|
ત્રણ નૂતન મંદિરોની પ્રતિષ્ઠા પૂર્વવિધિ
અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ વિભાગમાં આર્કેન્સાસ અને ટેક્સાસ રાજ્યોમાં સંતોના વિચરણથી સત્સંગનો ખૂબ વિકાસથયો છે. આ રાજ્યોનાં નગરો લિટલરોક, ઓસ્ટિન અને સાન એન્ટોનિયો ખાતે નૂતન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોનું નિર્માણ થયું છે. તા. ૩૦-૬-૦૭ના રોજ હ્યુસ્ટનમાં પ્રાતઃપૂજા બાદ આ મંદિરોની મૂર્તિઓની વેદોક્તવિધિપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા પૂર્વવિધિ પ્રમુખસ્વામી મહારાજનાં કરકમળો દ્વારા સંપન્ન થઈ હતી. સ્વામીશ્રીએ આ મૂર્તિઓની આરતી ઉતારી, પૂજનવિધિ કરી મૂર્તિઓમાં દિવ્યત્વનો સંચાર કર્યો હતો. આ પ્રસંગે ડલાસ નજીકના અરવીંગ શહેરના મેયર હર્બટ એ. ગિયર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સ્વામીશ્રીને અરવીંગ શહેરની Key to the city તેમજ સન્માન પત્ર અર્પણ કરી પોતાના શહેરમાં ભવ્ય મંદિરના નિર્માણ માટે આમંત્રણ આપ્યું હતું.
પૂર્વ ઈતિહાસ : લિટલ રૉક :
આર્કેન્સાસ રાજ્યની રાજધાની લીટલ રૉકમાં ૨૦૦૧ની સાલથી સત્સંગમંડળનો પ્રારંભ થયો. જ્ઞાનપુરુષ સ્વામી અને અનુપમ સ્વામીએ પ્રથમ વખત અહીં સત્સંગસભા શરૂ કરાવી હતી. ૨૦૦૨માં મહંત સ્વામીના વિચરણ દરમ્યાન મંદિર કરવા માટે રાજુ ભાઈ મહેતા અને રાજુભાઈ વ્યાસે જમીન અર્પણ કરી હતી. મહંત સ્વામીના હસ્તે આ જમીનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડૉક્ટર સ્વામી અને કોઠારી ભક્તિપ્રિય સ્વામીની બળભરી વાતોથી સત્સંગમાં વેગ સાંપડ્યો અને સૌ હરિભક્તોનાં તન-મન-ધનનાં સમર્પણથી મંદિર નિર્માણનું કાર્ય શરૂ થયું. ૨૦૦૭ના સપ્ટેમ્બર મહિનામાં સ્વામીશ્રીએ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓ આ મંદિરમાં વિરાજશે.
ઓસ્ટિન
ટેકસાસ રાજ્યની રાજધાની ઓસ્ટિનમાં સ્વામીશ્રી સૌપ્રથમ સને ૧૯૭૭માં પધાર્યા ત્યારે અહીં સત્સંગનાં બીજ રોપાયાં. સ્વામીશ્રીના માર્ગદર્શન તેમજ સંતોના વિચરણથી અહીં સત્સંગનો દિનપ્રતિદિન વિકાસ થતો રહ્યો છે. સ્વામીશ્રીની પ્રેરણાથી સને ૧૯૯૮માં કૉલેજમાં અભ્યાસ કરતા યુવકોએ અહીં સત્સંગ મંડળનો પ્રારંભ કર્યો હતો. ધીમે ધીમે અઠવાડિક સભાનો પણ પ્રારંભ થયો અને સને ૧૯૯૯થી સમૈયાની ઉજવણી પણ ચાલુ થઈ. વર્ષમાં અવારનવાર સેમિનારનું આયોજન પણ થવા માંડ્યું. આમ, અહીં મંદિર નિર્માણની જરૂરિયાત ઉદ્ભવી. આ માટે સને ૨૦૦૧માં ડૉ.ભરતભાઈ પટેલના સૌજન્યથી અહીં જમીન પ્રાપ્ત થઈ અને ત્યાર પછી સત્સંગનો વેગ વધ્યો. મહિલા મંડળ, બાલ-બાલિકા મંડળ, કિશોર-કિશોરી મંડળનો પણ પ્રારંભ થયો. સને ૨૦૦૨ની સાલમાં શિલાન્યાસવિધિ સંપન્ïન થયા પછી અહીં મંદિર નિર્માણનો પ્રારંભ થયો. હાલ ૮૦૦ માણસોને સમાવી શકે એવો વિશાળ સભામંડપ, સુવિધાસજ્જ રસોડું અને અન્ય ૧,૦૦૦ માણસો જમી શકે એવી ડાઈનિંગ સુવિધા સાથે સુંદર મંદિર અહીં તૈયાર થયું છે.
સાન એન્ટોનિયો
સને ૧૯૯૧ના સંસ્થાએ ઊજવેલા ભારતીય સંસ્કૃતિ ઉત્સવ બાદ અહીં સત્સંગનો પ્રારંભ થયો. શરૂઆતમાં હરિભક્તોના ઘરે ફરતી સભા રાખવામાં આવતી હતી. ત્યાર પછી ૧૯૯૬થી દિલીપભાઈ ભક્તાની મોટેલમાં સત્સંગ-સભાનો પ્રારંભ થયો. જરૂરિયાત પ્રમાણે ૧૯૯૯માં સત્સંગ મંડળે ૧.૧ એકરની જમીન ધરાવતું ચર્ચ ખરીદ્યું અને એમાં મંદિર નિર્માણ કરીને મૂર્તિપ્રતિષ્ઠા પણ કરવામાં આવી. ત્યાર પછી ૨૦૦૦ની સાલમાં ૨.૨ એકર જમીન સંપાદન થઈ. સને ૨૦૦૦માં સ્વામીશ્રી સાન એન્ટોનિયો પધાર્યા. ત્યારપછી અવારનવાર વડીલ સંતોની પણ પધરામણી થતી રહી. સને ૨૦૦૭ની ૧૨મી માર્ચે વીજળી પડતાં મંદિરના અમુક ભાગને નુકસાન થયું, પરંતુ સભામંડપ અને મૂર્તિઓને કશું જ થયું નહિ. ત્યાર પછી મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું. અને એ મંદિરની મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠા આજે સ્વામીશ્રીના હસ્તે સંપાદન થઈ. અમેરિકાનાં આ ત્રણ મહાનગરોનાં મંદિરોમાં મૂર્તિપ્રતિષ્ઠા કરીને સ્વામીશ્રીએ ભગવત્સુખનાં દ્વાર ખોલી આપ્યાં હતાં.
આજે બપોરે અહીં એક મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ટેકસાસ રાજ્યના ધારાસભ્ય લિન્ડા હાર્પર બ્રાઉન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આજે સંધ્યા સત્સંગસભામાં ત્રિદશાબ્દી મહોત્સવની વિશિષ્ટ સભા હતી. સને ૧૯૭૭માં સ્વામીશ્રી પ્રથમ વખત હ્યુસ્ટન પધાર્યા ત્યારથી લઈને ૨૦૦૭ સુધીના ત્રણ દાયકા સુધીની તેમની આ યાત્રા હજારો હરિભક્તોના જીવનઘડતરની યાત્રા બની રહી છે. સ્વામીશ્રીના સંકલ્પથી નિર્માણ પામેલાં મંદિરો અને સંતોના વિચરણને કારણે કેટલાય લોકોનાં જીવન પરિવર્તન થયાં છે અને સત્સંગની વસંત મહોરી છે.
છેલ્લા ત્રણ દાયકાના આ કેન્દ્રવર્તી વિચાર સાથે એક વિશિષ્ટ કાર્યક્રમની પ્રસ્તુતિ અહીંના સત્સંગ મંડળે કરી હતી. જેમાં પ્રથમ દાયકો સ્વામીશ્રીએ કરેલા પરિશ્રમનો હતો. દ્વિતીય દાયકો સ્વામીશ્રીની આત્મબુદ્ધિને લીધે સત્સંગનો વિકાસ કઈ રીતે થયો એના નિદર્શનનો હતો અને તૃતીય દાયકો સ્વામીશ્રીએ કરેલાં પરિવર્તનનો હતો. વૃદ્ધ, યુવા અને બાળકે અનુક્રમે ત્રણ દાયકાની પ્રતીકાત્મક રજૂઆત કરી સ્વામીશ્રીએ કરેલા અગાધ પરિશ્રમનો ચિતાર આપ્યો હતો. આનંદસ્વરૂપ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યું હતું.
ત્રિદશાબ્દી નિમિત્તે છેલ્લાં ૩૦ વર્ષમાં સ્વામીશ્રીએ કરેલા પરિશ્રમની તવારીખને વણી લઈને અહીંના યુવકોએ 'સામીપ્ય' નામનું સોવેનિયર તૈયાર કર્યું હતું. આ સોવેનિયરનું ઉદ્ઘાટન સ્વામીશ્રીએ કર્યું.
સ્વામીશ્રીના આ વિરાટ સેવાયજ્ઞમાં પોતાનાં સંતાનોને ભગવાન સ્વામિનારાયણ તથા ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં આજીવન ધરી દેનાર સમર્પિત હરિભક્તોએે મંચ પર પધારી સ્વામીશ્રીના કરકમળોમાં હાર અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સભાના અંતે ત્રણેય દાયકાએ ભેગા થઈને સ્વામીશ્રીને વિનંતી કરી કે હવે પછીનો દાયકો કેવો હશે અને આપ કેવો વિકાસ ઇચ્છો છો? એનું આપના મુખે જ વર્ણન કરો.
સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું હતું : 'સ્વભાવ, વ્યસનો મૂકવાં એ કરતાં પણ દીકરા આપવા બહુ કઠણ છે, કારણ કે માતા-પિતાને આશા હોય કે દીકરો ભણાવી- ગણાવી તૈયાર કર્યો છે તો વૃદ્ધાવસ્થામાં પોતાની સેવા કરશે. પણ સંતસમાગમથી આપને જીવમાં સત્સંગ થયો છે, આ જ્ઞાન થયું છે તો દીકરા અર્પણ કર્યાછે. આજે બાળકો વ્રત, તપ, માળા, ઉપવાસ કરે છે. આ આપણને બહુ સામાન્ય લાગે, પણ આ દેશમાં રિદ્ધિસિદ્ધિ બહુ છે, સ્વતંત્રતા બહુ છે. જે ખાવું હોય એ ખાવ, જ્યાં ફરવું હોય ત્યાં ફરો, ગમે ત્યાં જાવ કોઈ રોકે એમ નથી. એવા સમયની અંદર પણ યુવાનો સાધુ થવા આવે એ બહુ મોટી વાત છે. એમનાં માબાપ રાજી થઈને રજા આપે એ પણ મોટી વાત છે. એનું કારણ એ છે કે આ જ્ઞાન સાચું છે, આપણને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ મળ્યા છે, એ સાચા છે, ભગવાન સ્વામિનારાયણ સાચા છે.
પૃથ્વીમાંથી દાણા મળતા હોય તો ભગવાનના આશરે જવાથી મોક્ષ કેમ ના મળે? મળવાનો જ છે. દૃઢતા, વિશ્વાસથી કામ કરીએ તો આ સત્સંગ છે, એથી અનંત ગણો વધશે. ભગવાનનું, મોટાપુરુષનું કાર્ય છે. તો મહારાજ સર્વને બળ આપે, સર્વને શાંતિ થાય, સત્સંગમાં દરેક તને, મને, ધને સુખી થાય. સત્સંગનું કાર્ય કરવાનું બળ સર્વને ખૂબ મળે એ પ્રાર્થના.'
|
|