Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

શિકાગોમાં બી.એ.પી.એસ. મહોત્સવનું શાનદાર સોપાન

અમેરિકાના ઈલિનોય રાજ્યે શિકાગોના રાજ્ય ધોરી માર્ગને 'પ્રમુખસ્વામી માર્ગ' નામ આપી તેમને ભાવાંજલિ અર્પણ કરી.

તા. ૧૭-૬-૦૭ના રોજ અમેરિકાના મહાનગર શિકાગોના સીઅર્સ સેન્ટર ખાતે વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવનું શાનદાર સોપાન ઉજવાયું હતું. છેલ્લાં ૧૦૦ વર્ષોથી વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ પ્રસરાવતી આ સંસ્થાના શતાબ્દી ઉત્સવ સમારોહમાં ૧૧,૦૦૦ કરતાં પણ વધુ હરિભક્તો-ભાવિકો ઊમટી પડ્યા હતા.
એરિના પ્રકારના આ વિશાળ સભાગારમાં સાંજના બરાબર ૫-૦૦ વાગે શાંતિપાઠના ગાનથી આ શાનદાર સમારોહનો પ્રારંભ થયો. અને ત્યાર પછી સતત ત્રણ કલાક સુધી એક પછી એક કાર્યક્રમોની ઝડી વરસતી રહી. પ્રવચનો, નૃત્યો, દૃશ્ય-શ્રાવ્ય કાર્યક્રમોની અદ્‌ભુત હારમાળા અને હૃદયંગમ રજૂઆતોથી સમગ્ર સભા મંત્રમુગ્ધ બની ગઈ હતી.  મુખ્ય મંચ ઉપર ભારતીય સંસ્કૃતિને છાજે એવા કલાકોતરણીયુક્ત પાર્શ્વભૂની વચ્ચે ગોઠવાયેલા આસનમાં સ્વામીશ્રી વિરાજ્યા ત્યારે ઉપસ્થિત સૌ મુમુક્ષુઓએ ઊભા થઈને તાળીઓથી સ્વામીશ્રીને વધાવ્યા હતા. ત્યાર બાદ શિકાગો મંડળના યુવકો-કિશોરોએ સ્વાગત નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીને સત્કાર્યા હતા. વિવેકસાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી અને આનંદસ્વરૂપ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા અક્ષરપુરુષોત્તમના સનાતન સિદ્ધાંતના પ્રવર્તનમાં પ્રમુખસ્વામી મહારાજ તેમજ ગુરુવર્યોએ કરેલા પ્રચંડ પુરુષાર્થની ગાથા વર્ણવી હતી. ત્યાર બાદ મંચ ઉપર જ થયેલી આતશબાજીથી વિશાળ સભાગૃહમાં શતાબ્દીનાં દિવ્યઆંદોલનો પ્રસરી ગયાં. અરેનામાં બેઠેલા તમામ હરિભક્તોએ બી.એ.પી.એસ.નો શતાબ્દી ધ્વજ લહેરાવીને પોતાની ઊર્મિઓ વ્યક્ત કરી હતી.
સ્વાગત નૃત્ય બાદ સમગ્ર અમેરિકા સત્સંગમંડળ વતી ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી તથા વિવેકસાગર સ્વામીએ ૧૦,૦૦૦ મોતીનો હાર  અર્પણ કરી સ્વામીશ્રીને સન્માન્યા. 
આજની સભાના મુખ્ય અતિથિવિશેષ તરીકે અમેરિકાના સેનેટર જ્હોન મિલનર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  તેઓ સ્વામીશ્રીના કાર્યથી અતિ પ્રભાવિત છે. પોતાના પ્રાસંગિક પ્રવચન દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજની ચિરંતન સ્મૃતિમાં અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્‌સ હાઈવે નંબર ૬૪થી આર્મી ટ્રેઈલ રોડ સુધીના રાજ્ય ધોરીમાર્ગને 'પ્રમુખસ્વામી રોડ' તરીકે જાહેર કરી તેમણે સ્વામીશ્રીના વૈશ્વિક કાર્યને બિરદાવ્યું હતું.
આ ઉપરાંત શિકાગો સ્થિત ભારતના કોન્સલ જનરલ અશોકકુમાર અત્રી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પગુચ્છ અર્પણ કરી પ્રાસંગિક પ્રવચનમાં સ્વામીશ્રીના ગુણાનુવાદ ગાયા હતા.
આ પ્રસંગે અમેરિકાના ઇલિનોય રાજ્યના રિપ્રેઝ ન્ટેટિવ રેન્ડી રેમી (Randy Ramey) અને પોલ ફ્રોલિક (Paul Froelich) પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેન્ડી રેમીએ ઇલિનોય સ્ટેટની ૯૫મી જનરલ એસેમ્બ્લી (વિધાનસભા) તરફથી સ્વામીશ્રીને એક ખાસ સન્માનપત્ર અર્પણ કર્યું. તેઓએ આજના શતાબ્દી દિવસ નિમિત્તે ઇલિનોય સ્ટેટ તરફથી તા. ૧૭-૬-૨૦૦૭ના દિવસને કાયમી ધોરણે 'બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા શતાબ્દી દિન' તરીકે જાહેર કરી સમગ્ર ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું હતું.
આ ઉપરાંત હૉફમેન એસ્ટેટ નગર (Hoffman Estates) ના મેયર વિલિયમ્સ મેકલોઈડે (Williams Mcleod) આ પ્રસંગે પોતાના નગરની 'કી ટુ ધ સિટી' સ્વામીશ્રીને અર્પણ કરીને આજના દિવસને વિશેષ યાદગાર બનાવ્યો હતો.
મહાનુભાવોના વકતવ્ય બાદ આજની સભાના મુખ્ય યજમાન નરેન્દ્રભાઈ પટેલ અને તેઓના બંને સુપુત્રોએ પણ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શતાબ્દી નૃત્યની રજૂઆત બાદ સભામાં ઉપસ્થિત સૌએ એક વિશિષ્ટ પ્રતિજ્ઞા લીધી હતી.
સ્વામીશ્રીએ અમૃતવર્ષા કરતા કહ્યું : 'આજે શતાબ્દી મહોત્સવનો સમારોહ ઊજવાય છે બહુ જ મોટા પ્રમાણમાં બધા પ્રેમથી પધાર્યા છો એ માટે ખૂબ આપને ધન્યવાદ છે.
આપણે આ દેશમાં આવ્યા છીએ એટલે ધંધા-રોજગાર બધું જ કરવાનું છે, પણ સાથે આપણો ધર્મ, આપણા સંસ્કારો, આપણા ધર્મગ્રંથોને પણ ભૂલીએ નહીં, એમાં આપેલા આદેશ પણ ભૂલીએ નહીં, એનું હંમેશાં જાણપણું રાખવું. આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ એ આપણો શ્વાસ છે. એ જેટલું દૃઢ રાખીશું, એટલી આપણી ઉન્નતિ ને વિકાસ છે અને એનાથી શાંતિ છે. આ દેશમાં આપણું કાર્ય કરીએ સાથે દેશના વિકાસમાં આપણો સહકાર આપીએ ને અહીંના કાયદાનું પાલન કરીને આ દેશની પણ આપણે સેવા કરી શકીએ. બીજાના માટે આપણે જેટલું ઘસાઈશું, બીજા માટે આદર રાખી કાર્ય કરીશું, એમાં આપણો વિકાસ છે.'
સ્વામીશ્રીના આશીર્વાદની સમાપ્તિ  બાદ યુવકો-કિશોરોએ'અક્ષરપુરુષોત્તમના ડંકા...' નૃત્યની રજૂઆત કરી.  સ્વામીશ્રીએ પણ ધ્વજ ફરકાવીને શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિશેષ સ્મૃતિ આપી હતી. સભાના અંતે હૉલમાં આતશબાજી થઈ. સભામાં ઉપસ્થિત તમામ દર્શકોએ પણ ધ્વજ લહેરાવીને મહોત્સવમાં વિશેષ પ્રાણ પૂર્યા. આમ, સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં અદ્‌ભુત રીતે શતાબ્દી મહોત્સવ ઊજવાઈ ગયો.
૫૭મો પ્રમુખવરણી દિન
શિકાગો મંડળે તા. ૧૮-૬-૨૦૦૭ના રોજ ૫૭મા પ્રમુખવરણી દિનની ઉજવણી દ્વારા ગુરુભક્તિ અદા કરી હતી. આ સાથે અહીં દિવ્ય સંનિધિ પર્વનો પણ પ્રારંભ થયો હતો.
સાયં સભામાં સંતોએ પોતાના સ્વાનુભવના પ્રસંગો કહીને સ્વામીશ્રીની અહંશૂન્યતાને વંદના કરી હતી. વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ યોગીપ્રેમ સ્વામીના કીર્તન ગાન બાદ હરિકૃષ્ણ મહારાજની પુષ્પતુલા યોજાઈ. ૩૫૦થી વધારે હરિભક્તોએ મંચ ઉપર આવીને ઠાકોરજી સમક્ષ પુષ્પ અર્પણ કરીને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વિવેકમૂર્તિ સ્વામીએ પ્રમુખવરણી દિને સ્વામીશ્રી દરેકના અંતરમાં પધરામણી કરે એ રીતે ભાવનાત્મક રજૂઆત કરીને સ્વામીશ્રીને અંતરના ઓરડે પધરાવીને 'આજ મારે ઓરડે રે...' એ કીર્તનનું ગાન કરાવ્યું. કીર્તનગાન બાદ સૌએ શાંતિપાઠ અને ગુરુમહિમાના શ્લોકોનું ગાન કરી ગુરુઅર્ઘ્ય અર્પણ કર્યું હતું. સમૂહ આરતીને અંતે સ્વામીશ્રીએ શિબિરાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
પાટોત્સવ - નીલકંઠવણી પ્રાણપ્રતિષ્ઠા
તા. ૨૦-૬-૦૭ના રોજ શિકાગો મંદિરનો તૃતીય પાટોત્સવ યોજાયો. વહેલી સવારથી જ સમગ્ર પરિસરમાં ઉત્સવનો માહોલ રચાયો હતો. મંગળા આરતી બાદ વડીલ સંતોની ઉપસ્થિતિમાં મહાપૂજાવિધિ સંપન્ન થયો. મૂર્તિઓને પંચામૃતસ્નાન બાદ સ્વામીશ્રીએ મંદિરના ત્રણેય ખંડની મૂર્તિઓને અભિષિક્ત કરી.
આજે સ્વામીશ્રીએ વેદોક્તવિધિપૂર્વક અભિષેકમૂર્તિ નીલકંઠવણીની સુવર્ણરસિત મૂર્તિની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરી.
આજે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે આવ્યા હતા. સ્વામીશ્રીના મંદિર નિર્માણના કાર્યને બિરદાવતાં સ્વામીશ્રીએ સર્જેલા શિકાગોના અદ્‌ભુત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરથી પ્રભાવિત થતાં તેઓએ જણાવ્યું હતું : 'ક્રાંતિ એટલે મારફાડ કરીને પરિવર્તન થયું હોય એ. સંક્રાંતિ એટલે પ્રેમ, સદ્‌ભાવ અને જોડાણથી જે પરિવર્તન થાય એ અને ઉત્ક્રાંતિ એટલે ખબર જ ન પડે કે વાડ ઉપર વેલો કેમ વધે છે ? શરીર કેમ વૃદ્ધિ પામે છે ? એમ પ્રમુખસ્વામી મહારાજે વિશ્વમાં સંક્રાંતિ સાથે ઉત્ક્રાંતિનું કાર્ય કર્યું છે. અહીં જે મંદિર કર્યાં છે એ આવતાં ૫૦-૧૦૦ વર્ષના સમાજનો વિચાર કરીએ તો ખબર પડે કે ઉત્ક્રાંતિની દિશામાં આપે જબરજસ્ત કાર્ય કર્યું છે. ધર્મપરિવર્તન નહીં, પરંતુ વિશ્વમાં ધર્મની સ્થાપનાનું અદ્‌ભુત કાર્ય કર્યું છે.'
ત્રણ દિવસથી ચાલી રહેલા દિવ્ય સંનિધિ પર્વમાં વડીલ સંતોએ કાર્યકરોને અદ્‌ભુત આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંધ્યા સત્સંગસભામાં તેની પૂર્ણાહુતિ નિમિત્તે જુદી જુદી રજૂઆતો દ્વારા સૌએ એકબીજાનો પરિચય કેળવ્યો. અંતે 'આજે યજ્ઞપુરુષને દ્વાર' કીર્તનના આધારે કિશોરો-યુવકોએ ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી.
સભાના અંતમાં સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'શાસ્ત્રોમાં કહ્યું છે કે મન બંધનનું કારણ છે ને મોક્ષનું પણ કારણ છે. મન વિષયને માર્ગે જાય, અનીતિ, દુરાચારમાં જાય તો એમાંથી અધોગતિ થાય છે. એનાથી મોક્ષ થાય નહીં. પરંતુ એ મન બંધન ને જન્મમરણનું કારણ બને છે. પરંતુ એ જ મનને જો આપણે સત્સંગને માર્ગે, ભગવાનની ભક્તિને માર્ગે વાળીએ, શાસ્ત્રનું વાંચન-પઠન કરીએ, મંદિરમાં જઈએ, દર્શન પ્રાર્થના કરીએ તો શુદ્ધ અને પવિત્ર થવાય. એનાથી આપણા આત્માનો ઉદ્ધાર થાય, સમાજમાં શાંતિ થાય અને સારો વિકાસ પણ થાય.
મનને વશ કરવું કઠણ છે. મનને સ્થિર કરવા સત્પુરુષની જરૂર છે. તે આપણને સાચો માર્ગ બતાવે છે. મંદિરમાં જવાથી, સંત સમાગમથી, શાસ્ત્રોનું વાચન-પઠન કરવાથી વૃત્તિ પાછી વળે છે. ગુણાતીત સંતના વચનમાં વિશ્વાસ રાખવાથી મન સ્થિર થાય છે. ભગવાન તરફ જવાની રીત, સાચો માર્ગ આપણને સંત બતાવે છે. એવા સાચા માર્ગે જઈને માંકડા જેવું મન ભગવાનને અર્પણ કરવું અગર ભગવાનમાં જોડી દેવું તો સુખિયા થવાય.'
અમેરિકાના આ ભૌતિકવાદી વાતાવરણ વચ્ચે પણ અહીંના સ્વયંસેવકોની સેવા નતમસ્તક કરી દે તેવી હતી. તેમાંય પાર્કિંગ વિભાગ સવારે ૫-૩૦થી રાતના ૧૧-૦૦ વાગ્યા સુધી સેવામાં રત રહે છે. સ્વામીશ્રી પણ આ સર્વે સ્વયંસેવકોની સેવાથી ખૂબ જ પ્રસન્ન થયા હતા.
વિશ્વશાંતિ મહાયાગ - સ્મૃતિયાગ
તા. ૨૨-૬-૦૭ના રોજ સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં વિશ્વશાંતિ મહાયાગ યોજાયો હતો. જેમાં ૮૦૦થી વધુ યજમાનો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા.
સ્વામીશ્રીએ મૂર્તિઓનું પૂજન કરીને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું : 'આ યજ્ઞ કરવાની ભાવના એ છે કે સર્વત્ર શાંતિ થાય. લોકોને ભગવાનમાં શ્રદ્ધા વધે, એમના દેશકાળ સારા થાય, કુટુંબમાં પણ શાંતિ પણ થાય. સાંસારિક, વહેવારિક કાર્યોમાં પણ સરળતા થઈ જાય. આ યજ્ઞથી ૩૩ કરોડ દેવતા, અવતારો અને સાક્ષાત્‌ ભગવાન પુરુષોત્તમની પ્રસન્નતા થાય છે અને આપણને શાંતિ-સુખ પ્રાપ્ત થાય. આજે જે કોઈ યજ્ઞમાં બેઠા છે, આવ્યા છે, દર્શન કરે છે એ બધાનું ભગવાન કલ્યાણ કરશે. આની વાત સાંભળે તો એનું પણ કલ્યાણ થાય.'
આમ, શિકાગોમાં સતત ૧૫ દિવસ સુધી બિરાજીને સ્વામીશ્રીએ અહીં વસતા હરિભક્તો-ભાવિકોને અદ્‌ભુત આધ્યાત્મિક ભાથું બાંધી આપ્યું હતું.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |