|
બાળદિન
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી યુ.એસ.એ.માં પણ બી.એ.પી.એસ. સંસ્થા બાળમંડળો દ્વારા બાળકોમાં સંસ્કાર સિંચનનું અદ્ભુત કાર્ય કરી રહી છે. તા. ૨૭-૬-'૦૭ના રોજ બાળદિનની ઉજવણી કરવામાં આવી ત્યારે હ્યુસ્ટનના બી.એ.પી.એસ. બાળમંડળના સેંકડો બાળકોથી મંદિર પરિસર ઊભરાઈ રહ્યું હતું. સમગ્ર મંદિરના પરિસરમાં ધ્વજ લહેરાવીને બાળકો સ્વામીશ્રીનું અભિવાદન કરી રહ્યા હતા. સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં પાર્શ્વભૂમાં સમગ્ર વર્ષ દરમ્યાન ઊજવાતા ઉત્સવોના વિશાળ ફોટોગ્રાફસ શોભી રહ્યા હતા. બાળકોના આજના દિવસનો કેન્દ્રવર્તી વિચાર પણ આ જ હતો. ભારતીય પરંપરા અને ઉત્સવોની પ્રણાલીને ભવિષ્યની પેઢી પણ જાણે, માણે અને સાચવી રાખે, એ હેતુ સર્વત્ર ધ્વનિત થતો હતો. બાળકોએ આજે પૂજામાં વિવિધ ઉત્સવોનાં કીર્તનોનું ગાન કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સંધ્યા સત્સંગસભામાં સાઉથ વેસ્ટ રિજિયનનાં બાળકો ભારતીય ઉત્સવોના કેન્દ્રવર્તી વિચાર સાથે વિવિધ રજૂઆતો કરી હતી. બાળકોએ 'સ્વામી બાપાના બાળમંડળમાં....' એ ગીતના આધારે ભક્તિનૃત્ય રજૂ કરીને વિવિધ ઉત્સવ-નૃત્યોની પ્રસ્તુતિથી સમગ્ર વાતાવરણ ગુંજતું કરી દીધું હતું. આ પ્રસંગે હ્યુસ્ટનના જાણીતા ઉદ્યોગપતિ શ્રી ગિલબર્ટે અતિથિવિશેષ તરીકે પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું: 'અહીં મેં જે ચમત્કાર જોયો છે, એ અવર્ણનીય છે. અહીં જે સમર્પણ અને નિષ્ઠા છે એ મને સ્પર્શી ગઈ છે. સ્વયંસેવકોની આવી નિષ્ઠાથી હું પ્રભાવિત છુ _. વળી, મેં આવો પ્રેમ, ધીરજ અને સમર્પણ બીજે ક્યાંય જોયાં નથી. આપવું-વહેંચવું અને બીજાને મદદ કરવી એ ભાવના અહીં સતત દેખાય છે.'
બાદ સને ૧૯૯૬માં સ્વામીશ્રીની એન્જિયોગ્રાફી કરનાર ડૉ.વીરેન્દ્ર માથુરે સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
સન્માનવિધિ બાદ હરિજયંતીનું નૃત્ય રજૂ થયું હતું. રક્ષાબંધનના પર્વની સંવાદાત્મક રજૂઆત બાદ દિવાળી-નૃત્ય રજૂ થયું. દિવાળી-નૃત્યના અંતે સભામંડપમાં ગોઠવાયેલી કમ્ફેટીસ ગનના ભડાકાથી સમગ્ર વાતાવરણમાં કન્ફેટીસની વર્ષા થઈ હતી. અંતમાં ગુરુપૂર્ણિમાની પ્રસ્તુતિ કરીને બાળકોએ ગુરુહરિ સ્વામીશ્રીનાં ચરણોમાં પુષ્પ-અંજલિ અર્પણ કરી ગુરુૠણ અદા કર્યું હતું.
સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવતાં કહ્યું : 'બાળકોએ આપણી સમક્ષ ઉત્સવોની સ્મૃતિ કરાવી છે. દ્ધશ્ˆળરસર્ખદષઃ ઈંમુ થષીંરષઃ। મનુષ્યોને ઉત્સવો ખૂબ ગમે છે. ઉત્સવથી ભગવાનને વિષે ભક્તિભાવ વધે છે.
ભગવાનની પ્રસન્નતા થાય, ભગવાનને વિષે ભક્તિ વધે એ માટે આપણે ઉત્સવો ઊજવીએ છીએ. આ ઉત્સવોમાં ભેગા થઈ ભગવાનના ગુણગાન ગાવાં. ભગવાને પૃથ્વી પર આવી જે કાર્ય કર્યું છે, જે જ્ઞાન આપ્યું છે એ પ્રસંગો યાદ કરવા, એ ઉત્સવો ઊજવવાનો મુખ્ય હેતુ છે. સમાજમાં ધર્મભાવના ટકી છે એ આવા ધાર્મિક ઉત્સવો ને મંદિરોથી ટકી છે. એમાં જેટલી શ્રદ્ધા રાખીશું એટલું આપણું કામ સરળ થાય છે. મંદિરો, ઉત્સવો નકામાં છે એ ભાવના ખોટી છે. કેટલાક લોકોને એવું લાગે છે કે ઉત્સવોમાં ખોટા ખર્ચા થાય છે, પરંતુ ઉત્સવમાં આવવાથી માણસને સારી પ્રેરણા મળે છે, સદ્ગુણી થાય છે. કેટલાક વ્યસનમુક્ત થઈ જાય છે, ચોરી કરતાં અટકી જાય છે. જોબન પગી લૂંટારામાંથી ભક્ત થયો તો હજારોને ત્રાસ મટી ગયો. આમ, ઉત્સવ-સમૈયામાં આવા માણસોનું પણ પરિવર્તન થઈ જાય છે. એમાંથી આસુરીભાવ મટી જાય ને ભક્ત થઈ બીજાને મદદ કરતા, સેવા કરતા થઈ જાય. ઉત્સવ પૈસા કમાવા માટે નહીં, પણ લોકોની અંદર ધર્મની જાગૃતિ થાય, લોકોને ભગવાનમાં શ્રદ્ધા થાય ને જીવનમાં શાંતિ થાય, એટલા માટે ઊજવીએ છીએ. એક માણસનું પણ પરિવર્તન થઈ જાય તો હજારોને શાંતિ થઈ જાય. સમૈયા-ઉત્સવ કરી પૈસા વેડફવાની વાત નથી, દુનિયામાં મોટપ વધારવી એવું નથી, પણ માણસના જીવનમાં ધર્મ દૃઢ થશે, નીતિ-નિયમનું ધોરણ આવશે તો દેશમાં, સમાજમાં શાંતિ થશે. અંતકાળે પણ આવા ઉત્સવોની સ્મૃતિ થાય તો એને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ જાય.''
આજના પ્રસંગે વિશેષ મહેમાન તરીકે આવેલા વિવિધ શાખાના વિખ્યાત નિષ્ણાત ડૉક્ટરો, ડૉ. હર્ષદભાઈ ડી. પટેલ (મૅડિસ્ટાર), ગીલ રેમીરેઝ, બોબ હેમ્સ, ચક કેવ્સ, જ્હોન હોલ, નીલ પટેલ, ગ્રે પીયરમેન , સ્કોટ પેપઝ, સેમ સુબ્રહ્મણ્યમ્ વગેરેએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
તા. ૨૮-૬-૦૭ના રોજ યુટાહ રાજ્યના જાણીતા ઉદ્યોગપતિ, ગેસ અને ઓઈલ કંપનીના માંધાતા શ્રી ડેનિયલ કુક સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રી પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવી તેઓએ ધન્યતા અનુભવી હતી.
|
|