Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પૂર્વ આફ્રિકાનાકેન્યા દેશમાં મોમ્બાસામાં પ્રમુખસ્વામી મહારાજ

કેન્યાની રાજધાની નૈરોબીથી આરંભાયેલી સ્વામીશ્રીની આફ્રિકા ખંડની વિચરણયાત્રાનો આ અંતિમ મુકામ હતો. તા. ૨૭-૫-૦૭ થી તા. ૭-૬-૦૭ સુધી પૂર્વ આફ્રિકાના મહાનગર મોમ્બાસામાં બિરાજીને સ્વામીશ્રીએ વતનથી દૂર વસતા હરિભક્તોને અદ્‌ભુત આધ્યાત્મિક લાભ આપીને કૃતાર્થ કર્યા. સ્થાનિક તેમજ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં ઊમટેલા હરિભક્તોને સ્વામીશ્રીનાં પ્રાતઃપૂજા દર્શન તેમજ આશીર્વચનનો લાભ મળતો હતો. અહીંના યજ્ઞેશભાઈ દેવાણીના સાગર તટ પર બંધાયેલા વિશાળ મહાલય 'અનંતતારા'માં ડિવાઈન હોલમાં યોજાતી નિત્ય સત્સંગ સભામાં વિવેકસાગર સ્વામી દ્વારા કથામૃત રજૂ થયા બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થતા હતા. વિવિધ સંવાદો, ભક્તિનૃત્યો તેમજ કીર્તન ભક્તિ દ્વારા ઉપસ્થિત સર્વ હરિભક્તો-ભાવિકોને સત્સંગનું દિવ્ય સુખ પ્રાપ્ત થયું. અક્ષરધામ દિન, આફ્રિકા દિન, સિદ્ધાંત દિન જેવા વિવિધ દિવસોની ઉજવણી દ્વારા બી.એ.પી.એસ. સત્સંગ પ્રવૃત્તિના વિકાસમાં સ્વામીશ્રી તથા ગુરુપરંપરાએ કરેલા પુરુષાર્થની સૌને ઝાંખી થઈ હતી. આ ઉપરાંત સ્વામીશ્રીના પ્રતીક જન્મજયંતી ઉત્સવની ઉજવણીમાં મોમ્બાસા મંડળે પોતાની ગુરુભક્તિ અદા કરી. અત્રે સ્વામીશ્રીની પાવન ઉપસ્થિતિમાં રજૂ થયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની એક ઝલક પ્રસ્તુત છે...
મોમ્બાસામાં ભાવભીનું સ્વાગત
વિદેશની ધરતી પર સૌપ્રથમ  બી.એ.પી.એસ. મંદિરનું નિર્માણ પૂર્વ આફ્રિકાના મહાનગર મોમ્બાસામાં થયું હતું. યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજના અગાધ પુરુષાર્થ તથા હરિભક્તોના સમર્પણ અને ભક્તિભાવને કારણે સને ૧૯૫૫થી આજપર્યંત અહીં સત્સંગનો અવિરત વિકાસ થતો રહ્યો છે.
અહીં વસતા હરિભક્તોને સત્સંગનો દિવ્ય લાભ પ્રાપ્ત થાય અને સત્સંગની વિશેષ દૃઢતા થાય એ હેતુથી શ્રી યજ્ઞેશભાઈ દેવાણીના ભક્તિભાવને વશ થઈને તા. ૨૭-૦૫-૦૭ના રોજ સ્વામીશ્રી મોમ્બાસા પધાર્યા. સ્વામીશ્રીને સત્કારવા માટે અહીંના હરિભક્તોમાં અનેરો ઉત્સાહ હતો. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રીએ યજ્ઞેશભાઈ દેવાણીના સમુદ્રતટ પર આવેલા 'અનંત તારા' નામના બંગલામાં પધારી વેદોક્તવિધિપૂર્વક તેમના નૂતન નિવાસસ્થાનનું ઉદ્‌ઘાટન કર્યું. સ્વામીશ્રીનો સત્સંગલાભ લેવા માટે વિદેશમાંથી ૮૫૦ જેટલા હરિભક્તો અહીં પધાર્યા હતા. આ હરિભક્તોના ઉતારા, ભોજન તેમજ અન્ય નાનામાં નાની જરૂરિયાતની વ્યવસ્થા યજ્ઞેશભાઈએ પોતાના તરફથી ભક્તિભાવપૂર્વક કરી હતી. અહીંના સત્સંગ મંડળે તેનું સુંદર આયોજન કર્યું હતું.
આજે સ્વામીશ્રીને સત્કારવા માટે અહીંના ડિવાઈન હોલમાં એક સ્વાગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.  સમગ્ર હોલને સુંદર શણગારોથી સજાવીને દેવાણી પરિવારે પોતાની ગુરુભક્તિ અદા કરી. અનંતતારા પરિસરમાં સાગરકાંઠે જ એક સુંદર શમિયાણો રચવામાં આવ્યો હતો, જેમાં નિત્ય વિવિધ સત્સંગ કાર્યક્રમોનો સૌને લહાવો મળવાનો હતો. મંચની પાર્શ્વભૂમાં સાગરકાંઠે અંતરિક્ષમાંથી ઝૂલતા શ્રીહરિ તથા શાસ્ત્રીજી મહારાજ અને યુવા વયના સેવક પ્રમુખસ્વામી મહારાજ અને યોગીજી મહારાજનાં દૃશ્યો અદ્‌ભુત લાગતાં હતાં. સંધ્યા સત્કાર સભામાં ઈશ્વરચરણ સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ સમગ્ર સત્સંગમંડળ વતી યજ્ઞેશભાઈ દેવાણી તથા તેમના સુપુત્ર આર્યને હાર પહેરાવીને સ્વામીશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યુંં. ત્યાર બાદ જુદા જુદા વિભાગોમાં સેવા કરતા કાર્યકરોએ સ્વામીશ્રીની સાથે આવેલા સહયાત્રી સંતોને પુષ્પગુચ્છ આપી સન્માન્યા. સ્વાગતવિધિ બાદ મોમ્બાસા સત્સંગમંડળનાં બાળકોએ ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સભાના અંતે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'બહુ સુખી માણસો હોય એ આવા હવા ખાવાના સ્થળે જાય ને થોõડા દા'ડા રહીને પાછા આવે. એનાથી દૈહિક લાભ થતો હોય, પણ ફરી હવા ખાવી જ પડે. પણ કથાવાર્તા, કીર્તન, ભજનની હવાથી જન્મોજનમનું દુઃખ જશે ને અક્ષરધામની પ્રાપ્તિ થશે. એનાથી આત્મા-પરમાત્માનું જ્ઞાન થશે. આ જ્ઞાન પચ્યા પછી બીજા જ્ઞાનની જરૂર પણ નથી. આત્મા-પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે માયિક ભાવો ટળી જાય ને સુખિયા થઈ જવાય છે. આધ્યાત્મિકતાથી શાંતિ થાય છે.
યજ્ઞેશભાઈએ જ્ઞાન, ભજન, કીર્તનનું સદાવ્રત ખોલ્યું છે. બધી વ્યવસ્થા કરી છે, માટે કથાવાર્તાના સમયે અહીં આવી જવું, ભજન કરવું, મહિમાની વાતો કરવી. આ વાતનો હંમેશાં આલોચ રાખવાનો છે.'
અક્ષરધામ દિન
ભારતની રાજધાની દિલ્હીમાં નિર્માણ પામેલું 'સ્વામિનારાયણ અક્ષરધામ' માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં જ સંપન્ન થયું હતું. તેની પાછળનું મુખ્ય પ્રેરકબળ છે - સ્વામીશ્રી. આ સંકુલના નિર્માણ કાર્યમાં જોડાયેલા બધા સંતો-હરિભક્તોનું હૃદય તેનું સાક્ષી છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને તા. ૨૮-૦૫-૦૭ના રોજ અક્ષરધામના પ્રેરણાસ્રોત સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં 'અક્ષરધામ દિન'ની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાવિધિ બાદ 'અક્ષરધામ દિન' નિમિત્તેની સત્સંગ સભાનો પ્રારંભ થયો. આ સાંસ્કૃતિક પરિસરના નિર્માણકાર્યનું સૂત્ર સંભાળનારા ઈશ્વરચરણ સ્વામી તથા તેમની સાથેના સંતોએ  સ્વામીશ્રીના ઐશ્વર્ય અને કર્તૃત્વનું અદ્‌ભુત વર્ણન કરી સ્વામીશ્રીના વિરલ વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો હતો. સંધ્યા સભામાં તેનો જ દોર આગળ ચાલ્યો. ઈશ્વરચરણ સ્વામીના અનુભવકથન બાદ રૂપક મહેતાએ 'વંદે ભારતમાતરમ્‌...' ગીતના આધારે નૃત્ય રજૂ કરી અક્ષરધામ ઉદ્‌ઘાટન સમારંભની સ્મૃતિ તાજી કરાવી હતી. યોગીપ્રેમ સ્વામીના કીર્તનગાન બાદ આશીર્વાદ વર્ષાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આળસ એ મોટામાં મોટો શત્રુ છે. કામ આવ્યું કે તરત એનો નિકાલ થઈ જ જવો જોઈએ. એક મિનિટ પછી કામ કરવું એ પણ આળસ જ છે. કેટલાક ને આવી આળસમાં ને આળસમાં જિંદગી પૂરી થઈ જાય છે. આત્મકલ્યાણ માટે આવ્યા છીએ તો પછી ઉધારાની વાત હોય નહીં. ઊઠીને પાઠપૂજા કરવાની, સાંજે પણ ગ્રંથો વાંચવા. આઠ કલાકની નોકરી હોય, ચાર કલાક ભજનનો ટાઇમ તો મળે જ છે, પણ કોઈને પૂછીએ મંદિરે આવો ને, તો કહે – 'I am very busy.' નહાવામાં કેટલો ટાઇમ કાઢે? વેવાઈ આવ્યા હોય તો એની સાથે બેસવું પડે. જમાઈને લઈને ફરવું પડે. એના માટે સમય કાઢવો પડે છે તો પછી ભગવાન અને સંત માટે સમય ન નીકળે ? આપણે સત્સંગી છીએ તોય એમ થાય કે રોજ મંદિરે શું જવું ? ઓછામાં ઓછા બે કલાક તો ભગવાનનું કામ કરવું છે એની નોંધ કરો. ઘણા લોકો ડાયરીમાં બધું લખે પણ રવિવારની સભામાં જવું છે, એવું ન લખ્યું હોય. ભગવાન માટે થોડું કરો તોપણ એ વધારે માને છે.'
આફ્રિકા દિન
સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં તા.૨૯-૦૫-૦૭ના રોજ 'આફ્રિકા દિન' ધામધૂમપૂર્વક ઊજવાઈ ગયો. વિદેશની ધરતી પર સૌપ્રથમ આફ્રિકા ખંડમાં બી.એ.પી.એસ. સત્સંગનો શુભારંભ થયો અને અહીંથી સમગ્ર ઇંગ્લેન્ડ, યુરોપ તેમજ અન્ય ખંડોમાં પણ સત્સંગનો પ્રચાર-પ્રસાર થયો હતો. શાસ્ત્રીજી મહારાજની આર્ષદૃષ્ટિ, નિર્ગુણ સ્વામીના બળભર્યા પત્રો અને યોગીજી મહારાજ તથા પ્રમુખસ્વામી મહારાજના અપાર પુરુષાર્થ અને પ્રેરણાથી અહીંની સત્સંગપ્રવૃત્તિ વિશેષ વેગવંતી બની છે. 'આફ્રિકા દિન' નિમિત્તે સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો દ્વારા આફ્રિકાના સત્સંગ ઇતિહાસનાં સુવર્ણપૃષ્ઠો આજે ઊઘડી રહ્યાં હતાં. ઈશ્વરચરણ સ્વામીએ યોગીજી મહારાજના આફ્રિકા વિચરણની અદ્‌ભુત સ્મૃતિઓ કરાવી.
મોમ્બાસા સત્સંગ મંડળના યુવકોએ અહીંના સત્સંગનાં વિકાસમાં પાયાનું યોગદાન આપનાર મગનભાઈ તથા હરમાનભાઈનો વૉલીબૉલવાળો પ્રસંગ સંવાદરૂપે રજૂ કર્યો હતો. ત્યાર બાદ જુ દાં જુ દાં નૃત્યો દ્વારા આફ્રિકાની વિવિધ શૈલીનું નિદર્શન રજૂ થયું હતું. અહીંના સ્થાનિક પ્રજાજન મસાઈ આફ્રિકનોના નૃત્ય બાદ મોમ્બાસા તથા અમદાવાદના યુવકોએ 'અમે આફ્રિકાના સત્સંગી બાના ગુર્જર ગુજરાતી...' એ ગીતના આધારે નૃત્ય કરી અહીંની ભારતીય પેઢીને આબેહૂબ રજૂ કરી હતી. સભાના અંતે કિરિયામા જાતિના આફ્રિકનોએ અંગકસરતના હેરતભર્યા દાવ રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સિદ્ધાંતદિન
સને ૧૯૦૭માં પાંચ સંતો સાથે અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના વૈદિક સિદ્ધાંતના પ્રવર્તન માટે શાસ્ત્રીજી મહારાજ વરતાલથી નીકળ્યા હતા. આજે ૧૦૦ વર્ષો બાદ પ્રમુખસ્વામી મહારાજે અક્ષરપુરુષોત્તમના આ સનાતન સિદ્ધાંતને વિશ્વના ખૂણે ખૂણે ગુંજતો કર્યો છે. આ વિચારને કેન્દ્રમાં રાખીને તા. ૩૦-૫-૦૭ના રોજ સંધ્યા સત્સંગ સભામાં સિદ્ધાંતદિનની ઉજવણી કરવામાં આવી. વિવેકસાગર સ્વામીના વ્યાખ્યાન બાદ યોગીપ્રેમ સ્વામીએ કીર્તન ગાન કર્યું. ત્યાર બાદ યુવકોએ આત્મજ્ઞાનની સમજ આપતો 'દશ મૂર્ખા' સંવાદ રજૂ કર્યો. સંવાદના અંતે આશીર્વચનો વહાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, 'જ્યાં સુધી સત્સંગ મળ્યો નથી, ભગવાનના માર્ગે ચાલ્યા નથી, ત્યાં સુધી મૂર્ખા જ છીએ. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા પ્રથમ વીસમાં વાત કરી કે પોતે પોતાને જોતો નથી એ મૂર્ખો છે. નીચમાં નીચ, ઘેલામાં ઘેલો, અજ્ઞાનીમાં અજ્ઞાની ને મૂર્ખામાં મૂર્ખો એ ચાર ઉપમા આપી છે. માટે દુનિયાનું બધું જ કામ કરો, પણ પોતાનું સ્વરૂપ આત્મા માનો. દુનિયાનું કામ કર્યું, પણ આ જન્મ શા માટે છે ને હું કોણ છું ? એની ખબર નથી, તો શું કર્યું ?
ભગવાનને અને આપણા સ્વરૂપને ઓળખાવે એવા ગુણાતીત સત્પુરુષ મળે ત્યારે કામ થાય છે. માટે હંમેશાં પાછી વૃત્તિ વાળીને સાચા સંતનો સમાગમ કરવો જોઈએ. એ આપણને સાચો માર્ગ બતાવી આત્મા-પરમાત્માનું જ્ઞાન કરાવે છે.'
જળ યાત્રા
તા. ૩૧-૫-૦૭ના રોજ  આહ્‌લાદક વાતાવરણમાં સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજ તથા અન્ય સંતો સાથે  જળ યાત્રા દ્વારા સમુદ્રને વધાવ્યો હતો. દરેક બોટ પર ફરકી રહેલી ધજાઓ બી.એ.પી.એસ. શતાબ્દીનો સંદેશો પ્રસરાવી રહી હતી. અધિક મહિનામાં પૂર્ણિમાએ સમુદ્રમાં જળવિહાર કરીને સ્વામીશ્રીએ હરિભક્તોને અલભ્ય લાભ આપ્યો હતો. કીર્તનભક્તિ સાથે સતત પોણા બે કલાક સુધી જળવિહાર કરીને સ્વામીશ્રીએ સૌ સંતો-હરિભક્તોને વિશેષ સ્મૃતિ આપી હતી.
સંધ્યા સત્સંગ સભામાં યુવક મંડળ દ્વારા શ્રીજી મહારાજના સમયમાં દરબાર અભેસિંહની નિયમપાલનમાં દૃઢતાને રજૂ કરતો હિન્દી સંવાદ 'અભેસિંહજી' રજૂ થયો. સંવાદ બાદ 'કૉંગ્રેસ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી'ની કોસ્ટ પ્રોવિન્સની કઠિન પરીક્ષામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર અહીંના બે સત્સંગી કિશોરો ધવલ અને જયેõ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યાર બાદ પ્રસિદ્ધ સુગમ સંગીતકાર જયદીપ સ્વાદિયાએ કીર્તન-આરાધનામાં જુદાં જુદાં ભક્તિપદોનું ગાન કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. રાત્રે ૧૧.૩૦ સુધી અહીં ભક્તિસંગીતની ઝડીઓ વરસતી રહી હતી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |