નથી. એમ આ પણ ૫૦-૬૦ વર્ષનો સંસાર છે. આંખ મીંચાતાં કશું જ નથી. આ રીતનું જ્ઞાન થાય તો વિદેહી રહેવાય. જનક પાસે સંસાર, રાણીઓ બધું જ હતું, રાજ પણ ચલાવતા હતા, પણ મન ભગવાનમાં લાગી ગયું હતું. એ રીતે આપણે પણ રહીએ તો પ્રવૃત્તિનો બાધ આવે નહિ અને ભગવાનનો આનંદ પણ આવે.'
પછી સ્વામીશ્રીએ પોતાની ફેરવેલી માળા તેઓને પ્રસાદીની આપી અને કહ્યું, 'ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે જે જે કર્મ કરે, એનો ભોક્તા તું થઈશ નહિ, ફળની આશા રાખીશ નહિ, તો દુઃખ અને બંધન નહિ થાય. જે કાંઈ કર્મ કરીએ, એ ભગવાનને અર્પણ કરી દેવાનું.'
હરીશભાઈ કહે, 'બીજા ફળની આશા તો ન રાખીએ, પણ આપની સેવાના ફળની તો આશા રાખું છુ _.'
સ્વામીશ્રી તરત જ કહે, 'ભગવાન અને સંતની પ્રસન્નતાની આશા રાખવામાં વાંધો નહિ. એમાં આ લોક અને પરલોક બેયનું આવી જાય. પણ લૌકિક ફળની આશા ન રાખવી, તો જીવનમાં નિરાંત રહે. ફળની આશા રાખીએ, તો પ્રયત્નની સાથે સાથે માથા ઉપર બોજો પણ રહે. પણ જો ફળ ભગવાનને અર્પણ કરી દઈએ તો લાભ થાય કે ખોટ, બધામાં રાજી રહેવાય. દુઃખ આવે, તો પણ ભગવાનની ઇચ્છા અને સુખ આવે તો પણ ભગવાનની ઇચ્છા મનાય, એ જ્ઞાન દૃઢ કરવાનું છે. મૂળ, ભગવાનના ભજનમાં ડૂબી જવાનું છે.' સ્વામીશ્રીએ તેઓને અદ્ભુત જ્ઞાન આપ્યું. જે સૌ માટે પ્રેરણારૂપ હતું. (તા. ૦૩-૦૯-૨૦૦૬, દિલ્હી)
પૈસાથી નહીં, સદ્ગુણોથી પ્રતિષ્ઠા ટકે છે
સ્વામીશ્રીનાં દર્શન-મુલાકાત માટે એક પ્રતિષ્ઠિત મુમુક્ષુ આવ્યા હતા. ધંધાકીય ખોટના કારણે તેમનું મકાન વેચવું પડે એવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ તેનાથી સમાજમાં પ્રતિષ્ઠા ગુમાવી દેવાનો ડર તેઓને સતાવતો હતો અને દેવું પણ ઘણું વધી ગયું હતું. સ્વામીશ્રીએ તેમને આ સમસ્યાનો ઉકેલ આપતા કહ્યું, 'તમે પ્રતિષ્ઠાનો ડર છોડી મકાન વેચીને બધું સરભર કરી નાખો.' પછી તેમને ઉમદા જીવન માટે આવશ્યક મૂલ્યની વાત કરતા કહ્યું, ‘पैसे से प्रतिष्ठा टीकती है, वो बात सच नही´ है। आपका जीवन सद्गुणी है´ और उसकी जो प्रतिष्ठा है´, वो ही सच्ची प्रतिष्ठा है।’
(તા. ૦૩-૦૯-૨૦૦૬, દિલ્હી)
|
|