|
અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના હસ્તે સાંધ્યજીવન કુટીરનું લોકાર્પણ
જનસહાયક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હીરામણિ વિદ્યાસંકુલના ઉપક્રમે અમદાવાદ ખાતે સ્થપાયેલ 'સાંધ્યજીવન કુટીર'ના ઉદ્ïઘાટન પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ïત થયા હતા. આ સંકુલમાં વૃદ્ધો માટે તૈયાર થયેલી હૉસ્પિટલના દ્વારશાખનું પૂજન કરી સ્વામીશ્રીએ 'સાંધ્યજીવન કુટીર'નું ઉદ્ïઘાટન કર્યું હતું.
પૂર્વમંત્રી નરહરિભાઈ અમીન દ્વારા નિર્મિત આ વૃદ્ધાશ્રમના લોકાર્પણ પ્રસંગે અહમદ પટેલ, કરસનભાઈ તથા અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા. વેદોક્તવિધિપૂર્વક પ્રાસાદપ્રવેશ કરી સ્વામીશ્રીએ પ્રાસાદિક પુષ્પો છાંટીને વૃદ્ધાશ્રમને તીર્થત્વ આપ્યું હતું.
આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં સંકુલના ડિરેક્ટર ચંદ્રકાન્તભાઈ મહેતાએ સ્વાગત પ્રવચન કર્યું. સૌ વતી જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ નરહરિભાઈ અમીને સ્વાગતવિધિ કર્યા બાદ નિરમા ઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે ભાવોર્મિ વ્યક્ત કરી હતી.
સંસદસભ્ય અહમદભાઈ પટેલે પ્રવચન કરતાં જણાવ્યું કે 'આજનો પ્રસંગ પવિત્ર અને આનંદદાયક છે. મારે વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજનો આભાર માનવો છે. કારણ કે તેઓ ભારતની પાંચ હજાર વર્ષ પુરાણી સંસ્કૃતિને જાળવવાનું અને એની સુવાસને વિશ્વભરમાં ફેલાવવાનું અતિ મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. તેઓનું આ કાર્ય ભારત પૂરતું જ સીમિત નથી, સમગ્ર વિશ્વમાં તેઓ આ સંદેશો ફેલાવી રહ્યા છે. એને કારણે સંસ્કૃતિની રક્ષા થઈ છે અને દુનિયાએ પણ સંસ્કૃતિનાં મૂલ્યોની નોંધ લીધી છે. અને એટલા માટે જ આ ઉંમરે પણ તેઓ અન્ય દેશોમાં પ્રવાસ કરતા રહ્યા છે. અહીં આજે વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન થયું. વડીલો અને યુવા પેઢી વચ્ચેની આત્મીયતા અને વિશ્વાસ વધે તે માટે વર્ષો પહેલાંથી પ્રમુખસ્વામી મહારાજે કાર્ય શરૂ કરી દીધું છે. એ બદલ તેઓને પુનઃ અભિનંદન.'
અંતમાં આ સેવાકાર્ય કરવા બદલ શ્રી નરહરિભાઈને આશીર્વાદ આપીને સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'શાસ્ïત્રોમાં પરા અને અપરા બે વિદ્યાઓ કહી છે. અપરા વિદ્યા શરીરના સુખ માટે છે. અને પરા વિદ્યા આત્માના ઉત્કર્ષ માટે છે. કોઈને દુઃખ ન અપાય, કોઈની સાથે વેરઝેર ના થાય, કોઈનું પડાવી લેવાય નહીં, પરોપકારની વૃત્તિ વધે, એ પરાવિદ્યા છે. ભલે આપણે દુઃખી થઈએ, પણ બીજાનું તો સારું થવું જ જોઈએ એવી વાણી, વિચાર, વર્તન જોઈએ. આ આધ્યાત્મિક વિદ્યા છે. દરેક ધર્મમાં જે મહાન પુરુષો થયા છે એમણે જે વિચારો આપ્યા છે, જે આજ્ઞાઓ આપી છે એ આપણે જો વાંચીએ તો દરેકમાં એક જ વિચાર આવે છે. પોતપોતાના ધર્મમાં રહીને ઉત્કર્ષ કરી શકે એવી સદ્ભાવના એમણે આપેલી છે. બધાનું સારું આયુષ્ય રહે ને સારાં કાર્યો થતાં રહે. ભગવાન, સુખ-શાંતિ આપે. ભગવાન સર્વનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના.'
આ સેવાકાર્યમાં સહયોગ આપનારા સૌ કોઈને સ્વામીશ્રીએ આશીર્વાદ અને અભિનંદન આપ્યા હતા.
|
|