|
સાનહોઝેમાં નૂતન મંદિર સર્જતા પ્રમુખસ્વામી મહારાજ
કેલિફોર્નિયા રાજ્યનું સાનહોઝે એટલે સિલિકોન વેલી, અર્થાત્ ઇન્ફર્મેશન ટેક્નોલોજી ઉદ્યોગનું હાર્દ. સમગ્ર આધુનિક જગતના સંચાલનનું કેન્દ્ર. કમ્પ્યૂટર અને એના પ્રોગ્રામના નિર્માણ તથા સંશોધન કરતા ૩૦૦૦થી પણ વધારે ઉદ્યોગો અહીં છે. એટલે ભારતથી મોટી સંખ્યામાં ઊમટતા વિદ્યાર્થીઓને અહીં સત્સંગનો રંગ લાગ્યો છે. સત્સંગનો વ્યાપ જોઈ સ્વામીશ્રીએ અહીં મોટું મંદિર સ્થાપવા સંકલ્પ કર્યો અને ૧૦ એકરની વિશાળ ભૂમિ પ્રાપ્ત થઈ. સાનહોઝેનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ૧,૬૦,૦૦૦ સ્કવેર ફૂટનું બાંધકામ ધરાવે છે! આ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે સ્વામીશ્રીએ તા. ૩થી ૮ સપ્ટેમ્બર, સુધી સૌને ભક્તિનો અનેરો રંગ લગાડ્યો હતો. નિત્ય સંધ્યાસભા અને વિવિધ કાર્યક્રમોમાં સ્વામીશ્રી સમક્ષ થનગનતાં બાળકો-કિશોરો રોજ કંઈક ને કંઈક નૂતન રજૂઆત કરતા. ઘણા હરિભક્તોએ મંદિર નિમિત્તે તપ, વ્રતના નિયમો લીધા હતા. અહીંના ૧૧૦ જેટલાં મહિલા હરિભક્તો સ્વામીશ્રીના સ્વાસ્થ્ય માટે ૨૦૦પની સાલથી સાંકળ રચીને ઉપવાસ અને વિવિધ પ્રકારનાં વ્રત, તપ કરી રહ્યાં છે. સ્વામીશ્રીના અલ્પાહાર તેમજ બપોર અને સાંજના ભોજન દરમ્યાન જુદા જુદા વિભાગના હરિભક્તો, યુવકો, કાર્યકરો, ઝીણવટપૂર્વક અહેવાલ રજૂ કરતા, ત્યારે નિયમ-ધર્મયુક્ત બાળકો-કિશોરો વગેરે હરિભક્તોના પ્રસંગો સૌને અસ્મિતાથી છલકાવી દેતા અને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરતા. અહીં તેની એક ઝલક પ્રસ્તુત છે...
સ્વાગત સભા, કૃષ્ણ જન્મોત્સવ
સાનહોઝેમાં મિલપિટાસ ઉપનગરમાં નૂતન બી.એ.પી.એસ. મંદિરે સ્વામીશ્રી પધાર્યા ત્યારે હજારો હરિભક્તો સ્વામીશ્રીનાં પ્રથમ દર્શને ઝૂમી ઊઠ્યા, જયનાદો થયા.
જન્માષ્ટમીના પવિત્ર દિને, તા. ૪ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી સ્વાગત સભામાં બાળકો-કિશોરોએ નૃત્યાંજલિ અર્પી. સાનહોઝે તથા ફ્રેઝનો મહિલા મંડળે બનાવેલા માળા અને કંઠીના હાર આ સમગ્ર ક્ષેત્રવતી વડીલ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યા.
સ્વાગતસભાના અતિથિવિશેષ મિલપિટાસના મેયર ચક રીડે હૃદયોર્મિ પ્રકટ કરી કે 'તમે બધાએ જબરજસ્ત પુરુષાર્થ કરીને આટલા ટૂંકા ગાળામાં આટલું અદ્ભુત સર્જન કર્યું છે. તમારી સંસ્થાએ વિશ્વના લોકો માટે ઘણું કર્યું છે, એટલે આજના દિવસને 'બી.એ.પી.એસ. શતાબ્દી દિન' તરીકે હું જાહેર કરું છું.'
મેયરે સ્વામીશ્રીને સન્માનપત્ર અર્પણ કરીને સન્માન્યા. સાન્ટાક્લેરા કાઉન્ટીના સુપરવાઈઝર પીટ મેક્યૂએ બુલંદ અવાજે 'જય સ્વામિનારાયણ' કહીને પોતાની ભાવના પ્રવચનમાં વ્યક્ત કરીને સ્વામીશ્રીને 'ઓનરરી સિટીઝ નશિપ'નું સર્ટિફિકેટ અર્પણ કર્યું. સ્વામીશ્રીએ તે બંનેને આશીર્વાદ આપ્યા.
કોન્સલ જનરલ આૅફ ઇન્ડિયા શ્રી બી.એસ.પ્રકાશે પોતાની હૃદયોર્મિ વ્યક્ત કરીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના ઉપક્રમે યુવકોએ કૃષ્ણલીલાના પ્રસંગો ભજવ્યા. સ્વામીશ્રીએ આશીર્વાદના અંતે કૃષ્ણ-જન્મોત્સવની આરતી ઉતારી અને હરિકૃષ્ણ મહારાજને પારણે ઝુલાવ્યા. સંતોએ 'નંદ ઘેર આનંદ ભયો' તથા 'બાવા નંદ તણે દરબાર' વગેરેõ કીર્તનો ગાયાં. સ્વામીશ્રી, વડીલ સંતો તથા આજના મુખ્ય મહેમાનોએ હરિકૃષ્ણ મહારાજને પારણે ઝુલાવ્યા. આ ઉત્સવ પછી સૌને સ્વામીશ્રીએ સમીપદર્શન આપ્યાં
|
|