|
નિયમ પાલનની દૃઢતા
આજે રાત્રે ચંદ્રગ્રહણહતું અને બપોરે બે વાગ્યાથી એનો વેધ બેસી જતો હતો. શાસ્ત્ર પ્રમાણે વૃદ્ધ, રોગી, અશક્તને સૂર્યાસ્ત પછી વેધ પાળવાનો હતો, પરંતુ આજે સ્વામીશ્રીએ પ્રસાદ લેવાની ના પાડી. સંતોએ સ્વામીશ્રીને ઠાકોરજીનો થાળ જમી લેવા વિનંતી કરી. સ્વામીશ્રી કહે :'ઠાકોરજી જમે એમાં બધું આવી ગયું. મને ખાવાની ઇચ્છા જ નથી.'
પછી ઈશ્વરચરણ સ્વામી અને વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીને વિનંતી કરી. સ્વામીશ્રીએ કહ્યું :'ન ખાઈએ તો ચાલે છે, માટે જમવાની કોઈ જરૂર નથી. હમણાં જ હજી બપોરે જમ્યો છુ _, એટલે ભૂખ જેવું લાગ્યું જ નથી.' સંતો આગ્રહ કરતા રહ્યા અને સ્વામીશ્રી અસ્વીકાર કરતા રહ્યા.
સાંજે ૬-૩૦ વાગે ઠાકોરજીને થાળ ધરાવી દેવામાં આવ્યો હતો. કૃષ્ણવલ્લભ સ્વામી થાળ લઈને આવ્યા ત્યારે સ્વામીશ્રી પત્ર વાંચી રહ્યા હતા. એટલે સ્વામીશ્રીએ કહ્યું, 'આની કાંઈ જરૂર નથી. મારે લેવું જ નથી.'
આનાકાની થઈ. એટલે સ્વામીશ્રી કહે :'ઠાકોરજી જમ્યા છે ને ?'
'હા.'
'બસ, તમને ફળ મળી ગયું.'
'ઠાકોરજીએ જમે અને આપ પણ જમો તો વધારે ફળ મળે.'
'એકમાં બધું આવી ગયું.'
યોગીચરણ સ્વામી કહે :'સવારે વળી પાછુ _ મોડું થશે.'
સ્વામીશ્રી કહે :'એક રાતમાં કાંઈ ખાટુંમોળું થતું નથી. દવા લેવાની છે તો દવા લઈશું.'
૮૫ વર્ષની ઉંમરે પણ સ્વામીશ્રીની દૃઢતા પર્વતપ્રાય હતી. સૌ તેમને લળી પડ્યા.
|
|