|
અમેરિકામાં પ્રમુખસ્વામી મહારાજની બી.એ.પી.એસ. શતાબ્દી ધર્મયાત્રા શિકાગોમાં ભવ્ય કાર્યક્રમો
બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવના ઉપક્રમે ભગવાન સ્વામિનારાયણ અને સનાતન ધર્મના સંદેશને પ્રસરાવવા વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજે અમેરિકા ખાતે ધર્મયાત્રા આરંભી છે. તા. ૮-૬-૨૦૦૭ના રોજ પૂર્વ આફ્રિકાથી તેઓ ત્રણ મહિનાના અમેરિકા-ધર્મપ્રવાસ માટે પધાર્યા છે, ત્યારે આ ધર્મયાત્રા દરમ્યાન કેનેડાના મહાનગર ટોરોન્ટો તથા યુ.એસ.એ.માં એટલાન્ટા ખાતે ભવ્ય શિખરબદ્ધ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દબદબાપૂર્વક ઉજવાશે અને સાથે સાથે લોસએન્જલસ ખાતે પણ સ્વામીશ્રીનાં કરકમળો દ્વારા વેદોક્ત પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે.
પરમપૂજ્ય સ્વામીશ્રીના સાંનિધ્યમાં આયોજિત અભૂતપૂર્વ બાળ-યુવા સંમેલનથી લઈને વિવિધ મહાનગરોમાં યોજાયેલા અદ્ભુત કાર્યક્રમો આ ભોગભૂમિ પર ભક્તિ અને સદ્વિચારના દિવ્ય આંદોલનો પ્રસરાવી રહ્યાં છે.
અમેરિકા ખાતે મહાનગર શિકાગોથી સ્વામીશ્રીની આ ધર્મયાત્રાનો આરંભ થયો છે. તા. ૮-૬-૦૭ થી તા. ૨૫-૬-૦૭ સુધી સ્વામીશ્રીના શિકાગોના નિવાસ દરમ્યાન ભક્તિ અને સત્સંગની વસંત મહોરી ઊઠી હતી. સ્વામીશ્રીના નિત્ય પ્રાતઃપૂજા દર્શન તેમજ સાયંસભામાં વિદ્વાન સંતોના આધ્યાત્મિક માર્ગદર્શનનો લાભ લેવા વિશાળ સંખ્યામાં હરિભક્તો-ભાવિકો ઊમટતા હતા. અધિક પુરુષોત્તમ માસના ઉપક્રમે વિવિધ પ્રતીકાત્મક ઉત્સવોની ઉજવણી દ્વારા શિકાગોમાં ઉત્સવોનો માહોલ રચાયો હતો. આ ઉપરાંત અહીંના સિઅર્સ સેન્ટર ખાતે બી.એ.પી.એસ. શતાબ્દીની શાનદાર ઉજવણી દ્વારા સમગ્ર અમેરિકા ખંડમાં શતાબ્દીના પડઘમ ગુંજી ઊઠ્યા હતા. અમેરિકાના મિડ-વેસ્ટ પ્રાંતનાં બી.એ.પી.એસ. સત્સંગ મંડળો તથા શિકાગો મંડળના હરિભક્તોએ પણ સ્વામીશ્રીના અત્રેના રોકાણ દરમ્યાન વિવિધ વિભાગોમાં સેવા દ્વારા સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સ્વામીશ્રીની પાવન ઉપસ્થિતિમાં થયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની એક સંક્ષિપ્ત ઝલક અત્રે પ્રસ્તુત છે.
શિકાગોમાં ભવ્ય સ્વાગત
આફ્રિકા ખંડના હરિભક્તોને દિવ્ય આધ્યાત્મિક લાભ આપી સ્વામીશ્રી તા.૮-૬-૨૦૦૭ના રોજ અમેરિકાના મહાનગર શિકાગો પધાર્યા હતા. શિકાગોના ઓહેર ઍરપોર્ટ પર ઇલિનોય રાજ્યના એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર જ્હોન એમ લગાટ્ટુટા (John M Lagattuta) તેમજ ચીફ આૅફ ઇન્વેસ્ટિગેશન ડેનિયલ આર એન્ગારોલાએ (Daniel R Angarola) સ્વામીશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું. સમગ્ર અમેરિકા સત્સંગ મંડળ વતી યજ્ઞવલ્લભ સ્વામી તથા સંતો અને ટ્રસ્ટી મંડળના અગ્રેસરોએ પુષ્પહાર પહેરાવી સ્વામીશ્રીને યુ. એસ. એ.ની ધરતી પર વધાવ્યા.
એરપોર્ટ પરથી સ્વામીશ્રી શિકાગો મંદિરે પધાર્યા ત્યારે મધ્યરાત્રિના ત્રણ વાગ્યાનો સમય થયો હતો. પરંતુ મધ્ય રાત્રિએ પણ પ્રાણપ્યારા ગુરુહરિને વધાવવા માટે સેંકડો શિસ્તબદ્ધ-હરોળબદ્ધ-કરબદ્ધ હરિભક્તોથી મંદિરનું વિશાળ પ્રાંગણ છલકાઈ ઊઠ્યું હતું. અમેરિકા જેવી ભોગભૂમિમાં રહીને પણ અહીં વસતાં બાળકો, યુવકો તથા હરિભક્તોએ વ્રત, ઉપવાસ અને સાધના દ્વારા સ્વામીશ્રીને વિશિષ્ટ રીતે સત્કાર્યા હતા.
તા. ૧૦-૬-૦૭ના રોજ મંદિરના પરિસરમાં ખડા કરાયેલા વિશાળ શમિયાણામાં હજારો ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે સ્વામીશ્રીના સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆતમાં આનંદસ્વરૂપ સ્વામી તથા વિવેકસાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા હરિભક્તોને સત્સંગનો વિશેષ મહિમા સમજાવ્યો હતો. અમેરિકા સત્સંગમંડળ વતી યજ્ઞવલ્લભ સ્વામીએ સ્વાગત-પ્રવચન કરી સ્વામીશ્રીને આવકાર્યા હતા. સ્વાગત પ્રવચન બાદ સંતો તથા હરિભક્તોએ પુષ્પહારથી સ્વામીશ્રીને સત્કાર્યા. આ પ્રસંગે સ્વામીશ્રી માટે આફ્રિકાથી અમેરિકા સુધી ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરનારા આફ્રિકાના હરિભક્તો યજ્ઞેશભાઈ દેવાણી, સુભાષભાઈ પટેલ તથા કિરણભાઈ પટેલનું પણ હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું.
આજની આ સ્વાગત સભામાં સ્વામીશ્રીને સત્કારવા માટે વ્હીટન નગરના મેયર માઇકલ ગ્રિસ્ક (Michael Gresk) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીશ્રીને પુષ્પહારથી સન્માની તેઓએ ધન્યતા અનુભવી.
સ્વાગતવિધિ બાદ યુવકોએ પ્રિયદર્શન સ્વામી રચિત 'હૃદિયા ઉલેચીને આવ્યો આવ્યો પ્રમુખસ્વામી પધાર્યાનો કોલ' એ ગીતના આધારે સુંદર સ્વાગત નૃત્ય રજૂ કરીને સ્વામીશ્રીને વધાવ્યા. સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું : 'જ્યારે જ્યારે અધર્મ વૃદ્ધિ પામે ત્યારે ધર્મનું સ્થાપન કરવા ને સંતો-ભક્તોને સુખ આપવા ભગવાન પૃથ્વી પર પધારે છે. ભગવાન રામ, કૃષ્ણ બધા અવતારો થયા. આ કળિકાળમાં ભગવાન સ્વામિનારાયણ પોતાનું ધામ અને ધામના મુક્તો અને તમામ ઐશ્વર્ય લઈને આ પૃથ્વી પર પધાર્યા. સર્વ જીવોનું કલ્યાણ થાય એ એમને આવવાનો હેતુ હતો. એમણે શિક્ષાપત્રીમાં લખ્યું કે 'સર્વજીવહિતાવહ.' એમાં નાનામોટાં, બાઈભાઈ, નાતજાત, ધર્મ, દેશ-વિદેશ ને બધા માણસો આવી જાય. ભગવાનને બહુ વિશાળ ભાવના છે એમને કોઈ વેરો આંતરો નથી.
ભગવાને જે કંઈ આપ્યું છે એ સમાજ, દેશ ને ધર્મ માટે વાપરો. મનુષ્યદેહે એવું કાર્ય કરવું કે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. બધું કરો પણ એ અનુસંધાન રાખો કે મારી બુદ્ધિ, શક્તિ, વાણીથી ભગવાન રાજી થાય.'
આશીર્વાદ બાદ સ્વામીશ્રીએ હરિભક્તોને સમીપદર્શનનો લાભ આપી કૃતાર્થ કર્યા.
ઉત્તરાયણ પર્વ
અધિક માસના ઉપક્રમે સ્વામીશ્રીના સાંનિધ્યમાં નિત્ય નવલા ઉત્સવો ઊજવીને સૌએ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. તા. ૧૧-૬-૨૦૦૭ના રોજ ઉત્તરાયણ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. સમગ્ર મંદિરમાં ઉત્તરાયણનો માહોલ છવાયો હતો. ઠાકોરજીના વાઘામાં અને પાર્શ્વભૂમાં પતંગો શોભી રહી હતી. સમગ્ર ઘુમ્મટ અને પ્રદક્ષિણાના ભાગમાં બાળકો-યુવકો-વડીલોના મુખેથી 'નારાયણ હરે...! સચ્ચિદાનંદ પ્રભો...!'ની આહ્લેક ગુંજતી હતી. હરિભક્તોની દાન આપવાની સમર્પણ ભાવના જોઈ સ્વામીશ્રી ખૂબ પ્રસન્ન થયા. સંતોએ સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન ઉત્તરાયણ પર્વનાં પદો ગાઈને પોતાની કળાને પાવન કરી હતી.
આજની આ વિશિષ્ટ સભામાં ડિસ્ટ્રિક્ટ કૉંગ્રેસમૅન પીટર રોસકેમ (Peter Roskam) તથા બાર્ટલેટ વીલેજના ટ્રસ્ટી ડેનિસ નોલન (Dennis Nolan) અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બાર્ટલેટ નગરનાં મહિલા મેયર કેથેરીન મેકહર્ટ (Catherine Mecchert) પણ ઉપસ્થિત હતાં. મહિલા વિભાગ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
મેયર કેથેરીન મેકહર્ટ વતી ડેનિસ નોલને બહુમાનપત્ર અને મેડલ સ્વામીશ્રીને અર્પણ કરી તેઓના કાર્ય અને વ્યક્તિત્વને બિરદાવ્યું હતું.
વસંતપંચમી – સંસ્કારધામદિન
સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં તા.૧૨-૬-૨૦૦૭ના રોજ વસંતપંચમી તથા 'સંસ્કારધામ દિન' ધામધૂમપૂર્વક ઊજવાઈ ગયો. વસંત પંચમી એટલે શિક્ષાપત્રી, સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી, સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન. સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં અધિક માસના ઉપક્રમે પ્રતીક વસંત પંચમીના ઉત્સવની ઉજવણી લાભ પ્રાપ્ત થયો હતો.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન સંતોએ શાસ્ત્રીજી મહારાજના પ્રાગટ્ય અને મહિમાનાં કીર્તનોનું ગાન કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. આજે કેરોલ સ્ટ્રીમ (Carol Stream) સિટીના મેયર ફ્રેન્ક સેવરીનો (Frank Saverino) સ્વામીશ્રીનાં દર્શન-મુલાકાતે આવ્યા હતા. સ્વામીશ્રીના આશીર્વાદ મેળવી તેઓએ ધન્યતા અનુભવી.
આ ઉપરાંત સંધ્યા સત્સંગ સભામાં સંસ્કારધામદિનની ઉજવણી પણ કરવામાં આવી. બી.એ.પી.એસ. સંસ્થાના ૧૦૦ વર્ષના ઇતિહાસને નજર સમક્ષ તાદૃશ્ય કરે એવી રસાળ શૈલીમાં વિવેકસાગર સ્વામીએ બી.એ.પી.એસ. શતાબ્દી ગાથાની પારાયણનો લાભ આપ્યો હતો. ત્યાર બાદ બાળકો, કિશોરો તથા યુવકોએ ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. નૃત્યના અંતે સ્વામીશ્રીએ પણ બી.એ.પી.એસ. ધ્વજ ફરકાવીને ઉપસ્થિત સૌને દિવ્ય સ્મૃતિ આપી હતી. સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે આ સંસ્થા સ્થાપી છે ને ઉપાસનાની વાત આપણને સમજાવી છે. અક્ષરધામમાં જવા માટે આજ્ઞા ને ઉપાસના એ પાંખો છે. ભગવાનની ઉપાસનાની દૃઢતા થવી જોઈએ અને તેમની આજ્ઞાનું યથાર્થ પાલન પણ આપણે કરવું જોઈએ. ઉપાસના એટલે ઉપ†આસન. ભગવાનની સમીપમાં આસન.
ઉપાસનામાં ભગવાનને સર્વોપરિ સમજવા. ભગવાનથી ઉપર કોઈ નથી. એવા પરમાત્મા જ સર્વકર્તા છે. કેટલીક વખત માણસને એમ લાગે છે કે મેં કર્યું, મારાથી થયું. પણ ભગવાને મનુષ્યને બુદ્ધિ જ ન આપી હોત તો ? માટે કર્તા પરમાત્મા છે. એમની શક્તિથી આપણે કામ કરીએ છીએ, એ જ બધી પ્રેરણાઓ આપે છે તેનાથી આપણે કામ કરી શકીએ છીએ. શ્રીજીમહારાજે કહ્યું, 'મારી મરજી સિવાય સૂકું પાંદડું પણ હાલવાને સમર્થ નથી.'
વળી, ભગવાન પૃથ્વી પર આવ્યા ને ચાલ્યા ગયા એવું નથી, સદા પ્રગટ છે. ભગવાનના ગુણો જેમાં છે એવા ગુણાતીત એકાંતિક સત્પુરુષ આપીને જાય છે. આવા સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરવાની છે.'
ભગતજી મહારાજ પ્રતીક જન્મજયંતી
તા. ૧૩-૬-૨૦૦૭નો દિવસ ભગતજી મહારાજની પ્રતીક જન્મજયંતીની ઉજવણી દિવસ હતો. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં પાર્શ્વભૂમાં જૂનાગઢના ગિરનારનું ચિત્ર શોભી રહ્યું હતું. ગિરિકંદરાઓની વચ્ચે ભગતજી મહારાજની મૂર્તિ વિરાજિત હતી. સંતોએ ભગતજી મહારાજના મહિમાનાં કીર્તનોનું ગાન કરી ભક્તિ અદા કરી હતી.
આજે સંધ્યા સત્સંગસભામાં શરૂઆતમાં સૌ યુવક-યુવતીઓ અને કિશોર-કિશોરીઓ વતી ઈશ્વરચરણ સ્વામીએ ચાદર ઓઢાડીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. શિકાગો ક્ષેત્રનાં યુવક-યુવતીઓ તથા કિશોર-કિશોરીઓ દ્વારા 'રુચિ' ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રીએ આ 'રુચિ' ક્વિઝ માં જુદા જુદા રસપ્રદ પ્રશ્નોના ઉત્તરો આપીને પોતાની રુચિ દર્શાવી હતી. ત્યાર પછી 'રુચિ' ક્વિઝ નો પ્રારંભ થયો.
આ ક્વિઝ માં પ્રત્યેક યુવક-યુવતી, કિશોર-કિશોરીઓને ગુલાબી, ભૂરા અને પીળા કલરનાં કાર્ડ આપી દેવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછવામાં આવતો હતો અને એ પ્રશ્નમાં દરેકે સ્વામીશ્રી કયા રંગનું કાર્ડ પસંદ કરશે ? એ રંગનું કાર્ડ ઊંચું કરવાનું હતું.
સ્વામીશ્રીએ આ ક્વિઝ માં સૌને આનંદ કરાવી વિશેષ સ્મૃતિ આપી હતી.
યુવકો દ્વારા અન્ય કાર્યક્રમોની પણ પ્રસ્તુતિ થઈ.
સભાના અંતે સ્વામીશ્રીએ અમેરિકાના આ યુવાનોની ભક્તિ અને સેવાને બિરદાવતાં ધન્યવાદ આપ્યા. વિશેષમાં કહ્યું : 'આપણે ભગવાન પાસે અક્ષરધામમાં જવું છે, પરંતુ જો ખ્યાલ ન રાખીએ તો એ મારગમાં ચાલતાં ઘણા કાંટા-કાંકરા પણ વાગે. સત્સંગનો આવો અમૂલ્ય લાભ જતો રહે ને અનંત જન્મમાં ભટકવું પડે. આ માર્ગેથી પડી ન જવાય ને કોઈનો અભાવ-અવગુણ ન આવી જાય એ વાત હંમેશાં દૃઢ રાખવાની છે.
દરેકમાં સારું જોવું. મહિમા જેવી કોઈ વાત નથી. મહિમાથી સત્સંગમાં આગળ ïïïïવધાય, અવગુણો ટળી જાય અને સદ્ગુણો આવે.
એક જીવને ભગવાનને માર્ગે ચઢાવે તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય. તો આવી સેવા, ભક્તિ, સત્સંગ કરજો. સત્સંગ વધે ને સારી સેવા થઈ શકે એવી શક્તિ, એવું બળ ભગવાન તમને આપે ને આવો ને આવો સંપ, ઉત્સાહ ને ભક્તિ હંમેશાં જીવમાં રહે એ ભગવાનને પ્રાર્થના.'
પ્રતીક પુષ્પદોલોત્સવ
તા. ૧૪-૬-૨૦૦૭ના રોજ શિકાગોમાં જ્યારે પ્રતીક પુષ્પદોલોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે ઉપસ્થિત સૌનાં હૃદયમાં ભક્તિની વસંત મહોરી ઊઠી હતી. મંદિરમાં પણ ઠાકોરજીએ રંગબેરંગી વાઘાની સાથે પિચકારી ધારણ કરી હતી. મંદિરમાં દર્શન કરી સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા. પ્રાતઃપૂજામાં સંતોએ ઉત્સવને અનુરૂપ કીર્તનો ગાયાં ત્યારે શિકાગોમાં સારંગપુરના પુષ્પદોલોત્સવની એ વિરલ સ્મૃતિઓ તાજી થઈ ગઈ હતી.
ન્યૂયોર્કથી ૯ કિશોરો ખાસ અહીં વિશિષ્ટ લાભ લેવા આવ્યા હતા. આ વિશિષ્ટ લાભ હતો વાસણ ઊટકવાનો. રોજના સાત-સાત કલાક સુધી તેઓ સવાર, બપોર, સાંજ વાસણ ઊટકે છે. મંદિર મહોત્સવ વખતે પણ આ કિશોરોએ વાસણ ઊટકવાની સેવા કરી હતી. સ્વામીશ્રીએ તેમની આ સેવાભક્તિથી પ્રસન્ન થઈ તેમને આશીર્વાદ પાઠવ્યા.
આજે સમગ્ર અમેરિકાના યહૂદી સમાજના ચીફ રબાઈ અને ઇઝરાયલની કૅબિનેટમાં આંતરધર્મીય સંવાદના પ્રવક્તા ડેવિડ રોઝેન સ્વામીશ્રીની દર્શન મુલાકાતે આવ્યા હતા. સ્વામીશ્રીએ તેઓનું હાર પહેરાવી સ્વાગત કર્યું. દિલ્હી ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ નિહાળ્યા બાદ તેના સર્જકને મળવાની તેઓને તીવ્ર ઇચ્છા હતી. સ્વામીશ્રી સાથેની મુલાકાતથી તેઓ અતિ પ્રભાવિત થયા હતા. અક્ષરધામના દિવ્ય સર્જન બદલ અને સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ પ્રસરાવ્યા બદલ તેમણે સ્વામીશ્રીને બિરદાવ્યા હતા. અમેરિકામાં આવો સુયોગ પ્રાપ્ત થશે એવી તેઓને કલ્પના જ ન હતી. મુલાકાતને અંતે સ્વામીશ્રીએ હિન્દુ પ્રણાલી મુજબ તેઓના જમણા હાથે નાડાછડી બાંધી, માળા ભેટ આપી સન્માન્યા હતા.
પ્રતીક હરિજયંતી ઉત્સવ
તા. ૧૫-૬-૦૭ના રોજ પ્રતીક હરિજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આજે ચિન્મય મિશનના સ્વામી શરણાનંદજી તથા ચિન્મય મિશનના પ્રમુખ શ્રી શંકરભાઈ પિલ્લાઈ સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે આવ્યા હતા. તેઓએ પુષ્પહાર પહેરાવી સ્વામીશ્રીનું અભિવાદન કર્યું. સ્વામીશ્રીના સંસ્કૃતિ પ્રસારના કાર્યથી પ્રભાવિત થતા સ્વામી શરણાનંદજી બોલી ઊઠ્યા હતા : ‘आप संस्कृति के लिए जो कार्य कर रहे है´ वो बेमिशाल है।’
સંધ્યા સત્સંગ સભામાં અહીંના બાળ-યુવક તથા કિશોરોએ 'સંત પરમ હિતકારી'ના પસંદગી કરાયેલા પ્રસંગો ભજવ્યા. ત્યાર બાદ 'સુખકરન દુઃખહરન....' એ ભક્તિનૃત્ય રજૂ કર્યું. આજની સત્સંગ સભામાં એડિસન (Addision) સિટીના મેયર લેરી હાર્ટવિંગ (Larry Hartwig), કેલોગ્સ સ્કૂલ આૅફ મૅનેજમેન્ટના સિનિયર પ્રૉફેસર અને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત મેનેજમેન્ટ નિષ્ણાત શ્રી બાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીશ્રીના આશીર્વાદ મેળવી તેઓએ ધન્યતા અનુભવી. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના અંગત સલાહકાર રાજા કૃષ્ણમૂર્તિ પણ સ્વામીશ્રીના દર્શન-મુલાકાતે આવ્યા હતા. તેઓ સ્વામીશ્રીના કાર્યથી ખૂબ પ્રભાવિત હતા. સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી તેઓ કૃતાર્થ થયા.
પ્રતીક યોગીજયંતી - બાળદિન
તા. ૧૬-૬-૦૭ના રોજ યોગીજી મહારાજની પ્રતીક જયંતીના નિમિત્તે યોગીજી મહારાજને અંજલિ આપવામાં આવી. આ સાથે આજે બાળદિનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાતઃપૂજા પૂર્વે ઠાકોરજીનાં દર્શન કરીને સભાગૃહ સુધી જતાં સ્વામીશ્રી જ્યાં જ્યાંથી પસાર થતા હતા ત્યાં ત્યાં ગુજરાતી મૂળાક્ષરો પહેરેલાં બાળકો મળતાં જતાં હતાં. સ્વામીશ્રી આવે અને મૂળાક્ષર પ્રમાણેનું અર્થઘટન બાળકના મુખમાંથી ઊઘડતું જતું હતું. આમ ગુજરાતી ભાષા શીખવા માટેની પ્રેરણાનું વાતાવરણ સર્જાયું હતું.
સંધ્યાસભામાં પણ આજે 'બાળદિન' નિમિત્તે આ ભૂમિ ઉપર વસતા પ્રત્યેક ગુજરાતી બાળકોએ ગુજરાતી ભાષા શીખવી જોઈએ એ વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 'ઝડપ સમાચાર'ના તંત્રી બનેલાં બે બાળકો સમયે સમયે ગુજરાતી માતૃભાષા શીખવાથી થતા લાભો અને ન શીખવાથી પરિવારમાં થતા નુકસાનની સત્ય ઘટનાઓનાં દૃષ્ટાંતો રજૂ કરતાં હતાં. ત્યાર બાદ બાળકોએ સવાદ્ય કીર્તનભક્તિ રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. કીર્તનભક્તિ બાદ ગુજરાતી વર્ગનું એક નિદર્શન રજૂ થયું. આ નિદર્શન બાદ એક વિશિષ્ટ પ્રકારની અંતાક્ષરીની રજૂઆત બાળકોએ કરી હતી. તેમાં સ્વામીશ્રી જે મૂળાક્ષર પસંદ કરે એ અક્ષરના આધારે કીર્તનની કડી શરૂ થતી હતી અને આ કીર્તનના આધારે મંચ ઉપર નાનાં શિશુઓ અને બાળકોએ નૃત્ય કરી સ્વામીશ્રીને પ્રસન્ન કર્યા હતા.
આ પ્રસંગે વેસ્ટ શિકાગોના મેયર માઇકલ ક્વાસ્નન (Michael Kwasnan), ગ્રીનફિલ્ડ સિટીના ટ્રસ્ટી જેક તથા ગ્રીનફિલ્ડના વિલેજ પ્રેસિડન્ટ રૂડી ઝેક (Rudy Czech), તેમના પરિવાર સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીશ્રીનાં દર્શન કરી તેઓએ ધન્યતા અનુભવી હતી.
સભાના અંતમાં 'ઝડપ સમાચાર'ના બંને બાળ પત્રકારોએ સ્વામીશ્રીનો ઇન્ટર્વ્યૂ લેતા હોય એ રીતે પ્રશ્ન પૂછ્યોઃ 'નવી પેઢીમાં ગુજરાતી ભાષા કઈ રીતે જીવંત રાખવી ?'
સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'તમે બધા ગુજરાતીનો અભ્યાસ કરો છો તે જોઈ ખૂબ આનંદ થયો. ગુજરાતીમાં બધા વાંચતાં, સમજતાં, બોલતાં થાવ એ બહુ અગત્યની વસ્તુ છે. માતાપિતાએ આ દૃષ્ટિએ પણ બાળકોનું ધ્યાન રાખવાનું છે. આર્થિક રીતે ઉન્નતિ કરીએ એ સારી વાત છે, પણ આપણાં બાળકોને પણ સંસ્કાર અને વારસાની દૃષ્ટિએ એટલા જ સાચવવાનાં છે. બાળકો તમારી ભવિષ્યની સંપત્તિ છે. એટલે જ માબાપે પોતાનાં બાળકો માટે ટાઇમ આપવો જોઈએ. જેટલું બાળકની સાથે તમે બેસો, એને મળો, એની વાત સાંભળો. એને તમે જેટલો પ્રેમ કરશો એટલો પ્રેમ એ તમને કરશે. આપણે જો પ્રેમ ન આપીએ તો આપણા સંસ્કારો પણ જાય છે.'
સભાના અંતમાં સ્વામીશ્રીએ મંદિરમાં વાસણ ઊટકવાની નિયમિત સેવા કરતા ૧૦ કિશોરો તેમજ નિયમિત તિલકચાંદલો કરીને સ્કૂલે જતાં બાળકો પર વિશેષ પ્રસન્નતા દર્શાવી હતી.
|
|