|
ડલાસમાં પ્રમુખસ્વામી મહારાજ
તા. ૩૧ ઓગસ્ટથી ૪ સપ્ટેમ્બર સુધી સ્વામીશ્રીએ યુ.એસ.એ.ના ટેક્સાસ રાજ્યમાં ડલાસના હરિભક્તોને પોતાના દિવ્ય સાંનિધ્યનો લાભ આપ્યો હતો. ડલાસ એટલે સ્વામીશ્રીનું ગોકુળિયું સત્સંગ મંડળ. હાલનું મંદિર નાનું પડતાં નવી જમીન ખરીદીને ત્યાં મંદિર નિર્માણ થઈ રહ્યું છે. નિર્માણાધીન હરિમંદિર મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે સ્વામીશ્રી પધાર્યા હોઈ સ્વામીશ્રીનો લાભ લેવા સમગ્ર સાઉથ-વેસ્ટ રિજિયનના હજારો હરિભક્તો ઊમટ્યા હતા.
સ્વામીશ્રીમાં જોડાયેલાં આબાલ-વૃદ્ધ હરિભક્તોનું વર્તન અને સ્વામીશ્રી વિશેની ગુરુભક્તિ જોઈને અમેરિકન નાગરિકોને પણ વિશેષ ભાવ થયો. વિશેષ તો ૮૬ વર્ષના સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય, સ્ફૂર્તિ, કાંતિ અને ચુંબકીય વ્યક્તિત્વ જોઈને સૌને આશ્ચર્ય થતું. રોજ સવાર-સાંજ વિશાળ સભાખંડમાં કથાવાર્તાની હેલી વરસતી. વડીલ સંતોએ પાંચ દિવસ સુધી સૌને કથારસથી તરબોળ કરી દીધા. સ્વામીશ્રીના ત્રણેય સમયે અલ્પાહાર તેમજ ભોજન સમયે ડલાસ સત્સંગ કેન્દ્ર નીચે આવતા લ્યુબક, અંબ્રીલો, ઓક્લોહામા, લીટલ રોક તથા ડલાસના સત્સંગનાં બાળ-કિશોર-યુવકો પોતપોતાના કાર્યવિભાગનો અહેવાલ રજૂ કરતા. તેમજ સ્વામીશ્રી માટે વિશિષ્ટ તપ-વ્રત કરનાર હરિભક્તોનો પરિચય અપાતો.
|
|