Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

આફ્રિકાખંડના કેન્યા દેશમાં નૈરોબીમાં પ્રમુખસ્વામી મહારાજ

તા. ૭ મે થી તા. ૧૫ મે સુધી કેન્યામાં નૈરોબી ખાતે અપૂર્વ સત્સંગ લાભ આપીને સ્વામીશ્રીએ બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવ ધર્મયાત્રાનો કલ્યાણમય શુભારંભ કર્યો હતો. સ્વામીશ્રીના અહીંના નિવાસ દરમ્યાન ઇંગ્લેન્ડ, અમેરિકા સહિત અન્ય વિવિધ દેશોના આબાલવૃદ્ધ હરિભક્તો પણ લાભાન્વિત થયા હતા. પૂર્વ અને દક્ષિણ આફ્રિકાના જુદાં જુદાં નગરોનાં સત્સંગમંડળોએ સ્વામીશ્રીને પ્રસન્ન કરવા વિવિધ ભક્તિ-તપ-વ્રત-સભર કાર્યક્રમો કર્યા હતા. બાળકોએ સ્વામીની વાતો, કીર્તનો અને સાખીઓનો મુખપાઠ કર્યો હતો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં કીર્તનગાનથી લઈ અલ્પાહાર, ભોજન કે ભ્રમણ દરમ્યાન શિશુઓ, બાળકો, કિશોરો, યુવાનોએ જુદી જુદી ભક્તિસભર રજૂઆત કરી અને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. અહીં દૂર દેશમાં રહીને પણ નિયમધર્મનું અડગપણે પાલન કરનાર સૌ પર સ્વામીશ્રીના ખૂબ આશીર્વાદ વરસ્યા. અહીં એ દિવ્ય વિચરણની એક ઝલક પ્રસ્તુત છે...સ્વાગતસભા
નૈરોબીમાં નવ દિવસના રોકાણ દરમ્યાન સ્વામીશ્રીએ આબાલ-વૃદ્ધ સૌ હરિભક્તોને સત્સંગ રસમાં તરબોળ કરી દીધા હતા. સમુદ્ર કરતાં ૫૦૦૦ ફૂટ ઊંચાઈને કારણે નૈરોબી સમગ્ર વર્ષ દરમ્યાન વાતાનુકૂલિત શીતળ જ રહે છે. પરંતુ તેમાં જાણે સ્વામીશ્રીના સાંનિધ્યથી વાતાવરણમાં દિવ્યતાનો પ્રભાવ પથરાયો હતો. નૈરોબીના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં તા. ૮ મે ના સાંજે સ્વાગતસભા યોજાઈ. સ્વામીશ્રીને વધાવવા પૂર્વ આફ્રિકાનાં સત્સંગ કેન્દ્રોના હરિભક્તો ઊમટ્યા હતા. ચારે બાજુ  આનંદનો ગુલાલ ઊડતો હતો. ગુરુહરિના દર્શનનો ઉમંગ સૌનાં અંતરમાં છલકાતો હતો. સભા હકડેઠઠ ભરાઈ હતી. વિવેકસાગર સ્વામીએ સંસ્થા શતાબ્દી ગાથા પારાયણનો પ્રારંભ કર્યો. ઈશ્વરચરણ સ્વામીના પ્રવચન બાદ બાળકો, યુવકો અને કિશોરોએ 'આનંદનો અવસરિયો' એ સ્વાગત નૃત્ય રજૂ કર્યું. નૈરોબી મંદિરના કોઠારી ભક્તવત્સલ સ્વામી, ઈસ્ટ આફ્રિકા સત્સંગમંડળના ચૅરમેન  મહેન્દ્રભાઈ બૅરિસ્ટર તથા નૈરોબી સત્સંગમંડળના ચૅરમૅન અરવિંદભાઈ સાહેબ, સ્વામીશ્રીની યાત્રાના પ્રાયોજક અને દાતા યજ્ઞેશભાઈ દેવાણી તથા સુભાષભાઈ પટેલે હાર પહેરાવીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. ભારતીય હાઈકમિશનના પ્રતિનિધિરૂપે સ્વામીશ્રીને વધાવવા ડેપ્યુટી હાઈકમિશ્નર કેતનભાઈ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સ્વામીશ્રીને હાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા. પૂર્વ આફ્રિકા સત્સંગ કમિટીના ચૅરમેન અને સભ્યોએ સ્વાગત પ્રવચન કર્યાં.
અંતે સ્વામીશ્રીએ અમૃતવાણી વહાવતાં કહ્યું : 'ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર બધા જીવોનું કલ્યાણથાય એવા દિવ્ય સંકલ્પ સાથે પોતાનું અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામી, મુક્તો ને સર્વ ઐશ્વર્ય લઈને આવ્યા છે. ભગવાન પોતાના અનન્ય ભક્તોના સંકલ્પો પૂરા કરવા ને કલ્યાણ કરવા પધારે છે. પોતાના ધામમાં રહ્યા રહ્યા પણ કલ્યાણ કરી શકે એમ સમર્થ છે, તો અહીં આવવાની જરૂર શી ? પણ પ્રેમી ભક્તો, એકાંતિક ભક્તોને સુખ આપવા ને પોતાનું દિવ્ય જ્ઞાન દૃઢ કરાવીને ધામમાં લઈ જવા માટે આવે છે. એની સાથે સાથે જે મુમુક્ષુ આત્માઓ છે, જેને ભગવાન પામવાની ઇચ્છા છે એનું પણ કલ્યાણ કરે છે. ભગવાન અને સંતનું વિચરણ જીવોના કલ્યાણ માટે છે.' એમ કહી સ્વામીશ્રીએ સંસ્થા શતાબ્દી માટે સૌને જાગ્રત કર્યા.
બાળદિન
તા. ૯મી મે ના રોજ નકુરુ અને એલ્ડોરેટ સત્સંગ મંડળને સ્વામીશ્રીનો વિશેષ લાભ મળ્યો. સાંજની સભામાં આનંદસ્વરૂપ સ્વામીના પ્રવચન પછી એલ્ડોરેટ શિશુમંડળે 'ઘનશ્યામ ઘનશ્યામ મારી સાથે રમવા આવશો કે નહીં' એ ગીતના આધારે તેમજ નકુરુ બાળમંડળે 'વાલમ વધામણા હો' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યાં. નૈરોબી યુવકમંડળે 'મોક્ષનું દ્વાર' એ સંવાદ રજૂ કર્યો અને બાળમંડળે 'અમે નમણાં અમે કુમળાં' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. સાંસ્કૃતિક કાર્યક્રમ સુંદર થયો. આજે સભામાં હિન્દુ કાઉન્સિલ આૅફ કેન્યાના અધિકારીગણ આવ્યા હતા. ચૅરમૅન વનરાજભાઈ સરવૈયા તથા ટ્રસ્ટીઓ મૂળજીભાઈ પીંડોરિયા તથા રજનીભાઈ કંટારિયાને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા.
યુવા પરિસંવાદ
તા. ૧૦મી મે ના રોજ કિસુમુ, કેરીચો, કાકામેઘાના સત્સંગીઓને લાભ આપવામાં આવ્યો હતો. સાંજે સભામાં પારાયણ, પ્રવચન બાદ કિસુમુ યુવક મંડળે એક પરિસંવાદ રજૂ કર્યો હતો. બાળ, કિશોર અને યુવકમંડળના સભ્યો દ્વારા 'નવી સવાર નવો ઉમંગ' એ સંવાદ ભજવાઈ રહ્યો હતો. આધુનિકતાનાં બહાનાં હેઠળ ઘૂસી જતી બદીઓનાં કેવાં ખતરનાક પરિણામ આવે છે અને આ બદીઓમાં જો બાળકોને જાણી જોઈને તણાવા દેવાય તો શું નીપજે છે ? એ વાતને આ સંવાદમાં અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને બાળસંસ્કાર માટે વાલીઓને ચેતવણીરૂપ આ સંવાદ હતો.
દ.આફ્રિકાનાં બાળકોનો કાર્યક્રમ
તા. ૧૧મીનો  દિવસ દક્ષિણ આફ્રિકાના હરિભક્તો માટે હતો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં તેમજ સભામાં દક્ષિણ આફ્રિકાનાં શિશુઓ, બાળકો-કિશોરોએ વિવિધ રજૂઆતો કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. સાયં સભામાં મૌનસ મહેતા, કીર્તન તથા વ્રજ નામનાં આ ત્રણ શિશુઓ મોટા માણસો તત્ત્વજ્ઞાનની ચર્ચા કરે એ રીતે એક પછી એક વચનામૃતના સંદર્ભો ટાંકીને પીઢ વ્યક્તિઓની માફક સંવાદ કરતાં હતાં. બધા જ સંદર્ભો સાહજિક રીતે મૌખિક બોલતા હતા. મોટાઓને પણ ન ફાવે એવી ભાષામાં કડકડાટ રીતે ગુજરાતીમાં બોલતા આ શિશુઓને શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી ધન્યવાદ આપ્યા. સ્વામીશ્રીએ આ બાળકો ઉપર પ્રસન્નતા વ્યક્ત કરી. પરિસંવાદ પછી દ.આફ્રિકાના કિશોરોએ 'જય શ્રી સહજાનંદ સ્વામી' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. આજની સભામાં ચિન્મય મિશનના આફ્રિકા ખાતેના સ્વામી સ્વરૂપાનંદજી પધાર્યા હતા. તેઓએ સ્વામીશ્રીને હાર પહેરાવીને સન્માન્યા. તેઓએ પ્રવચન કરતાં જણાવ્યું, 'અમારા ગુરુ ચિન્મયાનંદજી વારંવાર અમને કહેતા કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ભાવનાથી સેવાઓ થઈ રહી છે અને મોટા પાયે થઈ રહી છે એ શીખવા જેવું છે.'
આજે કેન્યા ખાતે સત્સંગ શિક્ષણ પરીક્ષામાં એવોર્ડ મેળવનાર પરીક્ષાર્થીઓને સ્વામીશ્રીના આશીર્વાદ સાંપડ્યા. અંતે નૈરોબી, દક્ષિણ આફ્રિકા, લેનેશિયા તથા ડર્બન સત્સંગ મંડળના અગ્રણી હરિભક્તોએ હાર પહેરાવીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા.     

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |