|
અમેરિકામાં ન્યુયોર્ક-ન્યુજર્સી ખાતે ઊજવાયેલ બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવનું એક વધુ શાનદાર સોપાન...
તા. ૪-૮-૦૭, શનિવારના રોજ કોન્ટિનેન્ટલ એરિનાના અતિ વિશાળ અને ભવ્ય સભાગારમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં બી.એ.પી.એસ. શતાબ્દી મહોત્સવનું અમેરિકા ખાતેનું એક વધુ સોપાન શાનદાર રીતે ઊજવાઈ ગયું. આ મહોત્સવમાં ન્યુજર્સીના ગવર્નર જ્હોન કોર્ઝાઈન, અમેરિકા ખાતેના ભારતીય રાજદૂત શ્રી રોનેન સેન, સેનેટર રોબર્ટ મેનેન્ડીઝ, ન્યુજર્સીના એસેમ્બલીમેન શ્રી ઉપેન્દ્ર ચિવુકુલા ઉપસ્થિત રહ્યા હતા.
આ મહોત્સવમાં ૨૨,૦૦૦ કરતા પણ વધુ હરિભક્તો-ભાવિકો ઊમટી પડ્યા હતા. સાંજે ૫.૦૦ વાગ્યે પ્રારંભ થવાનો હોઈ ૩.૦૦ વાગ્યાથી જ આ સભાગૃહ ભરાઈ ગયો હતો.
વિરાટ મંચની પાર્શ્વભૂમાં અક્ષરદેરી આકારના ભવ્ય સિંહાસનમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ તેમજ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ વિરાજમાન હતા. ફ્રીહેન્ડ ડિઝાઇનના ગવાક્ષોમાં બી.એ.પી.એસ.નો ધ્વજ લહેરાઈ રહ્યો હતો અને બરાબર વચ્ચે ગોળાકારમાં ભગવાન સ્વામિનારાયણનાં ચરણારવિંદ શોભી રહ્યાં હતાં. એની આગળ ભવ્ય આસન ઉપર સ્વામીશ્રી વિરાજમાન હતા. ઊંચી નજર કરતાં સભાગૃહનો ઠસ્સો ઊડીને આંખે વળગતો હતો. સ્વામીશ્રીના સભાપ્રવેશ સાથે જ ૨૨,૦૦૦ ધજાઓ ફરકવા લાગી. અદ્ભુત હતો આ નઝારો. સૌએ સંસ્થાના પ્રાણપુરુષ સ્વામીશ્રીનું ધ્વજ ફરકાવીને સ્વાગત કર્યું.
વિશાળ સભાખંડ, વિરાટ પિછવાઈ અને દૃશ્ય-શ્રાવ્યની રંગબેરંગી રંગાવલિઓમાં તરબતર ભવ્ય મંચ અને મધ્યમાં બિરાજમાન વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ, જાણે અક્ષરધામ પૃથ્વી પર ઊતરી આવ્યું હોય તેવું અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું. કાર્યક્રમોની શૃંખલાએ વિરાટ જનમેદનીને અહોભાવમાં ગરકાવ કરી દીધી. સતત ત્રણ કલાક સુધી પ્રેક્ષકોની આંખો મટકવું બંધ કરીને સભાપતિ પ્રમુખસ્વામી મહારાજ ઉપર સ્થિર થઈ ગઈ હતી. વૈદિક મંત્રગાન, ત્રણ ચોટદાર સંવાદો, બાળ-યુવકોના સાત વિવિધ નૃત્યો, નવ વિડીયો પ્રેઝન્ટેશન, સંતોના પ્રેરક આઠ પ્રવચનો, બી.એ.પી.એસ.ના સમર્પિત સંનિષ્ઠ હરિભક્તોની જીવનગાથાઓ, સંત કીર્તન જેવાં વિવિધ માધ્યમોથી બી.એ.પી.એસ. શતાબ્દી ઉત્સવમાં ચાર ચાંદ લાગી ગયા.
કાર્યક્રમના પ્રારંભમાં શાંતિપાઠનું પઠન કરવામાં આવ્યું હતું. ભક્ત શ્રવણ, ભક્ત ધ્રુવ, નચિકેતા, રામભક્ત ભરતજીના કથાપ્રસંગની સ્કીટ ભજવવામાં આવી હતી. સુંદર વેશભૂષા અને ગીત-સંગીત સાથેની કૃતિઓ માણવા જેવી હતી. આજની યુવાપેઢીમાં, કિશોરોમાં ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો વિશેની સાચી સમજ કેળવાય, આપણી જીવનરીતિ-પારિવારિક મૂલ્યોને તેઓ સમજી શકે તે ઉદ્દેશથી એનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વામીશ્રીએ જે સમાજ ઊભો કર્યો છે એનો પરિચય સૌએ વીડિયો પ્રેઝન્ટેશન અને પ્રવચનો દ્વારા મેળવ્યો. સ્વામીશ્રીએ સર્જેલો સમાજ કેવો મૂલ્યનિષ્ઠ છે ? એની રજૂઆત બાળક અને કિશોર દ્વારા થઈ.
ન્યૂજર્સીના એસેમ્બલીમેન શ્રી ઉપેન્દ્ર ચિવુકુલાએ આજના મુખ્ય અતિથિ ન્યૂજર્સી રાજ્યના માનનીય ગવર્નર શ્રી જ્હોન કોર્જાઈનનો પરિચય આપ્યો. ગવર્નરશ્રીએ ભાવોર્મિ વ્યક્ત કરતા કહ્યું: 'આજે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ લઈને હું મારી જાતને સદ્ભાગી માનુું છું. હું નિશ્ચિતપણે માનું છું કે આપની સંસ્થા ખૂબ જ અદ્ભુત અને પ્રેરક છે. આપ તથા આપના ભક્તોનો પ્રેમ અને સહકાર મને ખૂબ મળ્યો છે. અહીં અમેરિકામાં મોટાં મોટાં મંદિરો થયાં છે. ન્યૂજર્સીમાં આપની સંસ્થા દ્વારા ઘણા કાર્ય થયાં છે. આપ સૌનું સમર્પણ જોઈને ખૂબ આનંદ થાય છે. તમે બધા આ દેશના ખૂબ અગત્યના પાયારૂપ ભાગીદાર છો. પ્રમુખસ્વામી મહારાજ સૌને ખૂબ અદ્ભુત પ્રેરણા આપી રહ્યા છે. આપ સૌનો આભાર.' સ્વામીશ્રીએ તેમને આશીર્વાદ આપી સન્માન્યા.
અન્ય અતિથિવિશેષ અમેરિકા ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી રોનન સેને પોતાના પ્રવચનમાં કહ્યું, 'સ્વામીશ્રીના સાંનિધ્યમાં અને આપ સૌની ઉપસ્થિતિમાં _મને હાજર રહેવા મળ્યું તેને મારાં સદ્ભાગ્ય ગણું છું. બી.એ.પી.એસ. સંસ્થા સાથે હું સંકળાયેલો છું, એનું મને ગૌરવ છે. હું જ્યારે લંડન હતો ત્યારે મને ખબર પડી કે એ મંદિર ભારતની બહાર સૌથી મોટું મંદિર છે. પછી શિકાગો ગયો ત્યારે ખબર પડી કે હવે ભારતની બહાર આ મંદિર સૌથી મોટું છે. પણ હમણાં જ મને ખબર પડી કે એટલાન્ટામાં થયેલું મંદિર હવે સૌથી મોટું છે. બી.એ.પી.એસ. સંસ્થા પોતાના જ રેકોર્ડ બ્રેક કરી રહી છે. આ સંસ્થાએ આધ્યાત્મિકતાની સાથે પ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો છે, એ મને બહુ ગમે છે. અને એની દુનિયાને વધારે જરૂર છે. આપત્તિના વખતમાં આ સંસ્થા સમાજની સાથે રહી છે. યુવાનોમાં આધ્યાત્મિક શક્તિ જાગ્રત કરી છે. ફક્ત ભારતમાં જ નહીં, અમેરિકામાં ન્યૂઓર્લિયન્સમાં થયેલા વાવાઝોડામાં પણ અસરકારક રીતે અસરગ્રસ્ત લોકોને આ સંસ્થાએ મદદ કરી છે, એ અમેરિકામાં વસતા તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે. મને અને અહીં વસતા તમામ ભારતીયોને ભારતીય હોવાનું ગૌરવ ઉપજાવે એવા કાર્ય કરવા બદલ હું બી.એ.પી.એસ.નો અને પ્રમુખસ્વામી મહારાજનો આભાર માનું છું.' સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી તેઓ કૃતાર્થ થયા.
કૉંગ્રેસમૅન બોબ નેનન્દેઝે અતિથિ વિશેષ રૂપે પોતાની લાગણી પ્રદર્શિત કરતાં કહ્યું, 'જય સ્વામિનારાયણ. આજે ૮૬ વર્ષની ઉંમરે સ્વામીશ્રી જે સંદેશ આપે છે એ ખૂબ મહત્ત્વનો છે. ગવર્નર પધાર્યા, એ બતાવે છે કે આપનું કાર્ય કેટલું પ્રભાવક છે. આ ધર્મના અનુયાયીઓ અમારા સમાજ માટે પણ ખૂબ સામાજિક સેવા કરી રહ્યા છે. સતત ૧૦૦ વર્ષ સમાજ માટે સેવા કરવી એ ખૂબ મોટી વાત છે. તમે એવું કર્તવ્ય કરી બતાવ્યું છે કે દરેકને આદર થાય. અમેõ તમને યુ.એસ.એ. તરફથી આવકારીએ છીએ. હું માનું છું કે તમારા વિચારોમાંથી અમારા વિચારો પણ ઉન્નત થયા છે. ફક્ત ન્યૂજર્સી સ્ટેટ નહીં, પણ સમગ્ર દેશ માટે તમે જે સેવા કરી છે, એ બદલ હું આપનો આભાર માનું છુ _.' પ્રવચન બાદ તેઓએ સ્વામીશ્રીને સન્માનપત્ર અર્પણ કરી બિરદાવ્યા. સ્વામીશ્રીએ પણ તેઓને આશીર્વાદ પાઠવ્યા.
સેનેટર રોબર્ટ મેનેન્ડીઝે બી.એ.પી.એસ. શતાબ્દી ઉજવણી નિમિત્તે શુભેચ્છા અર્પતો સેનેટનો પ્રસ્તાવ પત્ર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કર્યો હતો, જેને તાળીઓના ગડગડાટથી વિરાટ જનમેદનીએ વધાવી લીધો હતો.
આજનો આ ઉત્સવ સ્વામીશ્રીની ભાવનાનો પડઘો પાડી રહ્યો હતો. બીજાના ભલામાં આપણું ભલું ને બીજાના આનંદમાં આપણો આનંદ. In the joy of other એ આ ઉત્સવનો મુખ્ય થીમ હતો. અને એ જ પ્રમાણે એની આજુ બાજુ ગૂંથાઈને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય મૂલ્યો તથા બી.એ.પી.એસ. સંસ્થાનો સંદેશો સૌને આપવામાં આવી રહ્યો હતો.
'બીજાના ભલામાં આપણું ભલુ છે' એ થીમના આધારે એક વીડિયો શૉ દ્વારા સંસ્થાનું કાર્ય રજૂ થયું. કાર્યક્રમની સાંકળરૂપે 'સ્વામિનારાયણ મહામંત્રના ડંકા વાગે દેશ-વિદેશ, શતાબ્દી આવી બી.એ.પી.એસ.' નૃત્યગીત રજૂ થયું. એડિસનના બાળકો-કિશોરોએ ખૂબ પુરુષાર્થ કરીને તૈયાર કરેલ આ નૃત્ય પછી બી.એ.પી.એસ. સંસ્થાના કાર્યની અન્ય એક વીડિયો રજૂ થઈ. આનંદસ્વરૂપ સ્વામીએ સમગ્ર બી.એ.પી.એસ.ના પ્રાણપુરુષ સ્વામીશ્રીનો અંગ્રેજીમાં પરિચય આપ્યો. બાળકો-યુવકોએ 'ધજા ફરકાવો' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું. એ દરમ્યાન ૨૨,૦૦૦ ધજાઓ આકાશમાં લહેરાઈ રહી. સંતો અને સ્વામીશ્રી પણ ધ્વજ લહેરાવી રહ્યા હતા.
ત્યારબાદ ઈશ્વરચરણ સ્વામીએ સૌને અમદાવાદમાં ડીસેમ્બર ઊજવાનાર મુખ્ય મહોત્સવમાં પધારવાનું આમંત્રણ આપ્યું. આત્મતૃપ્ત સ્વામીએ પ્રાર્થના રજૂ કરી.
અંતે સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું, 'આજે આ સભામાં આપ સર્વ પોતાનું કામકાજ, વ્યવસાય મૂકીને પધાર્યા છો એટલે ખૂબ ધન્યવાદ છે. આપણે બધા ભારતીય છીએ ને ભારતના સંસ્કારોનું કાયમ જતન કરવાનું છે. બાપદાદાની મિલ્કત સાચવીએ છીએ, એનો વધારે વિકાસ થાય એનો વિચાર હંમેશાં કરીએ છીએ. એમ આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિરૂપી સંપત્તિ પણ સાચવવાની છે. કોઈ પ્રકારનું વ્યસન ન કરવું. એ પણ એક સંપત્તિ છે. ધર્મના સંસ્કારોનું જતન જેને નથી તે માણસ આવા વ્યસનો કરે છે. આપણી આધ્યાત્મિક સંસ્કૃતિનું જેટલું આપણે જતન કરીશું એટલાં એ આપણનેõ સુખ અને શાંતિ આપશે. ભગવાનનો માર્ગ સાચો છે, ભગવાને આપેલા આદેશો સાચા છે, શાસ્ત્રોમાં કહેલી વાત સાચી છે. એમાં જ સર્વ પ્રકારે સુખશાંતિ છે અને એ માર્ગે ચાલવાથી જ આપણું જીવન ધન્ય બને છે ને આ લોકમાં ને પરલોકમાં શાંતિ પ્રાપ્ત થાય છે.
કોઈપણ મૂંઝવણ આવે તો ભગવાનને પ્રાર્થના કરવી. ભગવાનનું કર્તાપણું આપણે સમજીએ તો હરખશોક ન થાય. નહિતર હરખ-શોક થવાનો જ છે.
દેશને મૂકીને અહીં આવ્યા છો પણ આપણી સંસ્કૃતિ સાચવો. આપણે માંસને અડાય જ નહિ. દારૂ, સિગરેટ અડાય જ નહિ. લોકોને મારવાની આપણી સત્તા નથી. આપણે તો કોઈ જીવે એને જીવાડવાના છે. આજે માંસ ઉત્પન્ન ક્યાંથી થાય છે ? ઓછુ _ કંઈ ઝાડ પર થાય છે ? પશુઓને મારીને ખાઈએ એ માનવતા નથી.
જે દેશમાં જીવીએ એ દેશના કાયદાને માન આપવું, એની પ્રજા સાથે હળીમળીને રહેવું. સારો ઉદ્યમ કરી આ દેશનું પણ ભલું કરવું અને આપણા દેશનું પણ ભલું કરવું. આપણી ભાવના તો વિશ્વ આપણું કુટુંબની છે. જ્યાં વિકાસ થાય ત્યાં રાજી રહેવાનું પણ બીજાનો ઉત્કર્ષ જોઈને ઈર્ષ્યાભાવ રાખીએ તો આપણે દુઃખી થઈએ.
શ્રીજી મહારાજે લોકોને સદાચારી બનાવ્યા. એમનું સૂત્ર હતું સદાચારી બનવું ને વ્યસન મુક્ત સમાજ તૈયાર કરવો. સદાચારી એટલે સારું આચરણ કરો. ખોટું ક્યારેય ન થાય, કોઈને દુઃખી ન કરો ને જે મળે એનાથી સંતોષ માનો. સદાચાર ને વ્યસનમુક્તિ આ બે જીવનમાં આવશે ને ભગવાન સર્વ પ્રકારે કર્તા છે, જે કરે છે સારું છે એટલી ભાવના હશે તો સુખશાંતિ રહેશે. શ્રીજી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજે આ કાર્ય કર્યું છે. આ સંતોના આશીર્વાદ આપણા જીવનમાં ઊતરે અને સર્વ પ્રકારે સુખશાંતિ પ્રાપ્ત થાય એવું બળ મહારાજ સર્વને આપે, સર્વ સુખી થાય એ પ્રાર્થના.''
શતાબ્દી ઉજવણીનો સંપૂર્ણ કાર્યક્રમ અમેરિકા સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતો, હરિભક્તો, સ્વયંસેવકોની ભક્તિભરી કાર્યકુશળતા, શિસ્ત, દૃષ્ટિપૂર્વકનું આયોજન, શાંતિપ્રિયતા અને સંસ્કારિતાની ઝાંખી કરાવતો હતો. આ કાર્યક્રમને માણનારા ૨૨,૦૦૦ લોકોની વ્યવસ્થા પણ દાદ માગી લે તેવી કરવામાં આવી હતી. કોઈ ભારતીય કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય એવી આ એક વિરલ ઘટના હતી.
'સ્વામિનારાયણ મહામંત્રના ડંકા વાગે દેશ-વિદેશ, શતાબ્દી આવી બી.એ.પી.એસ.'નું ઉજવણી ગીત અને ચારેકોર હાથમાં લહેરાતા શતાબ્દી ઉજવણીના રંગીન ધ્વજોએ અનેરું વાતાવરણ સર્જી દીધું હતું. પરદેશમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની જીવંત પ્રતીતિ કરાવતો આ કાર્યક્રમ એક યાદગાર અનુભૂતિ બની રહેશે.
સંસ્કૃતિપુરુષ પ્રમુખસ્વામી મહારાજ અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની એક અનુપમ છબી હૃદયમાં સંગ્રહીને સૌ વિખેરાયા ત્યારે વાતાવરણમાં બી.એ.પી.એસ. શતાબ્દીના જયઘોષ ગૂંજી રહ્યા હતા.
|
|