Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

આફ્રિકા ખંડના યુગાન્ડા દેશમાં કંપાલામાં પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે યુગાન્ડામાં ચાર મંદિરો ૧૯૭૦માં પ્રતિષ્ઠિત કર્યાં હતાં. કંપાલા, ટરોરો, ઝીંઝા અને ગુલુ. છેલ્લા કેટલાય દાયકાઓથી વિષમ દેશકાળ વચ્ચે પણ આ મંદિરો આસપાસનાં નગરો અને ગામોમાં પણ સત્સંગની સરવાણી વહાવતાં રહ્યાં છે. તા. ૧૬ મે થી ૨૦ મે, ૨૦૦૭ સુધી યુગાન્ડાના મુખ્ય શહેર કંપાલામાં સ્વામીશ્રીના પધારવાથી ભક્તિનું મોજું ફરી વળ્યું હતું. કંપાલાની આજુબાજુ નાં મ્બાલે, કયુંગા, લીરા, બરારા, અરુવા, સરોટી, મોબલેન્ઝી, ઇગાંગા, કલીરો, બીગોરી, ઝીંઝા, ટરોરો વગેરે બી.એ.પી.એસ. સત્સંગ કેન્દ્રોના હજારો હરિભક્તો નિત્ય લાભ લેવા ઊમટતા. સવાર-સાંજ સંતોની કથાવાર્તા, જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો, સંવાદો, કીર્તન-ભક્તિ વગેરેની રમઝટ વચ્ચે સવારથી મોડી રાત સુધી નિરંતર જ્ઞાનયજ્ઞ ચાલતો રહ્યો. કંપાલામાં નૂતન મૂર્તિઓની પુનઃપ્રતિષ્ઠા સ્વામીશ્રીએ કરી અને હરિભક્તોની ભક્તિને નવપલ્લવિત કરી દીધી. અહીં તેની એક ઝલક પ્રસ્તુત છે.

તા. ૧૬-૫-૨૦૦૭ના રોજ પ્રમુખસ્વામી મહારાજે યુગાન્ડા દેશને પાવન કર્યો. ઍરપોર્ટ ઉપર કમ્પાલા સત્સંગના કાર્યવાહકો ભીખુભાઈ પટેલ, રામજીભાઈ પટેલ તથા હરીશભાઈ ભૂપતાણી તેમજ પ્રદીપભાઈ કારિયા વગેરે અગ્રણી હરિભક્તોએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. યુગાન્ડામાં સ્વામીશ્રીને રાષ્ટ્રીય મહેમાન (સ્ટેટ ગેસ્ટ) તરીકે બિરદાવવામાં આવ્યા. સ્ટેટ ગેસ્ટ તરીકે પોલીસ એસ્કોર્ટ સાથે સ્વામીશ્રી કમ્પાલાના બી.એ.પી.એસ. મંદિરે પધાર્યા. સમગ્ર મંદિર ધજાપતાકાઓથી શોભી રહ્યું હતું. મંદિરના પ્રાંગણની બહાર સ્થાનિક શ્યામ પ્રજા સ્વામીશ્રીનાં દર્શન માટે ઊમટી પડી હતી. દરવખતની જેમ આ વખતે પણ સાન્યુ આફ્રિકન મ્યુઝિક એન્ડ ડ્રામેટિક સોસાયટીના ચૅરમેન કવોયા મોસેસ અને તેમના સાથીદારોએ અહીંની લોકશૈલીમાં નૃત્ય કરીને સ્વામીશ્રીને સન્માન્યા. સૌનું સન્માન ઝીલીને સ્વામીશ્રી મંદિરમાં દર્શને પધાર્યા. સમગ્ર યુગાન્ડા સત્સંગ મંડળ વતી રામજીભાઈ પટેલે સ્વાગત-પ્રવચન કર્યું અને હરીશભાઈ ભૂપતાણીએ સ્વામીશ્રીને હાર પહેરાવીને સત્કાર્યા. પ્રદીપભાઈ કારિયાના 'અક્ષરધામ' બંગલામાં સ્વામીશ્રીનો ઉતારો હતો. સ્વામીશ્રીના અહીંના રોકાણ દરમ્યાન યુગાન્ડા તેમજ આજુબાજુ ના પ્રદેશના અનેક હરિભક્તો-ભાવિકોએ સ્વામીશ્રીનો લાભ લીધો હતો.
તા. ૧૭-૫-૨૦૦૭ના રોજ સાંજે સ્વામીશ્રીને સત્કારવા માટે યુગાન્ડા દેશના ગૃહમંત્રી અને તાજેતરમાં જ યુનોના શાંતિદૂત તરીકે નિમાયેલા ડૉ. રુગુન્ડા સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે પધાર્યા હતા. તેઓ તાજેતરમાં જ દિલ્હી અક્ષરધામ જઈને આવ્યા હતા. એની અનુભૂતિ વ્યક્ત કરતા તેમણે કહ્યું : 'આ અત્યંત આશ્ચર્યકારક છે અને દુનિયાની અજાયબીઓમાં એનું સ્થાન હોય એમાં કોઈ શંકા નથી. આપ યુગાન્ડામાં પધાર્યા. આપનું અમે સ્વાગત કરીએ છીએ.' સ્વામીશ્રીએ તેમને કાર્યની સફળતા મળે એવા આશીર્વાદ આપ્યા.
સાંજે મંદિરના સભાગૃહમાં સ્વાગતસભા યોજાઈ હતી. પોલીસ એસ્કોર્ટ સાથે સ્વામીશ્રી મંદિરે પધાર્યા. કવોયા મોસેસે બોંગોના તાલે આફ્રિકન નૃત્ય કરીને સ્વામીશ્રીને વધાવ્યા. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન પછી યુવકોએ સ્વાગતનૃત્ય કર્યું અને 'હીરામુખી'નો સંવાદ રજૂ કરીને શાસ્ત્રીજી મહારાજને અંજલિ અર્પણ કરી. સ્વાગત-પ્રવચન પછી જુદાં જુદાં મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલા કલાત્મક હાર અગ્રણી હરિભક્તોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા.
સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં કહ્યું, 'કંપાલાનો સત્સંગ તો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના વખતથી છે. અને એમની ઇચ્છાથી, એમની પ્રેરણાથી અહીંયાં મંદિર પણ થયું. કેટલાક સંજોગોને લઈને વચ્ચે થોડું વિઘ્ન આવેલું, પણ ભગવાનની ઇચ્છાથી અને શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજના આશીર્વાદથી રાજકીય રીતે શાંતિ થઈ, પ્રજામાં પણ શાંતિ થઈ ને એવી સરકાર આવી ને બધાં મંદિરો પણ પાછાં આપ્યાં. મંદિરોથી જ આપણને સુખ ને શાંતિ મળે છે. અને આપણી અંતરની ભક્તિ હતી તો ભગવાને દરેકને પ્રેરણા કરીને આપણને મંદિર મળી ગયું ને ફરીથી આપણે મંદિરમાં ભજન-ભક્તિ કરતા થઈ ગયા. તો મંદિરે જવું, સત્સંગ કરવો. ઘરમાં મંદિર રાખો. બાળકોને સંસ્કાર થશે. ધર્મરાખીશું તો ભગવાન રક્ષા કરશે ને સુખિયા થવાશે. તો જીવનમાં આવી દૃઢતા થાય, આવું અદ્‌ભુત જ્ઞાન થાય તો માયાના પ્રપંચમાંથી નીકળી ને ભગવાન પાસે જઈસુખિયા થઈએ એવી પ્રાર્થના.'
તા. ૧૮-૫-૨૦૦૭ના રોજ આવતી કાલના પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે સ્થાનિક મંદિરના હૉલમાં ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામીની ઉપસ્થિતિમાં વિશ્વશાંતિ યજ્ઞ યોજાયો. યજમાનોએ યજ્ઞનારાયણને આહુતિ આપી.
સાંજે યુગાન્ડાના હેડ આૅફ મિલેટ્રી પોલીસ કર્નલ ડીક ડુંજીંગો સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીએ તેમને આશીર્વાદ આપતાં કહ્યું : 'ભારતીયોના રક્ષણ માટે આપે સહકાર આપ્યો છે ને મંદિરો અને ભારતીયોની રક્ષા કરી છે તો એ બદલ તમારો ખૂબ આભાર. આ રીતે કાયમ સંભાળ રાખજો.' ડુંજીંગોએ નતમસ્તક થઈને સ્વામીશ્રીનું વચન માથે ચઢાવ્યું.
કંપાલાની આજુ બાજુ ના વિસ્તારો ઇગાંગા, કલીરો, બીગોરી, મ્બાલે, ઝીંઝા, ટરોરો વગેરે કેન્દ્રોના હરિભક્તોએ સ્વામીશ્રી સમક્ષ સત્સંગ પ્રવૃત્તિનો અહેવાલ આપ્યો. સ્થાનિક સિક્યોરિટીના અધિકારી ઈમેન્યુઅલ બેરુસા સલામતીનો કાર્યભાર સંભાળી રહ્યા છે. આજે સ્વામીશ્રીને તેઓ યાદ અપાવતાં કહે, '૨૦૦૪ની સાલમાં આપ પધાર્યા ત્યારે મને એવો આદેશ આપ્યો હતો કે દારૂ અને માંસ મૂકી દેવાં. ત્યારથી આજ સુધી હું એને હજી અડ્યો નથી.' સ્વામીશ્રીના દિવ્ય પ્રભાવનો આ એક અનુભવ હતો.
પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
કંપાલાસ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સને ૧૯૭૦માં પ્રતિષ્ઠિત કર્યું હતું. ત્યાર પછી સને ૧૯૭૨માં રાજકીય અશાંતિ દરમ્યાન ભારતીયોને યુગાન્ડામાંથી કાઢ્યા તે વખતે મૂર્તિઓ લઈને હરિભક્તો ભારત આવતા રહ્યા. ફરી મંદિરો સોંપાતાં ત્યાં પથ્થરમાં જ તૈયાર વાઘાની અક્ષરપુરુષોત્તમ મૂર્તિની પ્રતિષ્ઠા પ્રમુખસ્વામી મહારાજે સને ૧૯૯૪માં કરી. આ મૂર્તિઓને નિત્ય નવા શણગાર સજી શકાય તે માટે વાઘારહિત આરસની મૂર્તિ તૈયાર કરાવાઈ અને તેની પ્રતિષ્ઠા આ વખતે સ્વામીશ્રીના પુનિત હસ્તે કરવાનું આયોજન થયું. તા. ૧૯-૫-૨૦૦૭ના રોજ મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે આજુબાજુ નાં ગામોમાંથી ઘણા હરિભક્તો ઊમટ્યા હતા. પાકિસ્તાનના અહીં ખાતેના રાજદૂતાવાસના કોન્સલ બોની એન કાટાટુમ્બા પણ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા.
સ્વામીશ્રીની આજ્ઞાથી પ્રભાત સમયે વૈદિક વિધાનો અનુસાર મૂર્તિઓની પ્રતિષ્ઠાનો પૂર્વ વિધિ વડીલ સંતોની હાજરીમાં સંપન્ન થઈ ગયો હતો.
સાંજે પ્રાણપ્રતિષ્ઠા  વિધિ યોજાયો. હજારો હરિભક્તો અને ગુણભાવીઓથી સમગ્ર પ્રાંગણ ભરાઈ ચૂક્યું હતું. મૂર્તિઓમાં પ્રાણઆહ્‌વાનની સાથે સ્વામીશ્રીએ સમગ્ર વિધિ કરી, પૂજન કર્યું. આ રીતે પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન કરીને સૌથી પ્રથમ દૃષ્ટિ કરાવી. આજે સવારથી અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પ્રાણપ્રતિષ્ઠા વિધિ પૂરી કર્યા પછી આરતી ઉતારીને સ્વામીશ્રીએ મૂર્તિઓની પ્રદક્ષિણા કરી.
આજે પ્રતિષ્ઠા સભાની સાથે સાથે સંસ્થા શતાબ્દીની સભા અને વિદાયસભા પણ રાખવામાં આવી હતી. સંતોના પ્રાસંગિક પ્રવચનો બાદ કંપાલાના યુવકોએ એક પ્રેરક સંવાદ રજૂ કર્યો. રામજીભાઈ, યુગાન્ડા સત્સંગ મંડળના ચૅરમૅન ભીખુભાઈ પટેલે આભારવિધિ કર્યા પછી બી.એ.પી.એસ. શતાબ્દી નિમિત્તે સ્વામીશ્રીએ કરેલાં કાર્યોની ઝાંખીરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત થયો. 'અક્ષરપુરુષોત્તમ ઉપાસનાને કાજ' એ ગીતના આધારે નૃત્ય રજૂ થયું ત્યારે છેલ્લી પંક્તિએ સ્વામીશ્રીએ પણ બી.એ.પી.એસ.નો ધ્વજ લહેરાવીને સૌને ખૂબ સ્મૃતિ આપી.
આજના વિદાય દિને યુગાન્ડા દેશનાં જુદાં જુદાં મંડળોએ તૈયાર કરેલા વિવિધ હાર તથા ચાદર વડીલ હરિભક્તોએ સ્વામીશ્રીને અર્પણ કર્યાં. સભાના અંતે સ્વામીશ્રીએ સૌ પર સ્મૃતિદાયક આશીર્વાદ વરસાવ્યા. આજે કંપાલાના ઉત્તર અને પશ્ચિમ વિભાગમાં આવેલાં ગામો મ્બાલે, કયુંગા, લીરા, બરારા, અરુવા, સરોટી, મોબલેન્ઝી વગેરે ગામના હરિભક્તો દર્શન માટે ઊમટ્યા હતા. સૌએ પોતપોતાના ક્ષેત્રનો સત્સંગ અહેવાલ સ્વામીશ્રીને આપ્યો. અહીંનું મંડળ નાનું છતાં સંપીલું છે. સ્વામીશ્રીના પ્રત્યેક પ્રસંગ અને સમૈયાઓની સાથે સાથે આનુષંગિક રીતે વણાયેલા પ્રત્યેક કાર્યની સફળતા માટે અહીંના સત્સંગીઓની ટીમે સુંદર વિભાગીકરણ કર્યું હતું.
તા. ૨૦-૫-૨૦૦૭ના રોજ સમગ્ર યુગાન્ડાના ડેપ્યુટી આર્મી કમાન્ડર આઈવન કોરેટા સ્વામીશ્રીનાં દર્શને એક એક ભક્તની રૂએ આવ્યા હતા. ૨૦૦૪માં સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા ત્યારથી તેઓની સામાન્ય બ્રિગેડિયરમાંથી આ સ્થિતિ સુધીની બઢતી થઈ હતી. આજે યુગાન્ડા ચૅમ્બર આૅફ કૉમર્સના વાઈસ પ્રેસિડેન્ટ તથા લીરા મૂવમેન્ટના ચૅરમૅન સામ એન્ગોલા પણ સ્વામીશ્રીના આશીર્વાદ માટે પધાર્યાહતા.
સૌની ભાવભીની વિદાય લઈ સ્વામીશ્રી શ્રી યજ્ઞેશભાઈ દેવાણી અને સુભાષભાઈ પટેલ દ્વારા પ્રાયોજિત ચાર્ટર વિમાન દ્વારા ટાન્ઝાનિયા દેશની રાજધાની દારેસલામ પધાર્યા.
માત્ર પાંચ જ દિવસના યુગાન્ડાના નિવાસ દરમ્યાન સ્વામીશ્રીએ અહીં હજારો ભક્તો-મુમુક્ષુઓને દિવ્ય ભક્તિ-સત્સંગના આનંદથી છલકાવી દીધા હતા.                              

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |