Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

હરિભક્તોની ભાવભીની વિદાય

સ્વામીશ્રીના મોમ્બાસા ખાતેના રોકાણ દરમ્યાન ઉમટેલા દેશ-વિદેશના હરિભક્તો તા. ૨-૬-૨૦૦૭ના રોજ અહીંથી વિદાય લેવાના હતા. સતત એક સપ્તાહ સુધી સ્વામીશ્રીના સાંનિધ્યમાં હરિભક્તોએ સત્સંગનું ભાથું ભરી લીધું હતું.
પ્રાતઃપૂજા બાદ વિદાય નિમિત્તે યજ્ઞેશભાઈ દેવાણીએ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર આફ્રિકા સત્સંગમંડળ વતી ભક્તવત્સલ સ્વામી, મહેન્દ્રભાઈ બેરિસ્ટર તથા ટ્રસ્ટી મંડળના સભ્યોએ સ્વામીશ્રીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
એક અદ્‌ભુત સ્મૃતિનું ભાથું ભરીને હરિભક્તોõએ મોમ્બાસાથી વિદાય લીધી.
રવિસભા
તા. ૩-૬-૦૭ના રોજ કેન્યાના સાંસદ મિ. ગોન્ઝી રાઈ (Gonzi Rai) એ સ્વામીશ્રીનાં દર્શન-મુલાકાતથી ધન્યતા અનુભવી. સાંજે સ્વામીશ્રી રવિ સત્સંગ સભામાં પધાર્યા. કિશોરો અને યુવકોએ સંવાદ રજૂ કર્યો. ત્યાર બાદ યોગીપ્રેમ સ્વામીએ કીર્તન ભક્તિ રજૂ કરી. સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપી સૌને કૃતાર્થ કર્યા હતા.
તુલાવિધિનો સુવર્ણ અવસર
તા. ૫-૬-૦૭નો દિવસ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનો જ નહીં, સમગ્ર ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનો એક અમર દિન હતો. વેદપ્રણીત સનાતન ધર્મનાં આદિ તત્ત્વો - અક્ષર અને પુરુષોત્તમ આ જ દિવસે, આજથી સો વર્ષ પહેલાં સૌપ્રથમ વખત શિખરબદ્ધ મંદિરના મધ્ય ખંડમાં બિરાજ્યા હતા. આ ઐતિહાસિક દિને પૂર્વઆફ્રિકામાં મોમ્બાસા ખાતે એક વધુ ઐતિહાસિક અવસર ઇતિહાસ પૃષ્ઠે લખાઈ ગયો : અક્ષર અને પુરુષોત્તમના પ્રગટ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો શ્રીહરિકૃષ્ણ મહારાજ સાથે તુલાવિધિ.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના શતાબ્દીના સુવર્ણ અવસરે શ્રી યજ્ઞેશભાઈ દેવાણી અને દેવાણી પરિવારે ભક્તિભાવપૂર્વક ઠાકોરજી અને સ્વામીશ્રીની તુલાવિધિ કરીને, ગુરુભક્તિરૂપે અનન્ય સુવર્ણ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું અને આજના દિનને સ્વર્ણિમ બનાવ્યો હતો.
તા. ૫-૬-૨૦૦૭ના રોજ, સવારે ૧૦.૩૦ વાગ્યે, સમુદ્ર તટે 'અનંતતારા' મહાલયની ચતુર્થ મંજિલે, 'સોનલ સ્મૃતિ' ખંડમાં આ અવસરનો એક અવિસ્મરણીય માહોલ છવાયો હતો. આ વિશિષ્ટ કાર્યક્રમમાં સ્વામીશ્રીનું આગમન થયું ત્યારે યજ્ઞેશભાઈ દેવાણી તથા તેમના સુપુત્ર આર્યને ઢોલના તાલે 'આજ મારે ઘેર થાય લીલા લહેર...' કીર્તનની પંક્તિઓ ગાતાં ગાતાં નર્તન કરી સ્વામીશ્રીને સત્કાર્યા. જે સંસ્થા આજે વિશ્વ કક્ષાએ શ્રેષ્ઠતમ સંસ્થા બની શકી છે એના પ્રાણપુરુષ સ્વામીશ્રીને તો વિશ્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુઓથી તોળીએ તોપણ ઓછું છે. જોકે આજે તો સ્વામીશ્રી કેવળ દેવાણી પરિવારની ભક્તિ અને ભાવથી જ તોળાવાના હતા. એ ભાવને વણી લઈને વિવેકસાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી અને મહેન્દ્રભાઈ બૅરિસ્ટરના પ્રવચન બાદ સ્વામીશ્રીનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરી યજ્ઞેશભાઈએ પ્રિયદર્શન સ્વામી રચિત કીર્તન 'સુવર્ણ ઉત્સવ થાય આજે, સુખનો સાગર રેલાય આજે...' નું ગાન કર્યું. સમગ્ર વાતાવરણમાં ભાવનાનાં આંદોલનો હૃદય સ્પંદિત હતાં. કીર્તનના અંતે સ્વામીશ્રીએ અમૃતવર્ષાકરી : 'બોચાસણમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ બેઠા એ સો વરસ આજે જ થાય છે. ભાગ્યશાળીને આવો લાભ મળે. પરદેશમાં શતાબ્દી સારી રીતે ઊજવાય ને બધાને સંદેશો મળે એટલા માટે આ યાત્રા છે અને એ યાત્રાની શરૂઆત આફ્રિકા દેશથી કરીએ છીએ. નૈરોબી, કંપાલા અને ટાન્ઝાનિયામાં પણ એવો ઉત્સાહ ને પ્રેમ હતો. એક-એકથી ચઢિયાતું એવું કામ થયું છે. અહીં મોમ્બાસામાં તો કળશ ચડી ગયો. યજ્ઞેશનો ઉત્સાહ ને ઉમંગ. આખા કુંટુંબ, પરિવારનો ઉત્સાહ છે, હૃદયનો પ્રેમ છે. ભગવાન જ્યારે કૃપા કરે છે ત્યારે આવું બધું પ્રાપ્ત થાય છે. આવું સમર્પણ જીવનો સત્સંગ હોય તો થાય. દાદાખાચર, પર્વતભાઈ, આશાભાઈ એમણે મહારાજ માટે સર્વસ્વ અર્પણ કર્યું, એમ આ વખતે અહીંયાં યજ્ઞેશે પણ કર્યું છે.
ભગવાનના ભક્તને ધન, ધામ, કુટુંબ, પરિવાર બધું ભગવાન માટે કરી રાખવાનું_ કહ્યું છે. ભગવાન કંઈ લઈ નથી જતા, પણ મનથી આવો વિચાર આવવો એ પણ કઠણ થઈપડે. જો નિશ્ચય ને દૃઢતા હોય તો આ બધું થઈશકે છે ને ભગવાન રાજી થાય છે. આવા ઉત્સવ ને સમૈયા આપણી જિંદગીમાં બહુ ઓછા હોય છે એટલે વીજળીના ઝ બકારામાં મોતી પરોવી લેવું. મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના સમયમાં ભક્તોએ લાભ લીધો છે એમ આજે સહેજે સહેજે ભગવાનની દયાથી અનુકૂળ થઈગયું. શતાબ્દીનો ઉદ્‌ઘોષ અહીંથી સારો થયો છે તો આગળ સારો થશે એ બધો યશ આફ્રિકાના ભક્તોને મળે. યજ્ઞેશ પણ ખૂબ સારો સત્સંગી રહે, તો મહારાજને પ્રાર્થના કરીએકે આવો ને આવો પ્રેમ, ભક્તિભાવ રહે.'
સ્વામીશ્રીના આશીર્વચન બાદ તુલાવિધિની સુવર્ણ ઘડી આવી.  ઈશ્વરચરણ સ્વામી, યજ્ઞેશભાઈ તથા તેમના સુપુત્ર આર્યને હરિકૃષ્ણ મહારાજ અને સ્વામીશ્રીનું પૂજન કર્યું. સ્વામીશ્રીએ પણ યજ્ઞેશભાઈ તથા આર્યનને નાડાછડી બાંધી, આશીર્વાદ પાઠવ્યા. પૂજનવિધિ બાદ સૌએ હરિકૃષ્ણ મહારાજ સહિત સ્વામીશ્રીની આરતી ઉતારી. યજ્ઞેશભાઈએ હાર પહેરાવી સ્વામીશ્રીને વધાવ્યા.
અંતે તુલાવિધિ આરંભાઈ. સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે તુલાના પલ્લામાં બિરાજ્યા હતા. યજ્ઞેશભાઈ તથા તેઓના સમગ્ર પરિવારે તુલાની શરૂઆત કરી. વાતાવરણમાં વૈદિક મંત્રો ગુંજી રહ્યા હતા. દિવ્ય, અલૌકિક અને સુવર્ણ અવસરને કીકીમાં કેદ કરી રહેલા દર્શનાર્થી તમામ સંતો, હરિભક્તો પલક મારવાનું પણ ભૂલી જતા હતા. ઉપસ્થિત દરેક હરિભક્તને પણ પોતાના પ્રાણપ્યારા ગુરુહરિની તુલા કરવાનો અલભ્ય લાભ મળ્યો હતો. બરાબર ૧૨-૩૫ વાગે સૌના પ્રેમને વશ પલ્લું નીચું થયું ને એ સાથે જયઘોષ થયા. સૌએ આ અદ્વિતીય સુવર્ણ ક્ષણને અંતરમાં કંડારી લીધી. સ્વામીશ્રી પણ બી.એ.પી.એસ. સંસ્થા શતાબ્દીના જયઘોષમાં જોડાયા.
અંતમાં 'મારા કુબામાં હાથી પેઠો મારા ભઈ!...' એ કીર્તનના તાલે દર્શનાર્થીઓ ઊભા થઈને ઝૂમવા લાગ્યા. જયજયકાર સાથે મંગલમય વાતાવરણમાં સુવર્ણ અવસર સમાપ્ત થયો.
આમ, આફ્રિકાના હરિભક્તોને એક મહિના સુધી બ્રહ્મરસમાં તરબોળ કરી સ્વામીશ્રીએ બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવનું પ્રથમ સોપાન ઐતિહાસિક રીતે ઊજવ્યું. અહીંથી સ્વામીશ્રીએ અમેરિકા ખંડની ધર્મયાત્રાનો પ્રારંભ કર્યો. આફ્રિકાથી અમેરિકા સુધીની આ લાંબી હવાઈ યાત્રા માટે યજ્ઞેશભાઈ દેવાણી, સુભાષભાઈ પટેલ અને કિરણભાઈ પટેલે સુવિધાસજ્જ બોઈંગ ચાર્ટર્ડ વિમાનની વ્યવસ્થા કરી હતી. ૭૦૭ બોઈંગ હવાઈ જહાજ, જાણે એક હવાઈ મહાલય અને ધર્માલય બની ગયું હતું. આ વિમાનમાં ૪૨,૦૦૦ ફૂટ ઊંચાઈ પર અવકાશમાં જ ૨૨ કલાક સુધી સ્વામીશ્રીએ સહયાત્રી ૨૦ સંતો-ભક્તોને સત્સંગનું દિવ્ય સુખ આપ્યું. વિમાનમાં જ ભોજન, કથાવાર્તા, ગોષ્ઠિ, આરામ, ચેષ્ટા, સ્નાન, પૂજા વગેરે નિત્યક્રમ ખૂબ સુંદર રીતે જળવાયો હતો. વિમાને ઈંધણ પૂર્તિ માટે યુ. કે.માં અલ્પ વિરામ લીધો.
યુ. કે.માં સ્ટેનસ્ટેડ વિમાન મથકે જ્યારે વિમાન ઊતર્યું ત્યારે રાત્રે ૧૧-૦૦ વાગવા આવ્યા હતા. જોકે લંડનમાં ૯-૦૦ વાગ્યા હતા. આફ્રિકા ખંડમાંથી યુરોપ ખંડમાં સ્વામીશ્રીએ પધરામણી કરી. લંડનના તમામ સંતોને અહીં વિમાનમાં પ્રવેશ મળ્યો અને સ્વામીશ્રીનાં દર્શનનો સુયોગ થયો. સમગ્ર યુ.કે. અને યુરોપ સત્સંગ મંડળો વતી યોગવિવેક સ્વામીએ તથા યુ.કે.ના અગ્રણી ટ્રસ્ટીઓએ હાર પહેરાવીને આશીર્વાદ મેળવ્યા. વિમાને ત્યાર બાદ પુનઃ પ્રયાણ કર્યું.
સ્વામીશ્રી ઊભા થયા અને નિજ ખંડમાં પધાર્યા અને પોઢ્યા ત્યારે લગભગ ૧૦-૩૦ વાગ્યા હતા. જો કે મોમ્બાસાના ૧૨-૩૦ વાગ્યા કહેવાય.
વિમાને અનંત તારાઓની સંગતમાં મુસાફરી શરૂ કરી. આફ્રિકા ખંડ, યુરોપ ખંડ અને હવે અમેરિકા ખંડ ઉપર પહોંચવાની તૈયારી સાથે વિમાન પૂરગતિએ આગળ વધ્યું.
સ્થાનિક સમય મુજબ લંડન એરપોર્ટ પરના રોકાણ દરમ્યાન સ્વામીશ્રી લંડનના સંતો-ભક્તોને મળ્યા.
બરાબર રાત્રિના ૧-૦૦ વાગ્યે વિમાને શિકાગોની ધરાનો સ્પર્શ કર્યો. ત્રણેક કલાક મોડું થયું હોવા છતાં એરપોર્ટના અધિકારીઓ સ્વામીશ્રીને સન્માનવા ઊભા હતા. અહી સૌને આશીર્વાદ પાઠવી સ્વામીશ્રી શિકાગો ખાતે વિખ્યાત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા.       

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |