Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

મુંબઈથી ભાવભીની વિદાય

મુંબઈમાં વિશ્રામ કરી રહેલા સ્વામીશ્રી આજે લગભગ અઢી મહિના બાદ પ્રથમ વાર જ જાહેરસભામાં પધારવાના હતા.  છેલ્લા અઢી મહિનાથી અહીં એક પણ જાહેર કાર્યક્રમ યોજાયો ન હોવાથી આજે પ્રાણપ્યારા ગુરુહરિનાં દર્શન કરવા મુંબઈનાં દૂર દૂરનાં પરાંઓમાંથી બપોરના દોઢ વાગ્યાથી હજારોની સંખ્યામાં હરિભક્તો અહીં આવી પહોંચ્યા હતા. સૌનો ઉત્સાહ અનન્ય હતો. સભામંડપમાં સ્થાન મેળવવા માટે રવિસભાના નિયત સમય કરતાં ત્રણ કલાક પહેલાં લાંબી કતારમાં શિસ્તબદ્ધ ઊભેલા હજારો હરિભક્તોમાં સ્વામીશ્રી પ્રત્યેની વિશિષ્ટ ગુરુભક્તિનું દર્શન થતું હતું. આજની આ રવિસભા સ્વામીશ્રીની વિદાયની વિશિષ્ટ સભા બની રહી.
સ્વામીશ્રી જ્યારે સભામંડપમાં પધાર્યા ત્યારે જયદીપ સ્વાદિયા અને ગાયકવૃંદ 'સ્વામી તમે જીવો વરસ હજાર'નું ગાન કરીને સૌનાં અંતરની ભાવનાનું પ્રતિબિંબ પાડી રહ્યા હતા. સ્વામીશ્રી જ્યારે મંચ ઉપર પ્રવેશ્યા ત્યારે અહીં બેઠેલા હજારો ભક્તોએ જયનાદો અને તાળીઓના ગડગડાટથી સ્વામીશ્રીને વધાવી લીધા. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી આસન પર બિરાજ્યા. કોઠારી સ્વામી, વિવેકસાગર સ્વામી તથા અભયસ્વરૂપ સ્વામીએ સમગ્ર મુંબઈ સત્સંગમંડળ વતી સ્વામીશ્રીનાં કરકમળોમાં હાર અર્પણ કરી સ્વામીશ્રીને સત્કાર્યા. આજની આ વિશિષ્ટ સભામાં સ્વામીશ્રીના સ્વાસ્થ્ય માટે સુંદર માર્ગદર્શન આપનાર ડૉ.એ. બી. મહેતા, ડૉ.હાંડા, ડૉ.કે. એન. પટેલ, ડૉ.કિરણ દોશી તથા યોગીચરણ સ્વામીને કોઠારી સ્વામીએ પુષ્પહારથી સન્માન્યા. અતિથિવિશેષ તરીકે મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ દળના વડા શ્રી બર્વે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ત્યાર બાદ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું: ''ભગવાનના ભજનમાં જે વિઘ્ન કરે એ માયા છે. સારું કાર્ય કરતા હોઈએ એમાં જે વિઘ્ન કરે એ માયા છે. માયા જ દરેકને જન્મમરણનું કારણ બને છે. આ માયાએ દેવતાઓ, ૠષિઓ બધાને આવરી લીધા છે, બધાને નડી છે. સારંગપુરમાં ફૂલદોલ પછી ભક્તોએ શ્રીજીમહારાજને કહ્યું કે એવી માયા અમને નડે નહીં એવું વરદાન આપો. ત્યારે મહારાજે કહ્યું કે તમારો આવો ભાવ છે તો મને નિર્દોષ સમજીને મારી ભક્તિ ને આશરો દૃઢ રાખશો તો માયા તમને નડશે નહીં.
ગીતામાં પણ કહ્યું છે કે માયાથી બચવું હોય, પાર થવું હોય, તો ભગવાનનો આશરો કરો, ભક્તિ કરો તો એનાથી માયાને પાર થઈ શકશો. શ્રીજીમહારાજે પણ કહ્યું છે કે ભગવાનને વિષે દૃઢ નિષ્ઠા કરવાથી માયા પાર થવાય છે. હંમેશને માટે આ વિચાર રાખીને એમનું ભજન કરતા રહીએ, તો આપણામાંથી પણ ધીરે ધીરે માયા ટળે. જેમ સૂર્ય ઊગે એમ અંધારું ટળે, એમ જેમ જેમ સમાગમ કરતા જઈએ તેમ તેમ આપણામાં જ્ઞાનનો પ્રકાશ વધે, અંધકાર જાય છે અને શાંતિ થાય છે. સત્સંગ કરતાં કરતાં મોહ, મમતા ટળી જાય છે ને સર્વ પ્રકારે સુખિયા થવાય છે.
'બિનુ સત્સંગ હરિકથા, તા બિન મોહ ન જાય; મોહ ગયે બિન હોવત નહીં, રામપદ અનુરાગ.'
સત્સંગ કરો તો જ મોહ ને આસક્તિ જાય. સત્સંગ એટલે સત્પુરુષ, જેને આત્મા-પરમાત્માનું જ્ઞાન દૃઢ છે એ. ભગવાન સર્વ પ્રકારે એના દ્વારા કાર્ય કરે છે. એનો સત્સંગ કરો તો મોહ જાય. યોગીજી મહારાજ કહેતા, 'મોહનો ક્ષય એટલે મોક્ષ.' 'મારુંતારું' છૂટી જાય એટલે આપણો મોક્ષ થઈ જાય છે. ભગવાનના ધામને પમાય છે.''
સ્વામીશ્રીના મુંબઈ નિવાસ દરમ્યાન મુંબઈના આબાલવૃદ્ધ ભક્તોએ અનન્ય શિસ્ત દાખવીને સ્વામીશ્રીને સહેજ પણ ભીડો ન પડે તેની તકેદારીપૂર્વક ગુરુભક્તિ દર્શાવી હતી. સ્વામીશ્રીએ સૌ હરિભક્તો પર પ્રસન્ન થઈ ખૂબ આશીર્વાદ વરસાવ્યા હતા.
આશીર્વાદની સમાપ્તિ બાદ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવનચરિત્રની આૅડિયો સી.ડી.નું તેમજ કંપાલા અને દારેસલામના સ્વામીશ્રીના વિચરણની ડી.વી.ડી.નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું. સભાના અંતમાં સૌ સમૂહઆરતીમાં જોડાયા. 
આમ, મુંબઈમાં સતત ૭૨ દિવસના વિશ્રામ બાદ તા. ૧૩-૩-૨૦૦૮ના રોજ હવાઈ માર્ગે સ્વામીશ્રીએ ભાવનગર જવા વિદાય લીધી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |