|
વાલી એટલે જે બાળકને વહાલ કરે - પ્રમુખસ્વામી મહારાજ લંડનમાં વાલીદિનમાં બાળસંસ્કાર માટે સ્વામીશ્રીની અમૂલ્ય પ્રેરણા
બાળસંસ્કાર માટે સદાય જાગ્રત પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી લંડનના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં તા. ૧૦-૧૧-૦૬ના રોજ હજારો વાલીઓની હાજરી વચ્ચે વાલી દિન યોજાયો હતો. વાલીદિનને નવું સ્વરૂપ આપીને અહીં ઊછરતી નવી પેઢીને પોતાના વડીલો પ્રત્યે માન થાય, આદર જળવાય અને સેવા કરવાનું મન થાય એ હેતુઓ સાથે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બાળકલક્ષી કાર્યક્રમો તો હતા જ, પરંતુ વિશેષે કરીને વાલીઓની જવાબદારી પ્રત્યે ધ્યાન દોરતા સુંદર કાર્યક્રમો પણ થયા હતા. વિવેકસાગર સ્વામી અને સત્યપ્રકાશ સ્વામીએ પ્રવચનમાં બાળસંસ્કાર માટે આવશ્યક મૂલ્યોનું માર્ગદર્શન આપ્યું હતું. ત્યારપછી વાલીઓને સંબોધન કરતાં બાળકોએ પ્રાર્થનાત્મક રજૂઆત કરી. વાલીઓએ પણ સ્વામીશ્રીને પ્રાર્થના કરીને બાળકોનો સંપૂર્ણ ઊછેર કઈ રીતે થાય? એનું માર્ગદર્શન માગ્યું.
સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં કહ્યું, 'દરેક મનુષ્ય કે પશુપંખીને પણ પ્રેમ જોઈએ છે. ચકલી એનાં બચ્ચાં માટે ચણ લાવી એના મોઢામાં નાંખે છે. આપણી સંસ્કૃતિ છે કે પહેલેથી જ બાળકને પ્રેમ મળે, માતાના ધાવણમાંથી સંસ્કારો આવે છે, પિતા પાસે બેસવાથી પણ સંસ્કારો આવે છે, પણ પહેલું પોતાના જીવનમાં હોય તો બીજાને આપી શકે. દરેકને પ્રેમની જરૂર છે. ભક્તને પણ ભગવાન પ્રત્યે પ્રેમની જરૂર છે. ભગવાન ને સંત તો પ્રેમ આપે જ છે અને એ પ્રેમ આપે છે તો આપણને ભક્તિ કરવાનું મન થાય છે. ઘણાને પોતાનાં માતાપિતા, દાદા-દાદી તરફથી પ્રેમ મળ્યો હશે. એ પ્રેમ ક્યારે થાય? તો બાળક જેવા થવું પડે, એને ગમતું હોય એમ કરે તો બાળકને પ્રેમ વધતો જાય. પ્રેમ જો વધતો જાય તો જેમ કહે તેમ કરે, પણ જો એને પ્રેમ જ ન મળ્યો હોય તો બહાર ફરતો-રખડતો થઈ જાય. એટલા માટે ઘરસભાની વાત આપણે કરીએછીએ.
પહેલાના જમાનામાં દાદા-દાદીને ધર્મભાવના હતી, ગ્રંથોનું વાંચન હતું. રામાયણ, મહાભારત, ગીતા, વચનામૃત, શિક્ષાપત્રી, જીવનચરિત્રો વાંચ્યાં હોય તો એ બાળકને પ્રેમ આપીને એની વાત કરે. ધ્રુવ, પ્રહ્લાદ, નચિકેતાની વાતો કરતાં. સંપ્રદાય સંબંધી બધી વાતો કરતાં ને બધી વાતો સાંભળે તો બાળકોને સંસ્કાર થાય. ક્યારેક આપણને થાય કે બાળક કાંઈ સમજતું નથી, પણ બાળક જેટલું સમજે છે એટલું આપણે નથી સમજતા. તમે એને વાત કરો એની દૃઢતા થાય છે. એ સંસ્કાર પડ્યા હોય તો બાળક મોટું થાય તો પણ તમારા પ્રત્યેનો પ્રેમ દૃઢ થઈ જ જાય છે. આપણને પ્રવૃત્તિ, કામ, ધંધાને લીધે બાળક પાસે બેસવાનો ટાઇમ નથી અને બાળકને પ્રેમ મળે નહીં, એટલે બીચારું ગમે ત્યાં ટી.વી. વગેરે જોઈ લે, પછી એમાંથી એને એવા જ વિચારો આવે. એટલે માતાપિતાએ બાળક માટે ટાઇમ આપવો જોઈએ. વાલીનો અર્થ જ એ છે કે એને વહાલ કરવું જોઈએ. એને વહાલ કરશો તો કદાચ એ બગડ્યો હશે તોય સુધરશે, પણ એને મારો, તિરસ્કાર કરો તો એ આગળ ન વધે.
આ દેશમાં બધી જાતનું વાતાવરણ રજોગુણી છે. એમાં બાળક સપડાઈ જાય છે, પણ પહેલેથી સંસ્કાર, કુટુંબભાવના, આગળના ભક્તો, દેશનેતાઓ, સમાજસેવકોની વાતો કરીએ તો એને ખબર પડે કે મારે પણ કંઈક આવું મેળવવું છે. માણસ એક દા'ડે સાંભળીને તૈયાર થતો નથી, સતત કરવું પડે છે, એક દા'ડે ન થાય. નાનો છોડ એક દા'ડે મોટો ન થાય, લાંબા સમય સુધી ખાતર-પાણી આપવા પડે.
શાસ્ત્રીજી મહારાજ જ્યારે નાહવા બેસે ત્યારે લીમડાના છોડ પાસે પાટલો નાખીને ન્હાય અને કહે કે આ ઝાડને ઉછેરવું છે. એવા લીંબડા સારંગપુર, અટલાદરામાં છે. એનું ખામણું કરે તો મોટો થઈ છાંયડો ને બીજું ઘણંð આપે છે. એવી રીતે બાળકને ટાઇમ આપીએ, એની સાથે બેસીએ. આપણે રમકડું આપીએ એટલે રમ્યા કરે પણ, રમકડાંમાં કાંઈ મઝા આવતી હશે! રમકડું એટલે રમકડું, પણ એની સાથે બેસવું, વહાલ કરવું, એની સાથે રમવા મંડીએ તો ધીરે ધીરે સંસ્કાર આપી શકાય. પૂજાપાઠ ને માળા એ તમે કરો છો. એમાંથી એને સત્સંગ થશે ને સંસ્કાર થશે, પણ એને બીજું આપી દઈએ – ટી.વી.માં ચેનલો જુએ એ એને બગાડવાનું કામ કરે છે. એટલે જેમ છોડને બકરું ખાઈ ન જાય, બીજું નુકસાન ન થાય એવી રીતે બાળકને ઉછેરવામાં બહુ ધ્યાન રાખવું જ પડે છે. એના જીવમાં બીજા કોઈ ખરાબ સંસ્કાર ન આવે, ખોટે રસ્તે ન ચડે, એનું સતત ધ્યાન રાખવું પડે.'
સ્વામીશ્રીએ લંડનના હજારો વાલીઓને આપેલી શીખ, સમસ્ત વિશ્વના વાલીઓ માટે એક અવિસ્મરણીય અને સદા સ્મરણીય ભાથું બની રહે તેવું સામર્થ્ય ધરાવે છે. લંડનમાં ઊજવાયેલો વાલીદિન વાલીઓને સાચા અર્થમાં વાલી બનવાની પ્રેરણા આપી ગયો.
તા. ૫-૧૧-૦૬ના રોજ લંડનના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં દેવદિવાળીનો પુણ્ય ઉત્સવ પારંપારિક રીતે ઊજવાયો હતો. સ્વામિનારાયણ હવેલીમાં આવેલા સભાખંડના મંચ પિછવાઈમાં બોચાસણ મંદિરની પ્રતિકૃતિ રચવામાં આવી હતી. વિવેકસાગર સ્વામીએ દેવદિવાળી પર્વનો શાસ્ત્રોક્ત મહિમા તેમની આગવી શૈલીમાં વર્ણવ્યો હતો. પ્રાસંગિક કીર્તનો ગાઈને સંતોએ વાતાવરણને ઉત્સવમય બનાવ્યું હતું. ત્યારબાદ અહીં ઉચ્ચ અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક મેળવનાર યુવકોને સ્મૃતિભેટ આપવામાં આવી.
અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, 'ભગવાનના બળ વગર કશું થતું નથી. ભગવાનના બળે વિજય અને આનંદ થાય છે. સંસાર-વહેવારમાં પણ શાંતિ થાય છે. તો ભગવાનનું બળ ઇષ્ટબળ કહેવાય. પૈસાનું બળ, બુદ્ધિબળ હોય પણ આસુરી બળ સામે એ ટકી ન શકે. આપણામાં કામ, ક્રોધ, લોભ વગેરે અસુરો છે, એને કાઢવાના છે. આપણે શ્રીજીમહારાજનું બળ રાખીએ તો શું ન થાય? એમ મંડી પડીએ તો આપણામાંથી પણ દોષો-અજ્ઞાન દૂર થઈ જાય ને સુખિયા થવાય. એટલે ભગવાનનું બળ સર્વશ્રેષ્ઠ બળ છે. અર્જુન પણ કૃષ્ણના બળે જીત્યા. ભગવાનના નામમાં ઘણું બધું બળ છે, પણ એમાં શ્રદ્ધા-વિશ્વાસ હોવાં જોઈએ. બધાં કામોમાં ભગવાનના નામ લેવાથી શાંતિ થાય છે. ક્યારેક એમ થાય કે આપણું કામ જલ્દી નથી થતું, પણ ધીરજ રાખવી જોઈએ. ડૉક્ટર રોગ થયો હોય તો ઇન્જેક્શન મારે ને રોગી તાત્કાલિક બેઠા થઈ જાય છે? મહિનો-બે મહિના પણ થાય! વેપાર-ધંધામાં રૂપિયા નાખ્યા ને તરત પાછા આવી જાય છે? એની પાછળ મહેનત કરો, શ્રદ્ધા-વિશ્વાસ રાખો તો ત્રણ-ચાર ગણા મળે છે. શ્રદ્ધા-વિશ્વાસ રાખી મહેનત કરો તો ભગવાનની કૃપા જરૂર થાય છે. દરેકની અંદર સમય લાગે. ખેતરમાં દાણા નાખો તો વાર લાગે. દરેકનો પ્રોસેસ હોય પણ શ્રદ્ધા-વિશ્વાસ જોઈએ. વહેલું-મોડું થાય તો ડગી ન જવાય. માણસ આજે એટલો ઝડપી છે કે દરેક કામ ઈમર્જન્સી થવું જોઈએ. મંદિરમાં ગયા ને આપણું કામ થઈ જવું જોઈએ. અરે! મંદિરમાં ગયા તો ભજન-કીર્તન કરો, શ્રદ્ધા-વિશ્વાસ રાખો તો થશે જ! તો ભગવાનને વિષે દૃઢ શ્રદ્ધા રાખી ભક્તિ કરીશું તો કલ્યાણ છે. માટે ઉત્સવમાં ગયા હોય ને આવા બે શબ્દો યાદ રહ્યા હોય તો મોટું કામ થઈ જાય.'
સ્વામીશ્રીએ તેમના આશીવર્ચનમાં ભારતથી પધારેલા હરિભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા, જેઓ દર સાલ સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં આ ઉત્સવ ઊજવવા અચૂક પહોંચે છે. આશીર્વાદની સમાપ્તિ પછી સમીપદર્શનનો લાભ સૌને મળ્યો હતો. સ્વામીશ્રીનાં દર્શન કરવા માટે સદ્ભાગી બનેલા અનેક હરિભક્તોનાં હૈયે આજે દેવદિવાળીનો ઉત્સવ સાર્થક થયાનો, અંતરે દેવ જાગ્યાનો આનંદ છવાઈ ગયો હતો.
|
|