|
નૈરોબી મંડળ ઊજવે છે બી.એ.પી.એસ. શતાબ્દી ઉત્સવ
૧૨મી મે નો દિવસ બી.એ.પી.એસ. સંસ્થા શતાબ્દી મહોત્સવની આંતરરાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે હતો અને એટલે જ દૂર દૂરના દેશો અમેરિકા, ભારત, ઇંગ્લેન્ડ, ઇન્ડોનેશિયા તેમજ આફ્રિકાના દેશો યુગાન્ડા, ટાન્ઝાનિયા, દક્ષિણ આફ્રિકા, બોટ્સ્વાના, મલાવીથી માંડીને કેન્યાના દરેક સેન્ટરમાંથી આ ઉત્સવને આત્મસાત્ કરવા માટે હજારો હરિભક્તો ઊમટી પડ્યા હતા.
સ્વામીશ્રીની પ્રાતઃ પૂજામાં સંતો-યુવકોએ શૂરાતન ચડે એવાં કીર્તનો રજૂ કર્યાં. સ્વામીશ્રી પૂજાના આસન ઉપર બેઠાં બેઠાં જ જાણે હમણાં ઊભા થઈ જશે એટલા ઉમળકા ને ઉત્સાહથી હાથ ઊંચા કરીને કીર્તનના તાલે તાલ દઈ રહ્યા હતા. આંખોમાં ચમક હતી. મુખ ઉપર અનેરી દિવ્યતા હતી, મંદ સ્મિત હતું. સામે બેઠેલા દેશવિદેશના હરિભક્તો પણ સ્વામીશ્રીના આ લટકાથી પ્રભાવિત થઈને આનંદસાગરમાં નિમગ્ન થતાં થતાં સ્વામીશ્રીના તાલે તાલ દઈ રહ્યા હતા ને સ્વામીશ્રી પણ યજ્ઞપુરુષને દ્વારે દેવાતા ડંકાના તાલે તાલ મિલાવી રહ્યા હતા.
કેટલાય હરિભક્તો મંચ ઉપર આવીને 'આજે યજ્ઞપુરુષને દ્વાર નોબત વાગે રે લોલ....' એ કીર્તનના તાલે તાલ દઈને નૃત્ય કરવા લાગ્યા. સ્વામીશ્રી સૌ પર અમી દૃષ્ટિ કરતાં કરતાં બેઠાં બેઠાં જ મુજરા કરી રહ્યા હતા. સૌનાં અંતર લહેરાઈ ઊઠ્યાં હતાં. આમ સવારનો માંગલિક પ્રારંભ અદ્ભુત રીતે થયો.
આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલાં બોચાસણ જેવા નાના ગામમાં મંડાયેલા આ પવિત્ર ચરણ આજે વામનમાંથી વિરાટ બનીને ત્રણેય લોકમાં આવૃત્ત થઈ ઊઠ્યા છે. તેની સ્મૃતિ રૂપે આજે ઠાકોરજી સમક્ષ ૧૦૦ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવ્યો હતો. પડદા પર બોચાસણ મંદિરની મૂર્તિઓ દર્શન દઈ રહી હતી.
આયોજન મુજબ સ્વામીશ્રીએ આરતી હાથમાં લીધી કે બોચાસણમાં પણ આ જ સમયે રાજભોગ આરતીના ડંકા ગાજી ઊઠ્યા. અડધી આરતી બાદ પડદો ઊંચકાયો અને નૈરોબીના ઠાકોરજીનાં સમૂહ દર્શન થયાં. સૌએ બી.એ.પી.એસ. શતાબ્દીનો જયનાદ કર્યો.
મંદિરના સામેના પ્રાંગણમાં હજારો હરિભક્તો બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવના પ્રારંભને વધાવવા ઊભા હતા. સૌના એક હાથમાં ફુગ્ગાઓ હતા અને બીજા હાથમાં બી.એ.પી.એસ.ની ધજા હતી. સમગ્ર પરિસર રંગબેરંગી ફુગ્ગાઓ વડે શોભી રહ્યું હતું. ત્રણેય શિખરો ઉપર તેમજ કાંગરે કાંગરે ફુગ્ગાઓનાં ઝૂમખાં શોભી રહ્યાં હતાં. મંદિરના વિશ્વમાં અદ્વિતીય એવા કાષ્ઠના કોતરકામયુક્ત ઘુમ્મટમાં પણ રંગબેરંગી ફુગ્ગાઓના શણગાર સજાવવામાં આવ્યા હતા.
સ્વામીશ્રી જેવા પોર્ચમાં પધાર્યા ને એક સાથે જયનાદોથી ગગન ગાજી ઊઠ્યું. બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવની જયનો ત્રણ વખત ઉદ્ઘોષ થતાં જ સ્વામીશ્રીએ દોરી ખેંચી લીધી અને ફુગ્ગાઓ ગગનગામી થતાં ઊડવા લાગ્યા. વાતાવરણ અદ્ભુત હતું. જયનાદોની સાથે બૅન્ડની સુરાવલિઓએ 'જનગણ મન અધિનાયક....' એ રાષ્ટ્રગીતનું ગાન કર્યું. એની સાથે જ હજારો ધજાઓ ફરકવા લાગી. સ્વામીશ્રીએ પણ બી.એ.પી.એસ.ની ધજા ફરકાવી. રાષ્ટ્રગીત પૂરું થયા પછી કેન્યાના રાષ્ટ્રગીતની ધૂન પણ વગાડવામાં આવી.
સાંજે સભામાં કિશોર ને યુવક મંડળે 'શતાબ્દી ગાથા' નામક સંવાદ રજૂ કર્યો. જેમાં શાસ્ત્રીજી મહારાજના વ્યક્તિત્વની છણાવટ રજૂ થઈ. 'હીરામુખી' જેવા સંવાદો અને 'સારંગપુરની શોભા અતિ સારી....'ના આધારે સ્લાઇડ શૉ પણ દર્શાવાયો. 'અક્ષરપુરુષોત્તમના ડંકા દિગંતમાં સંભળાય છે....' એ નૃત્ય પછી નૈરોબી, બોટ્સ્વાના, મોમ્બાસા, મલાવી તથા ઇન્ડોનેશિયાથી આવેલા હરિભક્તોએ હાર પહેરાવીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. અંતે સ્વામીશ્રીએ અમૃતવાણી વહાવીને સંસ્થા શતાબ્દી માટે સૌને કટિબદ્ધ કર્યા. બી.એ.પી.એસ.ના ઉદ્ઘોષનો દિવ્ય કાર્યક્રમ આ રીતે વિદેશની ધરતી ઉપર સંપન્ન થયો.
|
|