|
શતાબ્દી દિન
તા. ૬ સપ્ટેમ્બરે મંદિરના વિશાળ સભાગૃહમાં 'શતાબ્દી દિન' ઊજવાયો. હજારો હરિભક્તો 'શતાબ્દી આવી બી.એ.પી.એસ...'ના તાલે શતાબ્દીના ધ્વજ લહેરાવતા હતા. બાળકો અને કિશોરો સંસ્થા અને દેશ-વિદેશના ધ્વજ સાથે માર્ચિંગ કરતાં સ્વામીશ્રીને આવકારી રહ્યા.
વિવિધ કાર્યક્રમોની અવિરત શૃંખલામાં આનંદસ્વરૂપ સ્વામીના પ્રવચન પછી વડીલ સંતોએ સાનહોઝે યુવતી મંડળે બનાવેલી શાલ સ્વામીશ્રીને અર્પણ કરી. બાળકો, યુવકો અને કિશોરોએ 'મારા અંતરમાં ઉમંગ ન માય રે...' નૃત્ય રજૂ કર્યું.
આજના શતાબ્દી અવસરે અહીંના કૉંગ્રેસમેન મિ. એલર્ટ બેલ્ટ્રાન વગેરે ઉપસ્થિત હતા.
સાનહોઝે મંડળે બનાવેલો ૧૦૦ ફૂટનો હાર ૧૦૦ સમર્પિત કાર્યકરોએ સ્વામીશ્રીને અર્પણ કર્યો.
અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું, 'શતાબ્દી મહોત્સવનું મૂળ કારણ શાસ્ત્રીજી મહારાજ છે. તેમણે અક્ષરપુરુષોત્તમ વૈદિક ઉપાસનાની વાત આપી. વચનામૃત, હરિલીલામૃત, ભક્તચિંતામણિ બધા ગ્રંથોમાં અક્ષરપુરુષોત્તમની વાત લખી છે. તેમણે મંદિરો કરી અક્ષરપુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી એને સો વરસ થાય છે એટલે શતાબ્દી ઉત્સવ આપણે ઊજવીએ છીએ.
શાસ્ત્રીજી મહારાજને કોઈ જાતની અપેક્ષા નહોતી કે હું જગતમાં મોટો થાઉં ને મને હજારો લોકો માને. અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન દરેકને થાય, જીવોનું કલ્યાણ થાય એવી ભાવના હતી. એમની વાત વાત સાચી હતી તો આજે અમેરિકા સુધી એનું પ્રવર્તન થયું છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે સાચે દેવળે ઘંટ વાગે. આ અક્ષરપુરુષોત્તમની વાત સાચી છે તો દરેકને સમજાશે. ગીતામાં પણ અક્ષરપુરુષોત્તમની વાત છે.
યોગીજી મહારાજે બાળ-યુવકમંડળો સ્થાપ્યાં. નાનપણથી સારી વાત દૃઢ થઈ હોય તો દેશ-પરદેશ જાય તોપણ એના સંસ્કાર બગડે નહીં. એટલા માટે જોગી મહારાજે બાળકો, કિશોરો, યુવકો, બાલિકા-સત્સંગમંડળો સ્થાપ્યાં છે. તેમાં આજે મોટી સંખ્યામાં સૌ લાભ લે છે. મંદિરો થાય છે અને ભણેલાગણેલા સંતો થાય છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે આટલું બધું કાર્ય કર્યું છે એ લોકોના કલ્યાણ માટે છે.'
અંતે બાળકોએ 'શતાબ્દી આવી બી.એ.પી.એસ.' એ નૃત્ય કર્યું. સભામાં ચારે તરફ ધ્વજ લહેરાઈ રહ્યા હતા. વડીલ સંતો સહિત સ્વામીશ્રીએ પણ ધ્વજ લહેરાવીને વિશિષ્ટ સ્મૃતિ આપી.
|
|