|
પાટોત્સવ - નીલકંઠવણી પ્રાણપ્રતિષ્ઠા
તા. ૨૦-૬-૦૭ના રોજ શિકાગો મંદિરનો તૃતીય પાટોત્સવ યોજાયો. વહેલી સવારથી જ સમગ્ર પરિસરમાં ઉત્સવનો માહોલ રચાયો હતો. મંગળા આરતી બાદ વડીલ સંતોની ઉપસ્થિતિમાં મહાપૂજાવિધિ સંપન્ન થયો. મૂર્તિઓને પંચામૃતસ્નાન બાદ સ્વામીશ્રીએ મંદિરના ત્રણેય ખંડની મૂર્તિઓને અભિષિક્ત કરી.
આજે સ્વામીશ્રીએ વેદોક્તવિધિપૂર્વક અભિષેકમૂર્તિ નીલકંઠવણીની સુવર્ણરસિત મૂર્તિની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરી.
આજે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે આવ્યા હતા. સ્વામીશ્રીના મંદિર નિર્માણના કાર્યને બિરદાવતાં સ્વામીશ્રીએ સર્જેલા શિકાગોના અદ્ભુત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરથી પ્રભાવિત થતાં તેઓએ જણાવ્યું હતું : 'ક્રાંતિ એટલે મારફાડ કરીને પરિવર્તન થયું હોય એ. સંક્રાંતિ એટલે પ્રેમ, સદ્ભાવ અને જોડાણથી જે પરિવર્તન થાય એ અને ઉત્ક્રાંતિ એટલે ખબર જ ન પડે કે વાડ ઉપર વેલો કેમ વધે છે ? શરીર કેમ વૃદ્ધિ પામે છે ? એમ પ્રમુખસ્વામી મહારાજે વિશ્વમાં સંક્રાંતિ સાથે ઉત્ક્રાંતિનું કાર્ય કર્યું છે. અહીં જે મંદિર કર્યાં છે એ આવતાં ૫૦-૧૦૦ વર્ષના સમાજનો વિચાર કરીએ તો ખબર પડે કે ઉત્ક્રાંતિની દિશામાં આપે જબરજસ્ત કાર્ય કર્યું છે. ધર્મપરિવર્તન નહીં, પરંતુ વિશ્વમાં ધર્મની સ્થાપનાનું અદ્ભુત કાર્ય કર્યું છે.'
ત્રણ દિવસથી ચાલી રહેલા દિવ્ય સંનિધિ પર્વમાં વડીલ સંતોએ કાર્યકરોને અદ્ભુત આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંધ્યા સત્સંગસભામાં તેની પૂર્ણાહુતિ નિમિત્તે જુદી જુદી રજૂઆતો દ્વારા સૌએ એકબીજાનો પરિચય કેળવ્યો. અંતે 'આજે યજ્ઞપુરુષને દ્વાર' કીર્તનના આધારે કિશોરો-યુવકોએ ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી.
સભાના અંતમાં સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'શાસ્ત્રોમાં કહ્યું છે કે મન બંધનનું કારણ છે ને મોક્ષનું પણ કારણ છે. મન વિષયને માર્ગે જાય, અનીતિ, દુરાચારમાં જાય તો એમાંથી અધોગતિ થાય છે. એનાથી મોક્ષ થાય નહીં. પરંતુ એ મન બંધન ને જન્મમરણનું કારણ બને છે. પરંતુ એ જ મનને જો આપણે સત્સંગને માર્ગે, ભગવાનની ભક્તિને માર્ગે વાળીએ, શાસ્ત્રનું વાંચન-પઠન કરીએ, મંદિરમાં જઈએ, દર્શન પ્રાર્થના કરીએ તો શુદ્ધ અને પવિત્ર થવાય. એનાથી આપણા આત્માનો ઉદ્ધાર થાય, સમાજમાં શાંતિ થાય અને સારો વિકાસ પણ થાય.
મનને વશ કરવું કઠણ છે. મનને સ્થિર કરવા સત્પુરુષની જરૂરછે. તે આપણને સાચો માર્ગ બતાવે છે. મંદિરમાં જવાથી, સંત સમાગમથી, શાસ્ત્રોનું વાચન-પઠન કરવાથી વૃત્તિ પાછી વળે છે. ગુણાતીત સંતના વચનમાં વિશ્વાસ રાખવાથી મન સ્થિર થાય છે. ભગવાન તરફ જવાની રીત, સાચો માર્ગ આપણને સંત બતાવે છે. એવા સાચા માર્ગે જઈને માંકડા જેવું મન ભગવાનને અર્પણ કરવું અગર ભગવાનમાં જોડી દેવું તો સુખિયા થવાય.'
અમેરિકાના આ ભૌતિકવાદી વાતાવરણ વચ્ચે પણ અહીંના સ્વયંસેવકોની સેવા નતમસ્તક કરી દે તેવી હતી. તેમાંય પાર્કિંગ વિભાગ સવારે ૫-૩૦થી રાતના ૧૧-૦૦ વાગ્યા સુધી સેવામાં રત રહે છે. સ્વામીશ્રી પણ આ સર્વે સ્વયંસેવકોની સેવાથી ખૂબ જ પ્રસન્ન થયા હતા
|
|