|
સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં સારંગપુરમાં ઊજવાયો ભગવાન સ્વામિનારાયણનો ૨૨૮મો પ્રાકટ્યોત્સવ
ભગવાન સ્વામિનારાયણનો ૨૨૮મો પ્રાગટ્યોત્સવ સારંગપુર તીર્થધામમાં તા. ૧૪-૦૪-૦૮ના રોજ ધામધૂમપૂર્વક ઊજવાઈ ગયો. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ઊજવાયેલ આ ઉત્સવમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી.
'શ્રીહરિ પ્રાગટ્યોત્સવ પર્વ'નો આરંભ મંગળા આરતી પછી તુરંત થઈ ગયો હતો. અમદાવાદથી યુવા ઓચ્છવ મંડળે આવીને મંદિર ઉપર ઠાકોરજી સમક્ષ ઝાંઝ-પખાજ ને ભૂંગળ વગાડીને ઓચ્છવ કર્યો હતો. સવારે ૭ વાગ્યાથી સભામંડપમાં આયોજિત પ્રાતઃસભામાં નારાયણમુનિ સ્વામીએ શ્રીહરિના વિવિધ મુદ્રાકર્ષણ વિષે પ્રવચન કર્યું હતું.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં સંગીતજ્ઞ સંતોએ શ્રીહરિ પ્રાગટ્યોત્સવનાં પદો ગાયાં. પ્રાતઃપૂજા પછી પણ સભા ચાલુ રહી. જેમાં વિદ્યાર્થી સંતોએ હિન્દી, મરાઠી, અંગ્રેજી, બંગાળી, ગુજરાતી વગેરે ભાષામાં શ્રીહરિનાં વિવિધ જીવન પાસાંઓને વણી લેતાં પ્રવચનો 'જનમંગલ નામાવલિ'નો આધાર લઈને કર્યાં હતાં. સંસ્કૃત પ્રાધ્યાપક શ્રીગજેન્દ્ર પંડાએ સંસ્કૃતમાં પ્રવચન કરી ભગવાન સ્વામિનારાયણને ભાવાંજલિ અર્પી.
બપોરે ૧૨થી ૧ દરમ્યાન મંદિર ઉપર રામજન્મોત્સવ ઊજવાયો. સંતોએ પારણામાં ભગવાન રામચંદ્રને પધરાવીને આરતી ઉતારી હતી. રામમહિમાનાં પદો ગાઈ ભગવાન શ્રીરામને ભાવાંજલિ અર્પી હતી.
૧ થી ૫ વાગ્યા દરમ્યાન સભામંડપમાં શ્રીહરિ પ્રાગટ્યોત્સવનું દ્વિતીય પર્વ ચાલુ થયું. જેમાં ક્વિઝ, અંતાક્ષરી, પ્રસંગવર્ણન, સંગીત-સરગમ ક્વિઝ વગેરે દ્વારા સૌએ શ્રીહરિનાં વિવિધ ગુણોનું અમૃતપાન કર્યું હતું.
સંધ્યાઆરતી બાદ તુરંત શ્રીહરિજન્મોત્સવની મુખ્ય સભા પ્રારંભાઈ. સંતો-ભક્તોના સામૂહિક પુરુષાર્થથી મંદિરના થડમાં અગ્નિ-દક્ષિણ દિશા અભિમુખ ઉત્સવ મંચ તૈયાર થયો હતો. પહેલી જ વખત સારંગપુર મંદિર પાર્શ્વભૂમાં આવે એ રીતે આ મંચ ગોઠવવામાં આવ્યો હતો. હવેલી નીકળી ગઈ હોવાથી પાવરહાઉસ અને સ્મૃતિમંદિર વચ્ચેના ખૂલ્લા ચોગાનમાં પાર્શ્વભૂમાં ઝ ળાહળા મંદિર શોભી રહ્યું હતું અને મંદિરની બરાબર નીચે જ્યાં પહેલા બોરસલીનું વૃક્ષ હતું એ જગ્યાએ મંચ બાંધવામાં આવ્યો હતો. દિવ્ય અવકાશમાં મેઘરાજીનું દૃશ્ય ખડું કરાયું હતું - વાદળાંઓની વચ્ચે આખો મંચ જાણે હવામાં તરતો હોય તેવું લાગતું હતું! ધૂન-પ્રાર્થના-કીર્તન બાદ ઘનશ્યામચરણ સ્વામીએ 'શ્રીહરિની અહૈતુકી કૃપા' વિષયક તેમજ સિદ્ધેશ્વર સ્વામીએ 'શ્રીહરિનું સર્વોપરીપણું' એ વિષયક પ્રવચનો કર્યાં.
મંચની મધ્યમાં સ્વામીશ્રીનું કાષ્ઠનું કોતરણીયુક્ત આસન રાખવામાં આવ્યું હતું. સાક્ષાત્ અક્ષરધામમાં દિવ્ય સભાપતિરાય વિરાજમાન હોય એ રીતે શ્રીહરિને અદ્ભુત શણગાર સજવામાં આવ્યા હતા. પાર્શ્વભૂમાં અક્ષરધામમાં હોય એવા હીરા, રત્ન અને સુવર્ણ જડિત કોતરણીયુક્ત સ્તંભપંક્તિ અર્ધ વર્તુળાકારે વિસ્તરીને સુંદર મનોરમ દર્શન ખડું કરી રહી હતી અને એ સ્તંભપંક્તિની ઉપર અક્ષરદેરીનું વિમાન જાણે હમણાં જ ઊતર્યું ન હોય એ રીતે પાંખો ફફડાવીને સ્થિર થયું હતું. જેમાં રહ્યા રહ્યા ભગવાન સ્વામિનારાયણ પ્રસન્નવદને સૌ ઉપર અમીદૃષ્ટિ કરી રહ્યા હતા. શ્રીજીમહારાજના ચરણોમાં એમનાં ચરણારવિંદ સમા ગુણાતીત સંત પરમપૂજ્ય સ્વામીશ્રી દર્શનદાન દઈ રહ્યા હતા. વાદળોની વચ્ચે વિહરતા હોય એવા રાજદરબારની યાદ અપાવે એવા દૃશ્યની દિવ્યતા સૌ માણી રહ્યા હતા. સૌને સારી રીતે દર્શન થાય એ માટે બે વીડીયો પ્રોજેક્શન સ્ક્રીનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
'પ્રેમવતી સુત જાયો અનુપમ' એ કીર્તનગાન પછી વિવેકસાગર સ્વામીએ મહારાજની પ્રકટ રહેવાની કૃપા ઉપર વિશેષ પ્રકાશ પાથર્યો.
શ્રીહરિજયંતી પર્વે આજે વિવિધ મંડળોએ ભક્તિભાવથી હાર, શાલ વગેરે તૈયાર કર્યાં હતાં, જે વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યાં.
આજના પવિત્ર દિવસે હરિચરિત્રામૃત સાગરના હસ્તલિખિત ખરડામાંથી ઉપદેશો તારવીને અક્ષરજીવન સ્વામીએ 'પુરુષોત્તમ બોલ્યા પ્રીતે' નામક પુસ્તકનું અનુવાદ-સંપાદનકાર્યકર્યું હતું એ પુસ્તકનું વિમોચન તેઓએ સ્વામીશ્રીના હસ્તે કરાવ્યું. એ જ રીતે ૧૯૭૫થી ૧૯૮૧ સુધીની કીર્તન-આરાધનાઓની MP3નું ઉદ્ઘાટન અક્ષરેશ સ્વામીએ તથા 'ભગવાન સ્વામિનારાયણ' ફિલ્મની ડીવીડીનું ઉદ્ઘાટન ઘનશ્યામપ્રિય સ્વામીએકરાવ્યું. આજના પવિત્ર પ્રસંગે સ્વામીશ્રીના શતાબ્દી જન્મોત્સવની ભાવાંજલિ રૂપે શાસ્ત્રીય અભ્યાસ કરતા સંતો અખંડદર્શન સ્વામી, જ્ઞાનવર્ધન સ્વામી તથા પરમવિવેક સ્વામીએ ૧૦૧ શ્લોકો બનાવીને 'સારંગસ્તુતિ'ની રચના કરી હતી, એનું ઉદ્ઘાટન પણ સ્વામીશ્રીએ કર્યું અને સૌ સંતોને આશીર્વાદ આપ્યા. આજે બ્રહ્મપ્રકાશ સ્વામી લિખિત સંવાદ 'સત્સંગી સગરામ' ઉત્સવના મંચ પર ભજવવા અમદાવાદ યુવક મંડળ સાજ-સમાજ સાથે આવી પહોંચ્યું હતું. અર્ધો કલાકનો આ સંવાદ શ્રીજીમહારાજના લોકોત્તર કાર્યની ઝાંખી કરાવી ગયો.
અંતમાં સ્વામીશ્રીએ અમૃતવાણી વરસાવતાં કહ્યું: 'આજે રામનવમી ઉત્સવ છે. ભગવાન સ્વામિનારાયણનો પણ આજે પ્રાકટ્યદિન. ભગવાન રામે આવીને દિવ્ય કાર્યકરેલું છે. એમની કુટુંબભાવનાઓ, વચનપાલન કે પિતાનો આદેશ શિરોમાન્ય કરવો, આજ્ઞાથી વનવાસ જતું રહેવું, ભરતને ગાદી મળે તોપણ ગાદી સ્વીકારતા નથી વગેરે સદ્ગુણોને લીધે લોકોને એમના પ્રત્યે હેત થયું ને સૌએ એમનું ભજન કર્યું. આજના જમાનામાં કુટુંબભાવનાઓ છિન્નભિન્ન થઈ છે, સામાજિક ભાવનાઓ પણ છિન્નભિન્ન થઈગઈ છે, કારણ કે માણસમાં ભગવાનના આદેશો, નિયમો ને સિદ્ધાંતો દૃઢ નથી થતા. રામને વનવાસ મળ્યો એમાં એમનો કોઈ દોષ નહોતો. સવારે ગાદી પર બેસવાનો સમારંભ તૈયાર હતો, પણ દશરથનાં પત્ની કૈકયીએ મંથરા દાસીના કહેવાથી વરદાન માગ્યું. કુસંગ કેવી રીતે અસર કરે છે! એટલે ભગવાન સ્વામિનારાયણે કહ્યું, 'ક્યારેય કુસંગ કરવો નહીં.' કુસંગી સહેજ જ વાત નાખી દે. દશરથે બહુ દુઃખ સાથે રામને કહ્યું, પણ રામને જરાય માઠું લાગ્યું નહીં. આજનો છોકરો વિલાયતથી ભણીગણીને આવ્યો હોય, અપ ટુ ડેટ થઈને આવ્યો હોય એટલે એના બાપને કહે, 'નોનસેન્સ ! તમે સમજતા નથી.' આ જમાનામાં બાપને છોકરા આવું કહેતા થઈ ગયા છે. રામના જીવનમાં કેટલો વિનય, વિવેક, નમ્રતા, પ્રજા તરફનો પ્રેમ! લક્ષ્મણ કે સીતાજીને વનવાસનો આદેશ ન'તો, પણ 'મારા પતિ દુઃખ ભોગવે તો એના દુઃખે દુઃખી ને સુખે સુખી' એમ વિચારીને સીતાજી રામની સાથે વનમાં ગયાં. પણ આજના જમાનામાં આવું થઈશકે નહીં. આ તો પતિવ્રતાના ધર્મની વાત છે. આમ, રામરાજ્યમાં પ્રજામાં પણ કોઈ દુઃખી નહીં. સૌ કહે છે કે રામરાજ આવે, પણ આપણા દોષો, સ્વભાવો, પ્રકૃતિઓ ટળે તો રામરાજ આવે. કેટલાક પહેલા બોલતા કે 'સત્યુગ આયેગા.' એમ તે કંઈ સત્યુગ આવતો હશે? કળિયુગના તો ચાર લાખ ને બત્રીસ હજાર વર્ષ છે, એમાંથી પાંચ હજાર વર્ષ ગયાં છે. એટલે એમ કંઈ સત્યુગ આવી જાય નહીં, પણ મહારાજે કહ્યું કે 'નિયમધર્મ, આજ્ઞા-ઉપાસના હોય ને સારું જીવન જીવે તો એને સુખ પ્રાપ્ત થાય', બાકી કંઈ સત્યુગ આવતો નથી. ભગવાન શ્રીજીમહારાજ આવ્યા ને કળિયુગમાં સત્યુગ સ્થાપ્યો.
અત્યારે આપણે સંવાદ જોયો. કેટલો સરસ હતો! સગરામ વાઘરીને શ્રીજીમહારાજે સત્સંગી બનાવ્યા. કથીરનાં કુંદન કર્યાં. કેટલીય અભણ અને નિમ્ïન જ્ઞાતિઓને પણ જ્ઞાની બનાવી મહારાજે સમાજને સુખી કર્યો છે.
ભગવાન પૃથ્વી પર શા માટે આવે છે, એ સત્સંગ કરતા હોય, ગ્રંથોનું વાચન કરતા હોય તેને ખ્યાલ આવે. જીવોનું કલ્યાણથાય ને પોતાના અનન્ય ભક્તોના મનોરથો પૂર્ણ કરવા માટે જ ભગવાન પૃથ્વી પર આવે છે. દાદાખાચર, પર્વતભાઈ, ઝીણાભાઈ બધાના ઘણા સંકલ્પ પૂરા કર્યા. ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે બધાના કેટલાય સંકલ્પો પૂરા કર્યા. ભક્તોના ભાવ પૂરા કરે તો આત્મબુદ્ધિ થાય, હેત થાય ને એકાંતિક ધર્મસિદ્ધ કરાવે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આ ચારેય ગુણહોય એ એકાંતિક કહેવાય, તો એ એકાંતિક ધર્મ આપણા જીવનમાં દૃઢ થાય, બધા સુખિયા થાય, ભગવાનના સુખને પામી શકીએ એવી બળ, બુદ્ધિ, શક્તિ આપે એવી આજના દિવસે શ્રીજીમહારાજને પ્રાર્થના.'
સાત-આઠ મિનિટ સ્વામીશ્રીએ આશીર્વચનો કહ્યાં, પરંતુ ઉપવાસની અસર અવાજ ઉપર હતી. કંઠમાં શોષ પડતો હોય એ રીતે થોડોક ક્ષીણ થયેલો અવાજ હતો. વચ્ચે જળ આપવામાં આવ્યું. પાણી પીધા પછી અવાજ થોડો સુધર્યો, પરંતુ અવાજમાં શિથિલતા અને કંપન અનુભવાતાં હતાં. છતાં સ્વામીશ્રીએ શ્રીહરિના ગુણાનુવાદ ગાયા. સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બાદ સ્વામીશ્રી સહિત સૌએ સમૂહઆરતીનો લાભ લીધો.
આરતી પછી 'ધર્મ ઘેર આનંદ ભયો...'નો આનંદનિનાદ ગાજી ઊઠ્યો. સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજને સુવર્ણરસિત પારણે ઝુલાવવા લાગ્યા. શ્રીહરિ જન્મોત્સવનાં પદો ગવાયાં. 'આજે ધર્મભક્તિને દ્વાર' એ કીર્તન શરૂ થતાં જ સ્વામીશ્રી તાળીઓ પાડીને સૌને સ્મૃતિદાન આપવા લાગ્યા. નીચેના નૃત્યમંચ ઉપર સંતોએ મુજરા કર્યા. પ્રત્યેક કડી પ્રમાણે હાવભાવ કરીને સ્વામીશ્રી સૌને સ્મૃતિ આપતા હતા. અંતે સ્વામીશ્રી મંદિર ઉપર દર્શને પધાર્યા ત્યારે મંચના છેડા સુધી સૌની સાથે તાલ મિલાવતા, ઊંચા હાથે તાળી પાડતા સૌને અદ્ભુત સ્મૃતિ આપી. સૌ માટે આ સ્મૃતિ ચિરંજીવ બની ગઈ. મંદિર ઉપર પાંચે ખંડમાં અન્નકૂટ ગોઠવવામાં આવ્યો હતો. હરિકૃષ્ણ મહારાજ સમક્ષ સૌ હરિભક્તોની સર્વ પ્રકારે સુખાકારી થાય અને સત્સંગના માર્ગે સૌ ખૂબ ખૂબ આગળ વધીને સુખિયા થાય એવો સંકલ્પ સ્વામીશ્રીએ કર્યો અને એ માટે પણધૂન-પ્રાર્થના કરી.
આજના દિવસે સારંગપુરના સૌ સંતો ઉપરાંત સેંકડો આબાલવૃદ્ધો, સ્ïત્રી-પુરુષ હરિભક્તોએ તેમજ સ્થાનિક વિદ્યામંદિરના ગુરુકુળના ૨૦૦ વિદ્યાર્થીઓએ નિર્જળ ઉપવાસ કરીને શ્રીજીમહારાજની ૠણાભિવ્યક્તિ કરવાનો યત્કિંચિત્ પ્રયાસ કર્યોહતો.
આમ, ૨૨૮મો શ્રીહરિ પ્રાગટ્યોત્સવ ખૂબ ધામધૂમથી ઊજવાઈ ગયો. લગભગ સાત હજાર જેટલા હરિભક્તો ઊમટ્યા હતા.
|
|