Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

એટલાન્ટામાં પ્રમુખસ્વામી મહારાજ

તા. ૧૬થી ૨૬ સુધી સ્વામીશ્રીએ એટલાન્ટા (જ્યોર્જિયા)માં વિરાજીને સૌને બ્રહ્મભીનાં કર્યા હતા. અમેરિકા ખાતે ત્રીજું પંચશિખરીય ભવ્ય ગગનચુંબી મંદિર નિર્માણ કરીને સ્વામીશ્રીએ ભારતીય સંસ્કૃતિ અને અક્ષરપુરુષોત્તમ ઉપાસનાનો ડંકો દિગંતમાં વગાડ્યો છે. મૂર્તિ-પ્રાણપ્રતિષ્ઠા કરવા માટે પધારી રહેલા સ્વામીશ્રીના સ્વાગતમાં અહીંની કાઉન્ટીએ વિશેષ અતિથિ તરીકે સુવિધાઓ સાચવી હતી. આગમન તથા વિદાય વેળાએ સ્વામીશ્રીની મોટરકારની આગળપાછળ ૧૪ પોલીસ એસ્કોર્ટ તેમજ અન્ય વિવિધ સેવાઓ આપી હતી.
૧૦ દિવસના રોકાણ દરમ્યાન સાઉથ-ઈસ્ટ ક્ષેત્રનાં મંદિરો અગસ્ટા, શાર્લોટ, માયામી, ઓર્લાન્ડો, રાલે, ટેમ્પા, ચાટાનુંગા, બર્મિંગહામ, મેમફીસ, નેસવીલ, પેરી, સવાના તથા અન્ય સત્સંગ કેન્દ્રોના કાર્યકરો રોજ સ્વામીશ્રી સમક્ષ પોતાના મંડળનો અહેવાલ રજૂ કરતા તેમજ બાળકો, કિશોરો, યુવાનોના નિયમ-પાલન વિષયક વિશિષ્ટ રજૂઆતો થતી. જેમાં સ્વામીશ્રીએ તૈયાર કરેલી આજની નૂતન પેઢીનાં સૌએ દર્શન થતાં. સાઉથ-ઈસ્ટનાં કુલ ૧૭ સેન્ટરોમાં ૪૦થી વધુ બાળમંડળો ચાલે છે. પસંદ કરાયેલાં બાળકોએ વિવિધ મુખપાઠની અદ્‌ભુત પ્રસ્તુતિ કરી.
તા. ૨૦ ઓગસ્ટના રોજ સંસ્કૃતિ દિન ઊજવાયો હતો. જેમાં ભારતીય સંસ્કૃતિનાં શાશ્વત મૂલ્યોનું અદ્‌ભુત દિગ્દર્શન યુવકોએ કર્યું હતું. અન્ય મુખ્ય કાર્યક્રમોની આછી ઝલક...
સ્વામીશ્રીનું સન્માન કરતા મેયરશ્રી
તા. ૧૬ આૅગસ્ટના રોજ સ્વામીશ્રીના નિવાસસ્થાને આવીને લીલબર્નના મેયર જેક બોલ્ટન તેમજ ચીફ આૅફ પોલીસ જ્હોન ડેવિડસને સ્વામીશ્રીનું હાર્દિક અભિવાદન કર્યું હતું.
મેયરે કહ્યું : 'આ નગરમાં અમે આપનું સ્વાગત કરીએ છીએ. અહીં આપની સંસ્થાએ આટલું સુંદર મંદિર રચ્યું અને અહીં આપ સૌ વસ્યા એનાથી અમે ખૂબ ખુશ છીએ.'
સ્વામીશ્રીએ તેમના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું : 'આપના થકી અહીં વસતા પ્રજાજનોને ખૂબ લાભ થાય, શહેરને પણ શાંતિ થાય અને શહેરનો સારામાં સારો વિકાસ થાય એ આશીર્વાદ છે.' એ જ રીતે સ્વામીશ્રીએ ચીફ આૅફ પોલીસ જ્હોન ડેવિડસનને પણ આશીર્વાદ આપ્યા.
મેયરશ્રીએ સ્વામીશ્રીને 'કી ટુ ધ સિટી' અર્પણ કરી અને સાથે સાથે પ્રોક્લેમેશન - બહુમાનપત્ર અર્પણ કર્યું. આગામી આખો આૅગસ્ટ મહિનો તેઓએ 'બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિર મહોત્સવ માસ' તરીકે જાહેર કર્યો.
વિશાળ સંધ્યા સભામાં તેમણે પ્રવચનમાં કહ્યું: 'અમે ખૂબ આશ્ચર્યથી આ સુંદર મંદિરને જમીનમાંથી ઊભું થતું જોયું છે. આ મંદિરના માળખામાં ગૂંથાયેલાં કલા, નકશીકામ તેમજ સુંદરતા ઘણા પ્રેરણાદાયી છે. અમે બી.એ.પી.એસ.નાં ખંતીલા કાર્ય અને સમર્પણને બિરદાવીએ છીએ. જેના લીધે ફક્ત અઢાર મહિનામાં આ ભવ્ય મંદિર ખુલ્લું મુકાયું. આ દિવસની યાદગીરી રૂપે અમે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને અભિનંદન પરિપત્ર, લીલબર્ન શહેર વતી અર્પણ કર્યો અને બીજો અભિનંદન પત્ર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને અર્પણ કરીએ છીએ.' એમ કહી તેમણે પરિપત્રનું વાંચન કર્યું. પરિપત્રમાં લખ્યું હતું કે, 'બી.એ.પી.એસ. સંસ્થાએ ઉત્તર અમેરિકામાં ત્રણ હિંદુ મંદિરો નિર્માણ કર્યાં છે જે ફક્ત હિંદુઓ માટે ભક્તિ કરવાનું સ્થાન જ નહીં, પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પ્રતીક સમાન છે. જેમાંથી આપણે બધા કંઈ ને કંઈ શીખી શકીએ છીએ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા, બી.એ.પી.એસ.ના સેંકડો સ્વયં-સેવકોનું સમર્પણ, લીલબર્ન શહેરના નાગરિકોના ઉષ્માભર્યા સહકારથી મંદિર નિર્માણ થવાથી આ શહેર ગૌરવવંતું થયું છે. આ મંદિર શહેરની વિવિધતાના નકશામાં ઉમેરો કરશે, એટલું જ નહીં, પણ આ મંદિર ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરા લીલબર્ન શહેરના ઉંબરે લાવશે અને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સહિષ્ણુતાની સંવૃદ્ધિ કરશે.'
રક્ષાબંધન - ચંદ્રગ્રહણ
તા. ૨૮ આૅગસ્ટના રોજ સ્વામીશ્રીએ એટલાન્ટાના સંતો-ભક્તોને ચંદ્રગ્રહણ પર્વનો અદ્‌ભુત લાભ આપ્યો હતો. ધૂન, સંતકીર્તન, પ્રવચન, વીડિયો દર્શન, ક્વિઝ  વગેરે દ્વારા સૌએ આ સભાનો લાભ લીધો. આજે રક્ષાબંધન હોઈ ઠાકોરજી તથા સ્વામીશ્રીની પ્રસાદીભૂત રાખડી સંતોએ હરિભક્તોને બાંધી. અમુક ચુનંદા હરિભક્તોને સ્વામીશ્રીએ સામેથી રાખડી આપી. આજે છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં હરિભક્તો સ્વામીશ્રીનાં દર્શને બેઠા હતા. ખાસ કરીને મંદિરનિર્માણ માટે આવેલા ૧૩૧ કારીગરોને આજે સ્વામીશ્રીએ દર્શન લાભ આપ્યો.
આજે હૉટલ-મોટલ ઍસોસિયેશનના વિશાળ સમૂહના હોદ્દેદારો સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓએ સન્માનના ભાગરૂપે સ્વામીશ્રીને એવોર્ડ અર્પણ કર્યો. આ મેમ્બરોમાં એક ચર્ચના પાદરી પણ આવ્યા હતા. મંદિર જોતાં જ તેઓની ભાવના ખીલી ઊઠી. સ્વામીશ્રીને વાત કરતાં તેઓ કહે, 'મેં આપનાં દર્શન કર્યાં ને જાણે ભગવાનનાં દર્શન કરતો હોઉં એવો અનુભવ થયો. આપના મંદિરનાં દર્શન કર્યાં ત્યારે મેં ભગવાનના ઘરનો અનુભવ કર્યો. અને આપના ભક્તોનાં દર્શન કર્યાં એમાં ભગવાનના પુત્રોનાં દર્શન કરતો હોઉં એવું અનુભવાયું.'
સ્વામીશ્રી કહે, 'આપણે બધા ભગવાનનાં જ બાળકો છીએ. અમારે ત્યાં તો કહેવાયું છે કે, वयम्‌ अमृतस्य पुत्राः।
ભગવાનનાં બાળકો છીએ અને ભગવાનનું કાર્ય કરવાનું છે.'
સ્વયંસેવક સભા
તા. ૨૯ ઓગસ્ટે સાંજે સ્વયંસેવકોની વિશિષ્ટ સભામાં 'સેવા એ જ ભક્તિ' એ કેન્દ્રિય વિષય ઉપર સંતો તેમજ વડીલ સંતોનાં પ્રવચનો થયાં. મંદિરનિર્માણના સહયોગી સંતોએ સ્વામીશ્રીને નાડાછડીનો હાર પહેરાવ્યો. સ્વામીશ્રીની પ્રસાદીભૂત આ નાડાછડી સભાને અંતે અહીં બેઠેલા તમામ સ્વયંસેવક-સેવિકાઓને આપવામાં આવી હતી. અંતે સ્વામીશ્રીએ અમૃતવાણી વહાવી સૌને કૃતાર્થ કર્યા.
આજે આહોવાના પૂર્વ ચૅરમૅન ભરતભાઈ શાહને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. તેઓએ પોતાના પ્રવચનમાં ભાવના વ્યક્ત કરતાં કહ્યું, 'આપણે જે ભવ્ય પરંપરા અને શાસ્ત્રોને ફગાવી દીધાં હતાં એની અદ્‌ભુત જાળવણી પ્રમુખસ્વામીએ અહીં મંદિર બાંધીને કરી છે. પ્રમુખસ્વામી મહારાજે આટઆટલાં મંદિરો કર્યાં તેની સાથે સમાજની આપત્તિઓ પણ નિવારી છે. તેઓ પોતાની પાસે એક પણ કોડી રાખતા નથી. સમાજનું સમાજને પાછુ _ આપી દે છે. એનાથી મોટા દાનેશ્વરી કોણ હોઈ શકે? છેલ્લે એટલું જ કહીશ કે, હે ભગવાન!  જેમણે ધર્મનું રક્ષણ કર્યું છે, એમનું તું રક્ષણ કરજે.'
તા. ૩૦ના રોજ ડલાસ પધારતા સ્વામીશ્રીને સૌએ ભાવભીની વિદાય આપી. સ્વામીશ્રીની આગળ-પાછળ ૧૫ જેટલી એસ્કોર્ટની મોટરસાઇકલો, પોલીસની ગાડીઓ અને પાછળ 'સ્વોટ' ટીમ સ્કવોડ તહેનાતમાં હતી. સ્વામીશ્રીએ અહીં જે ચમત્કાર સર્જ્યો હતો અને સમગ્ર વિશ્વમાં જે કાર્ય કર્યું હતું તેના પ્રત્યે આદર પ્રગટ કરવા અહીંના અધિકારીઓ સ્વામીશ્રીને આવું વિશેષ ગૌરવ આપે છે. આજે પણ એ જ રીતે સ્વામીશ્રીને સન્માન આપવામાં આવ્યું. ઍરપૉર્ટ પર સૌ હરિભક્તો તથા પોલીસોનું અભિવાદન સ્વીકારીને સ્વામીશ્રી વિમાનમાં વિરાજ્યા. સંતવૃંદ સાથે આ ચાર્ટર્ડ વિમાનના સૌજન્યદાતા તરીકે ડૉ.નીલેશભાઈ (એટલાન્ટા) સાથે હતા.                               

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |