|
એડિસનમાં પ્રમુખસ્વામી મહારાજ
જનજનના કલ્યાણ કાજે વિચરણ કરતા પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અમેરિકામાં આધ્યાત્મિક જ્યોત જગાવી છે. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં તા. ૨૭-૭-'૦૭ થી ૧૫-૮-'૦૭ સુધી ન્યુજર્સી રાજ્યના એડિસન ખાતે સત્સંગની વસંત મ્હોરી ઊઠી હતી. સ્વામીશ્રીના પ્રાતઃપૂજા દર્શન તેમજ સંધ્યા સત્સંગસભામાં હજારો મુમુક્ષુઓ સત્સંગનો દિવ્ય લાભ પ્રાપ્ત કરતા હતા. સ્વાગત દિન, યુવાદિન, કિશોરદિન, બાળદિન, ગુરુપૂર્ણિમા જેવા વિવિધ ઉત્સવો નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સ્થાનિક હરિભક્તોએ ગુરુહરિનાં ચરણોમાં ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. આ ઉપરાંત, બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવની ભવ્ય સભામાં ૨૨,૦૦૦ કરતાં પણ વધુ હરિભક્તો-ભાવિકો ઊમટી પડ્યા હતા.
અમેરિકા જેવી ભોગવાદી ભૂમિ પર વસતા ભારતીય યુવાનોએ જુદાં જુદાં વ્રત-ઉપવાસો, નિયમોનું દૃઢતાપૂર્વક પાલન કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સ્વામીશ્રીની પાવન ઉપસ્થિતિમાં હિંડોળા-ઉત્સવનો પણ પ્રારંભ થયો હતો. એડિસન મંડળે વિવિધ ડિઝાઈનોવાળા હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવીને ભક્તિ અદા કરી હતી. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ન્યુજર્સી અને ટ્રાય સ્ટેટ વિસ્તારના હરિભક્તોની ત્રિદિવસીય સત્સંગ શિબિરમાં હરિભક્તોને સત્સંગની વિશેષ દૃઢતા થઈ હતી. સ્વામીશ્રીએ પાર્સીપેની મંદિરની મૂર્તિઓનો પ્રાણપ્રતિષ્ઠાવિધિ તેમજ એડિસન મંદિરમાં નીલકંઠ વણીની મૂર્તિપ્રતિષ્ઠા કરી આરતી ઉતારી હતી. આ ઉપરાંત, અહીં યોજાયેલી એક વિશિષ્ટ સભામાં ૧૮૦ જેટલી જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓએ સ્વામીશ્રીના વૈશ્વિક કાર્યને બિરદાવ્યું હતું. સ્વામીશ્રીના સાંનિધ્યમાં ઉજવાયેલા ગુરુપૂર્ણિમા તેમજ શતાબ્દી મહોત્સવની એક ઝલક અત્રે પ્રસ્તુત છે...
ગુરુપૂર્ણિમા
તા. ૨૯-૭-૦૭ના રોજ અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાં એડિસન ખાતે પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમાના ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વે પ્રાણપ્યારા ગુરુહરિનાં ચરણોમાં હૃદયાંજલિ અર્પણ કરવા ૧૦,૦૦૦થી પણ વધુ સ્થાનિક હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. એડિસન ખાતેનો રેરિટન એકસ્પો સેન્ટરનો વિશાળ સભાગૃહ ખીચોખીચ ભરાયેલો હતો. ખુરશીઓ ખૂટી પડી હતી. પાછળ કેટલાય ભાવિકો ઊભાં ઊભાં સભાનો લાભ લઈ રહ્યા હતા. આ ઉત્સવસભામાં સ્વામીશ્રીના આગમન પૂર્વે ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેકસાગર સ્વામી, જ્ઞાનેશ્વર સ્વામી અને અક્ષરવત્સલ સ્વામીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા ગુરુહરિના મહિમાનું ગાન કર્યું હતું.
ત્યારબાદ એડિસન મંડળના યુવકો-કિશોરોએ 'હો સ્વામી! ગુરુહરિ છો તમે' એ કીર્તનના આધારે ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીના આગમનને વધાવ્યું. સમગ્ર સત્સંગ સમુદાય વતી સંતોએ સ્વામીશ્રીને ઠાકોરજીનો પ્રસાદીભૂત ૮૭ ફૂટ લાંબો મોતીનો હાર પહેરાવી સન્માન્યા. ત્યારબાદ દેશ-વિદેશ વતી પ્રતિનિધિ હરિભક્તોએ સ્વામીશ્રીને હાર પહેરાવી ગુરુભક્તિ અદા કરી હતી.
સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદનું અમૃત વરસાવતાં જણાવ્યું, 'આજનો દિવસે આપણા ભારતવાસીઓ માટે ખૂબ જ અગત્યનો છે. ગુરુ વગર જ્ઞાન ન થાય. સાચો માર્ગ ને સાચી દિશા અનાદિ કાળથી ગુરુ થકી જ આપણને પ્રાપ્ત થયાં છે. ભગવાનની પ્રાપ્તિ ને ભગવાનનો મહિમા પણ ગુરુ થકી જ પ્રાપ્ત થાય છે. આપણા આત્માનું દર્શન પણ ગુરુ થકી જ થાય છે. સંસારમાં રહેવા છતાં એમાં આપણને કંઈ બંધન ન થાય એવું જ્ઞાન ગુરુ આપણને આપે છે.
જેને આત્માનું, પરમાત્માનું, ચૈતન્યનું જ્ઞાન થયું છે એવા સંતને કોઈ અપેક્ષા નથી. ब्रह्मभूतः प्रसन्नात्मा' આવાં લક્ષણ હોય એ ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરી શકે છે. શ્રોત્રિય ને બ્રહ્મનિષ્ઠ હોય, બધા શાસ્ત્રોનો સાર સમજતા હોય એવા ગુરુ થકી જ આપણું કામ થાય છે. સર્વ શાસ્ત્રનો સાર છે કે ભગવાન ને સંત થકી જ કલ્યાણ થાય છે. કારણ કે એમને આત્મા-પરમાત્માનું સાચું જ્ઞાન છે. એ જ્ઞાન આપે તો જ આપણામાં પ્રકાશ થાય છે. 'ગુ' એટલે અંધકાર ને 'રુ' એટલે પ્રકાશ. કામ, ક્રોધ, લોભ, છળકપટ એ અંધકાર છે. એને કાઢવા શ્રીજીમહારાજ એવા ગુણાતીત સંતને સાથે લાવ્યા. એ સંતોના સમાગમથી હજારોને એવું જ્ઞાન થયું છે. આપણી એ શ્રદ્ધા છે કે ગુરુને વિષે ભગવાનપણાનો ભાવ રાખી એમની ભક્તિ કરીએ, એમનો સમાગમ કરીએ તો આપણો બેડો પાર થઈ જાય છે. ભગવાન તુલ્ય સંતનાં દર્શનથી, એમના સમાગમથી, એમની વાત સાંભળીને જીવમાં ઉતારવાથી આત્માનું જ્ઞાન થાય છે, પરમાત્માના સ્વરૂપનો મહિમા સમજાય છે, ત્યારે માયાથી પર થઈ જવાય છે ને અનેક જન્મનાં દુઃખથી મુક્ત થઈ ભગવાનના ધામનું સુખ પ્રાપ્ત થાય છે.'
આ આશીર્વાદ સાથે અમેરિકાની ધરતી પર ગુરુપૂર્ણિમાનો અવસર સૌને માટે એક અવિસ્મરણીય સ્મૃતિ સમો બની રહ્યો.
આશીર્વાદ બાદ સૌ હરિભક્તો-ભાવિકોને સ્વામીશ્રીના સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત થયો હતો.
|
|