Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પૂર્વ આફ્રિકામાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની બી.એ.પી.એસ. શતાબ્દી વિદેશધર્મયાત્રા

બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવના ઉપક્રમે વિશ્વના પાંચેય ખંડમાં ફેલાયેલા હરિભક્તો, સંસ્થાની સો સો વર્ષોની સેવાઓની સ્મૃતિ કરીને શતાબ્દી મહોત્સવ ઊજવવા થનગની રહ્યા છે. શતાબ્દી મહોત્સવના ઉપક્રમે આફ્રિકા, ઈંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડામાં ઊજવાનાર વિશિષ્ટ સમારોહ તથા બે ભવ્ય શિખરબદ્ધ મંદિરોના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવે વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજે શતાબ્દી વિદેશધર્મયાત્રાનો પ્રારંભ કર્યો છે. તા. ૭-૫-૨૦૦૭ના રોજ પૂર્વ આફ્રિકામાં કેન્યાની રાજધાની નૈરોબીથી આ યાત્રા પ્રારંભાઈ છે. એક મહિનાની આફ્રિકાયાત્રા દરમ્યાન સ્વામીશ્રીએ કેન્યા, યુગાન્ડા અને ટાન્ઝ ëનિયા દેશોની રાજધાની અને મુખ્ય નગરો નૈરોબી, કંપાલા, દારેસલામ, મોમ્બાસા વગેરેમાં અદ્‌ભુત આધ્યાત્મિક લાભ આપીને સૌને કૃતાર્થ કર્યા છે. આ દરમ્યાન દારેસલામ ખાતે સ્વામીશ્રીએ પુનઃ પ્રતિષ્ઠાપ્રસંગ યોજીને ટાન્ઝાનિયાના ભક્તોને એક વિશેષ સ્મૃતિ આપી છે. ૮૬ વર્ષની વૃદ્ધવયે પણ ખૂબ પરિશ્રમ લઈને વિચરતા સ્વામીશ્રીએ સૌ હરિભક્તોનો ભાવ પૂર્ણ કર્યો છે.
અહીં સ્વામીશ્રીના આફ્રિકા વિચરણની એક ઝલક પ્રસ્તુત છે. આગામી અંકે તેની વિસ્તૃત માહિતી માણીશું...
તા. ૭-૫-૦૭ ના રોજ સ્વામીશ્રી થોડા મહિનાઓ માટે વિદેશયાત્રાએ જઈ રહ્યા હતા એટલે દૂરદૂરથી તેઓના દર્શન અને આશીર્વાદની ઝખના સાથે ગાંધીનગર ખાતે વહેલી સવારથી હરિભક્તો મોટી સંખ્યામાં આવી ગયા હતા. સભાખંડ ખીચોખીચ ભરાઈ ગયો હતો. સ્વામીશ્રીની વિદાયની ઝલક મેળવવા માટે, તેમનાં દર્શન માટે દૂર દૂર રસ્તાઓ પર પણ હરિભક્તો ગોઠવાઈ ગયા હતા. કેટલાંક બાળકો દંડવત્‌ કરતાં હતાં તો કેટલાંક પાછળ દોડવાનો પ્રયત્ન કરતાં હતાં. કેટલાંક સર્કલ આગળ ગોઠવાઈને સ્વામીશ્રીનું અભિવાદન કરતાં હતાં.
બરાબર ૧૦-૦૦ વાગે સ્વામીશ્રી અમદાવાદ ઍરપોર્ટ ઉપર પધાર્યા. અહીં પણ અનેક હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શન માટે ઊમટ્યા હતા. સૌને આશીર્વાદ આપી સ્વામીશ્રી ઍરપોર્ટની એસ્કોર્ટ દ્વારા વિમાન પાસે પધાર્યા. કૂવેતની યુનાઈટેડ એવીએશન નામની કંપનીનું લેબસ્બી પ્રકારનું તેર સીટની ક્ષમતાવાળું વિમાન અહીં આવીને ઊભું હતું. પહેલી જ વાર સ્વામીશ્રી ચાર્ટર્ડ વિમાન દ્વારા આંતરરાષ્ટ્રીય ધર્મયાત્રાનો પ્રારંભ કરી રહ્યા હતા. નૈરોબી રહેતા યજ્ઞેશભાઈ દેવાણી અને દારેસલામના સુભાષભાઈ પટેલે સ્વામીશ્રીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે વિમાનની ખાસ વ્યવસ્થા કરી હતીં. અમેરિકન પાઇલોટ અને સહકર્મચારીઓનું સ્વાગત ઝીલી સ્વામીશ્રી વિમાનમાં પધાર્યા.
સ્વામીશ્રીની સાથે આ ધર્મયાત્રામાં, વિવેકસાગર સ્વામી, યોગીચરણ સ્વામી, ધર્મચરણ સ્વામી, પ્રિયદર્શન સ્વામી, નારાયણચરણ સ્વામી, નિર્ભયસ્વરૂપ સ્વામી વગેરે સેવકસંતો ઉપરાંત ઈશ્વરચરણ સ્વામી, આનંદસ્વરૂપ સ્વામી, યોગીસ્મરણ સ્વામી પણ જોડાયા હતા. યજ્ઞેશભાઈ દેવાણી અને સુભાષભાઈ પટેલ મળીને ૧૩ સહયાત્રીઓને લઈને બરાબર ૧૦-૩૦ વાગ્યે વિમાને આકાશમાં ગતિ સાધી. સ્વામીશ્રીની આસપાસ વીંટળાઈને સંતો બેસી ગયા. વાતાવરણમાં યોગીજી મહારાજની સ્મૃતિઓ વહેવા લાગી. ઈશ્વરચરણ સ્વામી અને વિવેકસાગર સ્વામીએ ૧૯૬૦થી માંડીને ૭૦ સુધીના દાયકાના યોગીજી મહારાજના આફ્રિકા વિચરણના પ્રસંગોની સ્મૃતિ કરીને આફ્રિકાના સત્સંગનો માહોલ ખડો કરી દીધો. સ્વામીશ્રી પણ એનો આનંદ માણતા એમાં સૂર પુરાવતા હતા. ૧૨.૩૦ વાગે ઠાકોરજી જમાડીને સ્વામીશ્રીએ પત્રવાચન શરૂ કર્યું. બરાબર કેન્યાના ૨-૪૦ વાગે વિમાને નૈરોબીના જોમો કેન્યાટા ઇન્ટરનેશનલ ઍરપોર્ટને સ્પર્શર્ કર્યો. સૌએ જયનાદોથી આ આગમનને વધાવ્યું. કુલ ૩૧૧૯ માઈલની મુસાફરી ભારતના ૫-૧૦ વાગે પૂરી થઈ. કેન્યાના ખાસ અતિથિવિશેષ તરીકે સ્વામીશ્રીને સુવિધાઓ આપીને વધાવ્યા. પ્રાંગણમાં ભક્તવત્સલ સ્વામી, મહેન્દ્રભાઈ બૅરિસ્ટરથી માંડીને અનેક હરિભક્તો સ્વામીશ્રીનું સ્વાગત કરવા માટે ઊમટ્યા હતા.
હરિકૃષ્ણ મહારાજને આગળ કરીને સ્વામીશ્રીએ નૈરોબીની ધરતીનો સ્પર્શ કર્યો. અહીંના ભારતીય ડેપ્યુટી હાઈકમિશનર શુક્લ સાહેબે હાર પહેરાવીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. પૂર્વ આફ્રિકા સત્સંગ મંડળના ચેરમેન મહેન્દ્રભાઈ બૅરિસ્ટર, ભક્તવત્સલ સ્વામી, હર્ષદભાઈ રાણા, અરવિંદભાઈ સાહેબ, કિરણભાઈ પટેલ તથા અન્ય સૌ વડીલ મહાનુભાવોએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વામીશ્રીને વધાવ્યા.
યજ્ઞેશભાઈ દેવાણીની મર્સિડીસમાં બિરાજમાન થઈ સ્વામીશ્રીએ ઍરપોર્ટ છોડ્યું ત્યારે ૩-૦૦ વાગ્યા હતા. આગળ પોલીસ એસ્કોર્ટ સાથે સ્વામીશ્રીની કાર નૈરોબીના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશી. બાળકોએ હરોળબદ્ધ ઊભાં રહીને જયનાદો વડે સ્વાગત કર્યું. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી લિફ્ટ દ્વારા મંદિર ઉપર પધાર્યા. ભાવથી મૂર્તિઓનાં દર્શન કરીને પ્રદક્ષિણા કરી. લાંબી મુસાફરીને કારણે આજે કોઈ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો ન હતો છતાં જ સ્વામીશ્રીને જ ઉમળકો હતો અને ત્રણ ત્રણ કલાકથી સ્વામીશ્રીનાં દર્શન માટે રાહ જોઈને અહીં બેઠેલા ભાવિક ભક્તોના ભાવને અંગીકાર કરતા સ્વામીશ્રીએ સોફા ઉપર વિરાજીને સૌને લાભ આપવાની ઈચ્છા દર્શાવી. ત્યાં જ એક નાની સ્વાગત સભા યોજાઈ ગઈ. વિવેકસાગર સ્વામીએ પૂર્વવિચરણની વાતો કરી. સ્વામીશ્રીએ ઉપવાસી હરિભક્તો અને સંતોને પારણાં માટે બનાવવામાં આવેલા શરબતને પુષ્પ પાંખડી નાંખીને પ્રસાદીનું કર્યું.

અમૃતવાણી સ્વામીશ્રીએ વહાવતાં કહ્યું : 'શતાબ્દી નિમિત્તે આવ્યા છીએ. આપ બધાનો ભાવ ને પ્રેમ હતો તો આવવાનું થયું. આપ બધાનાં દર્શન થયાં, મહારાજનાં દર્શન થયાં, સંતોનાં દર્શન થયાં. અહીંયાં સત્સંગની બલિહારી છે જ ને નિયમિત રીતે કથાવાર્તા-સત્સંગ ભજન થાય છે. આપના સૌનો ભાવ હતો અને પ્રેમ હતો તો અમારે પણ મહારાજે બધું અનુકૂળ કરી દીધું અને આજે અહીં તમારી સામે બેઠા છીએ. ભગવાનની ઇચ્છાથી થઈ ગયું છે. અહીં ઉત્સવ-સમૈયા સારા થાય, સર્વોપરિ થાય. બધાનો સત્સંગ દૃઢ છે ને વિશેષ દૃઢ થાય. નૈરોબીમાં ને કેન્યામાં, દારેસલામ, મોમ્બાસા બધે ઉત્સવ સારા થશે ને બધાને લાભ સારો મળશે. જેણે જેણે ઉપવાસ કર્યા છે એને મહારાજ બળ આપે, એમની ભક્તિ વધે ને નૈરોબીના તમામ ભક્તોને આશીર્વાદ છે કે બધા તન, મન, ધનથી સુખિયા થાય.''
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |