|
મહાનુભાવોની વિશિષ્ટ સભા
તાજેતરમાં જ સ્વામીશ્રી તેમજ કેનેડાના વડા પ્રધાનશ્રી દ્વારા ઉદ્ઘાટિત થયેલું ટોરન્ટોનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કેનેડાના નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કેનેડાના વડા પ્રધાનની ઓફિશિયલ વેબસાઇટ પર પણ મંદિરના ઉદ્ઘાટનની વિગતો જાહેર કરવામાં આવી હતી. એ જ રીતે ઓન્ટોરિયો રાજ્યના પ્રીમિયર તરફથી એમની વેબસાઇટ ઉપર પણ આ મહોત્સવ અને મંદિર સંબંધી વિગતો જાહેર કરવામાં આવી હતી. તા. ૨૪-૭-૦૭ના રોજ પ્રાતઃપૂજા બાદ મંદિરમાં મૂર્તિઓની સેવા કરનાર કંપાલાના શ્રી હરીશભાઈ ભૂપતાણી, લંડનના શ્રી નીતિનભાઈ પલાણ તથા શ્રી જયેન્દ્રભાઈ પટેલ(ચાંગા)ને સ્વામીશ્રીએ આશીર્વાદ પાઠવ્યા હતા.
આજે અહીં મહાનુભાવોની એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.એ.પી.એસ. સંસ્થાના આમંત્રણને માન આપીને ૬૦૦થી પણ વધુ મહાનુભાવો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. મદન શરીફ, આરત ઝીણા, આદમ પટેલ, અબ્દુલ પટેલ, રિયાઝ આસ્મી જેવા ખોજા મુસ્લિમ ભાઈઓ, પોલગીલ જેવા શીખ અને શુદ જેવા પંજાબી ભાઈઓ તેમજ આંતરરાષ્ટ્રીય ટાઈકોન્ડુના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ માઇકલ ઈબોલો જેવા વિવિધ ધર્મ તથા રાષ્ટ્રોના અનેક મહાનુભાવો અહીં પધાર્યા હતા. આ સભા ખરા અર્થમાં વિશ્વબંધુત્વનું પ્રતિનિધિત્વ કરનારી સભા હતી.
ધૂન-પ્રાર્થના ગાનથી આ વિશિષ્ટ સભાનો પ્રારંભ થયો. સ્વામીશ્રી મંચ પર પધાર્યા ત્યારે મંચ ઉપરના મહાનુભાવોએ ઊભા થઈને સ્વામીશ્રી પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. બી.એ.પી.એસ. સંસ્થાના ચેરિટીનાં કાર્યોનાં વીડિયોદર્શન દ્વારા ઉપસ્થિત સૌને સંસ્થા દ્વારા ચાલતાં સમાજસેવાના કાર્યોની ઝાંખી થઈ હતી. ત્યાર બાદ તાજેતરમાં જ ઉદ્ઘાટિત થયેલ મંદિર-મહોત્સવની વીડિયો દર્શાવવામાં આવી હતી. વીડિયો શો બાદ મંચ પર ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું. સૌપ્રથમ ટોરન્ટો શહેરના પોલીસ ચીફ શ્રી વિલિયમ બ્લેરે સંબોધતાં જણાવ્યું હતું : 'સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ અને સમગ્ર શહેર વતી હું પ્રમુખસ્વામી મહારાજનો આભાર માનવા આવ્યો છું, કારણકે તેઓએ ટોરન્ટોને સુંદર ભેટ આપી છે. આપનો વારસો ને સંસ્કૃતિ ખૂબ ઊંડાં ને ખૂબ મજબૂત છે. મને લાગે છે કે આ મંદિરથી જનતાને અને સૌને સંપ, સમજણ, સમર્પણની સાથે સાથે આધ્યાત્મિક મૂલ્યો મળશે. બાળકો અને અન્ય પેઢીને સંસ્કાર પ્રાપ્ત થશે, આમાંથી પ્રેરણા લઈને નૈતિક મૂલ્યો શીખશે. મંદિર જોઈને હું પ્રભાવિત થયો છુ _.'
ત્યારબાદ કેનેડા ખાતેના અમેરિકાના કોન્સલ જનરલ શ્રી જ્હોને જણાવ્યું હતું: 'પ્રમુખસ્વામી મહારાજને મળીને મને ખૂબ આનંદ થયો છે. એમણે મંદિરનું નિર્માણ કરીને ખૂબ સુંદર કાર્ય કર્યું છે. એમને આ ઉંમરે સ્વસ્થ જોઈને તો અતિ આનંદ થયો. હું ગાંધીનગર અક્ષરધામમાં ગયો છુ _. દિલ્હીમાં પણ જ્યારે અક્ષરધામ બનતું હતું ત્યારે મેં એ જોયું છે. આજે કેનેડાને સુંદર મંદિર મળ્યું છે. આ મંદિર દ્વારા સારામાં સારું કાર્યઆ સંસ્થા કરે છે. ભારત સારો દેશ છે. આ મંદિર ભગવાનની પ્રેરણા અને સૌના સમર્પણથી થયું છે.'
ત્યારબાદ આનંદસ્વરૂપ સ્વામીએ બી.એ.પી.એસ. સંસ્થાનાં કાર્યો તથા તેના પ્રેરણાસ્રોત સ્વામીશ્રીનો મહિમા વિષયક મનનીય પ્રવચન કર્યું હતું. પ્રવચન બાદ કિશોરોએ 'મંદિર ઈશ્વર કી પહેચાન' કીર્તનના આધારે ભક્તિનૃત્ય રજૂ કરી મંદિરનો વિશેષ મહિમા સમજાવ્યો હતો.
આજની સભામાં કેનેડાના નાણામંત્રી માનનીય શ્રી જીમ્સ અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીશ્રીના આશીર્વાદ લઈને પ્રાસંગિક ઉદ્બોધનમાં તેઓએ જણાવ્યું હતું: 'પ્રમુખસ્વામીની ઉપસ્થિતિથી આનંદ થાય છે. વિશેષઆનંદ એટલા માટે છે કે આ એક ઐતિહાસિક સ્થળ છે. મંદિર જોઈને હું અને મારાં ધર્મપત્ની ખૂબ પ્રભાવિત થયાં છીએ. કેનેડામાં આવી સુંદર વસ્તુ રચાઈ છે, એ કદાચ ક્યાંય જોવા નહીં મળે. આ મંદિર કેનેડા માટે બહુ મોટી ભેટ છે. ખૂબ સુંદર ખજાનો છે. શિખરથી માંડીને પ્રત્યેક અંગમાં ખૂબ બારીકાઈથી કોતરણી થયેલી છે. આ મંદિર ખાલી કેનેડામાં વિવિધતાનું જ પ્રતીક નથી, પણસમર્પણ અને ભાવનાથી ઊભું થયેલું મંદિર છે. ઘણા સ્વયંસેવકો અને કારીગરોએ ભેગા મળીને આ કાર્યકર્યું છે, એમની ધગશ જોઈને પ્રેરણા મળે છે. નાણાંમંત્રી તરીકે આજે હું આપ સૌનો આભાર માનું છું. જેણે જેણે આ મંદિર શક્ય કર્યું છે એ સ્વયંસેવકો, સંતો અને કર્મચારીઓનો હું આભાર માનું છુ _. આ મંદિરને લીધે પેઢીઓસુધી પ્રેરણા મળતી રહેશે.
આ મંદિર ખાલી સંસ્કૃતિનો સેતુ નથી, પણ સમગ્ર જીવનનાં પાસાંઓને આવરી લે એવો સેતુ છે.'
બાટા કંપનીના માલિક થોમસ બાટાએ પણ આશીર્વાદ મેળવ્યા. ત્યાર બાદ શુકમુનિના સ્વામી અંગ્રેજીમાં સંબોધન બાદ સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું, 'માણસ ગમે એટલો પ્રયત્ન કરે, પણ એમાં જો ભગવાનની શક્તિ ભળે તો જ એ કાર્યની સરળતા થાય છે ને સારું કાર્ય થઈ શકે છે. શાસ્ત્રોમાં લખ્યું છે તે મુજબ માનવીના જીવનમાં નીતિ, દયા, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, કોઈને નુકસાન ન કરવું જેવાં મૂલ્યો હોવાં જોઈએ. એ ધર્મ છે. ધર્મ એ પહેલો પુરુષાર્થ છે. ધર્મ એક જ છે, પણ સંપ્રદાય જુ દા છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, શીખ એ સંપ્રદાયો છે, પણ ધર્મ તો એક જ છે– સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય. નીતિ-નિયમ મુજબનું જીવન જીવે તે માણસ. આવું જીવન જો આપણું હોય તો આપણી એકતા વધે અને એકબીજા પ્રત્યે પ્રેમ પણ થાય. આપણે જે કંઈ વિકાસ કરવો હોય એ સારી રીતે કરી શકીએ.
આપણે બધા ભગવાનના પુત્રો છીએ. 'अमृतस्य पुत्राः वयम्॥' અમૃત એટલે ભગવાન. જેમાંથી સત્ય જ મળે, અમૃત જ મળે, જેમાંથી સાચું જીવન મળે. ભગવાનના બાળકો આપણે છીએ તો પછી ભેદ ક્યાં રહ્યો? ગમે તે નાત-જાતના હોય પણ બધા એક જ છે અને એવા જેણે ગુણ મેળવ્યા છે એવા સંતો દરેકમાં ભગવાન જુએ છે. દરેકની અંદર ભગવાનની દૃષ્ટિ રાખે છે તો પછી વેરઝેર ક્યાંથી થાય? મોહ છે ત્યાં લડાઈ, ઝઘડા, ટંટા થાય છે– 'આ મારો દેશ છે, આ તારો દેશ છે, આ તારી જ્ઞાતિ છે' એવા ભેદ થાય છે. જ્યાં સુધી આપણી દૃષ્ટિ વિશાળ ભગવાનમય થઈ નથી, ત્યાં સુધી ભેદભાવના વિચાર આવે છે. ભગવાનનું મંદિર થાય એમાં કોઈને માટે ભેદ હોતો નથી. સર્વને માટે ખુલ્લું છે.'
સ્વામીશ્રીના આશીર્વાદનું અંગ્રેજીમાં ભાષાંતર જ્ઞાનપુરુષ સ્વામીએ કર્યું હતું. નિત્યવિવેક સ્વામીએ આભાર-પ્રવચન કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોનો આભાર માન્યો હતો. અંતમાં સ્વામીશ્રીએસમગ્ર સભાના આયોજનમાં મુખ્ય સેવા કરનાર શ્રી દીપકભાઈ રૂપારેલ તથા શ્રી સુરેશભાઈ ઠકરારને હાર પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા.
|
|