|
મુંબઈમાં વસંતપંચમીના પર્વે ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજને સ્વામીશ્રીની ભાવાંજલિ
તા. ૧૧-૦૨-૦૮ના રોજ વસંતપંચમીના પાવન પર્વે મુંબઈવાસીઓને સ્વામીશ્રીનું દિવ્ય સાંનિધ્ય પ્રાપ્ત થયું હતું. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આજે હરિમંદિર આગળ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીકાળમાં શાસ્ત્રીજી મહારાજે અભ્યાસકાળ દરમ્યાન જે પુસ્તકો ઉપયોગમાં લીધાં હતાં એ પ્રાસાદિક પુસ્તકો અને તેમનું પ્રાસાદિક વસ્ત્ર પણ મૂર્તિ સમક્ષ એક બાજઠ ઉપર મૂકવામાં આવ્યાં હતાં. સ્વામીશ્રી જ્યારે મૂર્તિ સમક્ષ પધાર્યા ત્યારે સંતોએ શાસ્ત્રીજી મહારાજના દિવ્યગુણોના અષ્ટકનું ગાન કરી ભાવાંજલિ અર્પણ કરી. આ મંગલમય વાતાવરણમાં સ્વામીશ્રીએ શાસ્ત્રીજી મહારાજનું ચંદનની અર્ચા વડે પૂજન કરી ગુરુભક્તિ અદા કરી. ત્યાર બાદ કોઠારી સ્વામી અને વિવેકસાગર સ્વામીએ શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપ સમા સ્વામીશ્રીને હાર પહેરાવી વસંતપંચમીનાં વંદન કર્યાં.
પૂજા દરમ્યાન સંતોએ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનાં ભક્તિપદોનું ગાન કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી.
આજે વડોદરા ખાતે અટલાદરામાં પ્રતિવર્ષની જેમ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં વસંતપંચમીનો ઉત્સવ ઊજવાયો હતો. આ ઉત્સવમાં પધારેલા હરિભક્તોને સંબોધતાં સ્વામીશ્રીએ વીડિયો આશીર્વાદમાં જણાવ્યું હતું કે ''આજે વસંતપંચમીનો દિવસ છે. અટલાદરામાં આ ઉત્સવ દર વરસે થાય છે. આ વર્ષે તબિયતના હિસાબે ત્યાં આવી શકાયું નથી, એટલે ત્યાં બધા રાજી રહેજો. આવવાનું તો મન હતું, પણ ડૉક્ટરોની સલાહ છે એટલે આવી શકાયું નથી, પણ દર વરસે મહારાજની ઇચ્છાથી ત્યાં સમૈયો સારી રીતે થાય છે ને બહુ સારો થશે.
શાસ્ત્રીજી મહારાજ ત્યાં મંદિરનું કામ ચાલતું ત્યારે પાયાના કામમાં જાતે ઊભા રહેતા. ત્યાં મજૂરોની અછત રહેતી એટલે હરિભક્તો સેવામાં આવતા ને મંદિર થયું. તે વખતે અટલાદરા વડોદરાથી બહુ દૂર ગણાતું એટલે માણસોને આવવામાં જરા બીક રહેતી. છતાં શાસ્ત્રીજી મહારાજે અટલાદરા પસંદ કર્યું. કેટલાકને એમ કે ગામડામાં શું મંદિર કરવું? વડોદરા કરીએ તો લોકો લાભ લે ને સત્સંગ વધે. પણ શાસ્ત્રીજી મહારાજ કહે કે વડોદરું અટલાદરા આવશે, એટલે અહીં જમીનોના ભાવ વધશે ને લોકો પણ વસવાટ કરશે, સારો વિકાસ થશે. આજે આપણે જોઈએ છીએ કે વડોદરાની સરહદો વધી ગઈ અને છેક અટલાદરાથી આગળ જતી રહી છે. એટલે શાસ્ત્રીજી મહારાજ તે વખતે બોલ્યા એની પ્રતીતિ થાય છે.
અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવ્યું છે. આ વાત જો આપણને સમજાઈ જાય તો થોડામાં આપણું કામ થઈ જાય. આવો મનુષ્યદેહ, આવા શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ જેવા પુરુષ મળ્યા, અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન મળ્યું, હવે આળસ-પ્રમાદ રાખીએ તો રહી જાય. એટલે દરરોજ વાચન, કથાવાર્તા, આજ્ઞા-ઉપાસના રાખવાના, તો અનુસંધાન રહે. અનુસંધાન રાખવાનું કે આપણે ભગવાન અને સંતને રાજી કરવા આવ્યા છીએ, તો એ અવસર સાચવી લેવો તો બેડો પાર થઈ જાય.
વસંતપંચમીના ઉત્સવ પર અટલાદરામાં બધા પધાર્યા છે તો એ બધાને આશીર્વાદ છે. અને મહારાજ-સ્વામી થકી બધાને એકાંતિક ધર્મ સિદ્ધ થાય, બધાને ભક્તિની દૃઢતા થાય ને તન, મન, ધનથી મહારાજ સૌને સુખી રાખે એ જ પ્રાર્થના.''
આમ, મુંબઈમાં વિશ્રામ દરમ્યાન પણ સ્વામીશ્રીએ ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજનાં ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી, ગુરુભક્તિ અદા કરી.
|
|