|
સેલવાસના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ શિખરબદ્ધ મંદિરનું શિલાપૂજન બોચાસણ ખાતે પ્રમુખસ્વામી મહારાજના હસ્તે...
સેલવાસ - દાદરાનગર હવેલીનાં શિખરબદ્ધ મંદિરના શિલાન્યાસવિધિની શિલાઓનું પૂર્વપૂજન સ્વામીશ્રીના હસ્તે બોચાસણ ધામમાં વેદોક્તવિધિપૂર્વક કરવામાં આવ્યું હતું. વડીલ સંતોના હસ્તે વેદોક્ત વિધિપૂર્વક પ્રારંભિક પૂજન કરાવ્યા બાદ, સ્વામીશ્રીએ પધારીને શિખરબદ્ધ મંદિરનો સંકલ્પ સંકલ્પ કર્યો હતો. ડૉક્ટર સ્વામીએ સ્વામીશ્રીના જમણા કાંડે નાડાછડી બાંધી. ત્યાર બાદ સેલવાસથી લાવવામાં આવેલી માટીનું પૂજન સ્વામીશ્રીએ કર્યું. ભૂમિપૂજન પછી આરતી ઉતારી અને પુષ્પો છાંટી પ્રત્યેક શિલાનું પૂજન કર્યું. આ રીતે સૌ પ્રથમવાર શિખરબદ્ધ મંદિરનું ખાતમુહૂર્ત સ્વામીશ્રીના હસ્તે થયું. આ પૂજિત શિલાઓનું પુનઃ ખાત સેલવાસમાં ૧૪મી તારીખે ડૉક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં ભૂમિગતમાં સ્થાપવાની સ્વામીશ્રીએ સૂચના પણ આપી દીધી. જ્યાંથી દાદરાનગર હવેલીના અનેક ગામોમાં આદિવાસીઓના ઉત્કર્ષની ગંગા વહી છે, એવા સેલ્વાસના આ શિખરબદ્ધ મંદિરના આ શિલાન્યાસવિધિના પૂર્વપ્રસંગે સેલવાસ મંદિરના કોઠારી ચિન્મયસ્વામી તથા ૩૫૦૦થી પણ વધારે હરિભક્તોએ મહાપૂજાનો લાભ લીધો હતો.. (તા. ૨ મે, ૨૦૦૭, બોચાસણ)
'અનંતકળશ મહાઅભિષેક'વિધિ શું છે ?
તીર્થરાજ બોચાસણના બી.એ.પી.એસ. મંદિરને ૧૦૦ વર્ષર્, પૂર્ણ થતાં હોઈ, શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિ પર આ અનંત કળશ મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. પૂર્વમીમાંસાદિ શાસ્ત્રોમાં વર્ણવેલ આ વિધિ ખૂબ જટિલ છે. આ વિધિમાં પ્રત્યેક કળશમાં જુદા જુદા દેવતાનું આવાહન થાય છે. પ્રત્યેક કળશમાં જુદી જુદી વનસ્પતિઓ, દ્રવ્યો, નિધિઓનું પૂરણ થાય છે. પ્રત્યેક કળશ સ્થાપનમાં પવિત્ર ભૂદેવો વેદવિધિ અનુસાર તે તે દેવતાના મંત્રનું ગાન કરે છે. પ્રત્યેક કળશમાં જુદાં જુદાં મંત્રગાન સાથે પવિત્ર સ્થાનની મૃત્તિકા અને તીર્થજળનું પૂરણ થાય છે.
બોચાસણમાં ન્યાસ, દેવતા, દ્રવ્ય, ઉદ્ધાર અને મંત્ર - આ પંચ વિધાનથી પ્રત્યેક કળશનું પૂજન થયું. નીલમ, સુવર્ણ, હીરા, મોતી, ચાંદીથી લઈ સૂર્યકાન્તમણિ, ચંદ્રકાન્તમણિ, નીલમણિ, પન્ના, પોખરાજ, પરવાળા, પંચધાતુ, કેસર, ચંદન, નાગકેસર ને લતાકસ્તુરી, શાલપણી જેવાં અનેક દ્રવ્યો આસેતુ હિમાલયથી મંગાવવામાં આવ્યાં હતાં. ભાંગરો, બીલીપત્ર, તુલસી કે શમીપર્ણ જેવાં પાંદડાં કે નાગરમોથ, શેરડી, કુમુદ, કમલિનીનાં મૂળ પણ આ દ્રવ્યોમાં સંમિલિત હતાં. ફણગાવેલાં દ્વિદળથી લઈ સેદરડી, અઘાડો, મુસ્તાકંદ, બ્રહ્મદંડી જેવી કૂંપળોનું પણ આ કળશોમાં સ્થાન હતું.
આમ, કદાચ ભારતવર્ષમાં સૌપ્રથમવાર આવો શાસ્ત્રોક્ત અનંતકળશ મહાઅભિષેક પ્રમુખસ્વામી મહારાજે જીવંત કર્યો છે.
|
|