|
સારંગપુરમાં સ્વામીશ્રીનાં પુનીત કરકમળો દ્વારા દીક્ષા ગ્રહણ કરતા ૫૧ સુશિક્ષિત નવયુવાનો...
તા. ૨૩-૪-૨૦૦૮ના રોજ સારંગપુર તીર્થધામમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વિશાળ પ્રાંગણમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં ૫૧ નવયુવાનોનો દીક્ષા સમારોહ ધામધૂમપૂર્વક સંપન્ન થયો હતો. વહેલી સવારથી જ આ દીક્ષા-સમારોહનો લાભ લેવા આવેલા હરિભક્તોથી મંદિરનું પરિસર છલકાતું હતું. આ પ્રસંગે સ્વામીશ્રીનાં કરકમળો વડે ૨૧ યુવાનોએ ભાગવતી તથા ૩૦ યુવાનોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી ધન્યતા અનુભવી. આ ૫૧ યુવાનોમાંથી ૧૧ યુવાનો તો માતાપિતાના એકના એક સંતાન હતા. પોતાના વહાલસોયા પુત્રને સ્વામીશ્રીની ભગવી સેનામાં જોડાવા માટે અર્પણ કરનાર વાલીઓ પણ અનેરા ગૌરવની લાગણી અનુભવી રહ્યા હતા.
વહેલી સવારે માંગલિક વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે દીક્ષાવિધિનો આરંભ થયો. સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધારે તે પૂર્વે દીક્ષાનો પૂર્વવિધિ સંપન્ન થયો હતો. પ્રાતઃપૂજામાં પણ સંતોએ આજના ઉત્સવને અનુરૂપ કીર્તનોનું ગાન કરીને ભક્તિ અદા કરી હતી.
પ્રાતઃપૂજા બાદ દીક્ષા સમારોહની સભાનો આરંભ થયો. કૃષ્ણપ્રિય સ્વામીના બુલંદ અવાજે ગવાયેલા 'હાલો જુ વાનડા હરિવર વરવા હેલો પડ્યો.' કીર્તનથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. સ્વામીશ્રી પણ કીર્તનના તાલે તાલ આપી સૌને વિશેષ સ્મૃતિ આપી રહ્યા હતા. ત્યાર બાદ સંતોએ વેદોક્તવિધિથી દીક્ષાવિધિની શરૂઆત કરી. એક પછી એક દીક્ષાર્થી મંચ પર દીક્ષા ગ્રહણ કરવા આવી રહ્યા હતા. આ સૌ દીક્ષાર્થીઓને ઘનશ્યામચરણ સ્વામીએ કંઠી, વિવેકસાગર સ્વામીએ ગાતરિયું, મહંત સ્વામીએ પાઘ, ત્યાગવલ્લભ સ્વામીએ ચંદનની અર્ચા તથા સિદ્ધેશ્વર સ્વામીએ પ્રસાદ અર્પણ કર્યો. સ્વામીશ્રીએ દરેક દીક્ષાર્થીને દીક્ષામંત્ર આપી કૃતાર્થ કર્યા.
દીક્ષાવિધિ બાદ સ્વામીશ્રીએ વિશાળ ભક્તસમુદાયને આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, 'નવ દીક્ષિત સંતો અને પાર્ષદોની પણ જય અને એમનાં માતાપિતાની પણ જય. બધાંને ધન્યવાદ. યોગીજી મહારાજના દરેક સંકલ્પ બળિયા હતા એટલે પોતાના ઘરબારનો ત્યાગ કરીને આવા બધા યુવાનો આવે છે. વળી, એકના એક દીકરા આપવા એ પણ બહુ કઠણ વસ્તુ છે, પણ જીવમાં સત્સંગ દૃઢ થયો હોય ને મહિમા બરાબર સમજાયો હોય તો આ બધું કરતાં વાર ન લાગે. મહિમા સમજાય તો શું ન થાય! લોયાના ત્રીજા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું કે, 'ધન-ધામ-કુટુંબ-પરિવાર બધાનો ત્યાગ થાય. સમૃદ્ધિ પણ મૂકી દે.' આજના દિવસે આપણને આ જોવા મળે છે. માતાપિતાએ પોતાના એકના એક દીકરા, ભણેલા-ગણેલા તૈયાર થયેલા હોય, નોકરી કરીને-કમાઈને પોતાને આપે એવા થયા હોય એવા દીકરા ભગવાનને અર્પણ કર્યા છે. દીકરો ભણીગણીને ક્યાંય જતો રહે, એને બદલે આ તો એક સારા કામમાં આવી ગયો. આ યુવાનો અહીં મંદિરમાં આવીને જે કંઈ કથાવાર્તા, કીર્તન કરી સત્સંગ કરાવશે એનું બધું પુણ્ય તમને બધાને મળશે. એક જીવને ભગવાનને માર્ગે ચઢાવવો એ બ્રહ્માંડ ઉગાર્યા જેટલું પુણ્ય થાય.
સાધુ થઈ લોકોને વ્યસનો છોડાવે, કથાવાર્તા કરે, ભગવાનને માર્ગે દોરે એમાં સમાજની સેવા થાય, કુટુંબની પણ સેવા થાય અને ભગવાન રાજી થાય. દેશમાં ધર્મની ભાવના વધે, હજારોના દુર્ગુણ મુકાવે, ભગવાનને માર્ગે ચલાવીને નીતિ-નિયમનું ધોરણ ઊંચું લાવે એ મોટી સેવા છે. સમાજસેવા, દેશસેવાની સાથે સાથે તેઓ ભગવાનની સેવા કરી આત્મકલ્યાણ કરશે, અનેકને ભગવાનને માર્ગે ચઢાવી સુખિયા કરશે, એવું મહાન આ કાર્ય છે. જોગી મહારાજ ખૂબ રાજી થશે. આ માર્ગે ચાલવું કઠણ છે. આ માર્ગ શૂરવીરનો છે, કાયરનો નથી. ભગવાન રાજી થાય તો આખું બ્રહ્માંડ રાજી થઈ ગયું. શ્રીજીમહારાજ અને એમના ધારક શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા સંત રાજી થઈ ગયા તો આપણો બેડો પાર થઈ ગયો, અનંત જન્મ સુધરી ગયા. આપણા અનંત જન્મનાં પાપ બળી ગયાં ને પુણ્યનું કાર્ય થઈ ગયું.
આ દીક્ષાપર્વનો મહોત્સવ છે. આમાં ભગવાનની સાથે બધાનો સંબંધ થયો, યોગીજી મહારાજ સાથેનો સંબંધ થયો એ મોટામાં મોટું કામ છે. પેલો હથેવાળો તો થાય ને છૂટી જાય, પણ ભગવાન સાથે આ હથેવાળો થાય એ કાયમનો છે, અક્ષરધામની પ્રાપ્તિ થાય એવો આ હથેવાળો છે. તો આપ સૌ પર ભગવાન રાજી થાય, કુટુંબમાં પણ શાંતિ થાય, દેશકાળ સારા થાય, નોકરી-ધંધા-વ્યવસાય સારાં થાય, સર્વની માનસિક, આર્થિક, આધ્યાત્મિક સ્થિતિ સારી થાય અને જે યુવાનો અહીં સાધુ થયા છે એ બધા ખરેખરા એકાંતિક થાય ને આજ્ઞા-ઉપાસના, નિયમ-ધર્મમાં રહીને મહારાજને રાજી કરી શકે એવું બળ સૌને પ્રાપ્ત થાય એ પ્રાર્થના.'
આમ, દીક્ષા-ઉત્સવ અદ્ભુત રીતે ઊજવાઈ ગયો.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થામાં ભગવાન સ્વામિનારાયણ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રગટ છે, એમના સાંનિધ્યમાં જ આવા સુશિક્ષિત નવયુવાનો સમર્પણનો ચમત્કાર દર્શાવી શકે છે. સૌ આ દિવ્યતાનાં દર્શન પામી કૃતાર્થ થયા...
|
|