|
ઇંગ્લેન્ડની રાજધાનીમાં સ્વામીશ્રી ઊજવે છે ભારતીય ભક્તિપરંપરાનો ભવ્યાતિભવ્ય અન્નકૂટોત્સવ
પરદેશમાં ભારતીય સંસ્કòòતિની ખ્યાતિના શિખર સમા લંડનના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ભારતીય સંસ્કૃતિના શિખર સમા ઉત્સવ દીપાવલી તથા અન્નકૂટ પર્વ ભારતીય સંસ્કૃતિના શિરમોર સમા સંતપુરુષ પ્રમુખસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભવ્યતાપૂર્વક ઊજવાયા હતા. આ ઉત્સવો નિહાળીને સ્વામિનારાયણીય હરિભક્તો ઉપરાંત અહીં વસતા ભારતીયો તથા સ્થાનિક લોકો પણ ખૂબ પ્રભાવિત થયા હતા. ઉત્સવની ગરિમા અને તેનો ઉલ્લાસ જાળવી રાખીને લંડનના સંતો અને હરિભક્તોએ આ પર્વનું ઊંડાણભર્યું આયોજન કર્યું હતું. જેમાં પાંચ વર્ષના બાળકોથી માંડીને યુવાનો અને વડીલો પણ સેવામાં જોડાયા હતા. દિવાળીના દિવસે ૨૦,૦૦૦ અને અન્નકૂટના દિવસે ૪૧,૦૦૦ લોકો આ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. આ સૌને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, એવું દાદ માંગી લેતું આયોજન આ સ્વયંસેવકોએ કર્યું હતું. તેમાંય કારપાર્કિંગ, સલામતી અને રસોડાના સ્વયંસેવકોએ તો સવારના ૬ થી રાતના ૧૨ વાગ્યા સુધી ખડે પગે સેવા કરી હતી. આશ્ચર્ય અને ધન્યવાદની લાગણી ઊભરાઈ આવે તેવા લંડનના કુલ ૧૧૦૦ જેટલા સ્વયંસેવકો અને સેવિકાઓએ ૪૨ વિભાગોમાં આયોજનબદ્ધ સેવા કરી હતી. આ સમગ્ર સેવાતંત્રનું સંકલન યોગવિવેક સ્વામી અને સંતોએ ખૂબ ઝિણવટપૂર્વક કર્યું હતું. છેલ્લા છ મહિનાથી તૈયારીમાં લાગેલા સંતો અને સ્વંયસેવકોની ભક્તિ-સેવા અન્નકૂટના દિને કેવો રંગ લાવી તે અહીં જાણીએ...
અન્નકૂટોત્સવ, તા. ૨૨-૧૦-૦૬. લંડનના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની એક ઓળખ એટલે વિશ્વના સૌથી શ્રેષ્ઠ અન્નકૂટોત્સવનું સ્થળ. આ ઉત્સવને સફળ બનાવવા માટે કેટલાય દિવસોથી મંદિરના અનેક વિભાગો કાર્યરત હતા. રાત્રિ-દિવસ એક કરીને ઇષ્ટભક્તિના અવસરને વધાવવા અને ગુરુહરિને રાજી કરવા માટે સ્વંયસેવકો પોતાના દેહની પણ પરવા કર્યા વગર મંડ્યા હતા. મંદિરસંકુલનો એક પણ ખૂણો એવો નહોતો કે જ્યાં આવનાર વર્ષને વધાવવાનો ઉમંગ જણાઈ ન આવતો હોય. આ દિને સ્વામીશ્રીનાં દર્શન માટે ઇંગ્લૅન્ડ તથા યુરોપના ભક્તો આવી પહોંચ્યા હતા. ભારત અને અમેરિકાના ભક્તો પણ આ તક ઝ ડપી લેવા માટે દૂર દેશાવરથી આવી પહોંચ્યા હતા.
દર વર્ષની જેમ આ વખતે પણ મુખ્ય મંદિરમાં અને હવેલીમાં ભવ્ય અન્નકૂટ ઠાકોરજી સમક્ષ ગોઠવાયો હતો. સ્વામીશ્રી સૌપ્રથમ મુખ્ય મંદિરમાં દર્શન કરવા પધાર્યા. અહીં સ્વામીશ્રીએ પારંપરિક રીત પ્રમાણે ગોવર્ધન પૂજા કરી. ઉપસ્થિત સંતો અને ભક્તોએ થાળનાં કીર્તનો ગાઈને ઠાકોરજીને અન્નકૂટ ધરાવ્યો. ત્યાર બાદ સ્વામીશ્રીએ અન્નકૂટ આરતી ઉતારી અને પછી હવેલીમાં ગોઠવાયેલા અન્નકૂટમાં પધાર્યા.
'બ્રહ્માંડમાં પણ ન હોય, એવા અન્નકૂટ'ની ઉપમા જે સ્થળને સ્વામીશ્રીએ વારંવાર આપી છે, એ દિવ્ય અને ભવ્ય અન્નકૂટ આગળ સ્વામીશ્રી સભાગૃહમાં આવી પહોંચ્યા. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની શતાબ્દી નિમિત્તે અહીં શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં બાંધેલા પ્રથમ અક્ષરપુરુષોત્તમ મંદિરની ભવ્ય પ્રતિકૃતિ રચવામાં આવી હતી. સ્વામીશ્રીએ અહીં દર્શન અને આરતી કર્યા બાદ આશીવર્ચન આપતાં કહ્યું, 'આજના અન્નકૂટ મહોત્સવની જય. બહુ દિવ્ય અન્નકૂટ છે. ભવ્ય, દિવ્ય ને અલૌકિક. સાક્ષાત્ ભગવાનની આપણે સેવા કરીએ છીએ. બધાનો ભાવ સરસ છે! આપ બધાની કલા, કારીગરી, મહેનત, પુરુષાર્થ ખૂબ છે. આ ક્યારે થાય? અંતરની ભક્તિ હોય ત્યારે. ધર્મ અને ભક્તિ આપણા હૃદયમાં આવે તો ભગવાન સ્વયં આવી જાય.
ભગવાનને પ્રાપ્ત કરવા આપણા ધર્મનિયમો બરાબર જોઈએ. ભગવાન તો અનંત બ્રહ્માંડમાં રાજાધિરાજ છે - એ મહિમાથી દર્શન કરીએ તો ભક્તિ થઈ કહેવાય. આજે અહીં બધાનો ભક્તિભાવ અને પુરુષાર્થ છે તો એને લઈ ભગવાનનાં દર્શન થયાં. તમારા થાળ ભગવાન જમ્યા અને જમે છે. આપણો થાળ પ્રત્યક્ષ જમે છે એવો મહિમા જોઈએ. મહિમા વગરની ભક્તિ સૂકી કહેવાય. જેમ શાક-દાળમાં મીઠું ન હોય તો ફિક્કું લાગે. મીઠું સબરસ કહેવાય. તેમાં બધા રસ આવે. એમ આપણે સાચા હ્રદયથી ભગવાનની ભક્તિ કરવી... મંદિરોની, શાસ્ત્રોની, સંતોની સમાજને જરૂર છે. જેમ કૉલેજમાં પ્રૉફેસરો છે તો જ્ઞાન મળે છે, તેમ મંદિરમાં સંતો માણસોને જ્ઞાન આપે છે અને સદાચારી બનાવે છે. તો સત્સંગનો આવો લાભ આપણને પ્રાપ્ત થયો છે તો એવી ભક્તિ કરીએ કે અંતરમાં શ્રીજીમહારાજ બેસી જાય.'
આ ઉત્સવમાં બ્રિટીશ સાસંદ અને લોકનેતા બેરી ગાર્ડિનર તથા ભારતીય રાજદૂત કમલેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. ભવ્ય અન્નકૂટનાં દર્શન કરવા માટે ૪૧,૦૦૦થી વધારે ભાવિકો ઊમટ્યા હતા. ૧૨૦૦થી વધુ સ્વાદિષ્ટ, શુદ્ધ અને શાકાહારી વાનગીઓ આ અન્નકૂટમાં ઠાકોરજીને ધરાવવામાં આવી હતી.
નૂતન વર્ષારંભ, તા. ૨૩-૧૦-૦૬
આગલા દિવસે ઉજવાયેલા અન્નકૂટના દિવ્ય, ભવ્ય અને સ્મરણીય દર્શન પછીનું આ નવું વર્ષ અનેક સોનલ સ્મૃતિઓ સાથે ઊગ્યું. આજે નૂતનવર્ષની મહાપૂજામાં વેદોક્તવિધિપૂર્વક ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યું અને સ્વામીશ્રીએ સમસ્ત હરિભક્ત સમુદાય તને-મને-ધને સુખી થાય તેવી પ્રાર્થના સાથે મંગળ સંકલ્પો કર્યા. નવા વર્ષની સંધ્યાસભામાં સ્વામીશ્રીએ પ્રેરણાદાયી ઉદ્બોધનમાં કહ્યું, 'શૂરવીર થાય એ જ આ લોક અને પરલોક પામી શકે અને જે શૂરવીર થયા છે એની જ ગાથાઓ શાસ્ત્રોમાં લખી છે. ભગવાનને રાજી કરવા હોય તો મોળી વાત ન થાય. ભગવાનના ભક્ત થાવું એ કઠણ કામ છે. કઠણ કેમ ? લોકો તેને કહે, 'ભગત થઈ ગયો, સ્વામિનારાયણ થઈ ગયો, ટીલવો થઈ ગયો' એવી ટીકાઓ થાય તો મનમાં થાય કે 'ભાઈ મૂકી દોને.' પણ દુનિયામાં બધે ટીકાઓ થાય છે. ઘરમાં, વિધાનસભામાં બધે આક્ષેપો થાય છે, પણ નેતાઓને થાય છે કે એ મૂકી દઈએ? દુનિયાની મોટપ માટે અને દુનિયાનાં સુખ માટે લોકો લાગેલા જ રહે છે. ગમે તે થાય પણ મૂકે નહીં. તો આપણે અહીં સત્સંગમાં ભગવાનના આશીર્વાદ અને જીવમાં સત્સંગ થાય એ માટે આવ્યા છીએ, માટે સુખદુઃખ પડે પણ એ મૂકવું નહીં.'
|
|