|
યુવાદિન
અમેરિકાની ભોગભૂમિમાં પણ સ્વામીશ્રીએ શીલ અને સંયમના આદર્શરૂપ યુવાનોની પેઢી તૈયાર કરીને વિશ્વને એક અનોખી ભેટ આપી છે. હ્યુસ્ટન મંડળના આવા ચારિત્ર્યવાન યુવાનો દ્વારા તા. ૨૯-૬-'૦૭ના રોજ યુવાદિનની ભક્તિભાવપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી. સવારથી જ મંદિરમાં યુવાદિનનો માહોલ છવાયો હતો. પ્રાતઃપૂજામાં સવાદ્ય કીર્તનભક્તિ રજૂ કરીને યુવકોએ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સંધ્યા સત્સંગસભામાં યુવકો દ્વારા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝડી વરસી હતી. ગુજરાતના મહુવા પાસે આવેલા ઓદરકા અને કુકડ ગામના દરબારો વચ્ચેના ૨૦૦ વર્ષ જૂના વેરને સ્વામીશ્રીએ શમાવેલાં. આ વાસ્તવિકતાને રજૂ કરતો 'અપૈયા-મુક્તિ'નો સંવાદ યુવકોએ ચોટદાર રીતે રજૂ કર્યો હતો. આ ઉપરાંત શાસ્ત્ર, મંદિર અને સંત વર્તન ઘડવામાં કેટલા આવશ્યક છે તેની દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા અદ્ભુત રજૂઆત થઈ હતી. આજની આ વિશિષ્ટ સભામાં અતિથિ-વિશેષ તરીકે વિખ્યાત એન્જિનિયર આર્કિટેક્ટ મંઝૂર હુરાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં શ્રી હુરાનીએ સ્વાનુભવની વાત કરતાં જણાવ્યું હતું : 'પ્રમુખસ્વામી મહારાજને હું મળ્યો, એ મારા જીવનની ધન્ય ઘડી છે. આવા પવિત્ર પુરુષને મળવું એ ભાગ્યની વાત છે. મંદિરમાં મને જે આધ્યાત્મિક અનુભૂતિ થઈ છે એ માન્યામાં આવે એવી નથી. મને એમ લાગે છે કે હું આપની નજીક ને નજીક આવતો જાઉં છું. મને તમારામાંનો એક ગણવામાં હું ગર્વ અનુભવું છું. અહીં મને જે પ્રેમ મળ્યો અને શાંતિનો અનુભવ થયો એ અવર્ણનીય છે.'
આજે સભાના અન્ય મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસમેન નીક લેમ્પસન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શતાબ્દી પર્વ નિમિત્તે બહુમાનપત્ર બી.એ.પી.એસ. સંસ્થાને અર્પણ કરી તેઓએ સ્વામીશ્રીના કાર્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું :
'બી.એ.પી.એસ.ની પ્રવૃત્તિથી હું અત્યંત પ્રભાવિત છુ _. આ મંદિર પણ સુંદર છે. વળી, સમાજને તમે આપો છો એ મને સૌથી વધારે ગમે છે. એકબીજા સાથે પ્રેમ રાખવાની જે પ્રેરણા આપો છો, એ પણ અત્યંત સુંદર કાર્ય છે. આ દેશને આજે આની જ સૌથી વધારે જરૂર છે. એનાથી સમરસતા આવશે. આજે જીવનમાં અને સમાજમાં મૂલ્યો અગત્યનાં છે. એ મૂલ્યો દ્વારા દુનિયા સારી બનશે. તમે આ મૂલ્યોને જાળવો છો. આવા કાર્ય કરવા બદલ તમને અભિનંદન આપું છુ _.
તમે જે સુંદર કાર્ય કરો છો એ નિમિત્તે આજે હું કૉંગ્રેસમૅન તરીકે સંસ્થાની શતાબ્દી ઉજવણી પ્રસંગે કૉંગ્રેસનલ રેકગ્ïનાઇજેશનનો પત્ર પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરું છુ _.' આટલું કહીને તેઓએ આ બહુમાનપત્ર સ્વામીશ્રીને અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અંતે સ્વામીશ્રીએ યુવાનોની ભક્તિને બિરદાવીને જણાવ્યું હતું : 'કોઈ પણ ક્ષેત્રમાં માણસનું વર્તન કેવું છે તે અગત્યનું છે. જ્યારે આપણું વર્તન શુદ્ધ ને પવિત્ર હશે તો આપણને અને અનેક માણસોને શાંતિ થશે. યુદ્ધો શા માટે થાય છે? કુટુંબમાં કલેશ થાય છે એનું કારણ શું છે? માણસનું અહમ્. 'મેં કર્યું છે, મારાથી થયું છે, હું આમ જ કરીશ...' આને લીધે કુટુંબમાં, સમાજમાં અને દેશમાં કલેશ થાય છે, પરંતુ આપણે સહન કરવું અને બીજાનું સારું થાય એવો વિચાર રાખવો. ભલે આપણે થોડું દુઃખ વેઠવું પડે, પણ જો બીજાનું સારું થતું હોય તો દુઃખ વેઠીને પણ આપણે એનું સારું કરવા પ્રયત્ન કરવો જોઈએ. યોગીજી મહારાજની એવી દીર્ઘ દૃષ્ટિ હતી. એમણે આપણને જે માર્ગ આપ્યો છે એ માર્ગે જો આપણે ચાલીશું તો આપણને શાંતિ થશે, આપણા પાડોશીને શાંતિ થશે ને બધાને શાંતિ થશે. જે સારું કાર્ય કરે છે, એને હંમેશાં શાંતિ મળે છે.'
યુવક દિન નિમિત્તે યુવકોએ કેટલીક જીવન પર્યંતની પ્રતિજ્ઞા લીધી હતી. યુવકોની અનન્ય સમર્પણ ભાવનાથી સ્વામીશ્રી ખૂબ પ્રસન્ન થયા હતા.
|
|