|
આ છે આફ્રિકાનું બી.એ.પી.એસ. સત્સંગમંડળ
દક્ષિણ-પૂર્વ આફ્રિકામાં વ્યાપેલાં બી.એ.પી.એસ. સત્સંગમંડળો, સેવા-ભક્તિ-તપ-વ્રત વગેરે સદ્ગુણોથી મઘમઘતાં અનેક ભક્તો ખીલવતું એક વિશિષ્ટ ઉપવન છે. ઠેર ઠેર ભૌતિકવાદની ઊછળતી છોળો વચ્ચે અલિપ્ત રહીને
અહીં નવી પેઢી પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી સદાચારી જીવન જીવે છે, સેવામય સમર્પિત જીવન જીવે છે.
નાનાં નાનાં શિશુઓ પણ ૠષિબાળકોની યાદ અપાવે એવા સંસ્કારોથી અલંકૃત છે. તાજેતરમાં સ્વામીશ્રીના
આફ્રિકા નિવાસ દરમ્યાન, સહજ વાર્તાલાપમાં માણવા મળેલા કેટલાંક પ્રેરક ઉદાહરણો આ રહ્યાં...
- આ છે આફ્રિકા સત્સંગમંડળ જ્યાં નૈરોબી ખાતે સ્વામીશ્રીના આગમન વખતે ૧૪૭ કિશોરો-યુવકોએ તથા ૧૧૧ યુવતીઓ-મહિલાઓએ ધારણાં-પારણાં, ચાંદ્રાયણ, ૮૬ થી ૧૦૦ કલાક સુધીના નિર્જળા ઉપવાસ વગેરે વ્રત કર્યાં. વળી સૌએ ધૂન, વિશેષ માળા, ઘઉં ત્યાગ, મિષ્ટાન્ન ત્યાગ જેવી વિવિધ પ્રકારની કઠિન તપશ્ચર્યા પણ કરી હતી.
- આ છે આફ્રિકા સત્સંગમંડળ જ્યાં પરને કાજે, સેવા કરવા ભક્તો તત્પર રહે છે. લેનેશિયા સત્સંગ મંડળ તેનું એક ઉદાહરણ છે. અહીં દર દિવાળીએ એક અનાથ બાળકને દત્તક લેવાનો સંકલ્પ કરીને એક દીવો પ્રગટાવાય છે. આ વખતે ૧૦૦૦૦ દીવા પ્રગટ્યા!
- અહીં નીલકંઠ પટેલ જેવા શિશુઓ પણ છે, જે દરરોજ ચેષ્ટા બોલ્યા પછી જ સૂએ છે...
- અહીં સેવા દૃઢ પ્રતિજ્ઞાબદ્ધ ભક્તો પણ છે, જેમણે જીવનભર આપેલું વચન નિભાવ્યું છે. કેન્યાના પૂર્વમંત્રી જોસેફ મટુરિયાએ ૧૯૮૫માં સ્વામીશ્રીની પ્રેરણાથી દારૂનું વ્યસન છોડ્યું હતું. આજે ૨૨ વર્ષ પછી પણ તેઓ પોતાની પ્રતિજ્ઞામાં અણનમ રહ્યા છે. તા. ૧૨ મે, ૨૦૦૭ના રોજ તેઓ નૈરોબી ખાતે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું : 'આપની પાસે જ્યારથી નિયમ લીધો છે ત્યારથી દારૂ પીવાની ઇચ્છા જ થતી નથી! મારે માટે આ આશ્ચર્યકારક છે!'
- અહીં બીજાના વ્યસન છૂટે તે માટે જાતને ઘસીને સઘન પ્રયત્ન કરનારા ભક્તો છે. મહેશભાઈએ મિત્રનું વ્યસન છોડાવવા માટે તથા તેનું જીવન સુખી બને એ માટે સતત ચાર વર્ષ સુધી નિર્જળ એકાદશી કરીને તેને વ્યસનમુક્ત કર્યો!
- અહીં કુણાલ ને વ્રજ જેવા બાળકો છે, જેઓ કોઈપણ સંજોગોમાં ડુંગળી-લસણ ખાતા નથી. જો કે તેમના ઘરમાં ડુંગળી-લસણ ખવાતાં હોવા છતાં, ઘરમાં આ બંને બાળકો માટે ડુંગળી-લસણ રહિત અલગ રસોઈ બને છે!
- અહીં એવા ભક્તિભાવ અને શ્રદ્ધાવાળા ભક્તો છે જેઓ વિકટ સંજોગોમાં પણ ઠાકોરજીની સેવા ચૂકતા નથી. નૈરોબીમાં ૨૨ ભક્તોનું પૂજારી મંડળ નિત્ય વહેલી સવારે પાંચ વાગ્યે સેવામાં તત્પર રહે છે.
- નૈરોબીમાં ૫૦ જેટલાં નાનકડાં શિશુઓ નિયમિત એકાદશી કરે છે અને તિલકચાંદલા સહિત પૂજા કરીને સ્કૂલમાં પણ જાય છે. નિર્મલ પૂજામાં રોજ જનમંગલ નામાવલિ મોઢે બોલે છે. ૠષિએ એક મહિનાનાં એકટાણાં કર્યાં હતાં. ક્રીસ નામના બાળકે દશ વર્ષ સુધી એક મહિનાનાં એકટાણાં કર્યાં છે. આકાશે ડિસેમ્બર મહિનાથી સ્વામીશ્રી પધારવાના હોવાથી આઇસક્રીમનો ત્યાગ કર્યો હતો. તિલકે ટી.વી.નો ત્યાગ કર્યો હતો. જનકે સોડાનો અને તીર્થ નામના શિશુએ ચૉકલેટ તથા જ્યૂસનો ત્યાગ કર્યો હતો. ત્રણ વર્ષનો જય નામનો શિશુ તિલકચાંદલા સહિત પૂજા અને એકાદશી પણ કરે છે.
- 'ધ્રુવ પટેલ નામના એક શિશુને અતુલભાઈએ કહ્યું, 'મારે ત્યાં નાસ્તો કરવા ચાલ.' ત્યારે એને તરત જ કહ્યું કે 'તમારે ત્યાં ડુંગળી-લસણ ખવાય છે ?' અતુલભાઈ કહેઃ 'ના.' એમ પાકું કર્યા પછી જ એ શિશુ એના ઘરે જમવા ગયો!
- નકુરુ બૅન્કમાં નોકરી કરતા દિગ્ïનેશભાઈ પાસે એક ભાઈ રકમ ભરીને જતા રહ્યા. દિગ્નેશભાઈએ ગણતરી કરી ત્યારે એક લાખ શિલિંગ વધારે હતા. દિગ્ïનેશભાઈએ પેલા ભાઈને ફોન કરીને પાછા બોલાવ્યા અને હકીકતથી વાકેફ કરીને તેઓના એકાઉન્ટમાં બધા જ પૈસા જમા કરાવી દીધા.
- પીયૂષભાઈ નોકરી અર્થે સ્વિત્ઝર્લેન્ડ ગયા. ત્યાં ભોજનની ઘણી પ્રતિકૂળતાઓ હતી, છતાં દોઢ મહિના સુધી દૂધ અને ભાત ઉપર જ તેઓ રહ્યા.
- નૈરોબીમાં શરદ અને દિવ્યેશ તપના અંગવાળા છે. શરદે તો સળંગ બે મહિના જુદા જુદા પ્રકારનાં ચાંદ્રાયણો અને છેલ્લા ૫૦૦ કલાક કેવળ છાશ ઉપર રહીને ૧૨ કિલો વજન ઉતારી દીધું હતું!
- થીકા સત્સંગમંડળના સંજયભાઈને બીજાના વાંકને કારણે ખોટી રીતે જેલ થયેલી. છતાં દૃઢતા રાખીને એમણે જેલમાં પણ નિયમો સાચવ્યા. તેઓ સવારે પૂજામાં બેસે ત્યારે તેની આજુબાજુ બીજા કેદીઓ દર્શન કરતા બેસતા.
- લેનેશિયા (દક્ષિણ આફ્રિકા)માં મંદિર પ્રતિષ્ઠિત થયું એ પછી સ્વામીશ્રીએ કહેલું કે આ મંદિરનો હોલ નાનો પડશે એટલા હરિભક્તો આવશે. આજે ત્યાં ૩૦૦ હરિભક્તો નિયમિત સભામાં આવે છે.
|
|