|
મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજ
તા.૮-૨-૨૦૦૭થી તા.૨૪-૨-૨૦૦૭ દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજે મુંબઈ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં બિરાજીને સત્સંગ લાભ આપ્યો હતો. નિત્ય પ્રાતઃપૂજા, રવિ સત્સંગસભા અને વિશેષ કાર્યક્રમોમાં હજારો હરિભક્તો તેઓનાં દર્શન-આશીર્વચનોનો લાભ લઈ કૃતાર્થ થયા હતા.
સ્વામીશ્રીના આ વખતના મુંબઈ-નિવાસ દરમ્યાન તબીબી સલાહ અનુસાર તેઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે નિયમિત અંતરે સ્વામીશ્રીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે, પરંતુ સ્વામીશ્રીની ૮૬ વર્ષની ઉંમરને લક્ષમાં લઈને આ વખતે મુંબઈના નિષ્ણાંત તબીબોએ વિશેષ ચેકઅપ કરવા અંગે સલાહ આપી હતી. તે મુજબ મુંબઈ-નિવાસ દરમ્યાન મહદ્ અંશે આ ચેકઅપની પ્રવૃત્તિ સવિશેષ રહી હતી.
સ્વામીશ્રીના મેડિકલ ચેકઅપના સમાચાર પ્રસરતાં દેશ-વિદેશના લાખો હરિભક્તોએ અને સંતોએ ઠેર ઠેર પ્રાર્થનાઓ કરી હતી. અનેક મૂર્ધન્ય મહાનુભાવોએ પ્રાર્થનાપૂર્વક સ્વામીશ્રીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
મુંબઈ નિવાસની સ્મૃતિઓરૂપે કેટલાંક સ્મરણીય પ્રસંગો અને અમૃતવચનો...
રાષ્ટ્રપતિશ્રી સહિત મહાનુભાવોએ સ્વામીશ્રીને શુભેચ્છા પાઠવી
સ્વામીશ્રીના મેડિકલ ચેકઅપના સમાચાર મળતાં મહામહિમ રાષ્ટ્રપતિશ્રી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે પણ સ્વામીશ્રીને ફોન કરીને લગભગ ૧૧ મિનિટ સુધી તેઓ સાથે વાતચીત કરીને ખાસ શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કહ્યું હતું: 'સ્વામીજીના સ્વાસ્થ્ય માટે ગઈ કાલે મેં બે માળા કરીને ભગવાનને પ્રાર્થના કરી હતી.'
સ્વામીશ્રીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું:'આપનો પ્રેમ છે, લાગણી છે અને ભાવના છે. આપે પ્રાર્થના કરી તેથી ભગવાન પણ રાજી થયા. અમે પણ આપના માટે સતત પ્રાર્થના કરીએ છીએ કે આપનું સ્વાસ્થ્ય સારું રહે, આપના દ્વારા ભગવાન સારાં કાર્યો કરાવે. સાથે સાથે બીજી એક વાત કરવાની કે દેહ છે એટલે સાજું-માદું તો થવાનું. ભગવાનની ઇચ્છાથી દેહ નરસો થાય કે સારો થાય, પણ આ દેહે કરીને હંમેશાં સારાં કામ થતાં રહે એવી પ્રાર્થના સતત આપ કરતા રહેજો.'
રાષ્ટ્રપતિશ્રીએ ભાવવિભોર થતાં કહ્યું: 'આપણા રાષ્ટ્રનું સૌથી મહાન ભલું આપે કર્યું છે. આપે જે કર્યું છે તે કરવા માટે કોઈ શક્તિમાન નથી. હું જાણું છું તે મુજબ, કોઈ વ્યક્તિએ આપણા દેશ માટે આવું કાર્ય કર્યું નથી. કોઈ એક વ્યક્તિ આટલા બધા લોકોનાં મનને અને આટલી બધી ઊર્જાને એકત્રિત કરીને અક્ષરધામ જેવું સર્જન કરી શકી નથી. સ્વામીજી, એ આપણા દેશને અને માનવ સભ્યતાને આપનું સૌથી મોટું પ્રદાન છે.'
સ્વામીશ્રીએ કહ્યું: 'બધું ભગવાનની ઇચ્છાથી થયું છે. યોગી બાપાની કૃપાથી, ભગવાનની કૃપાથી થાય છે. આપ પણ ભગવાનના માણસ છો. આપને ભગવાનમાં શ્રદ્ધા છે તો આપના દ્વારા પણ દેશના સારાં સારાં કાર્યો થતાં રહેશે, લાખો લોકો સુખી થાય તેવાં કાર્ય થશે, સૌ સુખી થશે અને આપને પણ અંતરે સુખ રહેશે. સતત પ્રાર્થના કરીએ છીએ.'
રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું: 'હું આપને લગભગ દરરોજ યાદ કરું છુ. મારો એક પણ દિવસ એવો પસાર થતો નથી કે જ્યારે મારી પાસે આવેલા કોઈ પણ અતિથિને મેં અક્ષરધામનો મહિમા કહ્યો ન હોય! આપે આપણી સંસ્કૃતિના વારસાનું સર્જન કર્યું છે, એ હજુ સુધી કોઈ કરી શક્યું નથી. માત્ર આપ જ કરી શક્યા છો. દરરોજ આપણા દેશ અને વિદેશના હજારો લોકો અક્ષરધામનાં દર્શને આવે છે તે બધા જ ભારતીય હોવાનું ગૌરવ અનુભવીને, અને વધારે સારા માનવ બનીને બહાર આવે છે. માત્ર હું નહીં, સમગ્ર દેશ આપના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. આપ હંમેશાં સ્વસ્થ રહેશો, કારણ કે અક્ષરધામ આપના માટે પ્રાર્થના કરે છે, બધા જ દર્શનાર્થીઓ પ્રાર્થના કરે છે. આપ પણ પ્રાર્થના કરશો કે સુધારણાનું નાનું સરખું મારું કાર્ય હું સારી રીતે કરી શકું.'
તેઓના આત્મીય વાર્તાલાપથી સ્વામીશ્રી ભાવાર્દ્ર થઈ ગયા હતા.
તા. ૧૧-૨-૨૦૦૭ના રોજ પુનઃ ફોન દ્વારા રાષ્ટ્રપતિશ્રી બોલી ઊઠ્યા હતાઃ 'જ્યારે સ્વામિ-નારાયણ આપની સાથે છે ત્યારે આપને શું થવાનું છે?'
બ્રહ્મવિહારી સ્વામીએ તેનું ભાષાંતર કરી સ્વામીશ્રીને રાષ્ટ્રપતિશ્રીની આ લાગણી વ્યક્ત કરી ત્યારે સ્વામીશ્રીએ તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કહ્યું: 'આપને આટલો પ્રેમ છે, લાગણી છે એ આનંદની વાત છે. અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન આપનું સ્વાસ્થ્ય સારું રાખે, સારાં કાર્યો થાય.'
તા. ૧૨-૨-૨૦૦૭ના રોજ પણ સ્વામીશ્રીનું નિદાન ચાલુ હતું ત્યારે પણ પુનઃ દિલ્હીથી રાષ્ટ્રપતિશ્રીએ ફોન કરીને સ્વામીશ્રી તથા ડૉ. અશ્વિનભાઈ મહેતા સાથે વાર્તાલાપ કરીને આત્મીયતાપૂર્વક પૃચ્છા કરી હતી.
તા. ૧૩-૨-૨૦૦૭ના રોજ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી વતી સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ભાવોર્મિ વ્યક્ત કરતાં કહ્યું હતું, 'સ્વામીશ્રીના લાંબા આયુષ્ય માટેની શુભકામના વ્યક્ત કરવા માટે અમે ઉપસ્થિત રહ્યા છીએ. સ્વામીશ્રીના આધારે દેશ અને દુનિયાના કરોડો લોકોના શ્વાસ બંધાયેલા છે.'
મંત્રીશ્રી અશોકભાઈ ભટ્ટે કહ્યું, 'સત્સંગ, સમાજ, દેશ કે વિશ્વ માટે સ્વામીશ્રી એકવીસમી સદીના યુગપુરુષ છે. હંમેશાં સૌનું ભલું કરો - એ જ તેઓની ભાવના છે. તેઓના ઉપકારો આપણા ઉપર તો છે જ, પણ સમગ્ર વિશ્વ ઉપર છે. એકવીસમી સદીમાં કુસંસ્કારો ઉપર સંસ્કારોના અને વિકૃતિ ઉપર સંસ્કૃતિના વિજય માટે તેઓએ વિશ્વમાં જે કાર્યકર્યું છે એની નોંધ વિશ્વે લીધી જ છે. ભક્તિનું હાર્દ બતાવીને સંસ્કૃતિને સાચવવાનું કાર્ય આપ કરી રહ્યા છો, એ કાર્ય અનંત વરસો સુધી ચાલ્યા જ કરે, આપ શત શત વર્ષો સુધી અમારી વચ્ચે રહો એ પ્રાર્થના કરું છુ .'
સ્વામીશ્રી પ્રત્યે ગુણાનુરાગી કેન્દ્ર સરકારના ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લભાઈ પટેલ, રાજસ્થાનના સોલિસિટર જનરલ ભરતભાઈ વ્યાસ, એલ. એન્ડ ટી.ના એમ.ડી. અનિલભાઈ નાયક, ICICI બૅન્કના સી.ઈ.ઓ. અને ચૅરમૅન કામથ, સંગીત નિર્દેશક પ્યારેલાલજી વગેરે સહિત અન્ય અનેક ક્ષેત્રોના મહાનુભાવો અત્રે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તા. ૧૮-૨-૨૦૦૭ના રોજ ઍરઇન્ડિયાના પૂર્વ ચૅરમૅન અને કિંગફિશર ગ્રૂપના સલાહકાર શ્રી ગુપ્તે દર્શને આવ્યા હતા. તેમણે કહ્યું: 'જીવનમાં ચાલીસ વરસો સુધી કોર્પોરેટ વર્લ્ડમાં મેં નોકરી કરી છે. દુનિયાભારની મલ્ટીનેશનલના માણસોને હું મળ્યો છુ, પણ હું કોઈથી પ્રભાવિત થયો નથી. પણ જીવનમાં ફક્ત બે જ વ્યક્તિથી હું પ્રભાવિત થયો છું અને એમાં એક આપ છો. એટલે જ હજી સુધી હું ક્યાંય કોઈ મહાત્માનાં દર્શને ગયો નથી, પણ આપનાં દર્શને દોડી દોડીને આવું છુ.'
તા. ૨૦-૨-૨૦૦૬ના રોજ મુંબઈ અને મહારાષ્ટ્રના ડાયરેક્ટર જનરલ આૅફ પોલીસ શ્રી પશરેચા સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામનાં દર્શન કરીને તેઓ અવાક્ થઈ ગયા હતા અને ત્યારથી સ્વામીશ્રીનાં દર્શન અને આશીર્વાદની તેઓને ઇચ્છા હતી. તેમણે કહ્યું, ‘दिल्ली अक्षरघाम मै´ने पाँच घंटे तक देखा। आपने दिल से बनाया है। आपके पास कमिटेड स्वयंसेवक हैं, और आपका ऐश्वर्य है, इसलिए पाँच साल मे´ ये मंदिर बन गया। कमाल की बात है। वो बोटवाला प्रदर्शन बहुत ही अत्व्छा है, और म्युझीकल फाउन्टेन भी बहुत अत्व्छा है।’
મુંબઈના વિખ્યાત બિલ્ડર રવિ રાહેજા પણ સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. તેઓ દિલ્હી અક્ષરધામ જોઈને ખૂબ પ્રભાવિત હતા. તેમણે કહ્યું હતું: ‘दिल्ली में मै´ने अक्षरघाम देखा। सोच भी नही´ सकता कि ऐसा हो सके। मै´ने देख के दूसरे १०० मित्रो´ को वहाँ भेजा है। यह विश्व की सातवी´ अजायबी है।’
આમ, સ્વામીશ્રીના મુંબઈ-નિવાસ દરમ્યાન દેશ-વિદેશના અનેક મહાનુભાવોએ સ્વામીશ્રીનાં ચરણોમાં કૃતજ્ઞતાપૂર્વક સ્વામીશ્રીની વંદના કરી હતી.
|
|