|
ભાવનગરમાં પ્રમુખસ્વામી મહારાજ
તા. ૧૩-૩-૨૦૦૮ થી તા. ૧૭-૩-૨૦૦૮ સુધી ભાવનગરમાં બિરાજીને સ્વામીશ્રીએ સંતો-હરિભક્તોને સત્સંગનું દિવ્ય સુખ આપ્યું હતું. તા. ૧૩-૩-૨૦૦૮ના રોજ જ્યારે સ્વામીશ્રી મુંબઈથી ભાવનગર પધાર્યા ત્યારે હવાઈ મથકે તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓનાં દર્શનના તરસ્યા હજારો હરિભક્તો-ભાવિકો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં ઊમટી પડ્યા હતા. બી.એ.પી.એસ. મંદિરના કોઠારી સોમપ્રકાશ સ્વામીએ સમગ્ર ભાવનગર સત્સંગમંડળ વતી સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને વધાવ્યા. સ્વામીશ્રીના શુભ આગમન નિમિત્તે તથા દીર્ઘાયુની શુભકામના સાથે ભાવનગર મંડળના બાળકો-બાલિકાઓ, બાળકાર્યકરો, કિશોર-કિશોરીઓએ વિવિધ વ્રત-તપની સાંકળ રચીને ગુરુભક્તિ અદા કરી હતી. સ્વામીશ્રીના શુભ આગમન નિમિત્તે તથા દીર્ઘાયુની શુભકામના સાથે ભાવનગર બાળ-બાલિકા મંડળનાં ૧૦૦ બાળકો-બાળકાર્યકરો તથા ૪૭ બાલિકાઓએ પ્રવાહી પર રહીને ૮૮ કલાકના ઉપવાસ કર્યા હતા. ૫૫ કિશોરીઓએ ૧૦૦ કલાકના સજળ ઉપવાસ કર્યા હતા. આ ઉપરાંત ૧૦૦ કલાકના નિર્જળ ઉપવાસ કરનાર યુવતીઓ પણ હતી. મહિલા મંડળે સ્વામીશ્રીના ૮૭ વર્ષના દિવસના અનુસંધાને ૩૧,૭૫૫ માળાનો મંત્રજાપ કર્યો હતો. સાથે ૮૮૮૭ જનમંગલ નામાવલી પાઠપણ કર્યા હતા.
ભાવનગરમાં નિત્ય પ્રાતઃકાળે સ્વામીશ્રીની પ્રાતઃપૂજાના દર્શને હજારો હરિભક્તોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું. નિત્ય યોજાતી સંધ્યા સત્સંગસભામાં વિવેકસાગર સ્વામીના મુખેથી ભક્તચિંતામણી પારાયણનો લાભ પ્રાપ્ત થયો હતો.
તા. ૧૬-૦૩-૨૦૦૮ના રોજ સ્વામીશ્રીએ રવિ સત્સંગસભામાં પધારી હજારો હરિભક્તો-ભાવિકોને વિશેષ સ્મૃતિ આપી હતી. સ્વામીશ્રીના નિવાસસ્થાન 'સર્વસ્વ'ની પ્રદક્ષિણામાં જ ગોઠવાયેલી સભામાં સુંદર શણગારોથી મંચ શોભી રહ્યો હતો. વિવેકસાગર સ્વામીએ પારાયણ પૂર્ણાહૂતિ કર્યા બાદ સમગ્ર સત્સંગ મંડળ વતી સંતો તથા અગ્રણી હરિભક્તોએ મહિલા મંડળે ૧૦૦ ફૂટના હીરના ૧૦૦ તાંતણા વડે ગૂંથેલો હાર સ્વામીશ્રીને અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. ત્યારબાદ બાળકો, કિશોરો તથા યુવકોએ અમ જીવનની મંજિલના હમરાહી....' ગીતના આધારે ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીનાં ચરણોમાં ભાવાંજલિઅર્પણ કરી.
આજની રવિ સત્સંગસભામાં કલેક્ટર શ્રી પ્રદીપભાઈ શાહ સ્વામીશ્રીની દર્શન-મુલાકાતે પધાર્યા હતા. સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી તેઓએ ધન્યતા અનુભવી. સભાના અંતમાં સૌ પર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : ‘भक्त्या तुष्यति केवलं न तु गुणैः भक्तिप्रियो माघवः॥ ભગવાનને ભક્તિ બહુ પ્રિય છે. ભક્તિ અને મહિમા સહિત ભગવાનનાં દર્શન કરીએ, માળા કરીએ, સત્સંગ કરીએ એટલું આપણું અજ્ઞાન જાય. 'બિનુ સત્સંગ હરિકથા, તા બિન મોહ ન જાય; મોહ ગયે બિન હોવત, ન રામપદ અનુરાગ.'
સત્સંગ જેને નથી એને દુનિયામાં હરવું-ફરવું મોજમજા કરવી એ સિવાય બીજો લાભ નથી. પણ આવા ભગવાનના સંતો, જે એકાંતિક છે, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જે સંત સાક્ષાત્ બ્રહ્મની મૂર્તિ છે, જેને આ જગતના કોઈ પદાર્થની ઇચ્છા જ નથી, કોઈપ્રકારની પોતાની મહત્તાની ઇચ્છા નથી. માન-મોટપ મળે, મોટા ઈલકાબ મળે, લોકો બહુ માને એવી ઇચ્છા જ નથી, જેને આ દુનિયાનાં સુખની જરાય અપેક્ષા નથી, ભગવાનનાં સુખ સિવાય કોઈ અપેક્ષા નથી, જે શ્રોત્રિય ને બ્રહ્મનિષ્ઠ છે એવા જે સંતો છે એ સંતોના સમાગમથી, દર્શનથી આપણું કામ થાય છે.'
પાંચ દિવસ સુધી ભાવનગરમાં અમૃતલાભ આપીને તા. ૧૮-૩-૨૦૦૮ના રોજ સ્વામીશ્રી ભાવનગરથી સારંગપુર ખાતે પુષ્પદોલોત્સવમાં પધાર્યા હતા.
|
|