Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

આફ્રિકા ખંડના ટાન્ઝાનિયા દેશમાં દારેસલામમાં પ્રમુખસ્વામી મહારાજ

તા. ૨૦-૦૫-૦૭થી તા. ૨૭-૦૫-૦૭ સુધી સ્વામીશ્રીએ ટાન્ઝાનિયાના પાટનગર દારેસલામ ખાતે બિરાજીને હરિભક્તોને સત્સંગનો દિવ્ય લાભ આપ્યો હતો. સને ૧૯૫૫માં યોગીજી મહારાજે અહીં સત્સંગના બીજ રોપ્યાં હતાં, ત્યારથી લઈને આજ સુધી અહીં સત્સંગનો અવિરત વિકાસ થતો રહ્યો છે. સ્વામીશ્રીના આ સાત દિવસના રોકાણ દરમ્યાન મંદિરની મૂર્તિઓની શોભાયાત્રા, મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ તથા વિશ્વશાંતિ મહાયાગ જેવા પ્રસંગોનો લાભ લેવા દેશ-વિદેશના અનેક હરિભક્તો ઊમટ્યા હતા.
આ ઉપરાંત સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં યોજાતી સંધ્યાસત્સંગ સભામાં અહીંના બાળકો-કિશોરો-યુવકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સભાના અંતે સ્વામીશ્રીની અમૃતવાણીનું પાન કરી હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. અહીં તેની એક ઝલક પ્રસ્તુત છે.

ટાન્ઝાનિયામાં ઉષ્માભર્યું સ્વાગત
ટાન્ઝાનિયા ખાતે સ્વામીશ્રીને સત્કારવા માટે તા. ૨૧ મેના રોજ ટાન્ઝાનિયાના રાષ્ટ્રપ્રમુખ શ્રી જકાયા મિશો કિકવેટે ખાસ આવ્યા હતા. બી.એ.પી.એસ. મંદિર ખાતે પ્રેસિડેન્ટ શ્રી કિકવેટેએ સમગ્ર ટાન્ઝાનિયા દેશ વતી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. સ્વામીશ્રીએ ટાન્ઝાનિયા દેશમાં સુખ-શાંતિ વધે એ માટે પ્રાર્થના કરી. મુલાકાતના અંતે સ્વામીશ્રીએ રાષ્ટ્રપતિશ્રીને માળા અર્પણ કરી તેમને આશીર્વાદ આપ્યા.
સંધ્યા સત્સંગસભામાં બી.એ.પી.એસ. શતાબ્દી નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શતાબ્દીની સ્મૃતિ કરાવતા શણગારોથી સજ્જ સભા મંચ શોભી રહ્યું હતું. સંધ્યા આરતી બાદ સભાનો આરંભ થયો. આત્મતૃપ્ત સ્વામીના પ્રાસંગિક પ્રવચન  બાદ શાસ્ત્રીજી મહારાજના ભક્તોનો મહિમા અને સમર્પણવર્ણવતો અદ્‌ભુત સંવાદ રજૂ થયો. ત્યાર બાદ દારેસલામના કિશોરો અને બાળકોએ ભક્તિનૃત્ય રજૂ કર્યું હતું.
નૃત્ય બાદ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં અગ્રક્રમાંકે ઉત્તીર્ણ થનાર હરિભક્તોને સ્વામીશ્રીએ સ્મૃતિભેટ આપી સન્માન્યા હતા. ત્યારબાદ વડીલ સંતોએ દારેસલામ મંડળે તૈયાર કરેલા વિવિધ હાર સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. સભાના અંતે સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા.
દારેસલામ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર નૂતન શણગાર સાથે તૈયાર થઈ ગયું હતું. જીર્ણોદ્ધાર પામેલ આ મંદિરમાં સ્વામીશ્રીના વરદ હસ્તે ત્રીજી વખત મૂર્તિઓનો પ્રાણપ્રતિષ્ઠા વિધિ થનાર હતો. પ્રથમ ૧૯૭૭માં પટની મૂર્તિ પધરાવી હતી ત્યારબાદ ૧૯૯૯માં વાઘા સહિત મૂર્તિપ્રતિષ્ઠા થઈ. ૨૦૦૭માં સ્વામીશ્રી વાઘા ધરાવી શકાય તેવી નયનરમ્ય મૂર્તિ પ્રતિષ્ઠિત કરી રહ્યા હતા.
મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે સુભાષભાઈએ પોતાના જ ખર્ચે લક્ષ્મીનારાયણ મંદિર સહિત કિસુટુ સ્ટ્રીટમાં આવેલાં બધાં જ મંદિરો ને સંસ્થાઓનાં મકાનોને રંગાવ્યાં હતાં. આ પ્રતિષ્ઠા પ્રસંગમાં સહભાગી થવા દારેસલામની આજુબાજુ નાં ગામોથી માંડીને ટાન્ઝાનિયાભરનાં સત્સંગ-કેન્દ્રોમાંથી તેમજ આફ્રિકાના અન્ય દેશો કેન્યા, યુગાન્ડા, દક્ષિણ આફ્રિકા, ઝામ્બિયા વગેરે દેશોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા હતા. આ ઉત્સવનો લાભ લેનાર તમામ હરિભક્તોની ઝીણામાં ઝીણી આવશ્યક્તાઓને ધ્યાનમાં લઈને અહીંના મંડળે સુંદર આયોજન કર્યું હતું. સમગ્ર ઉત્સવની સફળતા માટે ૧૯ પ્રકારના વિભાગો કાર્યરત હતા.
વિશ્વશાંતિ મહાયાગ - ભવ્ય શોભાયાત્રા
તા. ૨૩-૫-૦૭ના રોજ દારેસલામ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠાના પૂર્વદિને વિશ્વશાંતિ મહાયજ્ઞનું આયોજન થયું. સભાસ્થળે યજ્ઞકુંડ તૈયાર કરાયા.
સ્વામીશ્રીએ યજ્ઞવિધિમાં પધારી પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું પૂજન કરી આરતી ઉતારી. આ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે સુભાષભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, મહેન્દ્રભાઈ બૅરિસ્ટર, હસમુખભાઈ મીરાણી, નીતિનભાઈ ગઢિયા, ઇન્દ્રવદનભાઈ વગેરે જોડાયા. યજ્ઞના અંતે સ્વામીશ્રીએપુષ્પાંજલિ અર્પણ કરી સૌને આશીર્વચન આપ્યા.
બપોરે મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓની ભવ્ય શોભાયાત્રા દારેસલામના રાજમાર્ગો ઉપર નીકળી. આ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ તેમજ નગરયાત્રામાં સહભાગી થવા દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો-ભાવિકો ઊમટી પડ્યા હતા. આ શોભાયાત્રા માટે બંગાળી કારીગરોએ ત્રણ રથ તૈયાર કર્યા હતા. જેમાં શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ, ગુરુપરંપરા અને રાધાકૃષ્ણદેવની મૂર્તિઓ શોભી રહી હતી. આ શોભાયાત્રા માટે જુદી જુદી સાત જગ્યાઓ પર ભવ્ય અને કલાત્મક દ્વારો રચ્યાં હતાં. બપોરે બરાબર ૩.૩૦ કલાકે કિસુટુ સ્ટ્રીટથી નગરયાત્રાનો પ્રારંભ થયો. પોલીસબૅન્ડ, સાફાધારી મોટરસાઇકલ-સવારો, પરંપરાગત પરિવેશ સાથે નૃત્ય કરતા બાળકો, સ્વાગતગીતોના તાલે ભારતીય લોકશૈલીમાં નૃત્ય કરતા યુવકો અને બી.એ.પી.એસ.નાં બેનરો સાથેના જુદા જુદા દેશના પદયાત્રીઓ અહીંના સ્થાનિક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એક કિલોમિટર લાંબી અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ ધરાવતી નગરયાત્રાએ સમગ્ર દારેસલામ નગરને ભક્તિભર્યું બનાવી દીધું.
મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ
તા. ૨૪-૫-૦૭ના રોજ વહેલી સવારથી મૂર્તિપ્રતિષ્ઠાનો માહોલ છવાયો હતો. મંદિરના હોલમાં જ ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી, ભક્તવત્સલ સ્વામી તથા આનંદસ્વરૂપ સ્વામીએ મૂર્તિપ્રતિષ્ઠાનો પૂર્વવિધિ કર્યો હતો. કાષ્ઠના કોતરણીયુક્ત અદ્‌ભુત સિંહાસનમાં  અક્ષરપુરુષોત્તમ મહારાજ, રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓ શોભી રહી હતી. સ્વામીશ્રી મંદિરના ગર્ભગૃહમાં પધાર્યા અને વેદોક્તવિધિ પૂર્વક મૂર્તિઓનો પ્રાણપ્રતિષ્ઠાવિધિ કર્યોર્. મૂર્તિઓ સમક્ષ ૧૫૫૧ વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. પ્રતિષ્ઠા વિધિ બાદ થાળનું ગાન કરવામાં આવ્યું.  ત્યારબાદ સ્વામીશ્રીએ પ્રતિષ્ઠિત મૂર્તિઓની આરતી ઉતારી પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારે વાતાવરણમાં દિવ્યતા છવાઈ ગઈ.
મંદિરના સભાગૃહમાં જ યોજાયેલી ઉત્સવસભામાં વિવેકસાગર સ્વામીએ આફ્રિકા સત્સંગનો ઇતિહાસ વર્ણવ્યો. અંતે સ્વામીશ્રીએ અમૃતવર્ષા કરતા કહ્યું : 'આજે મૂર્તિપ્રતિષ્ઠાનો ઉત્સવ બહુ સારી રીતે થયો. ભગવાન દયાળુ છે. આપણી ભક્તિ વધે એટલા માટે આવા પ્રસંગો આપણા માટે યોજે છે. જ્યારે કોઈ ભક્તિ કરે છે ત્યારે વિઘ્ન કરનારા વિઘ્ન કરે છે, પરંતુ ભક્તની ભગવાન રક્ષા જ કરે છે.
રામના વખતે રાવણે વિરોધ કર્યો હતો, પણ હજારો રામનું ભજન કરે છે. વિરોધ કરનારા એમ ને એમ ચાલ્યા જાય છે. કૃષ્ણ ભગવાન વખતે પણ વિરોધ કરનારા ગયા. અવતારો, ભક્તો, મહાન ૠષિઓ બધાનો વિરોધ થયો છે, સાચાનો વિરોધ થાય, ખોટાનો વિરોધ નથી થતો, પણ અંતે સાચી વસ્તુ બહાર આવે છે. અનાદિથી દૈવી-આસુરી બે શક્તિઓનું ઘર્ષણ છે જ, પણ ભગવાનનો પ્રતાપ આગળ આવ્યો છે. શ્રીજી મહારાજે અક્ષર અને પુરુષોત્તમની વાત આપી એ આપણે દૃઢ કરવાની છે. ભગવાન એક જ છે. આપણે ભગવાન થતા નથી, પણ દાસાનુદાસ થવાનું છે.'
આજના પ્રતિષ્ઠાદિન નિમિત્તે ૩૫૦૦ જેટલા ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો. આજે ટાન્ઝાનિયા દેશના આઈ.જી.પી. સાઈદી મુએમાન તેમજ શાશક પક્ષના ડે. સેક્રેટરી જનરલ યાકા મામ્બીએ સ્વામીશ્રીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મંદિર દ્વારા જલતી માનવસેવાની જ્યોત
દારેસલામનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સૌ કોઈ માટે અનેરી હૂંફનું કેન્દ્ર બની ગયું છે. અહીં કાયમી ધોરણે થતી મેડિકલ સેવાઓ જેવી કે - ચૅરિટી હૉસ્પિટલ, સ્કૂલ બાળકો તેમજ જરૂરિયાતમંદોને મફત સારવાર... રોજના દસ હાઈડ્રોસીલના દર્દીઓનાં મફત આૅપરેશન... રાહતદરે ૨૪ કલાક તબીબી સારવાર વગેરે સેવાઓ... મંદિરના નેજા હેઠળ સતત ચાલુ જ છે. પ્રતિષ્ઠા નિમિત્તે ૧૦ જેટલી વિવિધ સંસ્થાઓમાં સ્વયંસેવકોએ દવાઓ, અનાજ, વસ્ત્ર  વિતરણ કરીને પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
તા. ૨૫ મેના રોજ સંધ્યા સત્સંગ સભામાં દારેસલામ તથા ટાન્ઝાનિયાના હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક હરિકૃષ્ણ મહારાજની તુલસીતુલા યોજી હતી. સ્વામીશ્રી વતી ઈશ્વરચરણ સ્વામીએ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું પછી સૌ હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક હરિકૃષ્ણ મહારાજની તુલસીતુલા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત હરિભક્તો-ભાવિકોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા.
આજે અંતિમ દિવસ હોઈ વિદાય સભા યોજાઈ. ભક્તવત્સલ સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ દારેસલામ શિશુ મંડળે ભક્તિનૃત્ય રજૂ કર્યું. આજના પ્રસંગે દારેસલામ ખાતેના ભારતીય રાજદૂત દેવાશિષ ચક્રવર્તીએ સ્વામીશ્રીને હાર અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ટાન્ઝાનિયા સત્સંગમંડળના ચૅરમૅન સુભાષભાઈ પટેલે સૌનો ખાસ આભાર માન્યો હતો. અહીંના સત્સંગમંડળે બનાવેલા વિવિધ હાર સૌ વતી વડીલ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા. અંતે સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા.
આમ, દારેસલામના હરિભક્તોને લાભ આપી સ્વામીશ્રીએ અહીંથી મોમ્બાસા જવા માટે વિદાય લીધી ત્યારે ગુરુહરિને વિદાય આપતાં સમગ્ર ટાન્ઝાનિયા સત્સંગ મંડળ ભાવવિભોર થઈ ગયું હતું. સતત સાત દિવસ અહીં દિવ્ય આધ્યાત્મિક વર્ષા કરીને સ્વામીશ્રીએ સૌને એક અવિસ્મરણીય આનંદમાં ગરકાવ કરી દીધા હતા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |